પડકારોનું નેગેટિવ અને પોઝિટિવઃ ગુજરાતી સ્ટાઈલ!

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Monday 09th November 2020 04:47 EST
 
 

ગુજરાત અને દેશ, તેમજ વિદેશવાસીઓ ગુજરાતીઓ - ભારતીયો પણ દીપોત્સવી પર્વ મનાવી રહ્યાં છે. થોડાક દિવસોમાં જ વાક્બારસ, ધનતેરસ, રૂપચૌદસ, દિવાળીના તહેવારો ઝમગમશે.

અને પછી વિક્રમ સંવતનું નૂતન વર્ષ ૨૦૭૬.

કઈ રીતે આ પર્વો ઊજવાશે, ભલા?

પ્રશ્ન સ્વાભાવિક છે. કોરોનાની મહામારીએ એટલો ભય અને ઉદાસીનતા સાથેનો હાહાકાર મચાવ્યો છે કે કોઈનો ફોન આવે તોયે પહેલી આશંકા જાય કે કંઈ મુશ્કેલી તો નહીં હોય ને? કોરોનામાં ‘પોઝિટિવ’ (આ પોઝિટિવ જેવો સુંદર શબ્દ અત્યારે તો અળખામણો થઈ ગયો છે!) આવ્યો કે વાદળાં ઘેરાયાં. ટેસ્ટ અને ટ્રીટમેન્ટ - ક્વોરેન્ટાઈન અને હોસ્પિટલ. હોસ્પિટલોમાં બેદરકારીથી રઝળતી લાશોના અહેવાલો જોવા મળે ત્યારે અરેરાટી થાય. તેના જેવો જ આઘાત એ પણ હોય કે કોરોનાનો કોળિયો થયા પછી હોસ્પિટલો મોટા ભાગે - સંક્રમણના ભયથી - સ્મશાને જાતે જ અગ્નિસંસ્કાર આપી દેતી હોય છે. જોકે હિન્દુ સંસ્કારોને લીધે અસ્થિ, ત્યાં ઉપસ્થિત બે-પાંચ સગાંવહાલાં મેળવીને નર્મદામાં પધારાવતા હોય છે.

કોરોનાની અસર સામાજિક સંબંધોમાં પણ ખતરનાક બની ગઈ. બેઠકો નહીં, ગોષ્ઠિ નહીં, પરિસંવાદ નહીં, સામાજિક ઊજવણી નહીં, તહેવારોમાં એકત્ર ન થવાય, લગ્નમાં મર્યાદિત હાજરી, હોટેલો બંધ. ડાઈનિંગ હોટેલો માત્ર ‘ટેક અવે’ પૂરતી કામ કરે. શાળા-કોલેજોમાં અમર્યાદિત વેકેશન. ઓનલાઈન અભ્યાસની ટેવ પાડવી પડે. ફોન પર કોઈની સાથે વાત થાય તો “ચાલો, મળીએ, આવો ઘરે!” આ વાક્યો ભૂંસાઈ ગયાં છે. જોકે હવે ક્રમશઃ પ્રતિબંધોમાં મોકળાશ અપાતી જાય છે.

આ સંજોગોને ગરવા ગુજરાતીએ બે રીતે પડકાર્યાઃ એક વર્ગ એવો છે કે તે નિયમોનું પાલન જ નથી કરતો. માસ્ક-ફાસ્ક વળી કેવા? બેસવાનું યે અડોઅડ. (સિનેમાઘરોમાં છૂટ આપવામાં આવી તો એવી માગણી કરવામાં આવી કે દંપતીને તો જોડે બેસવા દો!) બજારોમાં ખરીદીની ભીડ. ફટાકડાની ના છતાં બેફામ દારૂખાનું ફૂટતું રહે.

પણ એક બીજો વર્ગ છે જે સાવધાન રહે છે. નિયમોનું પાલન કરે છે. મોટેભાગે ઘરમાં રહે છે. જરૂરિયાત પૂરતું ઓફિસમાં જાય છે. પ્રવાસો કરતા નથી. ગળું બેસી જવું કે બીજી તકલીફો પેદા થાય તો તુરત દવા લે છે. કોરોનાની રસી બહાર પડે એ પહેલાં તો રશિયાના પ્રમુખ પુતિન પોતે જ કંપવાગ્રસ્ત થઈ ગયા અને નિવૃત્તિ લેવા વિચારી રહ્યા છે. પણ ભારતીય નેતા - મતદાતાની ‘કોરોનાની ઐસીતૈસી’ તો જૂઓ, બાર રાજ્યોમાં ૫૦ જેટલી પેટા-ચૂંટણી વત્તા બિહાર વિધાનસભા સમગ્ર ચૂંટણી પણ યોજાઈ ગઈ!

આ આપણી પ્રજાની અનોખી ખાસિયત છે. દીપોત્સવના પર્વમાં કેટલાંક બંધનો તો હશે જ પણ ગરવો ગુજરાતી અહીં અમદાવાદમાં કે ભાદરણમાં કે કોડીનાર યા બાંટવા અને આદિપુર, ભચાઉ અને ધર્મજમાં સુરત-વડોદરા-ભાવનગર-રાજકોટ- ભાવનગર-સુરત-ભૂજમાં યે હરકભેર પર્વ તો ઊજવશે જ.

જ્યાં પ્રતિબંધ હોય ત્યાં છૂપા છૂપા ફટાકડા ફોડશે, એ ના મળે તો ફૂલઝરનો ઝગમગાટ કરશે. આંગણે રંગોળી પૂરશે, રાતે દીવડા પેટાવશે. રૂપ ચૌદશે તલવટ અને વડાં બનાવશે. ધનતેરશે ધનલક્ષ્મી અને દીવાળીએ ચોપડાપૂજન ભૂલશે નહીં!

એમ જ આવશે વિક્રમ સંવત ૨૦૭૭નું નૂતન વર્ષ! ‘નવીન પર્વ કે લિયે નવીન પ્રાણ ચાહિએ!’ વીતેલાં વર્ષની યાતનાઓ ભૂલીને તે, મંદીના પ્રકોપની વચ્ચે સાહસિક ધનુર્ધારી બનશે. આગામી દિવસોનું આયોજન કરશે. વીત્યા વર્ષના ખોયા-પાયા તો થઈ ગયા. વીત્યા વર્ષે બજાર, કોલેજ, આરોગ્ય બંધ ‘ખોયા’ જ રહ્યું છે. હવે તેમાંથી રસ્તો કાઢીને આગામી વર્ષને પામવાનું છે.

આમ ગણો તો આ બધું સામન્ય લાગે. પણ ના, સંકલ્પના સપનાં, સંઘર્ષ, સમન્વય અને સંવાદ થકી સિદ્ધિ મેળવવી એ ગુજરાતીના ડીએનએમાં છે!


comments powered by Disqus