લંડનના પાર્લામેન્ટ પરિસરમાં ગાંધીજીની પ્રતિમા ખુલ્લી મુકાઈ તે દિવસે ગુજરાતમાં એક ‘ગાંધીજન’ (‘ગાંધીવાદી’ નહીં, કેમ કે એ શબ્દે દેશની સ્વતંત્રતા પછી એક સ્વાર્થી અને દંભી જમાત જ આપ્યાનો ભાવ પેદા થાય છે.) નારાયણ દેસાઈએ આંખો મીંચી.
ગાંધીજીના ‘જમણા હાથ’ જેવા મહાદેવ દેસાઈનાં સંતાન એટલે ‘બા-બાપુની છાયા’માં રહેવાનો તેમને ઠીક ઠીક અવસર મળ્યો. સાબરમતી આશ્રમમાં જ જીવનનું ઘડતર મેળવ્યું ને મોટા થઈને વેડછીમાં એવી આશ્રમી પ્રવૃત્તિને કેન્દ્રમાં રાખી.
ગાંધીને જીવ્યા
આ સીધા સાદા માણસની પાસે ગાંધીવિચારને જીવવાની ભારે શક્તિ હતી. તેમની કલમમાં નિરીક્ષણ-પરીક્ષણનો ચિંતન પ્રસાદ નીપજે. ગાંધી-સમયના ઘણાનાં શબ્દચિત્રો તેમણે આલેખ્યાં છે. પિતા મહાદેવ એક કુશળ અનુવાદક પણ હતા. શરદબાબુની ગમતી નવલિકાઓ ગુજરાતીમાં ઉતારી લાવેલા. પણ મોટો સમય તેમણે ગાંધીજીના પડછાયાની જેમ વીતાવેલો. ‘મહાદેવભાઈની ડાયરી’ ના હોત તો દેશ-દુનિયાને ગાંધીનો પૂરો પરિચય ન થયો હોત!
નારાયણ પણ બંગભાષામાંથી ઘણું ઉત્તમ લાવ્યા હતા. ગીતરચનાનો યે શોખ. સતત પરિવર્તનની ગુણાત્મક દિશારૂપે દોડતા રહેવાની ધગશ એટલે સદા તત્પર. ૧૯૭૫-૭૬ પહેલાંના ભૂદાની નારાયણ, પછીથી જે.પી.ના નારાયણ બની રહેલા. ઇમર્જન્સી તો રાજકીય પગલું ગણાય, આપણે તેને લીધે કોંગ્રેસ-વિરોધી આંદોલનમાં સીધેસીધા ઊતરી ના પડાય એવું માનનારા સર્વોદય સાથીઓએ તો જયપ્રકાશ નારાયણથી છેડો ફાડી નાખ્યો હતો. ખુદ વિનોબા પણ એવી ‘સંતવાણી’ અને ‘સંતમૌન’નો પ્રયોગ કરતા રહ્યા કે લોકોનો ભ્રમ વધી ગયો કે વિનોબા આવા સંજોગોમાં ‘કટોકટી’ને ‘અનુશાસન પર્વ’ કહે તેનો અર્થ શો સમજવો? પછીથી ખબર પડી (ઇમર્જન્સી ઊઠી ગયા પછી) કે એ તો તત્કાલીન કોંગ્રેસ પ્રધાન વસંત સાઠેની કમાલ હતી. વિનોબાને મળ્યા હશે અને સર્વ વાતના સાર રૂપે આ શબ્દ ‘અનુશાસન પર્વ’ પકડી લીધો. કેન્દ્રનાં માહિતી ખાતાએ અને અખબારોએ તે શબ્દથી વિનોબા પણ ઇન્દિરાજીનાં પગલાંને ટેકો આપે છે એમ ધૂમ પ્રચાર કર્યો ત્યારે સર્વોદયમાંથી કોઈએ અને ખુદ વિનોબાએ પણ તેનો ઇન્કાર કરતો કોઈ ખુલાસો જ ના કર્યો.
જે.પી.ની સાથે
એવા સંજોગોમાં જયપ્રકાશ નારાયણનાં આંદોલનને સક્રિયપણે ટેકો આપીને સાથે રહ્યા તે નારાયણ દેસાઈ અને આચાર્ય રામમૂર્તિ. વિમલાજી તો ઘણા સમયથી ભૂદાન-ચળવળથી અલગ થઈ ગયા હતા. તેમણે પણ કટોકટીવિરોધી સંઘર્ષમાં જે.પી.નું સમર્થન કર્યું.
એ દિવસો - ૧૯૭૫-૭૬ના - નારાયણ દેસાઈને નિહાળવાનો મોકો આ લેખકને મળ્યો હતો કારણ કે તે પણ સેન્સરશિપની ખિલાફના ખુલ્લા અને છૂપા જંગમાં સામેલ હતો. ‘સાધના’ સાપ્તાહિકના તંત્રી તરીકે સેન્સરશિપનો ભંગ કરીને ય દેશવ્યાપી અને (લંડનથી પણ સમાચારો આવતા તે) પ્રકાશિત કરવાનું જોખમી કામ અમે અમદાવાદની સલાપોસ રોડ પર આવેલી મનસુરી બિલ્ડિંગના પહેલા માળે એક અંધિયારા ઓરડાનાં કાર્યાલયમાં ચલાવતાં. તેનું પ્રિન્ટિંગ પ્રેસ ખમાસા પોલીસ ચોકી પાસેના એ બે માળિયા મકાનમાં હતું, જ્યાં સ્વતંત્રતા પૂર્વે થોડોક સમય સરદાર વલ્લભભાઈ ભાડુઆત તરીકે રહ્યા હતા! પોલીસ અને આઇ.બી. (ઇન્ટેલિજન્સ બ્યુરો)ના પડછાયા આસપાસ ફરતા હોય, રોજેરોજ કોણ આવ્યું-ગયું તેની નોંધ ગૃહ ખાતાને પહોંચાડાતી હોય, તેના દરેક અંકોની ફાઇલ દર અઠવાડિયે નવી દિલ્હી ગૃહ ખાતાને અને સેન્સર વડા ડી’પેન્હાને પહોંચાડાતી હોય તેવા વિપરિત સંજોગોમાં ‘સાધના’ ચાલ્યું, હાઇ કોર્ટમાં સેન્સરનો કેસ જીત્યું, નોટિસો આવતી રહી, જવાબો અપાતા રહ્યા... આ કામ માટે પીઠ થાબડવા માટે એક વાર નારાયણ દેસાઈએ કાર્યાલયમાં પ્રવેશ કર્યો તો એ અમારા બધાને માટે આનંદાશ્ચર્યની ઘટના હતી! પછીથી એક વાર ‘ભૂમિપુત્ર’ના કાંતિ શાહ પણ આવ્યા હતા.
‘યકીન’ ચાલુ કર્યું
નારાયણ દેસાઈની સાથેનો આ સંબંધ સળંગ ચાલ્યો. તેમને લાગ્યું કે તેમણે ય એક પ્રકાશન શરૂ કરવું જોઈએ. સર્વોદયનો રસ્તો એટલે ભૂગર્ભ પત્રનો ઇરાદો નહીં (એવું જ વડોદરામાં ‘ભૂમિપુત્ર’ પ્રકાશિત થતું અને અમદાવાદમાં રેડિકલ હ્યુમેનિસ્ટોનું ‘માનવ સમાજ.’) નારાયણભાઈએ નામ રાખ્યું ‘યકીન’! મને પત્ર પણ આવ્યો. દરમિયાન ૧૨ માર્ચ, ૧૯૭૬ના રોજ ગુજરાતમાં જનતા સરકારે રાજીનામું આપતાંવેત રાષ્ટ્રપતિ શાસન હેઠળ ૧૨૦૦ જેટલા કટોકટી-વિરોધીઓની યાદી પોલીસ કમિશનરના હાથમાં મુકી દેવામાં આવી, તેમની ‘મીસા’ હેઠળ ધરપકડ માટે!
આ લેખક નસીબદાર એવો કે સૌપ્રથમ અટકાયતી બન્યો, ‘સાધના’માંથી જ - કોલેજમાં ભણાવવા જવા તૈયાર થઉં તે પહેલાં - ૨૫ સુરક્ષાકર્મીઓએ આવીને પકડી લીધો ને ગાયકવાડ હવેલીમાં લઈ ગયા. ફિંગરપ્રિન્ટ લીધી, કાળી સ્લેટ હાથમાં પકડાવીને તેમાં નંબર લખી ફોટો લીધો, પોલીસ વડા દારુવાલાએ પહેલો પ્રશ્ન કર્યો કે કેમ પકડાઈ ગયા? મારી નાદાનિયત પર જ જાણે કે પ્રહાર હતો કે ક્યાંક ભાગી જવું હતું ને? બીજા સાથીદારો - જે ૧૧મીએ મળ્યા હતા અને નક્કી કરી નાખેલું કે કોણે બહાર રહેવું, તેમાં પ્રચારક નરેન્દ્ર મોદી પણ હતા - તો એવું કરી શક્યા, આપણને એવો ભરોસો કે કલમ ચલાવનારા નિર્દોષ પ્રાણીને પકડીને પોલીસ શું કરશે?
બીજા દિવસે - તે દરમિયાન લોહિયાવાદી પી. ચિદંબરમ્ મારા સાથીદાર થઈ ગયા હતા. અમને ભાવનગર જેલમાં લઈ ગયા અને ત્રીજા દિવસે જે પત્રો મળ્યા તેમાંનો એક નારાયણ દેસાઈનો હતોઃ ‘તમે કૃષ્ણ વિહારવાસી બન્યા તે જાણ્યું છે... હવે તો વધુ લખવાનો સમય તમને મળી રહેશે એની ખુશી છે...’ પછી ‘યકીન’ કેટલું ચાલશે તેના પાંચ-સાત વાક્યો. આ પોસ્ટકાર્ડ નમો નારાયણનો સાક્ષાત્કાર કરાવે તેવું જાળવી રાખ્યું છે!
એ અંધારા દિવસો...
જયપ્રકાશ પે-રોલ પર છૂટ્યા અને વર્ધામાં વિનોબાજીની મુલાકાતે ગયા ત્યારે નારાણભાઈ જે.પી.ની સંગાથે રહેલા. જે.પી.ની કિડનીને જેલમાં થયેલું પારાવાર નુકસાન ચિંતાનો વિષય હતો. રામનાથ ગોયેન્કા (‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના માલિક-તંત્રી) મુંબઈમાં સારવારના આગ્રહી હતા. લીલાવતી હોસ્પિટલમાં તૈયારી થઈ ચૂકી હતી. વર્ધામાં જે.પી. - વિનોબા મુલાકાત દરમિયાન અમે તો બધા જેલમાં, પણ વિનોબાજીના સાથી દામોદરદાસ મુંદડા અને મારાં પત્ની આરતીના મોસાળનો સંબંધ એટલે આરતી ત્યાં હતી.
મુંદડાજીના પ્રયાસથી આરતીને જયપ્રકાશની વંદનાનો મોકો મળ્યો. નારાયણ દેસાઈ ત્યાં હાજર હતા. તેમણે તો જે.પી.ને પૂરો પરિચય આપ્યો, ‘સાધના’ના સંઘર્ષની તેમને જાણ હતી. અમદાવાદની મુલાકાતે આવ્યા ત્યારે મેં લખેલા તંત્રીલેખ ‘લીડ, કાઇન્ડલી લાઇટ!’ને તેમણે હૃદયપૂર્વક વાંચેલો. આરતીને તેમણે ખબરઅંતર પૂછ્યા, કઈ જેલ - કેવી સગવડ વગેરે પૂછપરછ કરી પછી માથે હાથ મુકીને કહ્યુંઃ ‘લડતે રહો, લડતે રહો. ઔર બિના ભગવાન, કિસીસે ભે ડરો મત!’ નારાયણભાઈ પછીથી મળતા ત્યારે આ વાત અચૂક યાદ કરતા.
નારાયણ દેસાઈએ તેમનાં છેલ્લાં વર્ષોમાં ‘ગાંધીકથા’ના પ્રયોગ કર્યો, ઘણો સફળ રહ્યો કેમ કે ગાંધીને સાચુકલા જીવવા - જાણવાના રસ્તે તે પસાર થયા હતા. મેં તે દિવસોમાં એક વિચાર મારી કોલમમાં મૂક્યો હતો કે ‘ગાંધીકથા’ની જેમ એક ‘ક્રાંતિકથા’ યે શરૂ થવી જોઈએ. મારો મતલબ સ્વાતંત્ર્યજંગના બલિદાની ક્રાંતિકારોની કહાણીનો હતો.
એક દિવસે વિદ્યાપીઠમાં મળવાનું થયું તો લાક્ષણિક રીતે કહેઃ ‘તેં તો આ ‘સમાન્તર’ રસ્તો જાળવી રાખ્યો છે, ભાઈ!’ મારા પૂર્વ સાપ્તાહિકનું નામ ‘સમાન્તર’ હતું ત્યારે તેમણે લખ્યું હતું કે ‘તમે તો ઘણું સમાન્તર જ ચલાવવા ટેવાયેલા છો... મારી શુભેચ્છા તો હોય જ!’
વેડછીની તેમની સંસ્થાનું નામ જ ‘સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય’ છે. નારાણભાઈ દેસાઈ નામ સાથે તેમના બીજા સાથી મોહન પરીખ (એ નરહરિ પરીખના પુત્ર)નું યે સ્મરણ થઈ આવે... નારાયણ દેસાઈની વિદાય પછી એવું પણ વિધાન કરવાનું મન થઈ આવે કે હવે તો ગાંધીજન શોધવા માટે દૂરબીન લઈને ગુજરાતમાં ફરવું પડે. કાશ, ક્યાંક કોઈને કોઈ મળી આવે!