હમણાં દેશ ગાંધી-જયંતીની અલગ તરાહથી ઊજવણી કરી. વડા પ્રધાને સામાજિક જવાબદારી તરફ આંગળી ચીંધીને ‘સ્વચ્છ ભારત’નાં આંદોલનનો પ્રારંભ કર્યો. ગાંધીજન્મને દોઢસો વર્ષ થાય ત્યારે આખ્ખો દેશ સાફસુથરો બની રહે એવું તેમનું સપનું છે..
અધિકારીઓ, પ્રધાનો, કેટલીક સંસ્થાઓ અને રાજકીય પક્ષના તેમના નેતા-કાર્યકર્તાઓએ તો ઝાડું હાથમાં લીધું, પણ આ દેશનો મહત્તમ સુધાર લાવવો હોય તો ‘વ્યક્તિ’ અને ‘વ્યવસ્થા’ બન્નેમાં ગુણાત્મક પ્રવાહ પેદા કરવો પડે. નહિતર આ દેશે સંતો - ધર્માત્મા - મહાપુરુષો ક્યાં ઓછા પાક્યા છે? બધાંએ આ સદ્ ઉપદેશ આપ્યો અને પોતાના જીવનની ઊંચાઈ પણ જાળવી, પરંતુ વાસ્તવિકતા એ છે કે વસ્તીવધારાથી ખદબદતા દેશમાં કોઈ પણ ગુણાત્મક પરિવર્તન જરીકે ય સહેલું નથી.
સમાજકારણને મહત્ત્વ
છતાં આ પ્રયાસ અભિનંદનીય તો હતો જ. રાજકારણ અને સત્તાકરણની સાથે જ સમાજકારણ પણ જરૂરી છે એ વાતને વર્તમાન વડા પ્રધાને મહત્ત્વ આપ્યું. સામાજિક આંદોલનો આપણે ત્યાં વારંવાર થતાં રહ્યાં છે. તિલક મહારાજે ગણેશોત્સવ અને શિવાજી-ઉત્સવ આવા કારણોથી શરૂ કર્યા હતા. ગાંધી એકલા સ્વતંત્રતાજંગ નહીં, પણ દારૂબંધી, અસ્પૃશ્યતા નિવારણ, કાંતણકામ, સફાઈને પણ અભિયાનમાં બદલાવવાના આગ્રહી રહ્યા હતા.
સ્વતંત્રતા પછીનાં રાજકારણમાં યે આવાં આંદોલનો થતાં રહ્યાં. વિનોબા ભાવેનું ભૂદાન આંદોલન એવી મોટી ઘટના હતી. જોકે, ગુજરાત સહિત બીજે એવા અહેવાલો બહાર આવ્યા છે કે ભૂદાનની જમીન પોતે જ મોટા કૌભાંડોમાં બદલાઈ ગઈ છે. તેના હિસાબો મળતા નથી. વિનોબાના કહેલા ‘માનસ પરિવર્તન’ પર વધારે ધ્યાન અપાયું હોત તો આવું ના બન્યું હોત. પણ શું વિનોબા કે શું ગાંધી, તેઓ કટાક્ષ કવિતાનો વિષય જ બની ગયા!
અમે બાપુ તણા પગલે,
બધા એવા છીએ ચાલ્યા.
હવે બાપુ તણા પગનું
પગેરું શોધવું પડશે!
કેટલાંક સૂત્રો, કેટલાંક અભિયાન
ઇન્દિરાજીનું ‘ગરીબી હટાવ’, લાલ બહાદુર શાસ્ત્રીનું ‘જય જવાન, જય કિસાન’ અને રાજીવ ગાંધીનું ‘મેરા ભારત મહાન’ સૂત્રાત્મક આંદોલનો જ હતાં. નરેન્દ્ર મોદીએ તેમાં ‘સ્વચ્છ ભારત’નો ઉમેરો કરી આપ્યો છે. શ્રીમતી સોનિયા ગાંધીને રાજી કરવા માટે કેટલાક કોંગ્રેસ નેતાઓએ કહ્યું કે ડો. મનમોહન સિંહના સમયે ‘નિર્મલ ભારત’નું સૂત્ર અપાયું તેની નકલ મોદીએ કરી છે. માત્ર સૂત્રથી કશું વળતું નથી, એકેય કોંગ્રેસી કાર્યકર્તા ‘નિર્મલ ભારત’ માટે ગલીઓમાં ઘૂમી વળ્યાનું કોઈને યાદ આવે છે ખરું?
રાજકોટ, રૂપાણી અને કાલરિયા
રાજકોટની વિધાનસભા પેટા-ચૂંટણી વજુભાઈ વાળા અને ભાજપના લાંબા સમયના અંકુશને લીધે ઉત્સુકતાનો વિષય બની ગઈ છે. વિજય રૂપાણી મૂળ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા, અમદાવાદનાં પાલડી સ્થિત શ્રીલેખા ભવનનાં કાર્યાલયમાં નિવાસ હતો. પછી ભાજપમાં ગયા અને જોતજોતામાં પક્ષના એક મહત્ત્વના નેતા બની ગયા. રાજ્યસભાનાં સદસ્ય પદથી માંડીને નિગમોના પ્રમુખ તરીકે તેમણે કામ કર્યું, પક્ષમાં મહામંત્રી બન્યા. હવે વિધાનસભામાં જશે તો ચોક્કસપણે પ્રધાન પદ મેળવશે એ સ્પષ્ટ છે.
પણ કોંગ્રેસને લાગે છે કે રૂપાણી પટેલ નથી. આ પૂર્વે લોકસભા સહિતની ઉમેદવારીમાં ભાજપનો અસંતોષ બહાર આવ્યો હતો. કોંગ્રેસને પટેલો પર કોઈ પ્રેમ ઉભરાયો નથી, પણ રાજકીય રણનીતિના ભાગરૂપે કાલરિયાને ઊભા રાખ્યા છે.
સૌરાષ્ટ્રનાં રાજકીય ગણિતમાં પટેલપ્રભાવ વર્ષોનો છે. ૧૯૪૭માં ભારત આઝાદ થયા બાદ સૌરાષ્ટ્ર સરકારના મુખ્ય પ્રધાન ઢેબરબાઈએ જમીનમાલિકીના જે કાયદા બનાવ્યા તેણે ખેડૂતોની સ્થિતિ બદલી નાખી અને ખેડૂતો કોંગ્રેસના કાયમી સમર્થક બની રહ્યા. તે સમયનો નકશો જુઓ તો પ્રજા સમાજવાદી પક્ષ, હિન્દુ મહાસભા, ભારતીય જનસંઘ અને સામ્યવાદી પક્ષ વિપક્ષ તરીકે પ્રજાની વચ્ચે હતા, ચૂંટણી જીતીને વિધાનસભામાં જવાનું ભાગ્ય તો એકલદોકલ જશુ મહેતાને જ મળ્યું હતું. આચાર્ય કૃપલાણી - ઇન્દુલાલ યાજ્ઞિક - પુરુષોત્તમદાસ પટેલનો ‘કૃષક પક્ષ’ નામે કિસાનકેન્દ્રી હોવા છતાં કામિયાબી તો કોંગ્રેસને જ મળતી! રાજપૂતોનું પ્રતિનિધત્વ ચંદ્રસિંહ ભાડવા કરતા અને ભૂપત બહારવટિયાએ તો હથિયારો પણ હાથમાં લીધાં હતાં. આમાં કોંગ્રેસ પોતાના જ ભારથી ડૂબવા લાગી ત્યારે સ્વતંત્ર પક્ષ અને જનસંઘ તેમ જ ભારતીય જનતા પક્ષ અને ‘કિમલોપ’ (કિસાન મઝદૂર લોક પક્ષ) તરફ પટેલો વળ્યા.
ગુજરાત રાજ્યને સૌરાષ્ટમાંથી પ્રથમ પટેલ મુખ્ય પ્રધાન છેક ૧૯૯૦માં મળ્યા તે ભાજપના કેશુભાઈ પટેલ હતા. સૌરાષ્ટ્રના તેલ મિલોના માલિકોને ‘તેલિયા રાજા’ કહેવાતા, તેમનો રાજકારણમાં પ્રભાવ પણ હતો. હવે એ દિવસો રહ્યા નથી. અગાઉની ચૂંટણીઓમાં ઘણી જગ્યાએ ‘પટેલ વિરુદ્ધ બાકી બધી વોટબેન્ક’ના બનાવો શરૂ થયેલા. હવે સૌરાષ્ટ્રમાં પટેલ, કોળી પટેલ ઉપરાંત મેર, આયર, લોહાણા, વાઘેર, સતવારા, વણિક વગેરે ચૂંટણીમાં અસર કરે છે.
રણનીતિની ભીતરમાં
ભાજપે પટેલ નેતાઓને રાજકીય સીડી પણ પૂરી પાડી એટલે કેશુભાઈ અને હવે આનંદીબહેન મુખ્ય પ્રધાન છે. જોકે, આ મુખ્ય પ્રધાનો અને પક્ષ પણ હવે ‘સામુહિક પ્રભાવ’ હેઠળ બાકી વર્ગોને ય ન્યાય આપતા રહ્યાં છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને પંચમહાલમાં આદિવાસીઓ માટે લાંબા સમયથી શરૂ થયેલી યોજનાઓ અને આદિવાસી નેતૃત્વ બહાર આવ્યું એ નજરે ચડે તેવા પરિણામો છે.
ભાજપની રણનીતિમાં એવી ઓટ નથી આવી કે કોઈ મહત્ત્વના પ્રશ્ને ચર્ચા, ચિંતન અને નીતિને આકાર ન અપાયા હોય. છેલ્લા વર્ષોમાં રાજ્યસભા અને આયોજન પંચના ઉપાધ્યક્ષ રહીને વિદાય પામેલા સૂર્યકાંત આચાર્ય જનસંઘ સમયના ‘જૂના જોગી’ હતા. તેમનું કાર્યક્ષેત્ર મુખ્યત્વે સૌરાષ્ટ્ર અને તેમાં પણ જૂનો સોરઠ જિલ્લો રહ્યાં - દીવ સત્યાગ્રહ, ગૌવધ વિરોધ આંદોલન અને ગુંડાગીરી વિરોધી અભિયાન તેમણે અને તેમનાં પત્ની હેમાબહેન આચાર્ય (જે ૧૯૭૫ની મોરચા સરકારમાં આરોગ્ય પ્રધાન બન્યાં હતાં) સાથે મળીને જનસંઘનો, અને પછી ભાજપનો કાર્ય વિસ્તાર કર્યો હતો. ૧૯૮૫ પછી સૂર્યકાન્તભાઈને આદિવાસી સમસ્યા માટે ફાળવવામાં આવ્યા ત્યારે લાંબા સમય સુધી આદિવાસી વિસ્તારમાં રહીને તેમણે તમામ સમસ્યાઓનો અભ્યાસ કર્યો, અનેકોને મળ્યા, થોથાં ઊથલાવ્યાં અને ‘આદિવાસી અધિકાર પત્ર’ તૈયાર કરાવ્યું. આદિવાસી નેતૃત્વ પણ તૈયાર થયું. કાનજીભાઈ પટેલ, મનસુખ વસાવા વગેરે તેવાં નામો છે. ૧૯૭૫માં ભારતીય જનસંઘના પ્રથમ આદિવાસી પ્રમુખ દેવદત્ત પટેલ હતા. આમ કોંગ્રેસથી આદિવાસીઓ કઈ રીતે વિમુખ બનતા ગયા તે પણ લાંબા સમયની કરમકહાણી છે.
રાજકોટની પેટા-ચૂંટણી વિશે હમણાં એક પીઢ નેતા - જે પટેલ છે - મને કહ્યુંઃ ‘શું પટેલોની રાજકીય સમજશક્તિ પર કોંગ્રેસ રમત રમી રહી છે? પટેલ ઉમેદવાર ઊભો રાખ્યો એટલે પટેલોના મત મળી જશે એવું માનતા હોય તો ખાંડ ખાય છે. પટેલ બુદ્ધિશાળી અને ગણતરીથી ચાલનારો નાગરિક છે!’