નામે નર્મદા માત્ર મહાસરિતા જ નહીં, એક મહાપુરુષની ભવ્ય પ્રતિમાની સાથે હવે વિશ્વવ્યાપી ખ્યાતિ મેળવી ચૂકી છે. એક પ્રવાસન અધિકારીએ કહ્યું કે વિદેશથી આવતા પ્રવાસીઓ અને એનઆરજી-એનઆરઆઈના ૮૦ ટકા લોકો ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની યાત્રાએ અચૂક જાય છે. ‘ગુજરાત સમાચાર’ (લંડન)ના મિત્રવર્ય સી. બી. પટેલની પાસે અપેક્ષા છે કે ભવિષ્યે તેમની મુલાકાત વિશે જરૂર લખશે. આ ‘નર્મદા જિલ્લો’ પોતે પણ અઢળક રંગોની ભૂમિ છે, નજીક જાઓ અને તેના રંગછાંટણાનો અનુભવ થયા વિના રહે નહીં.
૬૦૯ ગામડાં, ૭૩.૨૯ ટકા સાક્ષરતા (યાદ રહે કે અહીં મોટું પ્રમાણ વનવાસીઓનું છે). નર્મદા, કરજણ, નદીનો કિનારો, રાજપીપળાનો ઐતિહાસિક વારસો, સુરપાણેશ્વર-ડુમથાલ એનાં બે અભ્યારણ્યો, ગરુડેશ્વર દત્ત મંદિર, ફિલ્મોના દૃશ્યો માટે રાજપીપળાનો મહેલ કાયમ કામ આવતોઃ આ નર્મદા જિલ્લો.
અને તાપી-વ્યારા?
વ્યારા જિલ્લા મથક.
ઉત્તરે નર્મદા, પૂર્વે મહારાષ્ટ્ર, દક્ષિણે ડાંગ, નવસારી, પશ્ચિમે સુરત ૩૪૩૫ ચોરસ મીટરનાં ક્ષેત્રમાં વ્યારા - સોનગઢ - ઉચ્છલ - નિઝર - વાલોડ તાલુકા.
ધસમસતી તાપી ‘હરણફાળ’થી પ્રવેશે છે આ વિસ્તારમાં. બીજી નદી છે પૂર્ણા. કાકરાપાર સિંચાઈ યોજનાથી ખ્યાત જિલ્લો શેરડી - કઠોળ - જુવાર - કેરી - કેળાં પકાવે છે. ઈમારતી લાકડાનું આ મથક છે.
કેવાં રમણીય સ્થાનો અતીતને ગોપવીને બેઠાં છે, અહીંયાં! વ્યારા ગાયકવાડી કબજા હેઠળ હતું. સોનગઢનો કિલ્લો બાળપણમાં સુરેશ જોષીને આકર્ષણરૂપ હતો, તેથી જ તેનું ગદ્ય આટલું સુરમ્ય અને દ્દઢ બન્યું હશે? પરશુરામનું અહીં મંદિર છે. બારડોલી-વ્યારાની વચ્ચેનું વાલોડ રાષ્ટ્રીયસ્તરે પાપડ ઉત્પાદન માટે જાણીતું. જેને આપણે ‘લિજ્જત’ પાપડ તરીકે ઓળખીએ છીએ, ૧૯૬૮થી આ મહિલા કેન્દ્રી ઉદ્યોગનો વિકાસ થયો. ઉકાઈ ડેમ, થર્મલ હાઈડ્રો પાવર સ્ટેશન અહીં છે.
એક સેવાવ્રતી જુવાન અહીં છેક ઝાલાવાડથી આવીને વસી ગયો અને અબૂધ વનવાસીઓમાં શિક્ષણ - આરોગ્યના માધ્યમથી જીવનની ચેતના જગવી. આવ્યા અને કહ્યું, ‘તમે ‘દુબળા’ નથી. ‘હળપતિ’ છો. ‘કાળીપરજ’ વળી કેવું ગામ? ‘રાનીપરજ’ કહો. હળપતિઓને શરાબમુક્ત કર્યાં. ૧૯૨૪થી વેડછીમાં ધૂણી ધખાવી. ગૌશાળા - ગાંધીમેળા - ગ્રામશાળા - નયી તાલીમ - કેટલાં બધાં કામો કર્યાં. કૃપલાણી આવા વિલક્ષણોને ‘ગાંધીની વિધવા’ કહેતાં! હળપતિ સેવા સંઘ સ્થાપ્યો. હાળીપ્રથા બંધ કરાવી. વેડછીએ જુગતરામ દવેની સાથે ચુનીભાઈ - ચીમનભાઈ પણ આપ્યા. ધારાસણા સત્યાગ્રહમાં વેડછી આગળ હતું. ૧૯૪૭ પછી અહીં મહાદેવ દેસાઈના પુત્ર નારાયણ દેસાઈ, દુર્ગાબહેન, નરહરિ પરીખના પુત્ર મોહન પરીખ વસ્યા. ૧૯૬૭માં ગાંધી વિદ્યાપીઠ સ્થપાઈ.
ઉચ્છલ રંગાવલિ નદીના કિનારે વસેલું છે. વનવાસી કૂળદેવી દેવલીમાતા દેવલપાડા ગામ પાસે વિરાજે છે. વાલોડ વાલ્મિકી નદીના કાંઠે છે. વ્યારાનો ફત્તેહ બુરજ અને ખતાલસા પીરનો મેળો જાણીતાં.
બિલપુરનો ઝળહળાટ શિવરાતના મેળા સમયનો અદભૂત હોય છે. ઉનાઈ ગરમ પાણી માટે જાણીતું, શુક્લેશ્વર - અનાવલ ઈષ્ટદેવને જાળવીને બેઠું છે.
પ્રાચીનતા અહીં સાતત્ય ધરાવે છે. પાષાણ યુગમાં અહીં મનુષ્ય રઝળતો. ગુપ્તકાલીન રાજવી દહસેને કાપુરના બ્રાહ્મણને ગામ ભેટ આપ્યાનો શિલાલેખ છે.
અને આ પ્રજા? ભીલ, ધોડિયા, ચૌધરી, ગામિત, કોંકણા, નાયકડા, ધાનકા, પારધી, રાઠવા, પટેલિયા, કાંટવાળિયા - તેમનું સામુદાયિક વૈવિધ્ય. ભીલોમાં વળી ગરાસિયા - રાવળભીલ - વસાવા - પાવરા - તડવી - ઢોલીભીલ. મૂળ વસ્ત્રોમાં લંગોટ, ફાળિયું અને પછેડી. સ્ત્રી ઘરેણાંની શોખીન. હાથપગમાં કથીરના અલંકારો પણ પહેરે. ખોરાકમાં મકાઈ વધારે. છાશ, ડુંગળી, મરચાં યે ખરાં. ઘી-દૂધ નહીં. દરેકનો નિવાસ ‘ફળિયાં’ સાથેનો. એક લગ્નપ્રથાથી યુવક-યુવતીઓને મોકો મળે. ‘ગોહી જવું’, ‘ઉદાખી જવું’ એટલે ભાગી જઈને લગ્ન કરી લેવાં. દેવદેવીઓ - કાળકા, ઝાંપડી, બારાબીજ, ઈદરાજ, સિમારીયો, વાઘદેવ. બધાં જ બધાં પ્રકૃતિનાં પ્રતીકો.
ચૌધરી ત્રણ પ્રકારના - પાવાગઢિયા, ટાંકરિયા, વલવાઈ. એક વાનગી - જે ફાઈવસ્ટાર હોટેલમાં નહીં મળે તે - ‘ઢેખલે ગેળે’. ખાટી ભાજી અને જુવારનો લોટ બાફીને તે બનાવાય છે. ‘ગાંઠી’ (ગાંઠ) બાંધે કોઈ છોકરા-છોકરી તો તે લગ્નને નામ જ ‘ગાંઠી લગન’, અને લૂગડું ફાડો એ ફારગતી - છૂટાછેડાનો સંકેત!
આદિવાસી લોકનૃત્યોનો વૈભવ છે. ‘સોંગ’ એ સોંગડિયા - વિદૂષકોનો વિશેષાધિકાર. ગામેગામ ફરે અને પ્રણયબેલડીનાં રોડલી ગીતો ગાય. હરખીનો વેશ તો ભારે જામે! પાવરી એ બે મોં વાળી વાંસળી, ડોબરૂ, ગાંગળી, તૂર, થાળી, ભૂંગળ તેમનાં વાદ્યો.
એકાદ ઉહાહરણ -
ઢુંડી ગોવાલણે રીસમાં તાંબાના ઘડા જેવા વાસણને નુકસાન પહોંચાડ્યું, છતાં નાગિયો ગોવાળિયો તેને સમજાવીને પાછી લાવે છે.
ઢુંડીએ હાથમાં તાંબલી,
મુંદી, ઢુંડી ગોય રોગાહી
નાગિયા સરખો ગોવાળિયો
ઘઢુંડીએલ લાવતો... રે...
એક વનવાસી કન્યા ઘરેણાં ઘડાવવા સોની પાસે ગઈ. સાંજ પડી ગઈ છે. બાળક ઘરે રોતું હશે એટલે ઘરેણું જલ્દી ઘડી આપવા સોનીને કહે છે,
દીહી ગયો વાદળાલ
લેકી લેકી ઘડજે હનાર,
પોહા બા રડે હનાર
લેકી લેકી ઘડજે હનાર...
કાથોડી, કોટવાડિયા, કોલત્યા, કુકણા, કણબી, ગામીત, ગોંડ, ઘોડિયા, ચૌધરી, તડવી, વાળવી, તેતરિયા - ધાનકા, નાયક - નાયકડા, પોમલા, પટેલિયા, પઢાર, પારધી, બાવચા, સીદી, ભરવાડ, ભીલ, રબારી, વારલી, હળપતિ.
આ ભીલ શબ્દ મૂળ તમિળ ભાષાનો. ‘બિલ’માંથી ભીલ. બિલ એટલે બાણ. નિષાદ - શબર - કિરાતનું શસ્ત્ર. વેદકાલીન ‘રુદ્રાષ્ટાધ્યાયી’માં ‘નમસ્ મંત્ર’ છે, ‘નમ નિષાદેભ્યઃ।’
શિવ-ભીલડીની કથા તો અત્યંત જાણીતા. ઈ.સ. પૂર્વે ૨૦૦૦ વર્ષ ‘શબર’ જાતિ ગુજરાતની સરહદ પર વસવાટ કરતી હતી.
આ પ્રજાઓએ સ્વરાજ માટેનાં આંદોલનોમાં ૧૯૨૨ (વેડછી આંદોલન), ૧૯૨૯-૩૬, ૧૯૪૨-૪૫ એમ ભાગ લીધો હતો. શેખપુરમાં પહેલી વનવાસી પરિષદ પણ યોજાઈ. બારડોલીના - ૧૯૨૨માં - સત્યાગ્રહ વખતે અહીં ૫૧ ગામોમાં રાષ્ટ્રીય શાળાઓ ખુલી.
તાપી જિલ્લાની આ આપણી પોતાની જ વિરાસત છે.