૨૫મી ડિસેમ્બરે જન્મ્યા હતા અટલ બિહારી વાજપેયી. ૧૯૨૪માં. પિતા કૃષ્ણ બિહારી અને માતા કૃષ્ણા દેવી. નાનકડા બટેશ્વરથી પૂર્વજો ગ્વાલિયર આવીને વસી ગયા, અને એક તેજસ્વી વિદ્યાર્થીથી વિપક્ષ નેતા, ત્યારબાદ ત્રણ વાર વડા પ્રધાન બનેલા આ કવિ અને રાજપુરુષની જિંદગી વિચાર, રાજનીતિ, લોકતંત્ર અને રાષ્ટ્ર માટેની, ઉબડખાબડ જમીન પરની દીર્ઘ સફર રહી.
આ સફર આસાન નહોતી, સામાન્ય કાન્યકુબ્જ બ્રાહ્મણ પરિવારથી સંસદ સુધી પહોંચતા તેમના પગમાં પીડાદાયક છાલા પડી ગયા છતાં ચહેરા પર કોઈ પ્રતિક્રિયા વિનાનું છલ વિનાનું હાસ્ય જીવતા રહ્યા. ભલે તે હતા કુશળ રાજકારણી પણ તેમનો તંદુરસ્ત લોકતંત્ર પ્રત્યેનો લગાવ, સંસદ અને રસ્તા પર પ્રચંડ ભીડમાં ઓજસ્વી વાણીનો મોહક પ્રવાહ, ચર્ચા અને ચિંતનની સજ્જતા, સંગઠન માટે અવિરત શ્રમ, અંતિમ ક્ષણોમાં વાચાહીન સ્થિતિમાં પણ રાષ્ટ્રે જાગ્રયામ વયમનો નાગરિક સંકલ્પ તેમના ચહેરા પર વ્યક્ત થતો હતો.
તેમનું કવિત્વ સહજ અને સ્વાભાવિક હતું. આજે જો જીવિત હોત તો જન્મદિવસે એક કવિતા જરૂર લખી હોત! દિલ્હીનું ૬ - રાયસીના નિવાસસ્થાન, બેંગલોરની કેન્દ્રીય કારાગારની કોટડી, નજરકેદ અવસ્થામાં દિલ્હી એઇમ્સ હોસ્પિટલની રૂમ, મનાલી અને કાશ્મીરની રમણીય સૃષ્ટિની વચ્ચે જન્મદિવસ આવ્યો તો આ રચનાઓ આકાર પામી.
૧૯૬૦ની ૨૫ ડિસેમ્બરે તેમણે ગાયું હતું: ‘જીવન બીત ચલા’. આ પંક્તિ તો જુઓ: ‘હાનિ લાભ કે પલડોં મેં, તુલતા જીવન વ્યાપાર હો ગયા, મોલ લગા બિકને વાલોં કા, બિના બિકા બેકાર ગયા!’ જિંદગી, પછી તે નિજી હોય કે સાર્વજનિક, એક દુવિધા કાયમ સાથે રહે છે.
એક વાર તેમણે કહ્યું હતું: ‘આશ નિરાશ ભઇ’થી ‘કહો ના આશ નિરાશ ભઇ’ સુધીની કેડી પરની આ યાત્રા હોય છે. પચાસમા વર્ષે તેમને આંતરિક કટોકટીને કારણે બેંગલોર જેલનો લાભ મળ્યો. ત્યાં જન્મદિવસની શુભેચ્છાઓ તો સાથી મિસાવાસીઓ તરફથી મળી, પણ બાકી સમય અભિવ્યક્ત થવાની મથામણનો રહ્યો. આ કવિતા... ‘જીવન કી ઢલને લગી સાંજ, ઉંમર ઘટ ગઈ, ડગર કટ ગઈ, જીવન કી ઢલને લગી સાંજ!’ એક વધુ કાવ્ય, પણ નજરકેદની અવસ્થામાં.
ગલત ઉપચારને લીધે બેંગલોર જેલમાં તેમની તબિયત કથળી ગઈ તો દિલ્હી હોસ્પિટલમાં દાખલ કરાયા. ટોચના મજલે એક ઓરડામાં રાખવામાં આવ્યા. બાજુમાં દર્દીઓની લાશોનો ઓરડો હતો. સ્વજનોને મૃતદેહ સોંપાય ત્યારે હૈયાફાટ રુદન દીવાલને પાર કરીને ‘બંદી’ વાજપેયીને સંભળાય. તેમણે મળવાની તો સંપૂર્ણ મનાઈ હતી. સખત પહેરો, પૂછપરછ અને પ્રતિબંધો. ત્યારે આવેલી ૨૫મી ડિસેમ્બર કેવી હોય? રચાયું ગીત: ‘દૂર કહીં કોઈ રોતા હૈ...’ તેની કેટલીક પંક્તિઓ: ‘તન પર પહરા, ભટક રહા મન, સાથી હૈ કેવલ સૂનાપન, બિછુડ ગયા ક્યા સ્વજન કિસી કા, ક્રંદન સદા કરુણ હોતા હૈ.’ પછી યાદ આવી પોતાના જન્મદિવસની. ‘જન્મદિવસ પર હમ ઇઠલાતે, ક્યાં ન મરણ-ત્યોહાર મનાતે, અંતિમ યાત્રા કે અવસર પર, આંસુ કા અપશુકન હોતા હૈ...’ અને આ એક વધુ જન્મદિવસ પર કવિનું ચિંતન આવું રહ્યું: ‘અક્ષય સૂરજ, અખંડ ધરતી, કેવલ કાયા, જીતી-મરતી, ઇસ લિયે ઉમ્ર કા બઢ્ના ભી ત્યોહાર હુઆ, નયે મીલ કા પત્થર પાર હુઆ...’
તેમની એક કવિતા સરદાર ખુશવંત સિંહને ખૂબ ગમી ગઈ અને પોતાની કોલમમાં વિગતે લખ્યું. બરાબર એ જ અરસામાં એક વિવેચક પંડિતે એવું લખ્યું હતું કે અટલ બિહારી વાજપેયીને હું કવિ ગણતો નથી. અટલજીની કવિતા અછાન્દસ હતીઃ ‘મુઝે દૂર કા દિખાઈ દેતા હૈ, મેં દીવાર પર લિખા પઢ શકતા હૂં, મગર હાથ કી રેખાએ પઢ નહિ પાતા...’ અને પછી - ‘હર પચીસ દિસંબર કો, જીને કી એક નયી સીડી ચઢતા હૂં, નયે મોડ પર, ઔરો સે કમ, સ્વયં સે જ્યાદા લડતા હૂં...’
બચપણની ઘંટડી દરેકને જિંદગીનો ઉપહાર બની રહે છે. સર્જકને તો વિશેષ. બચપણના અટલ, આ જન્મદિવસની કવિતામાંઃ ‘યમુના તટ, ટીલે રેતીલે, ઘાંસ-ફુસ કા ઘર ડાંડે પર, ગોબર સે લીપે આંગન મેં, તુલસી કા વિરવા, ઘંટી સ્વર, માઁ કે મુંહ સે રામાયણ કે દોહે-ચોપાઈ રસ ઘોલે, આઓ મન કી ગાંઠે ખોલે...’
સ્મૃતિવૈભવ તેમની રચનાઓમાં અનેક સ્વરૂપે આવે છેઃ ‘સાંસો કે સરગમ પર ચલને કી ઠાની, પાની પર લકીર સી, ખૂલી જંજીર સી, કોઈ મૃગ-તૃષ્ણા મુઝે બાર બાર છલતી, નયી ગાંઠ લગતી...’ અને તેમાં કબીર ના આવે એવું કેમ બને? ‘જૈસી કી તૈસી નહિ, જૈસી હૈ, વૈસી સહી, કબીરા કી ચદરિયાં બડે ભાગ મિલતી, નઈ ગાંઠ લગતી!’
ગુજરાતની સાથે તેમનો વિશેષ પ્રેમ હતો. ૧૯૫૨માં જનસંઘની સ્થાપના થઈ તે પછી ભાવનગરમાં યોજાયેલી એક સભામાં તેમને જોઈને એક વૃદ્ધ કાર્યકર્તાથી કહેવાઈ ગયું કે અરે, આ તો સાવ નાનકો છોકરડો છે! વાજપેયીજી એ સાંભળી ગયા અને હસીને કહ્યું: ‘હાં, મૈં આજ છોટા હૂં, કલ બડા હો જાઉંગા!’
ગુજરાતમાં ગોવા સત્યાગ્રહ, કચ્છ સીમા સત્યાગ્રહ, નવનિર્માણ આંદોલન, જનતા મોરચાની સ્થાપના, પ્રથમ મોરચા સરકાર, આંતરિક કટોકટી (બેંગલોર જેલથી તેમણે વડોદરા જેલના મિસાબંદીઓને પત્રો લખ્યા હતા), નવી ભાજપ સરકાર વખતે અભિનંદન સભામાં કાર્યકર્તાઓને ચેતવણી, તેમના કાવ્ય પુસ્તકોનું લોકાર્પણ, પત્રકારત્વ વિષેનું વ્યાખ્યાન, જનતા સરકારના આંતરિક કલહ દરમિયાન અમદાવાદથી તેમની રાજીનામાની જાહેરાત, કચ્છ ભૂકંપ સમયે નૂતન કચ્છના પુરુષાર્થને બિરદાવતું નવી હોસ્પિટલના ઉદ્દઘાટન નિમિત્તનું ભાષણ, માંડવી ક્રાંતિકાર પંડિત શ્યામજી કૃષ્ણવર્માના જર્જરિત મકાનની ૧૯૬૮માં મુલાકાત... (એ પછી તેમના અનુગામી વડા પ્રધાન અને જ્યારે મુખ્ય પ્રધાન હતા ત્યારે શ્યામજીના અસ્થિ જિનિવાથી લાવીને ક્રાંતિતીર્થની સ્થાપના નરેન્દ્ર મોદીએ કરી હતી.) આવું ઘણું ગુજરાત સાથેના તેમના સંબંધની તવારીખ છે.
તેમના વિસ્તૃત સંસ્મરણ અને જીવનનો ગ્રંથ લખી રહ્યો હતો, તે હવે પ્રકાશિત થશે. તેમાં એક રસપ્રદ ઘટના એ પણ આલેખી છે કે સી. એન. વિદ્યાલયના મેદાનમાં, ઢળતી સાંજે ગુજરાતના કવિઓનું કાવ્યપઠન હતું તેમાં અટલજી આવ્યા અને પોતાના કાવ્યોની લાક્ષણિક મુદ્રામાં પ્રસ્તુતિ કરી હતી!