વર્ષ ૨૦૭૬. પણ નવી પેઢીને કહેવું પડે કે આની પૂર્વે નાતાલ ના હોય. વાગ્ (વાઘ નહિ) બારસ, ધન તેરસ, રૂપ ચૌદસ, દિવાળી અને પછી વિક્રમ સંવતનો પ્રારંભ થાય. નવીન વર્ષ કે લિયે નવીન પ્રાણ ચાહિયે. પરંપરામાંથી, ઇતિહાસમાંથી, વર્તમાનના માધ્યમથી, ભવિષ્યના સંકલ્પો અને સમજદારીથી વ્યક્તિ અને સમાજમાં નુતન પ્રાણ સર્જાય. થોડીક નજર પાછળ કરીએ.
ભારતીય કાલ ગણના પ્રમાણે અત્યારે સાતમા મનુ વૈવસ્તત વર્ષનું ૨૮મું ચતુર્યુગી કાલ વર્ષ ૫૧૦૫ ચાલે છે. એટલે કે એક અરબ, છવીસ લાખ, નેવ્યાસી હજાર, પાંચસો એકોતેર વર્ષની આ પૃથ્વી થઇ. સ્વામી જ્ઞાનાનંદ સરસ્વતીની એક નાનકડી પુસ્તિકા સોમનાથ ટ્રસ્ટે પ્રકાશિત કરી હતી, તે મુજબ ભારતીય સમય ગણના, ઈસુ વર્ષ, વિભિન્ન શાસ્ત્રોના વર્ષો, તિથિ વગેરેનું કમ્પ્યુટરના માધ્યમથી સંશોધન કર્યું છે કે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ ઈસવી સન પૂર્વે ૨૧ જુલાઈ ૩૨૨૮ના થયો હતો, એટલે અત્યારે ૨૦૧૯માં કૃષ્ણ જન્મને ૫૨૪૨ વર્ષ થયા.
એકલા વેદકાલીન ગુજરાતનો ઉજાશ ભવ્ય હતો. સાબરમતીના ઉત્તર કિનારે ઋગ્વેદનો મહાન ગ્રંથ ‘ઐતરેય બ્રાહ્મણ’ રચાયો હતો. તેના રચનાકાર હતા મહીદાસ ઐતરેય. અસંખ્ય શારીરિક ખોડખાંપણ ધરાવતા અષ્ટાવક્ર જનકના દરબારમાં ગયા, અને વિદ્વાનોની સભા તિરસ્કારથી હસી પડી. અષ્ટાવક્રે જનકને પૂછ્યું, મને તો એમ કે અહીં જીવ અને જગત, અને તેની પેલી પારના પ્રદેશને, ખરા અધ્યાત્મને જાણનાર બેઠા હશે. આ તો ચામડી અને અંગ ઉપાંગના વૈદો લાગે છે! કથા એવી છે કે જનક સભામાં સૌથી મોટા વિદ્વાનને આ ખોડખાંપણ ધરાવતા અષ્ટાવક્રે હરાવ્યા કારણ આ વિદ્વાને તેના પિતાને હરાવીને જળસમાધી લેવડાવી હતી.
પિતાના દેહવિલયનો બદલો અષ્ટાવક્ર થકી થયો અને એક અદ્દભુત ગીતા સર્જાઈ. તેની સંપૂર્ણ પ્રસ્તુતિ થઇ હતી ગુજરાતના પશ્ચિમ કિનારે પ્રભાસપાટણમાં. સોમનાથનું દેવાલય યોગ સાધનાના મહર્ષિ સોમના હાથે થયું. ‘મારે હાથી, ઘોડા, સુવર્ણ, દાસ, દાસી કશું જોઈતું નથી, ઋષિવર, મારે તો જીવન અને અમૃતત્વનું રહસ્ય જાણવું છે, તે આપી શકશો?’ આ તેજસ્વી જીજ્ઞાસા મૈત્રેયીની હતી. પતિદેવ યાજ્ઞવલ્કયને તેણે આ પ્રશ્નાર્થ કર્યો, તે સંવાદ પ્રભાસ અને દ્વારિકાની વચ્ચે થયો હોવાનું માનવામાં આવે છે. રામાયણ સુધી જઈએ તો સીતાપુત્રો લવ અને કુશ અહીં સૌરાષ્ટ્રમાં ધનુર્વિદ્યાનું શિક્ષણ પામ્યા.
શુક્લતીર્થ અને પ્રભાસમાં ભૃગુ અને ભાર્ગવ વંશના મુનિવરો રહ્યા, તેમાં જ ભગવાન પરશુરામ જન્મ્યા, વિશ્વના સહુથી મોટા ચિકિત્સાશાસ્ત્રી અશ્વિની કુમારો મોઢેરામાં જન્મ્યા હતા. અને આપણો ગાયત્રી મંત્ર? છોટા ઉદેપુરના અરણ્યમાં વિશ્વામિત્ર રહેતા હતા, તેમણે આ સૂર્યોપાસનાનો મંત્ર આપ્યો. અને દધીચી સાભ્ર્મતી નદીના કિનારે, સમાજ માટે પોતાના દેહનું વિસર્જન કરીને આશથી શસ્ત્ર બનાવ્યું.
ઈસ્વી સન પૂર્વે ૩૫૦૦થી ૪૮૩ના ત્રણેક હજાર વર્ષોમાં ગુજરાતની ધરતી પર ઘણું સર્જાયું, ઘણું નષ્ટ થયું, નગર સંસ્કૃતિ વિકસિત થઇ, નદી અને સમુદ્ર બન્ને વૈભવના માધ્યમ બન્યા. સિંધુ સંસ્કૃતિએ વૈશ્વિક મહત્તા ઉભી કરી. ઇન્દ્ર અને જમદગ્નિ, પરશુરામ અને પરીક્ષિત, શિશુનાગ અને શ્રી કૃષ્ણ, ગૌતમ બુદ્ધ અને રાજકુમાર વિજય, અને પછી આદિ શંકરનો દિગ્વિજય... આ બધું અસામાન્ય હતું. જ્ઞાન, વિદ્યા, સાધના, નિરીક્ષણ, દ્રઢતા, વીરત્વ, સાહસ અને પુરુષાર્થની પરિસીમા અહીં સમાજ અને સંસ્કૃતિનું નિર્માણ કરતી રહી.
શું કૃષ્ણના અનેક સ્વરૂપોએ આ સંસ્કૃતિ નિર્માણમાં મહત્વનો ભાગ ભજવ્યો? આપણે તો રાસલીલાના અને રાધા, ગોપી, ગોપાલ, કુબ્જા, રુક્ષ્મણી અને દ્રૌપદીના મિત્ર કૃષ્ણ વિષે જાણીએ છીએ, પણ કૃષ્ણ એક નથી. અનેક છે, સંશોધનો પ્રમાણે વેદયુગના કૃષ્ણ, મહાભારતના કૃષ્ણ, પુરાણોના કૃષ્ણ અલગ અલગ રીતે સુપ્રતિષ્ઠ છે, ઇસુના જન્મથી ૩૦૦૦ વર્ષ પૂર્વે આપણી વચ્ચે આવેલા કૃષ્ણ. યમુનાનું સંતાન બનીને કારાવાસથી મથુરાના આકાશ સુધીનો વિહાર, આતતાયી સ્વજન રાજાનો સંહાર, ગોપાલકો સાથે ઇન્દ્રના અહંકારને નષ્ટ કરનાર ગોવર્ધન ધરી, ન્યાય - અન્યાયના, સમજુતી અને મંત્રણાના અંતે કુરુક્ષેત્ર અને ગીતાનો જ્ઞાન યજ્ઞ... આ ઘટનાઓનો અંતિમ વિરામ ગુજરાતમાં, દ્વારિકા અને પ્રાચી...
હમણાં સોમનાથના સાન્નિધ્યે કૃષ્ણના અંતિમ અધ્યાયસમું સ્થાન જોવાનો મોકો મળ્યો ત્યારે આપણા જ્વલંત ઈતિહાસની છાયાનો રોમાંચિત અનુભવ થયો. એમ તો ગિરનાર પણ ક્યાં ઓછો મહત્ત્વનો છે.
શ્રી કૃષ્ણ અને ગિરનાર - આ બે પશ્ચિમ ભારતના અજેય નાયક છે, ગિરનારનું બીજું નામ રૈવતક છે. ૧૬ કરોડ વર્ષની તેની આયુ છે અર્થાત્ હિમાલય કરતા તે પ્રાચીન છે. દત્તથી દાતાર અહીં વસે છે, કોઈ બારોટને પુછો તો જવાબ આપે: ‘અરે, અહીં તો ૩૩ કરોડ દેવી-દેવતાઓ, નવ નાથ, ૬૪ યોગીની, ૮૪ સિદ્ધિનો નિવાસ છે. અશ્વથામા, ભર્તુહરિ, બાબા ધૂંધળીનાથ (જેમણે પટ્ટન સો ડટ્ટન અભિશાપ આપ્યો હતો. પ્રાચીન વૈભવી પાટણ આજે તેનું પ્રમાણ છે), લક્કડ ભારતી, ગોરખનાથ, મત્સ્યેન્દ્ર નાથ, વિવેકાનંદ, આદિ શંકર... બધાં ગિરનારથી આકર્ષિત રહ્યા હતા.
ઇતિહાસ અને પરંપરાનો આ તો એક જ સમયનો ટુકડો. હમણાં ‘ઇતિહાસ ગુર્જરી’ પુસ્તક લખ્યું, હજાર પાનામાં વિસ્તાર છે. ત્યારે પણ વિક્રમ સંવતનો સમય રણકાર સંભળાતો રહ્યો. આજે આપણે ૨૦૭૬ ના પગથિયે ઉભા છીએ.