ગુજરાતના ઘણાબધાં સ્થાનોનો પોતાનો ચડતી-પડતીનો રસપ્રદ ભૂતકાળ છે અને નજરે પડે તેવો વર્તમાન છે. એકવીસમી સદીના આપણાં ‘વતન’ ગણાયેલાં ગામોમાં જ્યારે જવાનું થાય પછી તે ભાદરણ હોય, ડીસા હોય, સોંદરવા કે માણાવદર, યા ધોરાજી - જેતપુર - ઉપલેટા - માધુપુર... ગમે ત્યાં જાઓ તો ભૂંસાઈ ગયેલાં ચિહ્નોની સાથે ઝળહળ ઝળહળ નવો ઉજાસ અનુભવાશે. તેમને માટે કહેવતો અને ઉક્તિઓનો ય ક્યાં અભાવ છે? હાલનું પાટણ ‘પટ્ટણ સો દટ્ટણ’ કહેવતને ભૂલવી દે છે. ‘સુરત સોનાની મુરત’ સાર્થક લાગે છે. ધંધા-ઉદ્યોગોમાં ‘સરખે માથે સુદામડા’ એ ઝાલાવાડનું સુદામડા. ત્યાં રંક ઢોલી અને રાજવી - બંનેએ એક સાથે ગામનું રક્ષણ કર્યું હતું. સમાનતાનું સૂ્ત્ર ફ્રાંસની ક્રાંતિમાંથી શીખવાનું તેને આવશ્યક લાગ્યું નહોતું.
વિજય રુપાણીથી કેશુભાઈ પટેલ અને જનસંઘનું તો ૧૯૫૨થી થાણું, એટલે હજુ પ્રચલિત ન થયેલી ઉક્તિ ‘રાજ કરે ઈ રાજકોટ’ બંધબેસતી છે. ઘોઘા બંદરગાહ જોઈને આજે ખ્યાલ ના આવે કે અહીંના મુરતિયાને છેક લંકાની રાજકુંવરી મળી હતી, પણ ‘લંકાની લાડી અને ઘોઘાનો વર’ કોઈ અમસ્તું નહોતું કહેવાયું. ધોરાજી શબ્દની સાથે પોતે મનફાવ્યું કરવાની વાત ‘ઘરની ધોરાજી’ કેમ ઉમેરાઈ હશે? જૂનાણાંની સાથે તો અસંખ્ય દોહરાઓ જોડાયા છે. તેમાં આંગણે ૨૬ કરોડ વર્ષથી ધગધગતો ગિરનાર જોઈને તેના જેવી તેજસ્વિની રાણકદેવડીનું સ્મરણ થઈ આવેઃ
‘ગરવો ગઢ ગિરનાર, વાદળથી વાતું કરે,
પડતાં રા’ખેંગાર, ખરેડી ખાંગો નવ થયો?’
એનો જવાબ પણ માતૃહૃદયા રાણકે આપ્યોઃ
‘મા પડ મારા આધાર, ચોસલાં કોણ ચડાવશે,
ગયા ચડાવણહાર જીવતાં જાતર આવશે...’
અને ખળભળતી શિલાઓ થોભી ગઈ હતી.
‘બાર ભાયાને તેર ચોકા’ વળી કચ્છી રાજઘટનાનો સંદર્ભ લાવે છે ‘પોપાબાઈનું રાજ’ બોલીએ ત્યારે પોપાબાઈ નામની શાસક મહિલાને તેના રાજદરબારીઓએ ખટપટ કરીને નિષ્ફળ બનાવી હતી તે વાત પણ યાદ રાખવી જોઈએ. કૃષ્ણનો ડાકોર સાથેનો સંબંધ રસ્તે જતાં ગામડાંના લીમડાની સાથે જોડાયો ને ભક્તજનોએ ગાયુંઃ ‘લીલા લીમડાની એક ડાળ મીઠી, હો રણછોડ રંગીલા!’ અમદાવાદનો લાલ દરવાજો - હવે તો લાલ બસોના વડાં મથકની ખ્યાતિ સાથે ઊભો છે. પણ સુલતાનોની બૂરી નજર સામે લડેલી મહિલાઓનું લોકગીત હજું આપણી વચ્ચે છેઃ ‘એક લાલ દરવાજે તંબુ તોણિયા રે...’ અને ‘હવેલી લેતા ગુજરાત ખોઈ’ તો જગજાણીતી ઉક્તિ!!
૧૮૫૭ના વીર નાયક જોધા માણેક - મૂળુ માણેક બલિદાની બન્યા ત્યારે એક નવી પંક્તિ આવીઃ નારી નિત રંડાય, નર કો ‘દિ રંડાય નઈ, ઓખો રંડાયો આજ, માણેક જાતાં મૂળવા!’ આ ગામ તે દ્વારિકા નજીકનું ઓખા. મહાભારત તો ત્યાં સુધી કહે છે કે શ્રીકૃષ્ણે અનિરુદ્ધને દૂર ઈશાનની ‘ઉષા’ સુંદરી સાથે લગ્નની ઈચ્છા રાખી તે ઉષા જ સમય જતાં ‘ઓખા’ કહેવાઈ! ઓખાઈ જોડા જોઈને ઉષાના સૌંદર્યની પરખ હવે થાય તેમ નથી. અબડો અડભંગ એવો વીર હતો કે તેનાં નામે ‘અબડાસા’ નગર રચાયું અને ‘લોથલ?’ ૫૦૦૦ વર્ષ પૂર્વેની સંસ્કૃતિને જાળવીને બેઠેલું - બોટાદ નજીકનું આ નાનકડું ગામ લોથ એટલે દેહ; ‘લોથ’ ઢળવી અને દેહ ઢળવો... એ અર્થની સાથે ઊભું છે. સિંધમાં જેમ મુએં-જો-દરો છે, ‘મરેલાઓનો ટેકરો’ તેવું આપણું સભ્યતા-પ્રતીક ‘લોથલ’. દાહોદનો અર્થ જ દો-હદ થાય છે, અહીંથી સરહદો શરૂ થાય છે. વીશળદેના નામે વીસનગર અને એક સમયે ‘વૃદ્ધનગર’ તરીકે જાણીતું તે આપણા નરેન્દ્ર મોદીનું વડનગર!
જય જય ગરવી ગુજરાત!
એક બીજું ઐતિહાસિક સ્થાન કુંતાબ છે. નાનકડું ગામ અને બીજે હોય તેમ અહીં મહાદેવનું મંદિર. કુંતેશ્વર મહાદેવ. કવિવર નર્મદનાં ગુજરાત-ગીત ‘જય જય ગરવી ગુજરાત’માં એક પંક્તિ આવે છેઃ ‘ને કરંત રક્ષા કુંતેશ્વર મહાદેવ!’ નર્મદે આ કુંતેશ્વરનો ઉલ્લેખ કર્યો છે, એટલું જ નહીં પણ નવસારી-વાપીના પ્રવાસ દરમિયાન મને જૂની પેઢીના લોકોએ કહ્યું કે નર્મદે કુંતેશ્વર મહાદેવની નિશ્રામાં બેસીને જય જય ગરવી ગુજરાત લખ્યું હતું! પ્રવાસન વિભાગ ઇચ્છે તો ‘ઐતિહાસિક પ્રવાસન’ તરીકે આ જગ્યાનો વિકાસ કરી શકે.
ભાંગ્યું નથી ભરૂચ
અને ભરૂચ? પહેલી મેના દિવસે ગુજરાત સરકારે રાજ્ય સ્થાપનાનો દિવસ રાજ્યસ્તરનો અહીં ઊજવ્યો. ‘ભાંગ્યુ ભાંગ્યું તો યે ભરૂચ’ ઉક્તિ ભલે રહી પણ મેં બદલાવી ઉક્તિઃ ‘ભાંગ્યું નથી ભરૂચ!’ પંડિત ઓમકારનાથ ઠાકુર ૧૯૩૦ની દાંડીકૂચ સમયે અહીં પોતાની રચના ‘ગિરિ સે ગિરાઓ, મઝધાર મેં બહાઓ, ટેક નહીં છોડેંગે!’નો પ્રંચડ સ્વર છેડ્યો હતો. ‘વન્દે માતરમ્’ રાષ્ટ્રગીતનો વિરોધ કરનારાઓને તેમણે સંભળાવ્યું હતુંઃ ‘આ તો મારા દેશનું ગીત છે! નાદાનો!’
ગાંધીજીની રાજકીય પરિષદ ભરૂચમાં થઈ અને ઇન્દુલાલ યાઞ્જિક તેમજ બળવંતરાય ઠાકોર તેમાં ઉપસ્થિત રહ્યા હતા. દાંડીકૂચ ભરૂચ થઈને દાંડી તરફ આગળ ધપી હતી. આદિવાસી તળાવિયાઓએ અહીં બંડ પોકારીને ૧૮૫૭નો અણસાર આપ્યો તો ‘મુનશીનો ટેકરો’ એટલે ગુજરાતની અસ્મિતાના ગાયક કનૈયાલાલ માણેકલાલ મુનશીનું જન્મસ્થાન. ‘સુંદરમ્’ અહીંના નજીક મિયાં માતર ગામના! નર્મદા તો પ્રાચીનતમ સરિતા. અગણિત નામ ધારી આ મહામાતૃ રેવાની પરિક્રમા માટે અહીં ભાડભૂત તો જવું જ પડે! ભૃગુકુળ અને પરશુરામનું આ પૂણ્યસ્થળ છે. મૂળ ભરુ અને કચ્છ. કાચબાની પીઠ પર, વિષ્ણુપત્ની લક્ષ્મીની ઇચ્છાનુસાર, ભૃગુ ઋષિએ વસાવેલું નગર!
બોલો, શેક્સપિયરની ઉક્તિનો પોપટપાઠ - ‘નામમાં શું વળ્યું?’ છોડીને દરેક નામનાં નેપથ્યે પહોંચીએ તો કેવાં - કેટલાં રહસ્યો પ્રાપ્ત થાય?