વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ઇન્ડિયાઃ ટી૨૦ની આ રમતે ફટાકડાનું નસીબ કોઈને આપ્યું નહીં, પણ થોડા-ઘણા ઝઘડા જરૂર થયા! ક્રિકેટ કે પછી બીજી કોઈ રમતમાં હાર-જીતની ખેલદિલીને દેશપ્રેમની સાથે જોડવી જોઈએ અને બે-પાંચ ક્રિકેટ મેચથી બે દુશ્મન દેશોના એકબીજાનો વ્યવહાર તાત્કાલિક સુધરી જાય એવા વહેમને ય પોષવા જેવો નથી.
ક્રિકેટ મેચ પહેલાં અને પછી આવો ઉન્માદ દેખાય તો તે સરવાળે સમજદારીનો અભાવ દર્શાવે છે.
એકાદ-બે ઉદાહરણો વિચારીએ જે આ સપ્તાહમાં ગુજરાતના ખૂણેખાંચરે દેખાયાં. વાંસદા કંઈ મોટું નગર નથી, દક્ષિણ ગુજરાતનું એક રળિયામણું રજવાડી નગર છે. વાંસદાના મહારાજાએ ૧૯૩૭માં હરિપુરા કોંગ્રેસનું અધિવેશન થયું ત્યારે તેના નવા અધ્યક્ષ સુભાષચંદ્ર બોઝના સ્વાગતાર્થે રથ તૈયાર કરીને અર્પિત કર્યો હતો. તેમના વર્તમાન વારસદાર દિગ્વિરેન્દ્રસિંહજી અત્યંત નિખાલસ સ્વભાવના ‘રોયલ’ રાજવી છે પર્યાવરણ-પ્રેમી છે. પિતૃઋણ ચૂકવવા તેમણે એક સરસ ગ્રંથ પણ તૈયાર કરાવ્યો હતો.
આ ગામને માટે ટી૨૦ મેચનું કેવું, કેટલું અને શા માટે મહત્ત્વ હશે? શનિવાર, બીજી એપ્રિલે ત્યાં અથડામણ થઈ. ગુરુવારે યોજાયેલી મેચનાં પરિણામની હાર એક છાવણીને અને જીત બીજી છાવણીને ખટકી ગઈ હોય એમ સામસામો સંઘર્ષ શરૂ થઈ ગયો! છ જેટલા નાગરિકોને મારામારી માટે પોલીસે પકડ્યા પણ ખરા. મૂળ કિસ્સો શુક્રવારની રાતે એક યુવકને બીજા પાંચ યુવાનોએ ઘેરી લઈને માર માર્યાનો હતો. કારણ, પેલી મેચ! પછી શું જોઈએ? લોકોનાં ટોળાં શેરીમાં ઉતરી પડ્યાં. દુકાનો પર પથ્થરબાજી થઈ. વાહનોને તોડી પડાયાં, સળગાવાયાં. વોટ્સએપ અફવા ખબર માટે તૈયાર હતી. વાંસદામાં પોલીસની સંખ્યા કેટલીક હોય? એટલે એસઆરપીની ટુકડીને બોલાવવામાં આવી. ડીએસપી નવસારીથી દોડી આવ્યા. સામ-સામી ફરિયાદો થઈ, એક દિવસનો ‘બંધ’ જાહેર કરાયો.
મૂળ સવાલ રમતના પડછાયે સરજાતાં તોફાનોનો છે. ક્રિકેટ ભારતમાં તેના સંગઠનો, ફિક્સિંગ અને તોફાનો માટેનું મેદાન બની ગયું છે. રાજકારણીઓએ ક્રિકેટ સંગઠનોથી દૂર રહેવું જોઈએ એવી ન્યાયમૂર્તિ લોધાની નોંધ બહેરા કાને અથડાઈ છે. ‘ભારતમાં ક્રિકેટ સંગઠનોના હોદ્દેદારો અને ચૂંટણી’ પર જો વિગતે તપાસ કરવામાં આવે તો અનેક રાજકારણીઓ તેમાં સક્રિય જણાઈ આવશે.
ટી૨૦માં ભારત હારી ગયું તે દિવસની સાંજ ક્રિયા-પ્રતિક્રિયાથી ભરપૂર હતી. એબીપી-અસ્મિતા ગુજરાતી ચેનલ પર તે જ સમયે ગુજરાત ભાજપનાં પ્રદેશ સંગઠનની ખૂબી-ખામી વિશે ચર્ચા હતી, તેમાં એકાદ-બે પ્રવક્તાઓ તો ગાપચી મારી ગયા, કદાચ મેચ નિહાળવાના મૂડમાં હશે! તેની કોન્ફરન્સ રૂમમાં ક્રિકેટ-નિષ્ણાતોની ‘જીવંત ચર્ચા’નો મંચ ગોઠવાયેલો હતો, ગેસ્ટ-રૂમમાં સ્કોટલેન્ડના એક વિદેશી કોચ સાથે મારે વાત થઈ ત્યારે તેણે કહ્યું કે આ ફિક્સિંગનું પ્રદૂષણ ટળી શકે તેવું મને લાગતું નથી એટલે હું પણ એન્ટી-ક્રિકેટ બનતો જાઉં છું. મેં મજાકમાં કહ્યું કે તો આપણે બન્ને એકસરખી વેવલેન્થ ધરાવીએ છીએ!
આજકાલ ક્રિકેટમાં ઘૂસી ગયેલી નકારાત્મકતાની ચર્ચા ચારે તરફ છે. સુપ્રીમ કોર્ટે તેના પર ફટકાર લગાવી છે. મહારાષ્ટ્રમાં પીવાના પાણીની કારમી અછત છતાં આઇપીએલ (અર્ણવ જેવા બોલકા મીડિયાકર્મીએ તેને ‘ઇન્ડિયા પાની લીગ’ કહી છે.) જિદ પકડીને બેઠી છે કે હજારો લીટર પાણીના બગાડ સાથે ય અમે તો રમીશું જ! બીસીસીઆઇ અને આઇપીએલ - ક્રિકેટના મ્હોરાં સાથે કરોડો-અબજો રૂપિયા કમાય છે. રાજકારણીઓ અને ધંધાર્થીઓ તેમ જ નટ-નટીઓ અને ક્રિકેટમાં ફિક્સિંગના મહારથીઓ તેમાં સંડોવાયેલા છે. ૧૦,૦૦૦ કરોડનું તેનું બજાર છે.
એક વિવેચકે ભૂતકાળની આ ખેલદિલ રમત પર આંસુ સારતાં લખ્યું છેઃ અરે, ક્રિકેટ તો ટોનિકને બદલે અફીણમાં બદલાઈ ગઈ! ભારતીય ક્રિકેટરોના પ્રાયોજકોની રકમ આવકના માંડ ૩૦ ટકા જ ઓસ્ટ્રેલિયા-ઇંગ્લેન્ડના ક્રિકેટરો કમાય છે. જરા સરખામણી કરોઃ ટી-ટ્વેન્ટીમાં દરેક ખેલાડીને પાંચ અઠવાડિયા માટે ૩૦ લાખ મળશે. (તેમાંના કેટલાક તો મેદાનમાં જોવા યે નહીં મળે!) વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટરો (જે જીતી ગયા)ને આખ્ખું વર્ષ રમે ત્યારે માંડ ૧૪-૧૫ લાખ મળે છે. ગણતરી તો કરો કે ૨૦૧૫-૧૬માં ભારતીય ક્રિકેટ બોર્ડની ચોખ્ખી આવક ૨૨,૦૦૦ કરોડ રૂપિયાની અને નફો ૪૦૦૦ કરોડનો. અન્ય આઠ ક્રિકેટ ટીમોની આવક ૨૦,૦૦૦ કરોડની અને નફો ૫૨૦૦ કરોડનો. ક્રિકેટરોનો બજાર ભાવ - ધોની રૂ. ૬૦૦ કરોડ. કોહલી ૫૦૦ કરોડ. યુવરાજ ૨૫૦ કરોડ. રોહિત શર્મા ૨૦૦ કરોડ. ક્રિકેટરો હવે લાખ્ખોપતિ નથી, કરોડપતિ છે અને છેલ્લા કેટલાક વર્ષોથી તો ફિક્સિંગ પણ પ્રચલિત છે.
ફિક્સિંગ જેવી જ ખતરનાક માનસિકતા અને પ્રવૃત્તિ મેચનાં પરિણામ પછીની હોય છે. ઘણાં વર્ષો સુધી અમદાવાદમાં મેં જોયું છે કે ભારત-પાકિસ્તાન મેચમાં આકરી કસોટી પોલીસની જ થાય! ક્યાંકને ક્યાંક રમખાણ થયા વિના રહે નહીં અને તે એવા લોકો તોફાન કરે જેમને માટે રોજિંદો કામધંધો - પાનની દુકાન, ગલ્લો, વાહન-રિપેરિંગ જેવો હોય, જ્યાં પેલા હારેલા કે જીતેલા કોઈ જ ક્રિકેટરોનો એકાદ રૂપિયો પણ કોઈને ના મળતો હોય!
મહારાષ્ટ્રમાં પીવાના પાણીની કારમી અછત વચ્ચે હજારો ગેલન પાણીના બગાડ સાથે આઇપીએલનો તમાશો થઈ રહ્યો છે. શું થયું ગુજરાત અને ગુજરાતની બહાર, આ મેચ દરમિયાન? ઘટના ભલે નાની લાગતી હોય પણ તેનો રોગીષ્ટ ચેપ બિહામણો છે. જમ્મુ-કાશ્મીરમાં યુનિવર્સિટીના દસેક છોકરા રણે ચડ્યા! તોફાન કર્યાં. જમ્મુમાં એકે ત્રિરંગો ધ્વજ બાળ્યો. એક કોલેજ વિદ્યાર્થિનીના હાથમાં રાષ્ટ્રધ્વજ હતો તે બીજા એક યુવાને આંચકી લીધો. એ વળી, યુનિવર્સિટીમાંથી બરતરફ થઈ ગયો હોવા છતાં હોસ્ટેલમાં ખૂલ્લેઆમ રહેતો હતો. પોલીસે પછીથી ફરિયાદ નોંધી છે.
મેવાડ યુનિવર્સિટીમાં આવા પાંચેક કાશ્મીરી યુવાનોને તોફાનો માટે પકડી લેવાયા. તેમણે થોડા દિવસો પહેલા વિરોધ નોંધાવવા પોતાની રૂમમાં ગૌમાંસ રાંધીને ખાધું હતું. પછી ટી૨૦ મેચ થઈ. જમ્મુ અને શ્રીનગરના વિદ્યાર્થીઓની વચ્ચે ગરમ બહેસ થઈ, વાત મારામારી સુધી પહોંચી. કેટલાક ઘાયલ થયા...
ગુજરાતમાં જેએનયુ?
તંદુરસ્ત લોકશાહીમાં વિઘાતક વિભાજનની માનસિકતાના ઉપાયો તો થવા જ જોઈએ. જેએનયુના કિસ્સા તેનું દેખીતું પ્રમાણ છે. વિભાજનના ખેલ માટે નિમિત્તોની ખોટ પડતી નથી. હમણાં એ જ પરિસરમાં હોળી-વિરોધી સંમેલન યોજાઈ ગયું. તેમાં એવાં ભાષણો થયાં કે હોળી એ સવર્ણોનો તહેવાર છે અને દલિતોનું તેમાં અપમાન કરાય છે!
આવાં તિકડમોનો પાર નથી. વડોદરામાં હમણાં ડો. શંકર શરણનાં એક પુસ્તકનું વિમોચન થયું. નામ છે, ‘જેએનયુ કી સચ્ચાઈ’ એનસીઆરટીના આસિસ્ટન્ટ પ્રોફેસર શંકરે જેએનયુની વિગતો અને વિશ્લેષણ આપતાં લખ્યું છે કે જેએનયુ જાણે કે કોઈ બીજો દેશ જ છે! તદ્દન સસ્તા ખર્ચે ભણાવાતા વિદ્યાર્થીઓ પર ડાબેરી ‘વિચારક’ની છાપ લઈને ફરતા અધ્યાપકોની અસર છે. રોમિલા થાપર અને ઇરફાન હબીબ તેમાં મુખ્ય છે.
રોમિલા થાપરે જાણે કે ભારતમાં મોટું જનઆંદોલન શરૂ થયું હોય તેવું વર્ણન કરતી તેમજ તેમ કરવા માટેની ‘બૌદ્ધિક ઉશ્કેરણી’ કરતી એક છ પાનાંની પુસ્તિકા બનાવી છે. ‘ધ પોલિટિકલ એબ્યુઝ ઓફ હિસ્ટરી’ તેનું શીર્ષક છે. રોમિલા જેવા ઇતિહાસકારોને માટે મહમદ ગઝનવી, ઔરંગઝેબ, ટીપુ સુલતાન ‘મહાનાયક’ છે. અમદાવાદમાં એક વ્યાખ્યાન તેઓ આપી ગયા હતા તેમાં સોમનાથ વિશેની ટિપ્પણી હતી. તેનું સમર્થન કરનારાઓ પણ ગુજરાતમાંથી મળી ગયા!
રોમિલા થાપર અને બીજા ૨૫ માર્ક્સવાદી ઇતિહાસકારોએ અયોધ્યા સમસ્યા પર લખ્યું છે. હવે બીજા વિષયો પકડશે જેમાં દલિત - પીડિત - લઘુમતી - ઇશાન ભારતમાં ભારતીય સૈન્ય - કાશ્મીરની આઝાદી જેવા વિષયો હશે. ડાબેરીઓને એવું લાગે છે કે ‘પ્રગતિશીલ’ ચશ્મા પહેરીને લખાયેલો વિકૃત ઇતિહાસ હવે ચાલવાનો નથી એટલે ફફડી ઊઠ્યા છે. અરુણ શૌરિએ આવા ઇતિહાસકારો માત્ર પદ અને પૈસા માટેનો કેવો ખેલ કરતા હોય છે તે વિષે પુસ્તક પણ લખ્યું છે.
ગુજરાતમાં આવા કથિત ડાબેરી બૌદ્ધિકોનું કોઈ મહત્ત્વ ખરું? તિસ્તા સેતલવાડને મહાન કર્મશીલ ગણાવતી પરિષદો અને ઠરાવો થયા છે. હવે તેઓ યુનિવર્સિટીઓમાં અસરકારક બનવા તરફ છે. યુનિવર્સિટીના કુલપતિઓ પોતાના ‘વહીવટ’ની ગૂંચવણમાંથી જ બહાર આવતા નથી. તેમને આની ખબર છે કે કેમ એ સવાલ છે. ડાબેરી, પ્રગતિશીલ, સમાજવાદી, સેક્યુલર એવા મ્હોરાં સાથે કેટલાક અધ્યાપકો ધીમું ઝેર વિદ્યાર્થીઓમાં રેડે છે તેનો કોઈ ગંભીર અંદાજ મેળવવામાં ના આવે તો ગુજરાતમં કેટલાંક વિદ્યાધામો જેએનયુમાં પલટાઈ શકે છે.