‘ગુજરાતી થાળી’ જેવો જ ગુજરાતીઓને ઉત્સવ પ્રિય હોય છે તેનો અંદાજ તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આવી ગયો હતો એટલે ઉત્સવોની યોજના કરી, તે ૨૦૦૫થી શરૂ થઈ. વાયબ્રન્ટ ગુજરાત, સ્વતંત્રતા દિવસ, પ્રજાસત્તાક દિવસ અને રાજ્ય સ્થાપના દિવસ - ત્રણેની પૂર્વ સંધ્યાએ સ્થાનિક મેગા ઇવેન્ટ શો, રણોત્સવ, મોઢેરા ઉત્સવ, વનવાસી ઉત્સવ... આ ગતકડાં નહોતાં, પણ પ્રજાના આનંદમાં ઇતિહાસ અને ગુજરાત પ્રીતિ ઉમેરવાનો પ્રયાસ હતો, તે ફળ્યો પણ ખરો. એકલા ૨૬મી જાન્યુઆરી, ૧૫મી ઓગસ્ટ અને પહેલી મે - રાજ્ય સ્થાપના દિવસના સાંસ્કૃતિક કાર્યક્રમોની જ ગણતરી કરીએ તો ૩૫ જેટલાં સ્થાનોએ સ્થાનિક ઇતિહાસને જાણનારા - માણનારા દસથી વધુ લાખ લોકો રહ્યા હતા.
આ વખતે ૨૬ જાન્યુઆરીની રાજ્યસ્તરની ઉજવણી માટે પાલનપુરનું નામ જાહેર થયું છે. બનાસકાંઠાની પરંપરા સમૃદ્ધ છે. સરહદ પર આવેલા આ જિલ્લામાં રણ વચ્ચે નડા બેટ છે અને કાદવિયા રણને પાર કરીએ તો નગરપારકર – થરપારકર આવે, જે પાકિસ્તાની મુલક છે પણ ત્યાં સિંધી હિન્દુઓની વસતિ વધારે છે. એવા એક સિંધી રાજપૂત નેતા ભારત આવીને વસી ગયા તેની આત્મકથા ગુજરાત સાહિત્ય અકાદમી છાપી રહી છે.
પાલનપુર એટલે શાયરી અને અત્તરનું શહેર. થરાદમાં દોઢસો વર્ષ પૂર્વે ગલબીબાઈએ સ્ત્રીશિક્ષણના પાયા નાખ્યા હતા. પુરુષ દરબારીઓની આંખમાં કણાની જેમ ખૂંચતી પોપનદેવીએ શાસન કર્યું તેને મજાકમાં ‘પોપાબાઈનું રાજ’ કહેવામાં આવ્યું! અંબાજી - આરાસુર આ પ્રદેશનાં આસ્થા સ્થાનો અને કુંભારિયાનાં દહેરાં શિલ્પ સ્થાપત્યના અદભુત નમુના. એક મંદિર છે પાતાળેશ્વર. સિદ્ધરાજ જયસિંહનો ત્યાં જન્મ થયાની દંતકથા છે. એવી જ બીજી કથા ઝાલાવાડમાં પણ પ્રવર્તે છે. પાલનપુરના નવાબે સ્વૈચ્છિક રીતે ભારતમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, આ બધું ફરીવાર ત્યાં મંચ પરથી દેખાડાશે.
નવરાત્રિ અને પતંગઃ આ બે મોટા ઉત્સવો. પતંગને ચગવવા માટે રિવર ફ્રન્ટ ઉપરાંત ગુજરાતનાં બીજા સ્થાનો પણ નક્કી કરાયાં હતાં.
જોકે હમણાં જે ‘વાયબ્રન્ટ ઉત્સવ’ થયો તે ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં, દેશ-વિદેશના ઉદ્યોગ સાહસિકોને માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો.
નાના પણ મહત્ત્વના...
કેટલાક નાના પણ વિદ્યાકીય ઉત્સવોની બોલબાલા છે. રાજકોટમાં પુસ્તક મેળો અને ‘સાહિત્ય સંવાદ’ ઉત્સવ થવા જઈ રહ્યો છે. સુરતમાં પણ આવો જ કાર્યક્રમ છે. હમણાં ૧૮-૧૯-૨૦ જાન્યુઆરી ત્રણ દિવસ વડોદરામાં એલેમ્બિક સિટીએ ‘ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ’ માણ્યો. જુવાન છોકરા-છોકરીઓને તેમાં રસ પડ્યો. વાર્તા, પટકથા, ફિલમ, ઇતિહાસ એવા વિવિધ વિષયો પર ચર્ચા ગાજતી રહી. પ્રશ્નો પણ ધારદાર પૂછાયા. ઉદઘાટન સત્રમાં અમીન પરિવારનાં માલિકા અમીન, ગુણવંત શાહ, અંજુમન અલી અને મારે બોલવાનું હતું. ગુણવંતભાઈએ ગાંધી અને ગાંધીવાદની સીમારેખા દોરી આપી. મેં કહ્યું કે વડોદરા ગુજરાતની અસ્મિતાનું કાશી છે. એક વધુ સત્રમાં મારી નવલકથા ‘નેતાજી સુભાષચંદ્ર બોઝઃ અંતિમ અધ્યાય’ માટે આયોજકોએ ફાળવ્યું હતું અને ત્રીજો રસપ્રદ વિષય હતો - સરદાર અને સુભાષ વર્તમાન પરિપ્રેક્ષમાં.
સાહિત્યની પ્રતિષ્ઠા
આણંદની એમ. એસ. કોલેજના પ્રાચાર્ય મોહનભાઈ પટેલ વિદ્યાકીય મેળાના ઉત્સાહી આયોજક છે. ગુજરાતમાં લોકસાહિત્યના ક્ષેત્રે શાસ્ત્રીય પદ્ધતિથી સંશોધન કરનારા પ્રા. હસુ યાજ્ઞિકનું આત્મકથા-પુસ્તક ‘આત્મગોષ્ઠિ’ અને તેમના કાર્ય વિશે બે દિવસ માટે પરિસંવાદ યોજાયો હતો. હવે સુરેન્દ્રનગરમાં કવિવર દલપત રામની શતાબ્દિ-સ્મૃતિ યોજાશે. એ પૂર્વે પીઢ પત્રકાર સ્વ. ભાનુભાઈ શુકલની સ્મૃતિમાં તેમના ઉદ્યોગપતિ પુત્ર રાહુલ શુકલે સરસ કાર્યક્રમ આયોજિત કર્યો. જૂનાગઢમાં નરસિંહ મહેતા યુનિવર્સિટી ૧૦૦ વર્ષના અડીખમ ગુજરાતી અધ્યાપક પ્રા. તખતસિંહ પરમારના જીવન–લેખન–શિક્ષણ માટે કાર્યક્રમ કરવાની છે. પરમારસાહેબ બહાઉદ્દીન કોલેજમાં અધ્યાપક હતા.
ભાવનગર વળી શાને પાછું રહી જાય? આ શાનદાર નગરની વિરાસત અને સાહિત્ય માટે ‘ભાવનગર સાંસ્કૃતિક ઉત્સવ’ની તૈયારી થઈ રહી છે. યાદ રહે કે આ જિલ્લાએ નાનાભાઈ ભટ્ટ, મૂળશંકર ભટ્ટ, પ્રભાશંકર પટ્ટણી, મહારાજા કૃષ્ણકુમારસિંહજી, આંતરરાષ્ટ્રીય પત્રકાર–કવિ કૃષ્ણલાલ શ્રીધરાણી, પ્રહલાદ પારેખ, બોટાદકર અને નરસિંહ મહેતા આપ્યા છે. સાહિત્ય પરિષદનું સુરતમાં જ્ઞાનસત્ર થયું પણ, ‘ફતવાનાં રાજકારણ’ને લીધે તેનો ‘આઇવરી ટાવર’ વધુ મજબૂત થયો એટલે ખાસ નોંધ લેવામાં આવી નથી...
...અને રાજકીય માહોલ
તો આ છે આજકાલનું ગુજરાત! વડા પ્રધાન અને બીજા નેતાઓ અવારનવાર આવે છે. રાહુલ ગાંધીની યે ઇચ્છા છે પણ પ્રદેશ કોંગ્રેસના આંતરિક વિખવાદ એટલા બધા છે કે રાહુલના સલાહકારોએ સાવધાન કરી દીધા! ૨૦૧૯ની ચૂંટણીની તૈયારીમાં ભાજપ આગળ છે. અતિ વિશ્વાસમાં રહ્યા સિવાય કામ પર લાગી જવાની કઠોર સલાહ અમિત શાહ આપી ગયા. જસદણની વિધાનસભા પેટા-ચૂંટણીમાં પૂર્વ કોંગ્રેસી કુંવરજી બાવળિયા ભાજપના ઉમેદવાર બનીને જીત્યા. દરિયાઈ પટ્ટી પર કોળી-પટેલોની સંખ્યા મોટી છે અને નિર્ણાયક પણ છે. ભાજપને કુંવરજી એ રીતે ઉપયોગી નીવડી શકે તેમ છે. અલ્પેશ ઠાકોરને કોંગ્રેસમાં ભારે હોંશ હતી, પણ હવે કહે છે કે અમને અન્યાય થઈ રહ્યો છે એટલે ઠાકોરોની ‘યાત્રા’ કાઢવાનું શરૂ કર્યું! હાર્દિક પટેલ તેનાં લગ્નજીવનની યાત્રામાં પહોંચ્યો છે. જિગ્નેશ મેવાણી ગુજરાતનો ‘કનૈયો’ (જેએનયુનો નેતા) થવા જાય છે પણ તેમ કરવા માટે કનૈયાની જેમ સીપીઆઇ-એમને શરણે જવું પડે. ખાટલે મોટી ખોડ એ છે કે ગુજરાતમાં સામ્યવાદીઓનું કંઈ નીપજે તેવું નથી. મહાગઠબંધનના મંચ પરથી ભાષણ કર્યા સિવાય તેની કોઈ અસર ક્યાંય નથી.
ગુજરાતનું સમાજજીવન ભારે સંતુલિત છે. તે ઉત્સવો મનાવે છે, વ્યવસાય કરે છે અને રાજકારણનો પણ અંદાજ બાંધે છે.