ગુજરાતમાં પાટીદારોનું અનામત આંદોલન ઘણા બધાને માટે અનહદ આશ્ચર્ય હતું. ૨૫ ઓગસ્ટની સવારથી અમદાવાદનાં જીએમડીસી મેદાન પર ગુજરાતભરમાંથી પાટીદારો વાહનોમાં ઠલવાઈને પહોંચ્યા ત્યારે તેમને તરાશવા માટે અલ ઝઝીરાથી માંડીને બીબીસી સુધીની ચેનલોના સંવાદદાતાઓ - કેમેરામેનની સાથે - ખડેપગે હાજર હતા! સાંજે પોણા આઠ વાગ્યે પોલીસ ત્રાટકી તેની દસ મિનિટ પહેલાં પણ મંચ પર હાર્દિક આવી એક ચેનલને લાંબી મુલાકાત આપી રહ્યો હતો.
૨૫ ઓગસ્ટથી આ આખું સપ્તાહ ગુજરાતને હિંસાચાર, અફવાઓ, ઉત્પાત, લૂંટફાટ, ગોળીબાર, હુમલાઓ, કરફ્યુની આંધીમાં ખેંચી ગયું હતું. કેટલાક ટેણિયાઓએ તો પહેલી વાર કરફ્યુ શબ્દ સાંભળ્યો અને અનુભવ્યો.
બીબીસીના સંવાદદાતા સમજવાની કોશિશ કરી રહ્યા હતા કે ગુજરાતમાં સાવ અચાનક આવું આંદોલન કઈ રીતે વિસ્તર્યું? એક ૨૩ વર્ષનો છોકરડો નરેન્દ્ર મોદીના પ્રદેશમાં જ આવડી મોટી સભા સાથે કઈ રીતે પડકારરૂપ રહ્યો?
પંદર વર્ષે એકાદ ઉત્પાત?
મેં ગુજરાતના જનમાનસની વિશેષતાની તવારિખ આપતાં સમજાવ્યું કે અહીં કાયમ માટે કશું થતું નથી, પણ ૧૫-૧૭ વર્ષે એક વાર અજંપો આંદોલનમાં બદલાઈ જાય છે! ૧૯૫૬માં રાજ્ય પુનર્રચનાના અહેવાલમાં દ્વિભાષી મુંબઈ રાજ્યનો સ્વીકાર કરી લેવામાં આવશે એવું દિલ્હીમાં માની લેવાયું હતું, પણ ગુજરાતે આંદોલનનો ઝંડો ઊઠાવ્યો. સ્વતંત્રતા પછી જેમના મોહક નેતૃત્વને જરા સરખી આંચ આવી નહોતી તે પંડિત જવાહરલાલ નેહરુનું ‘નેહરુ ચાચા’ પદ ગુજરાતીઓએ - મહાગુજરાત ના મળે તો - અસ્વીકૃત કર્યું અને તેમની સામે એક દુબળો પાતળો વયવૃદ્ધ નેતા ઇન્દુલાલ યાજ્ઞિક ખડો કરી દીધો અને ‘ઇન્દુ ચાચા’ની પ્રતિષ્ઠા ગુજરાતમાં ચોતરફ થઈ ગઈ!
ગુજરાતનું એ પ્રથમ જન-આંદોલન, જેને લીધે ૧૯૬૦માં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ. પછી બીજું આંદોલન કચ્છની સરહદે - ૧૯૬૮માં - ‘કચ્છ સત્યાગ્રહ’ નામે થયું તેમાં એક આખો મહિનો, દેશઆખામાંથી સત્યાગ્રહીઓ આવ્યા અને સરહદ પર સત્યાગ્રહ કર્યો હતો. વિરોધ પક્ષોની એકતાનો એ સંકેત બન્યું.
નવનિર્માણ અને કટોકટી
૧૯૭૪માં નવનિર્માણ વિદ્યાર્થી આંદોલન, મોરબીની એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ પર ૧૦ રૂપિયા ફૂડબીલ વધારાયું તેમાંથી પેદા થયું હતું. પ્રા. માવળંકરે તેને ‘નવનિર્માણ’ નામ આપ્યું હતું. આ આંદોલને તત્કાલીન ચીમનભાઈ પટેલનું રાજીનામું લેવડાવવાની કેન્દ્રને ફરજ પડી. પછી વિધાનસભા વિસર્જન અને નવેસરથી ચૂંટણી માટેની ચળવળ ચાલી. તેમાં ઉમાશંકર જોશી અને ઇશ્વર પેટલીકર પણ થોડા સમય માટે સામેલ થયા હતા.
૧૯૭૫ની ૨૬ જૂને ભારતના રાજકીય આકાશમાં કડાકો બોલ્યો. શ્રીમતી ઇન્દિરા ગાંધીની ચૂંટણીને જ અમાન્ય ઠેરવતો અલ્હાબાદ કોર્ટનો ચુકાદો, ગુજરાતમાં પહેલી વાર કોંગ્રેસનો પરાજય અને જનતા મોરચાનો વિજય તેમ જ બિહારમાં જય પ્રકાશ નારાયણનું ભ્રષ્ટાચારવિરોધી આંદોલન દિલ્હી સુધી પહોંચવાના સંકેતો - આ ત્રણ કારણોથી આંતરિક કટોકટી લાદીને, બંધારણમાં રહેલા મૂળભૂત અધિકારોનો જ છેદ ઊડાવી દેવાયો. એક લાખ લોકો - વિપક્ષી નેતાઓ, અખબારોના તંત્રીઓ, વિદ્યાર્થી આગેવાનો, શિક્ષકો, લેખકો સહિત - ‘મીસા’ હેઠળ જેલવાસી થયા. આખી સંસદ જાણે વન-વે સંસદ!
એ આંદોલને ૧૯૭૭માં કેન્દ્રમાં પહેલી વાર કોંગ્રેસને ઊખેડી નાખી. જનતા પક્ષ રચાયો. તેની સરકાર બની... કટોકટી આંદોલનનાં એ પરિણામો! પછી ૧૯૮૧ અને ૧૯૮૫માં ગુજરાતમાં માધવસિંહ સોલંકીના ‘ખામ’ પ્રયોગે પેદા કર્યું તે અનામત આંદોલન. વિશ્વનાથ પ્રતાપ સિંહની માંડલ-ભલામણો તેવું જ રાષ્ટ્રીય સ્તરે બિહામણું સ્વરૂપ હતું.
અનામત, એક, બે અને ત્રણ
હવે ૨૦૧૫માં વીરમગામના માંડલ નજીકના ગામનો હાર્દિક નવું આંદોલન લાવ્યો છે કે પાટીદારોને અનામત ક્વોટામાં સામેલ કરો અર્થાત્ ઓબીસી (અધર્સ બેકવર્ડ ક્લાસ)માં તેનો ઉમેરો થવો જોઈએ. કારણ? કારણ એવું કે પટેલોમાં યે (તેના મતે ૯૦ ટકા) વર્ગ સાવ સામાન્ય છે, ગરીબ છે. શિક્ષણ અને નોકરીમાં તેને તક મળતી નથી. તેની વાતને વેગ મળ્યો. ૪૫ જેટલી રેલીઓ થઈ, બધી દમદાર. કોઈ તોફાન નહીં. છેલ્લી ૨૫ ઓગસ્ટે અમદાવાદમાં. ૭-૮ લાખ લોકો તો જરૂર હતા. પણ હાર્દીકની નાટકીય જાહેરાત ‘અનશન’ને લીધે સાંજ પડ્યે ત્યાં માંડ ૫૦૦-૭૦૦ કાર્યકર્તાઓ જ હતા. આખ્ખા દિવસનો ઉચાટ શાંત હતો. કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નહોતો અને પોલીસને શું પરાક્રમ સૂઝ્યું કે રાતે પોણા આઠે બધા પર તૂટી પડી. વાહનો પર પણ લાઠીઓ ચલાવી! એટલે રાતે પોતપોતાના શહેરોમાં પાછા ફરી રહેલા ચળવળકારો રસ્તામાં જ પ્રતિક્રિયાની આગ લગાવતા રહ્યા.
અમદાવાદની ખાસિયત છે કે એક વાર ચિનગારી ભડકો બની કે તુરત બધે ફેલાઈ જાય છે. ૧૯૮૫નું અનામત-આંદોલન, તત્કાલીન સરકાર પ્રજા અને પોલીસ વચ્ચેના લોહિયાળ સંઘર્ષનું નિમિત્ત બની હતી ત્યારે મેં જોયું છે કે અચાનક પોલીસ જ હડતાળ પર ઊતરી ગઈ. મીરઝાપુરના ‘જનસત્તા’ અખબારની ઓફિસથી નિવાસસ્થાને જવાના ચાર કિમીના રસ્તા પર - નેહરુબ્રીજ, નટરાજ સિનેમા, ઇન્કમટેક્સ સર્કલ, ઉસ્માનપુરા, નવા વાડજ, જૂના વાડજથી છેક અખબારનગર સર્કલ સુધી અસામાજિકોનું સામ્રાજ્ય! ખુલ્લી રીતે દારૂના અડ્ડાઓ, જુગાર, તોડફોડ, દુકાનોને આગ અને લૂંટફાટ, રસ્તા પર ઠેરઠેર બળેલા સામાનની આડશ...
હવે પછી શું?
ગુજરાતનાં આંદોલનોમાં મોટા ભાગે સત્તાનો બળપ્રયોગ અને ગુસ્સૈલ લોકોનો રોષ બન્ને દેખાતાં રહ્યાં છે. વર્તમાન આંદોલનનું પણ એવું જ બન્યું. જોકે ત્રણ દિવસમાં ફરી શાંતિનું વાતાવરણ સર્જાયું છે, પણ આંદોલન ચાલુ છે. જાતિના આધાર પર અનામત પ્રથાએ દેશ આખાને લોહિયાળ વિગ્રહ અને ‘વોટબેન્ક’ની લાલસા જ ભેટ આપ્યાં છે./p