શક્તિવાન ગુજરાતનાં સ્વાસ્થ્યનું મહત્ત્વનું લક્ષણ - તેની માનસિક દૃઢતા અને સાહસિક આત્મામાં પડ્યું છે. સંઘર્ષ - સંવાદ - સાંમજસ્ય - સમન્વય અને સિદ્ધિઃ આ પંચાક્ષરી ‘સ’-કારમાં તેનો સ્વાભાવિક પરિચય છે.
હમણાં યોગાનુયોગ જૂનના છેલ્લાં સપ્તાહમાં બે સ્થાનોએ જવાનું થયું - ગુજરાતના એક છેડે આવેલો પંચમહાલ અને વ્યારા, તો બીજી તરફ સૌરાષ્ટ્રનું જોમવંતું ઝાલાવાડ એટલે કે આજનો સુરેન્દ્રનગર જિલ્લો! એ પૂર્વે મે મહિનામાં વ્યારાના વનવાસીઓ વચ્ચેની સફર રહી, ત્યાં નજીકનાં સોનગઢની ડુંગરમાળાના સાંનિધ્યે આપણા પ્રથિતયશ સર્જક સુરેશ જોશીનું બાળપણ વીત્યું હતું, અને વેડછીમાં - છેક લખતરથી (તે ય વળી ઝાલાવાડનું નાનકડું ગામ) આજીવન બ્રહ્મચારી જુગતરામ દવે પહોંચી ગયા. સાથે સ્વામી આનંદ પણ ખરા. બન્નેએ અહીં વસેલા વનવાસીઓની શિકલ બદલાવી નાખી. જેમને ‘દૂબળા’ ગણીને ધૂત્કારવામાં આવતા તેમને ‘હળપતિ’ નામની અહીં જ નવાજેશ થઈ હતી.
આ સ્વામી આનંદ એટલે આપણા ગુજરાતી ગદ્યના લોકાત્માને જગાડનારા લેખક. ક્રાંતિકારીઓથી માંડીને ગાંધીજનો સુધીનો તેમનો જીવનફેરો ખરો, પણ કોઈની કંઠી બાંધી નહીં. ‘સ્વામી અને સાંઈ’ પુસ્તકમાં મકરંદ દવે અને સ્વામી આનંદ વચ્ચેનો સુંદર સુદૃઢ પત્ર વ્યવહાર છે, એ ગુજરાતી ભાષાની સમૃદ્ધિનો અંદાજ આપે છે.
આ દાહોદ અને આ બાજુ વઢવાણઃ તેનાં નામરૂપમાં ગુજરાતીપણાની છબિ કેવી છે? વરસતા વરસાદે દાહોદના ટાઉન હોલમાં પાછલા ઇતિહાસને સાંભળવા એકઠા થયા તેમાં મોટો ભાગ જુવાનો અને મહિલાઓનો હતો! તેમને પોતાનાં મૂળિયાં (Roots) સમજવાની મથામણ હતી અને આ દાહોદ - ઋષિવર દધિચીથી છેક ગેરિલા છાપામાર સ્વાતંત્ર્યવીર તાત્યા ટોપે સુધીની વીરલ કથાની ભૂમિ છે.
દો-હદ, બે હદ માટે પંકાયેલા નગરમાં આજે તો તેની કચોરી, સેવ અને દાઉદી વોરા સમાજની જબાનનો દબદબો છે ત્યાં ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંઘર્ષની સૌથી અઘરી અને લાંબી લડાઈ થઈ હતી.
મુંબઈથી બ્રિટિશ પોલિટીકલ એજન્ટે તો આદેશ કર્યો હતો કે જે ‘ફિતુરી’ઓ પકડાય તેને જેલ કે કાળાપાણીની સજા-ફજાના ફતરામાં ના પડશો, સીધા તોપના ગોળે ઊડાવી દેજો! અને એમ જ થયું. દાહોદથી થોડેક દૂર સંતરામપુરનાં સરકારી અતિથિ ગૃહના મેદાનમાં યે વિપ્લવીઓના પાળિયા છે, તો દાહોદથી રાજસ્થાન તરફ જતાં માનગઢની ટેકરીઓ આવે છે ત્યાં વનવાસી વિપ્લવી ગુરુ ગોવિંદે બધાંને એકત્રિત કરીને ધૂણી ધખાવી હતી. (‘ની માનું અંગરેજિયા...’ એ લોકગીત આજે ય સાંભળતાં રૂંવાડા ખડાં થઈ જાય!)
બ્રિટિશરોએ કેટલાંક રજવાડાંઓનો સાથ લઈને આ સમુદાયને ગોળીથી વીંધી નાખ્યો. દોઢ હજાર જેટલા આદિવાસીની લાશો ઢળી. અમૃતસરના જલિયાંવાલાની પૂર્વેનો આ ‘જલિયાંવાલા બાગ’ ગુજરાતની સરહદે રચાયો હતો. અમારા ઇતિહાસકારો અને ઇતિહાસનાં પાઠ્યપુસ્તકોએ તે વિશે મૌનવ્રત પાળ્યું છે, વરસોથી! હવે ગુજરાત સરકારે દાહોદમાં સ્થપાયેલી યુનિવર્સિટીને ગુરુ ગોવિંદનું નામ આપ્યું છે.
દાહોદ - માનગઢ - ઝાલોદ - ગોધરા - લુણાવાડા - સંતરામપુર... આ બધાં સ્થાનોનો પોતાનો ઇતિહાસ છે. ગોધરા તો ‘પ્રથમ રાજકીય પરિષદો’ની યે જન્મભૂમિ, જ્યાં એની બેસન્ટ, લોકમાન્ય તિલક, વિઠ્ઠલભાઈ પટેલ, સરદાર વલ્લભભાઈ, બેરિસ્ટર મોહમ્મદ અલી ઝીણા જેવા રાષ્ટ્ર નેતાઓએ આવીને પરિષદો લીધી હતી. તેમાંના જ એક વામનરાવ મુકાદમ હતા. પ્રખર રાજકીય નેતા, પણ પછી હાંસિયામાં ધકેલી દેવાયા. લોકમાન્ય પરનું તેમણે લખેલું બૃહદ જીવનચરિત્ર એ સ્વાતંત્ર્ય યુગનું સર્જન છે.
દાહોદથી વઢવાણ જરાક અટપટું અનુસંધાન ગણાય! પણ એવું નથી. ઝાલાવાડમાં લોકકહાણી પારાવાર છે. સિદ્ધરાજના જન્મથી માંડીને રાણકદેવીના આત્મવિસર્જન સુધીની! એક તેતર પંખીને બચાવવા અહીં જીવલેણ યુદ્ધ થયું હતું અને એક દૂધવાળી બાઈએ સંકટમાં પડેલા રાજપરિવારને જાળવ્યો તેનાં નામે ‘મૂળી’ નગર વસ્યું. લોથલ પુરાતત્ત્વની દૃષ્ટિએ જેટલું જાણીતું એટલું રંગપુર નથી. પણ પ્રાચ્યવિદ્યાવિદ્ સ્વ. પ્રેમશંકર પંડ્યાએ તેનું ખોદકામ કરીને સાબિત કર્યું કે જેવું ધોળાવીરા, જેવું લોથલ તેવું આ રંગપુર પ્રાચીન સભ્યતાનું મથક હતું.
વઢવાણથી લીંબડી જતાં રસ્તા પર કાન દઈને સાંભળો તો ૧૮૯૨ના યુવા સાધુ વિવેકાનંદનો પદરવ સાંભળવા મળે. આ અકિંચન અને અ-નામ યુવા સંન્યાસીનું ત્યારે તો નામ પણ વિવેકાનંદ નહોતું! લીંબડીના રાજવી જસવંતસિંહજી સાથેનો તેમનો આધ્યાત્મિક વાર્તાલાપ તો ગ્રંથસ્થ પણ થયો છે.
આ જ રસ્તે શિયાણી આવે છે! આ વાતના પ્રારંભે સ્વામી આનંદની જિકર કરી તે શિયાણીમાં જન્મ્યા હતા અને શિયાણીની બીજી ઓળખ તો એટલી જ અદ્ભૂત છે. ૧૯૬૫માં આપણા રાજકીય ફિલસૂફ ડો. રામ મનોહર લોહિયા સુરેન્દ્રનગરની મુલાકાતે આવ્યા હતા. કોલેજના વિદ્યાર્થી તરીકે હું તેમને મળવા ગયો હતો. વાતચીતમાં તેમણે દેશના રાજકારણ વિશે તરેહવારની ચર્ચા તો કરી પણ પછી પ્રશ્ન પૂછયોઃ મીરાબાઈ મેડતાથી દ્વારિકા જવા નીકળી હતી. એક રાજરાણી બની હતી. રાજ સન્યાસિની! સમાજ અને સત્તાના પ્રચંડ વિરોધ અને નિંદા અને ધૂત્કારની વચ્ચે આ તેજસ્વિની નીકળી પડેલી, એ મેડતાથી દ્વારિકાના ક્યા રસ્તે નીકળી હતી?
પછી કહેઃ ‘મારે ય એ આખા મારગ પર એક વાર યાત્રા કરવાની ઇચ્છા છે!’
વઢવાણ-લીંબડીના રસ્તે શિયાણી આવ્યું ત્યારે ડો. લોહિયાનું સ્મરણ થઈ આવ્યું, તેમની મીરા-માર્ગની મુસાફરીની તીવ્ર ઇચ્છા પાછળના ઇતિહાસબોધનું સ્મરણ થઈ આવ્યું કારણ એ હતું કે દ્વારિકા જતા આ રસ્તે મીરાએ શિયાણીમાં રાતવાસો કર્યો હતો. શિયાણીના રાજવીએ બહુ વિનંતી કરી પણ મીરા કહેઃ મારો નાથ દ્વારિકાધીશ મને બોલાવે છે... આ તો એક વિસામો!’ અને, મીરાની પ્રિય કૃષ્ણ પ્રતિમા અહીંના મંદિરે આજેય શોભે છે...
બોલો, આત્મીય શક્તિનું ગુજરાતનું આ કેવું અ-નોખું સ્વરૂપ છે!
‘ચારુસેટ’માં આઇન્સ્ટાઇનનું સ્મરણ
યુનિવર્સિટીઓએ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી)ના નાણા વાપરવાના હેતુસર કે બીજા કોઈ દેખાવ માટે કાર્યક્રમો યોજે છે તેને બદલે ખરા અર્થમાં વિદ્યાકીય માહોલ સર્જે તેવા પ્રસંગોનું આયોજન કરે તેવો દિશાનિર્દેશ હમણાં આણંદ જિલ્લાના સા-વ નાનકડા ગામ ચાંગામાં યોજાયેલી પરિષદે આપી દીધો!
ચારુસેટ (ચારુતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી) એક નજરે ચડે તેવું વિશ્વ વિદ્યાલય છે. થોડાંક વર્ષ પૂર્વે વલ્લભ વિદ્યાનગરમાં ભાઈ જયપ્રકાશ ત્રિવેદીએ રાજ્યશાસ્ત્ર વિભાગના ઉપક્રમે ‘ડાયસ્પોરા’ વિશે પરિસંવાદ યોજ્યો હતો. તેમાં જવાની તક મળી ત્યારે બીજા દિવસે ‘ચારુસેટ’ના પરિસરને નિહાળવાનું બન્યું હતું. સ્વાભાવિક રીતે જ ભાઈકાકા અને એચ. એમ. પટેલનું યે ત્યારે સ્મરણ થઈ આવ્યું. તમામ વિદ્યાશાખાઓમાં તેમણે કેવાં દિલ-દિમાગપૂર્વક સક્રિય સંશોધન અને સિદ્ધિનો માહૌલ રચી આપ્યો હતો!
‘ચારુસેટ’માં પણ આવું જ વાતાવરણ છે. ૨૦૧૫ એ જગતખ્યાત વિજ્ઞાની આઇન્સ્ટાઇનના ‘ગુરુત્વાકર્ષણ’ સિદ્ધાંત (જનરલ થિયરી ઓફ રિલેટીવિટી)ને ૧૦૦ વર્ષ થાય છે તેનું સ્મરણ તો દરેક યુનિવર્સિટીએ કરવું જોઈતું હતું. ‘ચારુસેટ’એ તે કર્યું. ધ ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટીના આપણા ગુજરાતી આકાશ-વિજ્ઞાની ડો. જે. જે. રાવલ એક ‘છૂપું રત્ન’ છે. મુંબઈમાં રહીને લગાતાર કાર્ય કરે છે. મુંબઈના પૂર્વ શેરીફ મોહનભાઈ પટેલનો તેમને સધિયારો છે. યુનિવર્સિટી સાથે તેમને માટે જગ્યાની આવશ્યકતા હતી તો ‘ચારુસેટ’ના ટ્રસ્ટી સુરેન્દ્ર પટેલે તેવી સગવડ કરી આપી. ચાંગામાં હવે આ યુનિવર્સિટીમાં બીએસ.સી (એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ) એમ.એસસી. અને એમ.ફીલ તેમ જ પીએચ.ડી. સુધીનો અભ્યાસક્રમ શરૂ થઈ રહ્યો છે.
પેટલાદ તાલુકાના આ નાનકડા ગામના મોટા સંકુલમાં ૨૧થી ૨૪ જૂન સુધી વિજ્ઞાનનો ઝળહળાટ સંશોધનના શબ્દોમાં વ્યક્ત થયો. અમારા મુરબ્બી મિત્ર અને આંતરરાષ્ટ્રીય પત્રકાર-કવિ કૃષ્ણલાલ શ્રીધરાણીના ભત્રીજા મુંબઈ નિવાસી મયુરભાઈ શ્રીધરાણીએ આગ્રહપૂર્વક મને આમંત્રણ આપ્યું હતું, પણ સંજોગોનાં દબાણને લીધે આ પરિસંવાદમાં જઈ શકાયું નહીં. આઇન્સ્ટાઇનની થિયરી અને એસ્ટ્રોફિઝીસ્ટ ખ્યાત અધ્યાપક સર ફ્રેડ હોયલે - બન્નેની શતાબ્દીની ઊજવણી આ વિષય પરનાં નિષ્ણાતોનાં વ્યાખ્યાનોથી થઈ.
પ્રા. જયંત વિષ્ણુ નાર્લીકરે ‘ધ અર્લી ડેવલપમેન્ટ ઓફ જનરલ રિલેટીવિટી ઇન ઇન્ડિયા’ પર વ્યાખ્યાન આપ્યું અને તેમને જીવનપર્યંતની સિદ્ધિ માટે સુવર્ણચંદ્રક એનાયત થયો. ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ પ્રા. અનામિક શાહ, તંત્રી પત્રકાર કુન્દન વ્યાસ, મીનેશ મેઘાણી, એમ. એમ. શર્મા વગેરે પણ નવાજિત થયા.
બીજા દિવસે પ્રા. ટી. પદ્મનાભન્, પ્રા. કાંતિ જોટાણિયા, પ્રા. અજય પટવર્ધન, પ્રા. અરવિન્દ કુમાર, પ્રા. રમેશ ટીકેકર, પ્રા. પંકજ જોશી, પ્રા. સત્યમ્ કર, પ્રા. ઉર્જિત યાજ્ઞિક, પ્રા. ચંદ્રશેખર વિક્રમ સિંઘા, પ્રા. સી. એસ. ઉન્નીકૃષ્ણન્ વગેરે બોલ્યા. ખરા અર્થમાં અધ્યાપકનો તેમનો અંદાજ હતો!
ત્રીજા દિવસે પ્રા. જે. વી. નાર્લીકર, ડો. એલિઝાબેથ બટલર, પ્રા. પીટર એગલટોનનાં સરસ ભાષણ થયાં. એલિઝાબેથે તો ‘વોકિંગ વિથ માય ફાધર’ વિષય રસપ્રદ રીતે પ્રસ્તુત કર્યો. ત્રણે ય દિવસ ઉપસ્થિત મયુરભાઈ સાથેની વાતચીતમાંથી આ વિગતો પ્રાપ્ત થઈ તેની ખુશી તો થઈ, અફસોસ પણ રહી ગયો કે ભાગ્યે જ આપણે ત્યાં થતાં ઉત્તમ પરિસંવાદો અને પરિષદોમાંની એકમાં ભાગ લઈ શકાયો નહીં.
‘ચારુસેટ’ના આયોજક હોદ્દેદારો અને ડો. જે. જે. રાવલ - બન્નેને આવા સાર્થક કાર્યક્રમ માટે અભિનંદન! ઇંગ્લેન્ડમાં બેઠેલા ચરોતરના નાગરિકો પણ આ અહેવાલથી હરખાશે.