બ્રિટનવાસી ગુજરાતી નાગરિક ભલે ગમેતેટલાં વર્ષોથી ત્યાં વસી ગયેલો હોય પણ ગુજરાતની ધરતી પર પગ મૂકે કે તુરત તેને તેનું ગામ યાદ આવી જાય છે, ને પછી એ ગામ તરફ જતો રસ્તો, મકાનો, મંદિરો, શાળા અને શેરીઓ... કૂળદેવી ક્યાં વિરાજિત થયાં છે તેનું સ્મરણ અને બચપણમાં જેમનો સંગ થયો તે મિત્રો, બહેનપણીઓ, સગાવહાલાં, શિક્ષકો... બધું જ બધું યાદગીરીના જહાજની મુસાફરી બની જાય છે.
આપણા આ ગામો-નગરોનો ઇતિહાસ લખાવો જોઈએ અને દસ્તાવેજી ફિલ્મમાં તેનું આલેખન થવું પણ જરૂરી છે. દરેક સ્થાનની પોતાની તવારિખ છે, સંસ્મરણો છે, માટીની સુગંધ છે અને તેનું આલેખન કરી શકે તેવી વ્યક્તિઓ પણ ક્યાં નથી?
ગુજરાતમાં આશરે ૧૫,૦૦૦ ગામો હશે. ૧૦૦ જેટલાં નગરો અસ્તિત્વ ધરાવે છે. શું આપણી પાસે તેનો રસપ્રદ ઇતિહાસ છે? નથી. ખરેખર તો પરિષદો - અકાદમીઓ - ઇતિહાસ સભાઓ વગેરે આ કામ કરવું જોઈએ. સા-વ સરસરી નજરે નિહાળીએ તો યે ૧૯૮,૦૨૪ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું ગુજરાત વેરાવળથી વાપી અને દાહોદથી દ્વારકા સુધીનું ચિત્ર આપે છે. તેની વસ્તી ૬૦,૪૩૯,૬૯૨ની હમણાં નોંધાયેલી છે. ૩૧,૪૯૧,૨૬૦ પુરુષો અને ૨૮,૯૪૮,૪૩૨ મહિલાઓ છે. ૭૯.૩૧ ટકા શિક્ષિત વર્ગ છે. તેમાં મહિલાઓની ટકાવારી ૭૦.૩૩ ટકાની થઈ.
સાબરમતી, મહી, નર્મદા, તાપી, બનાસ, સરસ્વતી, દમણગંગા, ભાદર, ઓઝત, ઉબેણ, પૂર્ણા સરિતાઓ તો હોઠે ચડી જાય તેવાં નામો, પણ બીજી અનેક નાની-મોટી નદીઓ યે ખરી! દરેકના કિનારે-કિનારે અતીત સ્વરૂપે ઇતિહાસની ઇમારતો છે.
પાટણ તમને સિદ્ધરાજ જયસિંહ, માતા મીનળ દેવી અને કુમારપાળનું સ્મરણ કરાવે. જૂનાગઢની સાથે જ રા’ખેંગાર અને રાણકની કથાનો ચમકારો થાય. ખંભાત તો સ્તંભ-તીર્થ અને નર્મદની ‘સુરત સોનાની’, વાત સાચી છે. આજે ય દેશનાં સૌથી ધનિક નગરોમાં સુરતનું નામ છે. સલામ શહેરે અમદાવાદ, ‘રાજ કરે ઇ રાજકોટ’, ‘ભાવ સભર ભાવનગર’, દેસાઈઓનું નડિયાદ, ભૂજિયા ડુંગરથી શોભતું ભૂજ, શ્યામજી કૃષ્ણવર્માનું માંડવી, સુદામા અને ગાંધીનું પોરબંદર, શ્રીકૃષ્ણ સાથે જોડાયેલું દ્વારિકા-દ્વારાવતી, ભીમદેવ - મહંમદ ગઝની - ચૌલાદેવીની યાદ આપતું જય સોમનાથ!, પોર્ટુગલ શાસનની ઝાંખી કરાવતું દીવ, સિંધી પુરુષાર્થીઓનું ગાંધીધામ, વીર વાઘેરોનું ઓખા, ભાંગ્યું તો યે ભરૂચ, કુરિયનનું અમૂલ - આણંદ, ઔરંગઝેબને યાદ કરાવતું દાહોદ, વનરાજી વચ્ચે વિહરતું આહવા, રાજકીય લેબોરેટરી ગણાતું મે’સાણા, પારસીનગર નવસારી, ઝાલાવાડનો તંતુ સાધતું સુરેન્દ્રનગર - વઢવાણ, પર્વત ચોટી નીચે ચોટિલા, ‘વીરક્ષેત્ર’ વડોદરૂં... આ આપણી નગર-શોભા હોય તો ગામડાં કેવાં અને કેટલાં...?
દરેક ગામની ધરતી પર તેની કવિતા દટાયેલી પડી છે. બીલખા સાવ નાનું સરખું નગર, ‘કુંવર ચેલૈયા’ની કથાવાર્તા ત્યાં જન્મી હતી. વૈદિક ધર્મના રખેવાળ નિષ્ણાત શ્રીમન્નથુરામ શર્માનો આશ્રમ આજે પણ સક્રિય. મેંદરડાથી ગીરનાં જંગલ તરફ જાઓ તો ખૂલ્લી હવામાં ફરતા સિંહ મળે અને કનરા ડુંગર પર ૮૧ મહિયા દરબારો નિઃશસ્ત્ર સત્યાગ્રહી બનીને કપાઈ ગયા હતા તે બલિદાનના પાળિયા જોવા મળે. ગઢડા અને વડતાલ સહજાનંદ સ્વામીનારાયણનાં સ્થાનકો. છેક પીપલાણાથી તેનો આરંભ થયો હતો. પીપલાણા ક્યાં આવ્યું? ઉત્સુકતા થાય ત્યારે જૂનાગઢ - પોરબંદરના તૂટ્યા ફૂટ્યા રસ્તે નિકળજો. ‘માધુપુરનો મેળો’, શ્રીકૃષ્ણની પ્રણયકથાનો સાક્ષી છે, પોરબંદરથી માંગરોળના રસ્તે એક મોચા ગામ આવે છે, ફ્રેન્ચ મહિલા ત્યાં હનુમાન-ગૌરવને જાળવીને બેઠી છે, નામ છે ઓમ સંતોષગિરિ. મહુવામાં મોરારીબાપુ અને સાંદીપનીમાં રમેશભાઈ ઓઝા. અમરેલી જિલ્લામાં ઉમરાળામાં ભક્ત-કવિયત્રી ગંગા સતીની ભજનવાણી આરપાર ઉતરી જાયઃ ‘મેરુ રે ડગે પણ એનાં મનડાં ડગે નંઈ, મર ભાંગી પડે રે બ્રહ્માંડ!’ સતાધાર ગીર જંગલના નાકે સંત દેવીદાસનો રણકાર સંભળાવશે. મહાનાયક શ્રીકૃષ્ણની વિદાયભૂમિનાં દર્શન કરવા સોમનાથ નજીક જવું પડે! અને ૧૮૭૫ના વીર વાઘેરો મૂળુ માણેકના ‘ના છડિયાં હથિયાર...’ની વીર ગર્જના જ્યાં અંતિમ વિરામ પામી તે વછોડા કંઈ મોટું ગામ નથી, પોરબંદરથી અંતરિયાળ રસ્તે જવું પડે! અને જેતલસર? સાગરકથાના લેખક ગુણવંતરાય આચાર્યની જનમભોમકા. જૂનાગઢથી પોરબંદર જતાં વચ્ચે ‘જેતલસર જંકશન’ આવે. અહીં ૧૮૯૨ની એક કડકડતી ઠંડી રાતે પ્લેટફોર્મ પર સૂતેલા અ-જાણ યુવા સંન્યાસીમાં બેઠેલા ‘વિવેકાનંદ’ને પારખ્યા હતા સ્ટેશન માસ્તર હરગોવિંદ અજરામર પંડ્યાએ. ઇતિહાસ, તું ક્યાં ક્યાં નથી?
આ ગુજરાતને જાણવા - માણવા - પામવાની ઇચ્છા કોને ના થાય? અરે, અમે અહીં અમદાવાદ કે સુરત કે વડોદરામાં બેઠા હોઈએ ત્યારે ય બન્નીનું મેદાન, ‘કચ્છ જો કારો ડુંગર’, ‘ધીણોધર મથાં’, ‘ઊંચો ગઢ ગિરનાર’, ભૂચર મોરીનાં યુદ્ધનું ધ્રોળ, સૌથી પ્રથમ રાજધાની ઘુમલી, સરદારનું સત્યાગ્રહી બારડોલી, અડાસમાં બલિદાન પામેલા યુવકો, મહી કાંઠે ‘ફાંસિયો વડ’, જેસલ-તોરલની સમાધિ અને એવાં ઘણાં બધાં સ્થાનો સુધી દોડી જવાની - ઇચ્છા થાય તો પછી તમને - બ્રિટિશ ગુજરાતી-ને તો એવું ઘણી વાર મનમાં આવતું જ હોય ને?
આનો એક ઇલાજ તો આ ધૂળમાં દટાયેલી કથા - ઉપકથા - દંતકથાઓને ખંખોળવાનો છે. ઇતિહાસ - પુસ્તકોના અધૂરા અને પસંદગીના પૂર્વગ્રહો સાથે બંધાયેલા દસ્તાવેજો ભલે ચોપડીઓમાં પડ્યા પાથર્યા હોય, આપણે જો મેઘાણીના ઇતિહાસની પરિકલ્પના સાથે સંગ કરીએ તો મનુષ્યજીવનની ઊંચાઈનો, સંઘર્ષોનો, સંવાદનો, સાયુજ્યનો પણ અહેસાસ થશે. નજીક અને દૂરના અતીતનો હાથ પકડવાનો પ્રયાસ કરીએ.
અગાઉ ‘ગુજરાતનાં સ્થળનામો’ પર ઠીક ઠીક અભ્યાસ થયો છે. હમણાંથી પોતાનાં ગામ વિશે - મળ્યું તેટલું - લખવાની પ્રવૃત્તિ ચાલી છે. ‘આપણું ધર્મજ’ એવો પ્રયાસ થયો તેની વિગતો મેળવવી હજુ બાકી છે, પણ નોંધપાત્ર ઘટના છે. કચ્છમાં ‘ભોજાઈ’ ગામનો ઇતિહાસ હમણાં આલેખાયો અને ગ્રંથસ્થ થયો. ગયા સપ્તાહે બનાસકાંઠાનો પ્રવાસ થયો તો ખેડબ્રહ્મા વિશે ત્યાંના શ્રી ભટ્ટે એક પુસ્તિકા લખી તે જોવા મળી. મોટાં શહેરો વિષે તો આવું ઠીક ઠીક થયું છે. ભો. જે. વિદ્યાભવને ‘અમદાવાદનો ઇતિહાસ’ આપ્યો, તે પહેલાં યે એવા પ્રયાસો થયા છે. હરકિશન જોશીએ ‘જામનગર - નવાનગર’ને શબ્દસ્થ કર્યું છે. સાહિત્ય પરિષદનું અધિવેશન થયું ત્યારે રૂપાયતનના મિત્રોએ જૂનાગઢ વિશેની સુંદર પુસ્તિકા આપી હતી. નવસારી પાસે ‘તવારિખે નવસારી’ છે. હરિપ્રસાદ શાસ્ત્રીએ ‘પાટણ’ વિશે સંશોધનાત્મક પુસ્તક આપેલું અને શંભુપ્રસાદ દેસાઈનું સોમનાથ પરનું મૂલ્યવાન દસ્તાવેજી પુસ્તક છે જ. અરે, ભગવતીકુમાર શર્માએ અર્વાચીન સુરત વિશે ‘સુરત મુજ ઘાયલ ભૂમિ’ કર્યું છે. ‘ચરોતર સર્વસંગ્રહ’ લખાયો તો હતો ઘણા વર્ષો પહેલાં, પણ હજુ આધિકારિક ગણાય છે. વડનગર, પાટણ વિશે ય કેટલાંક પુસ્તકો છે. પણ સંપૂર્ણ ભૂતકાળથી વર્તમાન અંકિત કરવાની જરૂરત એવી ને એવી ઊભી છે.
નડિયાદ નામની સહેજે નોંધ લેવી પડે. ‘દેસાઈઓ અને પાટીદારો’ વિશે તો ખેડાણ થયું છે પણ મણિલાલ નભુભાઈ, ગોવર્ધનરામ ત્રિપાઠી, ઇન્દુલાલ યાજ્ઞિક, હરિદાસ દેસાઈ, છગનલાલ પંડ્યા, બાલાશંકર કંથારિયા સહિતના દિગ્ગજો આ પોળોમાં રહ્યા હતા. ઇન્દુલાલનું મકાન જોઈને હું સ્તબ્ધ બની ગયો. બીજા દેશમાં આવો લડાયક સેનાની અને સાહિત્યકાર જન્મ્યો હોત તો તેની જન્મભૂમિમાં કેવું ભવ્ય સ્મારક રચાયું હોત! અહીં તો સા-વ ઉપેક્ષિત, વીરાન અને એક ગલીમાં મકાન ઊભું છે!! તો પછી પન્નાલાલ પટેલ કે ઉમાશંકર જોશીનાં ગામોની તો વાત જ શી થાય?
હમણાં એક સારો પ્રયાસ પોતાનાં ગામના ‘વારસ અને વૈભવ’ને પોંખવાનો થયો તે માણાવદરમાં. જૂનાગઢ જિલ્લાનાં આ નાનકડાં નગરમાં મુસ્લિમ નવાબનું શાસન હતું અને એક બેગમે ફરજિયાત, મફત કન્યાશિક્ષણ કરાવેલું. ક્રિકેટમાં માણાવદર નવાબ અને તેની ટીમ જગમશહુર હતી. એવું જ હોકીની રમતનું હતું. આંતરરાષ્ટ્રીય મેચોમાં આ નવાબી ક્રિકેટરોની સંખ્યા મોટી રહેતી! પાકિસ્તાનમાં ક્રિકેટનો ઇતિહાસ હમણાં લખાયો છે તેમાં જૂનાગઢ - માણાવદરના ક્રિકેટ વારસાની વિગતે નોંધ આપવામાં આવી છે. આ ગામની ઇમારતો, વ્યક્તિઓ, સાધુસંતો વિશેનું કેલેન્ડર માણાવદર બિરાદરીએ તૈયાર કર્યું છે તેમાં દુર્લભ તસવીરો અને માણાવદરમાં જન્મેલા કેટલાક મહાનુભાવોનું સ્મરણ કરાયું છે. ‘ઊઘાડી રાખજે બારી...’ના રચયિતા, ભાવનગર રાજ્યના મુત્સદી દિવાન પ્રભાશંકર પટ્ટણી માણાવદરના. કવિ ‘ગાફિલ’ મનુભાઈ ત્રિવેદી (બીજું ઉપનામ ‘સરોદ’)નો જન્મ આ નગરમાં થયો હતો. ભગવાન સ્વામીનારાયણ સહજાનંદજી અહીં આવીને પીપલાણા ગયેલા. લોકગાયક પ્રાણલાલ વ્યાસનું શિક્ષણ અહીંની સરકારી શાળામાં થયું હતું. શ્રીમન્નથુરામ શર્મા નજીકનાં લીંબુડામાં શિક્ષક હતા... મયુર રાવલ અને તેની ઉત્સાહી ટીમે સરસ કેલેન્ડર તૈયાર કર્યું તેમાં એ નોંધ પણ છે કે કવિવર રાજેન્દ્ર શુકલ માણાવદર નજીક બાંટવાના હતા અને પાકિસ્તાનમાં સમાજ સેવક તરીકે પંકાયેલા, મેગ્સેસે એવોર્ડ વિજેતા જનાબ અબ્દુલ સતાર એધી પણ મૂળ બાંટવાના, વિભાજન સમયે પાકિસ્તાન હિજરત કરી ગયેલા. જોકે નજીકનાં પાજોદના દરબાર રુસ્વા મઝલુમીએ જૂનાગઢમાં સગા નવાબનો આગ્રહ ઇન્કારીને પાજોદને ભારત સાથે જોડવાની જાહેરાત કરી હતી. રુશ્વા એટલે અમૃત ઘાયલના સમકાલીન શાયર!
પાકિસ્તાનમાં એક સામયિક પ્રકાશિત થાય છે, ‘મેમણ ન્યૂઝ’ તેના પહેલા પાને કાયમ છપાય છે - ‘ગુજરાતીમાં લખો, ગુજરાતીમાં વાંચો, ગુજરાતીમાં વિચારો!’ તેના તંત્રી જનાબ પોલાણી થોડાંક વર્ષો પહેલાં ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે તેમને મને કહ્યું કે ‘મારી પહેલી ઇચ્છા બાંટવા જવાની છે, મારું જન્મસ્થાન જોવાની!’
ગુજરાત અને ગુજરાતી વિશે બ્રિટનમાં કંઈ ઓછું વિચારાતું નથી. હમણાં લિટરેચર ફેસ્ટિવલમાં મળેલા લોર્ડ મેઘનાદ દેસાઈનાં તમામ લખાણો અંગ્રેજીમાં છે, પણ વાતો તો અમે ગુજરાતી ભાષામાં જ કરી. લોર્ડ ભીખુ પારેખ પણ સરસ ગુજરાતી બોલે છે. નવનીત ધોળકિયાની જબાન પર ગુજરાતી શોભે છે અને લંડનમાં બેસીને ગુજરાતી પત્રકારત્વની ખેવના કરનારા સી. બી. પટેલ તો છે જ! ‘રંગીલું ગુજરાત’ના આયોજક યુવકો - પ્રીતિ, મીરા અને પાર્થ - હમણાં ગુજરાતમાં હતા. કુસુમબહેન વડગામા અને વિનુ સચાણિયા સાથે પત્રાચાર થતો રહે છે. હમણાં પંચમ શુકલ વ્યાખ્યાનો કરી ગયા. અમારા ભારતી વોરા - દંપતીની કવિતાનો પોતાનો આગવો અંદાજ છે... એટલે તો સંક્રાતિના આકાશે ઊડતા પતંગોની સાક્ષીએ આ ‘ગુજરાતી પતંગ’ ચગવાનું મન થયું અને તેનાં નિમિત્તો યે મળી ગયા!