પત્રો આપણા ઈતિહાસની મોટી મિરાત છે, રાજનીતિ, અર્થકારણ, વિજ્ઞાન અને સાહિત્યમાં મબલખ પત્રો લખાયા છે. મોટાભાગે હસ્તાક્ષરોમાં, પછી ટાઈપ કરેલા અને હવે કમ્પ્યુટરનાં માધ્યમથી મહાપુરુષોએ પોતાના વિચાર અને ફિલસૂફીને વ્યક્ત કરવા સંખ્યાબંધ પત્રો લખ્યાં. ‘ગાંધી વાંગ્મય’ના ગ્રંથોમાં ગાંધીજીના હજારો પત્રો છે. અરે, સરદાર સાહેબનો પત્રવ્યવહાર પણ સાત ખંડોમાં જળવાયેલો છે. વિવેકાનંદના પત્રો અમૂલ્ય છે, જૂનાગઢના કારભારી હરિદાસ દેસાઈને તો તેઓ પોતાના મોટાભાઈ ગણતા. નેતાજી સુભાષબાબુના પત્રો પરિવાર અને સ્વાતંત્ર્ય કર્મીઓ માટેની સંજીવની બની રહેલા. જેમની સાથે માત્ર એકાદ વર્ષ લગ્નજીવનમાં સાથે રહેવાનું બન્યું તે એમિલી શેંકલ પરના સુભાષ-પત્રો ક્રાંતિકારીની અદ્ભૂત પ્રણયકથાનો દસ્તાવેજ છે. કવિવર રવીન્દ્રનાથના પણ ઘણાબધા પત્રો પુસ્તક સ્વરૂપે આવ્યા છે. લેનિન, સ્ટેલિન, માઓ ત્સે તુંગ, ચર્ચિલ, હિટલર, ફિડેલ કાસ્ટ્રો ઉત્તમ પત્રલેખકો હતા!
ગુજરાતી સાહિત્યને કલાપીના પત્રો મળ્યા છે. મેઘાણીના ‘લિખિતંગ હું આવું છું’ પુસ્તકમાં તેમની પત્રકાર-સાહિત્યકારની યાત્રાના કેટલા બધા પડાવ અનુભવાય છે! ‘સ્વામી અને સાંઈ’ એ મકરંદ દવે અને સ્વામી આનંદ વચ્ચેનો પત્રવ્યવહાર છે. એવો જ નાનાભાઈ ભટ્ટ અને સ્વામી આનંદ વચ્ચેનો પત્રાચાર આપણને ધર્મ-અધ્યાત્મની ક્ષિતિજો ખોલી આપે છે. કનૈયાલાલ મુનશીના પત્રો ભવન્સ પ્રકાશને છાપ્યા છે. કાકાસાહેબ કાલેલકર, ઉમાશંકર જોશી, સુંદરમ્, ચુનીલાલ મડિયા, કૃષ્ણલાલ શ્રીધરાણી, ધૂમકેતુ, ગુણવંતરાય આચાર્ય... આ પત્રોથી અભિવ્યક્ત થવામાં સક્રિય હતા, તેમના સંગ્રહ થવા જોઈએ.
થોડા સમય પૂર્વે સ્વ. આરતીએ મારા પર લખાયેલા પત્રોની દળદાર ફાઈલો પરથી ધૂળ ખંખેરી તો તેમાં ૧૦૦૦ જેટલા હસ્તાક્ષરમાં લખાયેલા પત્રો હતા! તેમાંથી ૧૦૦ જેટલા તારવીને ‘પત્રોના આયનામાં’ પુસ્તક પ્રકાશિત થયું છે. તેમાં જયપ્રકાશ નારાયણ, ગુરુજી મા. સ. ગોળવલકરજી, અટલ બિહારી વાજપેયી, એચ. એમ. પટેલ, બાબુભાઈ જ. પટેલ, ચંદ્રકાંત દરૂ, માવળંકર, જસ્ટિસ એસ. એચ. શેઠ, સુરેશ જોશી, એલ. કે. અડવાણી, મકરંદ દવે - કુન્દનિકા કાપડિયા, ડો. વસંત પરીખ, વિમલાજી ઠકાર, અરુણ શૌરી, જ્હોન ઓલિવર, પેરી, ટી.પી. રામારેડ્ડી, મોરારજીભાઈ દેસાઈ, મકરંદ દેસાઈ વગેરેના એવા પત્રો મૂક્યા છે, જેમાં કોઈને કોઈ તત્કાલીન ઘટના અને ચિંતનની ભૂમિકા હોય. વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પણ એવા બે પત્રો છે જે ઇતિહાસ બોધ સાથે જોડાયેલા છે.
મારા પત્રકાર જીવનનાં ૫૦ વર્ષો દરમિયાનનો એક પત્ર સદૈવ સ્મૃતિમાં છે. ૧૯૭૫-૭૬નો સમય. દેશ આખામાં કટોકટી અને સેન્સરશિપ લાદવામાં આવ્યાં એટલે મોટાં અખબારો એકતરફી બનવાની મજબૂરીમાં હતાં. એમ ન કરે તો જપતી, જડતી, જેલ ત્રણેય હાજર હતા તેવું તત્કાલીન માહિતીપ્રધાન શુક્લ અમદાવાદમાં એક મોટા અખબારના માલિક તંત્રીને ત્યાં તેમના ભોજન સાથે કહી ગયા હતા! વાત સાચી પણ હતી. ઇન્ડિયન એક્સપ્રેસે વિરોધ ચાલુ રાખ્યો તો તેમના પર ઇન્કમટેક્ષના દરોડા પડ્યા અને રામનાથ ગોયેન્કાના પુત્ર ભગવાનદાસ ગોયેન્કાને આઘાતમાં હૃદયરોગનો હૂમલો થયો અને અવસાન પામ્યા. કુલદીપ નાયર, કે. આર. મલકાની સહિતના ૧૦૦ પત્રકારો જેલવાસી બન્યા.
આવા સંજોગોમાં અમે ગુજરાતી સાપ્તાહિક ‘સાધના’ને કટોકટી-વિરોધી પત્રકારત્વનું માધ્યમ બનાવી દીધું હતું. દેશભરની જેલોમાં ૧,૧૦,૦૦૦ મીસાબંદી હતા તેમને જાણકારી મળી રહે તે માટે એક પાનું દેવનાગરી લિપિમાં પણ છાપતાં એટલે જેલોમાં સમુહપઠન થતું!
એ દિવસોમાં હળવદથી એક પોસ્ટકાર્ડ આવ્યું. તેમાં લખ્યું હતુંઃ ‘સાધના’નું લવાજમ પૂરું થયું છે એવો પત્ર મળ્યો છે. અત્યાર સુધી હું અને મારા શ્વસુર ભેગા મળીને લવાજમની રકમ રૂપિયા પચાસ કાઢીને ‘સાધના’ મંગાવતા. પણ છ મહિના પહેલાં મારા શ્વસુરજી અવસાન પામ્યા છે. મારા પતિદેવને આમાં રસ નથી પણ મને છે કેમ કે તમે એક મોટી લડાઈ લડી રહ્યા છો. એટલે હવે મારા પતિ મને ઘરખર્ચ માટે જે રકમ આપે છે તેમાંથી બચત કરીને લવાજમ મોકલી આપીશ પણ ‘સાધના’ મોકલવું બંધ નહીં કરતાં!’
પત્રકારત્વની અર્ધશતાબ્દીમાં મને મળેલું આ શ્રેષ્ઠ સન્માન! આજે પણ સ્મરણમાં છે. પત્ર લખવા-મેળવવામાં હું સદ્ભાગી છું. કોલમને કારણે વધુ પત્રો મળે. કડવા મીઠા, તમામ પ્રકારના! હમણાં ‘ગુજરાત સમાચાર’માં મિત્રવયે સી. બી. પટેલે લખેલી નોંધમાં એવા એક પત્રનો ઉલ્લેખ હતો. ૯૪ વર્ષના લંડનનિવાસી ભુપેન્દ્રભાઈ દવેએ પોતાના જ હસ્તાક્ષરોમાં આઠમી મે ૨૦૨૦નો એ પત્ર તેમણે મને મોકલી આપ્યો. ૧૮ એપ્રિલની ‘ગુજરાત સમાચાર’માં મારી કોલમ ‘તસવીરે ગુજરાત’માં એક લેખ લખ્યો તેમાં ક્રાંતિકાર સરદારસિંહ રાણાની વિગતો હતી.
ભુપેન્દ્રભાઈ લીંબડીના વતની, અને રાણા પરિવારના દિલાવરસિંહજી રાણા, બળભદ્રસિંહ રાણાની સાથે આરએસએસનું કાર્ય કરતા. દિલાવરસિંહજી ગુજરાતમાં રાષ્ટ્રીય સેવક સંઘના પાયાના પત્થર હતા. એકદમ સહૃદય સ્વભાવ, ઓછા બોલા પણ મક્કમ. લીંબડીને કેન્દ્રમાં રાખીને તેમણે સૌરાષ્ટ્રમાં પ્રારંભે સંઘકાર્યમાં મોટું પ્રદાન કર્યું. તેમની સ્મૃતિમાં એક ટ્રસ્ટ પણ છે. અને ભાવનગરમાં પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા સરદારસિંહની સ્મૃતિમાં એક ઓનલાઈન સ્મૃતિ-પેજ ચલાવે છે. ભૂપેન્દ્રભાઈને આ લેખ પછી સ્મૃતિ સળવળી અને ૯૪ વર્ષની વયે કલમ વહેતી કરી. બે પાનાના આ પત્રમાં તેમની સ્વદેશ-સ્મૃતિ ઝળહળે છે.
‘ગુજરાત સમાચાર’ની મહત્ત્વની વાત પત્રલેખકો સાથેના સંબંધની છે. દરેક અંકમાં એ પત્રો છપાય છે. વાચક સાથેનો આ સીધો વાર્તાલાપ પત્રકારત્વમાં હવે ભૂંસાતો જાય છે પણ ‘ગુજરાત સમાચાર’ તેને નિયમિત રીતે જાળવ્યો છે. તે અભિનંદનીય છે.