દેખીતી રીતે શાંત પણ અંદર ભારતીય રાજકારણમાં બે છેડાનું ધમાસાણ ચાલુ થયું છે.
એક ૨૦૧૯માં સંપૂર્ણ બહુમતીથી સ્થાપિત નરેન્દ્ર મોદી સરકારે એક પછી એક ઝડપી વિકાસ માટે કમર કસી છે. નિર્મલા સીતારામન્ - ૪૯ વર્ષ પછી પહેલી વારનાં મહિલા નાણાં પ્રધાન - એ મોદીના શબ્દોમાં ‘ગ્રીન ઇકોનોમી’ની દિશા દર્શાવી. તેમાં મુખ્યત્વે ખેતી, ગરીબ, મહિલા અને ઉદ્યોગ તરફ અધિક ધ્યાન આપવામાં આવ્યું. આ સંતુલિત અંદાજપત્ર ‘વહી ખાતાં’નો અંદાજ આપે છે. ચામડાના થેલામાં શરૂ થયેલા અંદાજપત્રને મૂળ ફ્રેન્ચ શબ્દ ‘બુજેટ’ (ચામડાનો થેલો)ને લીધે બજેટ કહેવામાં આવ્યું. શિરસ્તો એવો કે સાંજે બ્રીફ કેસમાં કાગળિયા લઈને નાણાં પ્રધાન સંસદમાં આવે અને અંદાજપત્ર પ્રસ્તુત કરે. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી ચૂકેલા (આ પણ છેડાની વાત થઈ! જેએનયુ ‘ટૂકડે ટૂકડે ગેંગ’ના અડ્ડા તરીકે જાણીતી છે, ત્યાંથી ભણીને નીકળેલા નિર્મલા શુદ્ધ રાષ્ટ્રવાદી પુરસ્કર્તા બન્યા!) નિર્મલાજીએ લાલ કપડામાં શ્રી લાભ અને શ્રી શુભથી અંકિત ‘વહી ખાતાં’ને મહત્ત્વ આપ્યું અને અંદાજપત્ર બીજી પરંપરિત રીતરસમ છોડીને સાંજને બદલે સવારે દેશને અંદાજ આપ્યો કે દેશને ક્યા ખોયા હૈ, ક્યા પાયા હૈ! આગલા દિવસે સર્વેક્ષણ પ્રસ્તુત કરાયું હતું.
અંદાજપત્રની નજર ‘નૂતન ભારત’ તરફની છે અને પ્રજાકીય કલ્યાણનો સંકેત આપ્યો છે. બચાડા પૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમને કશું ખોડખાંપણ શોધવામાં નિષ્ફળતા મળી એટલે દુનિયાના અર્થશાસ્ત્રીઓને ટાંકીને કહ્યું, ‘જુઓ, આટલા બધા અર્થપંડિતોને આ અંદાજપત્ર દમ વિનાનું લાગ્યું છે.’
આ એક સંકેત સમજવા જેવો છે. ગયા સપ્તાહે મેં આ કોલમમાં લખ્યું હતું કે એક ચોક્કસ વર્ગને મોદીનું પુનરાગમન ગમ્યું નથી. કેટલાક અધ્યાપકો, ડાબેરીઓ, ‘લિબરલો’, પ્રાદેશિક પક્ષો અને કોંગ્રેસઃ આ બધા હતપ્રભ છે. અત્યાર સુધીમાં જેટલા લેખો અને મીડિયા પરની ચર્ચા જોઈ તેમાં તેમનું ધ્રુવ–વાક્ય છેઃ ‘આ પરિણામો દેશને માટે ખતરનાક નીવડશે.’
આવું કહેનારાઓના અભિપ્રાય પ્રમાણે ભાજપ – આરએસએસ ફાસીઝમના રસ્તાને વધુ પહોળો બનાવી રહી છે. ધાર્મિક ધ્રુવીકરણથી વિભાજનનો ઇરાદો સેવી રહી છે. ‘મોબ લિંચિંગ’થી લઘુમતીમાં માનસિક ભય પેદા કરી રહી છે. લોકશાહી સંસ્થાઓ (ચૂંટણી પંચ, અદાલત)માં પક્ષપાત કરે છે, શિક્ષણમાં ‘નવા ઇતિહાસ’ના નામે સંઘ-વિચારોને સામેલ કરે છે.
ચૂંટણી પૂર્વે એક મુદ્દો ભ્રષ્ટાચારનો હતો જેનો ઝંડો રાહુલ ગાંધીએ ઊઠાવ્યો હતો. રાફેલ-અંબાણીને આગળ ધરીને, એક ગૌરવશાળી ભૂતકાળ ધરાવતા પક્ષનો રાષ્ટ્રીય પ્રમુખ ‘ચોકીદાર ચોર હૈ’નું સૂત્ર ગજવતી સભાઓ ભરીને સત્તા મેળવવા ઇચ્છતો હોય એ લોકતંત્રનું દુર્ભાગ્ય ગણાય. પરંતુ એ મુદ્દો તો ચાલ્યો નહીં. હવે પ્રમુખ-માતા સોનિયાએ ચિંતા કરી છે કે ‘ચૂંટણીમાં નૈતિક ધોરણો જળવાયા નહીં... અને એ રીતે જીત મેળવી છે.’
રાહુલ ગાંધીએ તો હવે પક્ષ પ્રમુખ પદ જ છોડી દીધું. એ પૂર્વે તેમણે બે વિચારધારાની વાત તો કરી જ છે. અમે પ્રેમ અને ગાંધીની વિચારધારા ફેલાવીશું, તેઓ (ભાજપ) સાવરકર અને નફરતની વિચારધારા ફેલાવી રહ્યાં છે. આ નેતાને તેમના કો’ક સલાહકારે સાવરકર અને ગાંધીજીનાં જીવન રચિતથી વાકેફ કરવાં જોઈએ. પણ કરે કોણ? સુરજેવાલા? ચિદમ્બરમ્? સામ પિત્રોડા? ખડગે?
રાહુલનું કોંગ્રેસના પ્રમુખપદથી રાજીનામું એ માત્ર ‘પ્રોકસી ગેઇમ’ છે એવું ઘણા માને છે. મનમોહન વડા પ્રધાન હતા ત્યારે એવી જ હાલત હતી. કોંગ્રેસમાં અત્યારે જે નામો બોલાય છે તેમના નિર્ણયોનો છેલ્લો મુકામ તો ગાંધી-પરિવારના નિવાસ જ હશે. તેમ છતાં, એક મહત્ત્વની વાત બની છે કે કોંગ્રેસના ઇતિહાસમાં ૫૦થી વધુ વર્ષ નહેરુ-ગાંધી વર્ચસ્વ રહ્યું તે હવે અસ્ત થયું. કોંગ્રેસ અને કોંગ્રેસીઓને માટે આ સારું થયું કે ખોટું - એ આગામી દિવસો દર્શાવશે.
લોકતંત્રની તંદુરસ્તી માટે પક્ષમાં બદલાતું નેતૃત્વ, વંશવાદ વિનાની સ્થિતિ અને આંતરિક લોકશાહી સંગઠન-પ્રક્રિયાઃ આટલું રાજકીય પંડિતો અનિવાર્ય માને છે. હવે તેમાં એક ઉમેરો થયો તે ‘રાષ્ટ્રવાદ’ને ખતરનાક ગણાવનારાના શરીરનું તાપમાન વધારી મૂકે તેવો છે. ભારતીય મતદાર ક્રમશઃ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનો વિચાર કરતો થયો છે. ભાજપ-સંઘને માટે પણ આ એક મોડો પડકાર છે કે તેમણે સૌજન્યશીલ, સર્વસમાવેશક સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનાં સંવર્ધન માટે સદૈવ જાગૃત અને તત્પર રહેવું પડશે. ઝનૂની અતિરેકનો નિષેધ જરૂરી છે અને સત્તાભિમાનથી દૂર રહેવું પણ અનિવાર્ય છે. વડા પ્રધાને આ બન્ને લક્ષણોનો વિરોધ કર્યો તે નોંધપાત્ર છે.
હમણાં વર્તામન સ્થિતિથી દુઃખી આત્મા તરીકે આપણા પ્રખર બૌદ્ધિક, અર્થશાસ્ત્રી - ફિલોસોફર ડો. અમર્ત્ય સેન પણ ઝળક્યા! જાદવપુર યુનિવર્સિટી (આ યુનિવર્સિટી પણ જેએનયુની તરાહે ચાલે છે)ના પૂર્વ અધ્યાપક અમર્ત્ય સેને ભાષણમાં કહ્યું કે બંગાળમાં ‘દુર્ગા’ની પ્રતિષ્ઠા છે, ‘રામ’ની નહીં. જયશ્રી રામના નામે તોફાનો થયાં એ તેમને કહેવું હતું, પણ આ વિદ્વાન અવળો નિષ્કર્ષ બોલી બેઠાં! બંગાળમાં ‘રામ’ નથી એવું કહીને તેમણે પૌત્રીની વાત ટાંકી કે તેના ભગવાન દુર્ગા છે.
આમાં અમર્ત્ય સેનનો અજંપો દેખાય છે. નાલંદા આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીમાં તેમને ફરી વાર કુલપતિ પદ ન મળ્યું (કારણ આ યુનિર્સિટીમાં તેમના કુલપતિ પદે ‘ઝીરો ડેવલપમેન્ટ’ થયાનો વિવાદ છે) અને ૨૦૧૪માં જ ‘નરેન્દ્ર મોદી વડા પ્રધાન બને તેમાં નાપસંદગી’ તેમણે જણાવી દીધી હતી. મૂળ શાંતિ નિકેતનના વિદ્યાર્થી અને તે પછી બ્રિટન-અમેરિકાની યુનિવર્સિટીઓમાં ભણાવે છે, મેગેસેસ સહિતના માતબર પારિતોષિકો પશ્ચિમે આપ્યા છે. દુષ્કાળનાં અર્થશાસ્ત્રી નામે પુસ્તકમાં તેમણે એશિયાની કરોડ સ્ત્રીઓ લાપતાં થયા હોવાનું લખ્યું તેને બીજા સંશોધકોએ અતિરેક ગણાવ્યો હતો. મનમોહન સિંહ તેમના મિત્ર હતા, જગદીશ ભગવતી પણ ખરા, પરંતુ અમર્ત્ય સેને ભારતના સામાન્યજનનું કોઈ નિર્ણાયક અર્થશાસ્ત્ર-સમાજશાસ્ત્ર માટે પુરુષાર્થ કરીને દેશની સ્થિતિની બદલવાની મહેનત કરી હોય તેવું ભારતવાસી જાણતો નથી.
અમર્ત્ય સેન ‘એથિસ્ટ’ છે અસ્તિ અને નાસ્તિ ભારતીય સહિષ્ણુ સંસ્કૃતિના ભાગ છે. રામને બંગાળ સાથે નિસબત નથી, માત્ર દુર્ગાને છે એમ કહીને તેમણે બન્ને દેવી-દેવતાને અન્યાય કર્યો છે. દુર્ગા પૂજા છેક ગુજરામતાં - અને દિલ્હીમાં - પણ થાય છે. મા કાલીના પરમ ભક્તનું નામ જ ‘રામકૃષ્ણ દેવ’ હતું અને તે બંગાળી હતા. કાલી માતા ગુજરાત આવતાં સુધીમાં ‘ભદ્રકાલી’ બની ગઈ તે અમર્ત્ય સેનને કોણ કહે? અને રામ તો - ‘રામ વસે ઘટ ઘટમાં.’ ફાધર કામિલ બુલ્કેની ‘રામકથા’ અમર્ત્ય સેને વાંચી હશે? ગાંધીના ‘રામ’ અને ‘રામરાજ્ય’ની તેમને પૂરી જાણકારી હશે?
અવધૂત રાજપુરુષ ડો. રામ મનોહર લોહિયાએ રામ – કૃષ્ણ – શિવ સમગ્ર ભારતના ‘એકતાના નેતા’ ગણાવતો લેખ લખ્યો હતો, તેની તો તેમને ક્યાંથી ખબર હોય? અરે, અમારા મોરારી બાપુ દેશ-વિદેશમાં રામ-મહિમાને વ્યક્ત કરે છે તેનો અંદાજ મળ્યો હોત તો યે ‘દુર્ગા બંગાળની, રામ નહીં’ તેવી દરિદ્ર માનસિકતા તેમણે દર્શાવી ન હોત! અજંપો જુદો છે. દુઃખે છે પેટ, માથું કૂટવાનું ચાલું છે!