અમદાવાદ, ઓક્ટોબર ૨, ૨૦૧૫
પ્રિય નરેન્દ્રભાઈ,
પહેલાં તો એવું જ નક્કી કર્યું કે ભારતના સુપ્રતિષ્ઠ વડા પ્રધાન તરીકે જ સંબોધીને આ પત્ર લખું. પણ પછી પેલો - ઇતિહાસબોધ સામે આવીને ઊભો! ૧૯૬૭થી ૨૦૧૨ સુધીનાં, સમુદ્રમાં મોજાં જેવા વર્ષો નજરમાં દેખાયાં, ૧૯૭૫-૭૬ની આંતરિક કટોકટી અને પ્રિ-સેન્સરશિપનો લગાતાર, અણથક સંઘર્ષ દિમાગપટ પર છવાઈ ગયો. મણિનગરનાં બળિયાકાકા માર્ગ પર આવેલા ડો. હેડગેવાર ભુવનથી ખાડિયાના ગોલવાડ સ્થિત જનસંઘ કાર્યાલય અને સલાપોસ માર્ગ પરના મનસુરી બિલ્ડિંગમાં આવેલી, ‘સાધના’ની અંધારિયા ઓરડામાં ઓફિસ સુધીની એ પૂર્વયાત્રાએ ઇતિહાસને આકાર આપવાની મથામણો સરજી હતી.
આજે તો તેમાંના એક જ ‘ઇતિહાસબોધ’નું સ્મરણ – જ્યારે તમે લંડનની ભૂમિ પર લોકશાહી દેશના વડા પ્રધાન અને સરકારની સાથે અત્યંત મહત્ત્વની મંત્રણા કરવાના છો ત્યારે - થવું મારા માટે સહજ છે એ તો તમે ય જાણો છો.
તે છે લંડનમાં ગુજરાતના જવલંત ઇતિહાસનો ઉજાસ! ગુજરાતની અસ્મિતાની મશાલ સળગતી રાખનારો ઉદ્યમી ગુજરાતી! કેવાં કેવાં સ્વર્ણિમ પાનાં પર તેણે આ પરદેશી ભૂમિને પોતાની બનાવીને પુરુષાર્થ કથા રચી છે તેની તવારિખ આપવી નથી, એને માટે તો એકાદ અઠવાડિયું જોઈએ. અત્યારે તો ૨૦૦૮ના ડિંસેબરમાં ‘નેશનલ કોંગ્રેસ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન્સ’ (NCGO)ના ઉપક્રમે સદાસક્રિય સી. બી. પટેલના નેજા હેઠળ ગુજરાતીઓની જે સભા યોજાઈ તેનું સ્મરણ થાય છે. લોર્ડ ભીખુ પારેખથી સાંસદ કિથ વાઝ અને લોર્ડ નવનીત ધોળકિયા અને કરણ બીલિમોરિયા જેવા પોતાનાં ક્ષેત્રોમાં પ્રચંડ સિદ્ધિ મેળવનારા શ્રોતાઓની વચ્ચે મેં લંડન અને બ્રિટનમાં ગુજરાતી ‘ભારતીયો’એ રચેલી દેશપ્રીતિની અગ્નિકથા વર્ણવી હતી. સી.બી.ની આંખમાં તે દિવસે ઝળઝળિયાં આવી ગયાં હતાં તેવો લંડનમાં ગુજરાતીઓનો ઇતિહાસ છે.
આજે તેનું પુનઃ સ્મરણ કરવાનો હેતુ એ છે કે આ બે-ત્રણ દિવસની બ્રિટિશ પ્રજા વચ્ચેની મુલાકાતમાં તેનું ક્યાંક, કોઈક રીતે સ્મરણ કરો - કરાવો અને આ મહાતીર્થ જેવાં સ્થાનોએ જાઓ. જરાક અઘરી અપેક્ષા છે ભારતના વડા પ્રધાન પાસે, પણ ‘ઇતિહાસબોધ’ની સાથે જોડાયેલા નરેન્દ્ર મોદી પાસે આ અપેક્ષા વધારે પડતી નથી લાગતી! તમે જ જિનિવાથી, ખભા પર ઊંચકીને પંડિત શ્યામજી કૃષ્ણવર્માના અસ્થિકળશ ભારત લાવ્યા હતા, વીરાંજલિ યાત્રા કાઢી હતી, તેમનાં જન્મસ્થાને ભવ્ય ‘ક્રાંતિતીર્થ’નું નિર્માણ - તમે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે કર્યું અને વીસમી સદીની શરૂઆતમાં લંડનમાં રહીને ‘ઇન્ડિયા હાઉસ’ તેમ જ ‘ઇન્ડિયન સોશ્યોલોજિસ્ટ’નું નિર્માણ કરીને આ ગરવા ગુજરાતીએ ભારત મુક્તિની આરાધના કરી, અને લંડન, પેરિસ, જિનિવા સુધી જલાવતન જિંદગી વીતાવીને ત્યાં જ છેલ્લા શ્વાસ લીધા. તેમણે તો પોતાનાં વસિયતનામામાં ભારત આઝાદ થાય ત્યારે પોતાના અસ્થિ વતન વાપસી કરે તેવી ઇચ્છા રાખીને તેનું ટ્રસ્ટ બનાવ્યું હતું. ૧૯૪૭માં તો એવું કશું થયું નહીં, ‘સત્તાના હસ્તાંતરણ’માં દેશપ્રીતિની, ઋણ ચૂકવવાની એ ઘડી વિસરાઈ ગઈ તેને તમે ઊજાગર કરી હતી ને?
તો, આજે લંડનમાં તેમની પૂણ્યસ્મૃતિનાં બે સ્થાનો એવાં ને એવાં અડીખમ ઊભાં છે. એક હાઈગેટ પર ‘ઇન્ડિયા હાઉસ’ (આપણાં ભારતીય દૂતાવાસને ય ‘ઇન્ડિયા હાઉસ’ નામ અપાયું છે તેથી સરકારી બાબુઓ તે જ બતાવશે!) અને બીજું તેમનું નિવાસસ્થાન - આ બંને જગ્યાએ ૧૯૦૦થી દસ વર્ષ સુધી તો ભારતીય સ્વાતંત્ર્યસંઘર્ષની મહાગાથા રચાઈ હતી, તેઓની સાથે બીજા ત્રણ ગુજરાતી મેડમ કામા, સરદારસિંહ રાણા અને ઉદ્યોગપતિ ગોદરેજ હતા. દાદાભાઈ નવરોજીનાં પૌત્રી (તે પણ માંડવી, કચ્છમાં જન્મેલા!) કેપ્ટન પેરીન નવરોજી હતાં. મહાત્મા ગાંધી - શ્યામજીની અહીં મુલાકાત થઈ હતી. લેનિન, ગોર્કી, મોન્સ્યોર જોરિસ, ઓગસ્ટ રિબેલ, ડબલ્યુ. એચ. હિંડમેન, ગાય-દ-અલ્ડ્રેડ, કમાલ પાશા, જ્યોર્જ ફ્રીમેન, એસ. એચ. સ્વિન્ની... આયર્લેન્ડના તમામ સ્વાતંત્ર્યવીરો અહીં આવ્યા, મળ્યા, વિચારવિમર્શ કર્યો, આંતરરાષ્ટ્રીય સ્તરની ભારતમુક્તિની લડતના પાયા નખાયા. તેમાંથી જ લાલા હરદયાળની કેનેડામાં ‘ગદર’ પાર્ટી અને વીરેન્દ્ર ચટ્ટોપાધ્યાયની ‘બર્લિન કમિટી’ જેવાં સંગઠનો સ્થપાયાં. મેડમ કામાનું ‘વંદે માતરમ્’ અને ‘તલવાર’ અખબારો પ્રકાશિત થયાં...
‘ઇન્ડિયા હાઉસ’માં ભારતના ૧૮૫૭ના પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામનું આધિકારિક પુસ્તક લખાયું તો ૧૯૩૫માં ઇન્દુલાલ યાજ્ઞિકે લંડનમાં બેસીને શ્યામજી કૃષ્ણવર્માનું પહેલવેલું જીવનચરિત્ર પણ લખ્યું હતું. ‘ઇન્ડિયા હાઉસ’થી થોડેક દૂર પેન્ટોવિલા જેલમાં મદનલાલ ધીંગરાને ફાંસી અપાઈ. અરે, પાટણમાં જન્મેલા નટવરલાલ આચાર્ય, સિંધી ગુજરાતી એમ. એચ. મનસુરી, મુંબઈના નીતિસેન દ્વારિકાદાસ, ઉદ્યોગપતિ ગોદરેજના ભાઈ મંચેરશાહ ગોદરેજ, વીરસદના ગોવિંદ અમીન, કઠલાલના જેઠાલાલ પારેખ, સુદામડાના અમુલખ શાહ, શ્રી મોટા સાથે પછીથી જોડાયેલા, નડિયાદના એન. ડી. ઝવેરી... આ બધા પણ વીસમી સદીની શરૂઆતમાં જ ‘ઇન્ડિયા હાઉસ’ને ધમધમતું રાખનારા ગુજરાતીઓ!
ડો. ભીમરાવ આંબેડકરનું લંડનમાં એક મકાન હતું તેને મહારાષ્ટ્ર સરકારે ખરીદીને હવે સ્મારક બનાવવાનો નિર્ણય લીધો છે. તમે ત્યાં જવાના છો એવા અહેવાલ હતા. આપણે તો શ્રી અરવિંદ અને આંબેડકર – બંનેને ‘વડોદરાવાસી’ તરીકે સન્માનીએ છીએ. ૧૦૯૫થી બે-ત્રણ દસક સુધી ઇંગ્લેન્ડ - ફ્રાંસ – જર્મની - અફઘાનિસ્તાન – અમેરિકા - થાઇલેન્ડ – જાપાન – બર્મા સુધી વિસ્તરેલા ક્રાંતિકારો અને તેમના ગુરુ સરખા શ્યામજીનું કોઈ એક મકાન - ઇન્ડિયા હાઉસ અથવા નિવાસસ્થાન – શું ભારત સરકાર ખરીદીને તેને ક્રાંતિતીર્થ જેવાં ભવ્ય સ્મારક અથવા ભારત વિશેના બ્રિટિશ સામ્રાજ્ય સાથેના કાર્યકલાપો વિશેનું સંશોધન-કેન્દ્ર ત્યાં રચી ના શકે? આવું થાય તો બ્રિટન અને ભારત વચ્ચેના સાંસ્કૃતિક - આર્થિક – રાજકીય સંબંધોની દસ્તાવેજી સામગ્રી મળી રહે.
અહીં વસી ગયેલાઓની પરંપરા છે, તવારિખ છે. અમદાવાદને ‘માંચેસ્ટર’ બનાવવાનું સપનું સેવનાર રણછોડદાસ છોટાલાલ રેંટિયાવાળાએ છેક લંડનથી, દાદાભાઈ નવરોજીની મદદથી, મિલની સામગ્રી દરિયાકિનારે ઠાલવી તેમાંથી ‘કેલિકો’ મિલ ઊભી થઈ હતી. છેક મુઘલ યુગથી આપણા સંબંધો ગઠિત થયા હતા! ૧૬૭૨માં ભારતમાં મુદ્રણકળાને લાવવાનું શ્રેય સુરતના ભીમજી પારેખને જાય છે, લંડનથી તેણે બધી સામગ્રી મંગાવી હતી. ગુજરાતના પ્રજાપ્રેમી રાજાઓનો અભ્યાસ ઇંગ્લેન્ડમાં થયો અને રાષ્ટ્રવાદી નેતાઓનો પણ! દાદાભાઈ ચૂંટણી લડીને પહેલાં એમ.પી. બન્યા હતા. તો શ્યામજી કૃષ્ણવર્માએ લેબર પાર્ટીની સ્થાપનામાં ભાગ ભજવ્યો હતો. કડવા, લેઉવા પટેલ, ભાટિયા, દાઉદી વોરા, પારસી, ઓશવાળ, કચ્છી માડૂ, પાટીદારો આ બધાનો અહીંના વિકાસમાં અગ્રીમ ફાળો છે.
પણ હજુ સંશોધનનો વિસ્તાર ઘણો બાકી છે. આંબેડકરની જેમ વલ્લભભાઈ પટેલે પણ અહીં અભ્યાસ કર્યો હતો. સુભાષ અને જવાહરલાલ ભણ્યા હતા. ‘બ્રિટનમાં ગુજરાત’ અને ‘બ્રિટનમાં ભારત’ બંને ભારે રસપ્રદ સંશોધન ક્ષેત્રો છે. ૧૯૩૨માં કેન્યામાં જન્મેલા કુસુમ વડાગામા ૮૦થી વધુ વયે, એકલા હાથે આવું સંશોધનકાર્ય કરી રહ્યાં છે. ગુજરાતની યુનિવર્સિટીઓએ કે કેન્દ્રની શિક્ષણસંસ્થાઓએ તેમનાં સંશોધનકાર્યનો લાભ લેવો જોઈએ. ‘ઇન્ડિયા ઈન બ્રિટન’, ‘બ્રિટિશ-ઇન્ડિયન કમ્પેઇન ઈન બ્રિટન ફોર ઇન્ડિયન રિફોર્મ, જસ્ટિસ એન્ડ ફ્રીડમ’ જેવાં મહત્ત્વના દસ્તાવેજી પુસ્તકો તેમણે લખ્યાં છે. મેડમ કામાની જેમ બ્રિટનમાં, ભારતનાં પ્રથમ મહિલા બેરિસ્ટર કોર્નેલિયા સોરાબજીની જીવનીને પ્રકાશમાં લાવવાનું કામ કુસુમબહેને કર્યું છે. એવાં બીજાં સંશોધનકાર રોઝીના વિશ્રામ છે!
નરેન્દ્રભાઈ, પંડિતજીનાં નિવાસસ્થાનને આવાં ‘ગુજરાત અને ભારત – ઐતિહાસિક સામગ્રીના સંશોધન કેન્દ્ર’માં પરિવર્તિત કરવાની અપેક્ષા, ઇતિહાસબોધ સાથે જોડાયેલા વડા પ્રધાન પાસે જ થઈ શકે. અગાઉ પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ તેના માટે એક નોંધ તૈયાર કરવાનું મને સોંપ્યું હતું, પણ પછી સત્તાપરિવર્તનને લીધે એ વાત ઢંકાઈ ગઈ. પણ હવે?
બ્રિટન મુલાકાતે બીજાં ઘણાં મહત્ત્વનાં રાજકીય પરિમાણો ને તમારે આકાર આપવાનો છે. તેની સાથે જ એ વાત તો આપણાં સૌના ચિત્તમાં પહેલેથી છે કે ઇતિહાસને સદૈવ જાળવી રાખનારો દેશ અને સમાજ જ મજબૂતીમાં મૂળિયાં ઊંડા કરી શકે. ગુજરાતમાં તમે હતા ત્યારે માંડવીનું ક્રાંતિતીર્થ, ગાંધીનગરનું મહાત્મા મંદિર, હરિપુરામાં સુભાષ સ્મૃતિની દરકાર, બૌદ્ધ અવશેષોનો પ્રવાસન સાથે સંબંધ, કચ્છનો રણોત્સવ, મહત્ત્વના ત્રણ દિવસો (ગુજરાત સ્થાપના દિવસ, સ્વાતંત્ર્ય દિન અને પ્રજાસત્તાક દિવસે) જુદાં જુદાં વિસ્તારોના પોતાના ઇતિહાસની પ્રસ્તુતિ... આ તમારા પ્રયાસો અને પુરુષાર્થના પરિણામો છે. હવે જ્યારે દેશની ધૂરા સંભાળીને ‘આગે કદમ’ કરી રહ્યા છો ત્યારે સાન ફ્રાન્સિસ્કોમાં જેમ ‘ગદર’નું સ્મારક છે તેવી રીતે લંડનમાં આ બે ઇમારતોમાંથી કોઈ એકને સંશોધન સાથેનાં સ્મારકમાં બદલવાની ઘોષણા કરો તો આ પ્રવાસને એક ઐતિહાસિક સિદ્ધિમાં બદલાવી શકાશે.
ગુજરાતીઓને તો તમે મળવાના જ છો. ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’નાં માધ્યમથી સી. બી. પટેલ ગરવા ગુજરાતીઓને એક સૂત્રે યશસ્વી રીતે બાંધી રહ્યાં છે, એટલે તેમનાં પાનાં પર આ અંગત છતાં સાર્વજનિક પત્ર લખવાની તક મેળવી લીધી!
લી.
વિષ્ણુ પંડ્યા