તાજેતરમાં કરાચીમાં એક કાર્યક્રમ યોજાઈ ગયોઃ જૂનાગઢના નવાબે પોતાના કુંવરને ‘વઝીરે આઝમ’ની પાઘડી પહેરાવી!
જૂનાગઢ તો ભારતમાં છે, સૌરાષ્ટ્રનું માતબર નગર છે, અને પાકિસ્તાનમાં તેના નવાબ-દીવાનનો સોગંદવિધિ? આમાં નવું કશું નથી. છેક ૧૯૪૭થી જ પાકિસ્તાન કાશ્મીર, જૂનાગઢ, માણાવદરને પોતાનું ગણે છે. દસેક વર્ષ પૂર્વે કરાચીમાં ‘ઈલ્હાકે જૂનાગઢ’ પુસ્તક જનાબ લાખાણીએ લખ્યું ત્યારે જૂનાગઢને પાકિસ્તાનનો ‘પાંચમો પ્રાંત’ ગણવાની માગણી થઈ હતી.
પાકિસ્તાને ટપાલ ટિકિટ અને નકશો જાહેર કર્યો તેમાં કાશ્મીર, જનાગઢ, માણાવદર અને કચ્છની સીર ક્રિકનો સમાવેશ કર્યો છે. કચ્છ-પાકિસ્તાનની સરહદે આવેલાં સીર ક્રિકની જમીનમાં પેટ્રોલિયમ ભંડારની શક્યતાઓ છે, તો જૂનાગઢ (જેની હેઠળ સોમનાથ પણ હતું. હવે તેને અલગ જિલ્લો બનાવાયો છે.) તો સાચો સવાલ સમજવા જેવો છે.
સ્વતંત્રતા મળતાંવેત જૂનાગઢ એક મોટો અવરોધક બળ તરીકે બહાર આવ્યું અને ૧૪મી ઓગસ્ટ, ૧૯૪૭ના દિવસે જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડાયાની પોતાની ઈચ્છા જાહેર કરી! ૮૦ ટકા હિન્દુ પ્રજા ધરાવતું આ રાજ્ય પાકિસ્તાનમાં જોડાય તો અખંડિતતા પર જોખમ હતું. પ્રજાના આગેવાનો એકત્રિત થયા. મુંબઈમાં જૂનાગઢવાસીઓની બેઠક થઈ. જૂનાગઢના આગેવાનોએ પણ નવાબના નિર્ણય સામે વિરોધ વ્યક્ત કર્યો.
વી.પી. મેનન માણાવદરના નવાબને મળ્યા. માણાવદર ૧૦૦ ચોરસ માઈલનો નાનો નવાબી તાલુકો હતો. ત્યાંના ખાને પણ જૂનાગઢના પગલે પગલે પાકિસ્તાન સાથે માણાવદરને જોડવાની ઈચ્છા જાહેર કરી હતી. મેનનની સલાહ ખાને માની નહિ. માંગરોળના શેખે સ્ટેન્ડ બિલના કરાર પર સહી કરી આપી.
દરમ્યાન જૂનાગઢમાં બહુમતી હિંદુ પ્રજા પર ત્રાસ શરૂ થયો. લોકો હિજરત કરવા લાગ્યા. જૂનાગઢ તાબાનાં ૫૧ ગામ ધરાવતા બાબરિયાવાડના ગરાસદારોએ ખુલ્લો બળવો કરીને હિંદી સંઘમાં જોડાવાની જાહેરાત કરી અને વિલયના કરારપત્ર પર સહી કરી આપી.
૧૩મી ઓગસ્ટ, ૧૯૪૭ના દિવસે કેપ્ટન બનેસિંહે રાજકોટના રેસિડેન્ટનો ચાર્જ સંભાળ્યો. એજન્સીના ત્રીજાથી પાંચમા વર્ગના તમામ રજવાડાં અને એજન્સીનાં ૧૨ થાણાં આ રીતે હિંદી સંઘ તળે આવી ગયાં, પણ જૂનાગઢનો સવાલ એવો ને એવો હતો. તેણે બાબરિયાવાડ કબજે કરવા માટે પોતાનું દળ મોકલ્યું હતું. હિંદી સરકારે આ પગલાંને પોતાના પર આક્રમણ તરીકે ગણ્યું અને ગંભીર નોંધ લીધી. નેહરુને સમજાવીને સરદારે હિંદી સંઘની લશ્કરી ટુકડીઓ બાબરિયાવાડના રક્ષણ માટે મોકલી આપી.
આ દરમિયાન પ્રજાકીય લડતને પણ વેગ મળ્યો, ૨૫ ઓગસ્ટે ‘કાઠિયાવાડ રાજકીય પરિષદ’ મળી તેમાં એક સંરક્ષણ સમિતિ નિયુક્ત કરવામાં આવી. ૨૫મી સપ્ટેમ્બરે મુંબઈમાં માધવબાગ ખાતે મળેલી સૌરાષ્ટ્રવાસીઓની સભામાં ઢેબરભાઈ, દુર્લભજી ખેતાણી, નરેન્દ્ર નથવાણી, પુષ્પાબહેન મહેતા, ‘જન્મભૂમિ’ના તંત્રી અમૃલાલ શેઠ, બળવંતરાય મહેતા, શામળદાસ ગાંધી વગેરેએ જૂનાગઢની મુક્તિ માટે હાકલ કરી. ‘આરઝી હકૂમત’ સ્થપાઈ અને એના ‘સરનશીન’ શામળદાસ ગાંધી બન્યા. જૂનાગઢની કામચલાઉ સરકારના મુખ્ય પ્રધાન અને બીજા પ્રધાનોનું પ્રધાન મંડળ રચાયું. શામળદાસ ગાંધી અને બીજા નેતાઓ જૂનાગઢ તરફ નીકળવા રવાના થયા. મહમદઅલી ઝીણા અને મુસ્લિમ લીગના નેતાઓ જૂનાગઢ - બાંટવા વગેરે સ્થાનોએ જઈને હિંદી સંઘવિરોધી વ્યૂહરચના ગોઠવી આવ્યા હતા.
રાજકોટમાં જૂનાગઢ રાજ્યની મિલકત સમાન ‘જૂનાગઢ હાઉસ’નો કબજો ૩૦મી સપ્ટેમ્બરે ‘આરઝી હકૂમતે’ લીધો. યુવકોને સશસ્ત્ર તાલીમ અપાઇ. પોરબંદરની મેર, આયર, બાબરિયા વગેરે લડાયક કોમો ‘આરઝી હકૂમત’માં જોડાઈ અને કુતિયાણા, નવાગઢ, ગાધકડા, અમરાપર વગેરે મુખ્ય ગામો તેમજ બીજા ૩૬ સ્થાનો પર કબજો મેળવ્યો. કુતિયાણામાં સામે થોડીક અથડામણ થઈ, પણ એકંદરે ઝડપથી જૂનાગઢ, માણાવદર અને સરદારગઢ-બાંટવા વગેરેમાં હિંદી સંઘમાં વિલય માટેનું વાતાવરણ સર્જાતું થયું. જૂનાગઢ રાજ્યનો પોલીસ કમિશનર નકવી પાકિસ્તાની લશ્કરની મદદ માટે કરાંચી ગયો તે પાછો જ ન ફર્યો.
હિંદી સંઘે ૨૨મી ઓક્ટોબર અને ૧લી નવેમ્બરે માણાવદર, માંગરોળ અને બાબરિયાવાડમાં બ્રિગેડિયર ગુરુબક્ષસિંહની આગેવાની હેઠળ પોલીસ ટુકડીઓ મોકલી આપી એટલે આ સ્થાનોએ સોઢાણા-વડાલાના જે ‘સિંઘીઓ’ ત્રાસ વર્તાવી રહ્યા હતા તે પણ કાબૂમાં આવી ગયા. તકેદારીનાં પગલાં તરીકે પોરબંદર - માંગરોળના સમુદ્રકિનારે યુદ્ધનૌકાઓ પણ લંગરાવવામાં આવી. વાતાવરણ તંગદિલીભર્યું હતું અને ક્યારે શું બનશે એવી કલ્પનાથી હિંદુ પ્રજા ફફડતી હતી.
જૂનાગઢના નવાબ ઓક્ટોબરની ૧૭મીએ કરાંચી ગયા એટલે પાછળ વહીવટ માટે દીવાન શાહનવાઝ ખાન ભૂતો રહ્યા હતા. છેવટે એણે પણ કમિશનર બૂચને પત્ર લખીને જણાવ્યું કે ‘રાજ્યની અંદરના અને બહારના અનિષ્ટ તત્ત્વોથી પ્રજાને બચાવી લેવા માટે, નિર્દોશ લોકોને રક્તપાત તથા જાનમાલના જોખમથી ઉગારવા ભવિષ્યમાં પ્રજાની ઈચ્છા પ્રમાણે સમાધાન થાય તેવી આશાથી જૂનાગઢ રાજ્ય કાઉન્સિલ રાજ્યનો હવાલો હિંદી સંઘને સોંપવા તૈયાર છે.’ ભૂતોએ પત્ર તા. ૭-૧૧-૧૯૪૭ના કાઉન્સિલના અંગ્રેજ સભ્ય કેપ્ટન હાર્વે જોન્સને રાજકોટ મોકલ્યો. ૯મીએ ફરી વાર એ રાજકોટ ગયો. આ વિનંતીની જાણ લોર્ડ માઉન્ટબેટનને પણ કરવામાં આવી અને કોંગ્રેસ નેતાઓને એક પત્ર લખવામાં આવ્યો. કરાંચીથી નવાબે આપેલી સૂચના પ્રમાણે આમ કરવામાં આવ્યું.
સરકાર ત્યારે ચૂપચાપ ઘટના પ્રવાહ તપાસી રહી હતી. પત્ર મળતાંવેંત એમણે વડા પ્રધાનને દિલ્હી જાણ કરી. વી.પી. મેનને સરદાર પટેલની સાથે મસલત કર્યા બાદ જોડાણ - સ્વીકારપત્રનો મુસદ્દો તૈયાર કર્યો અને સૌરાષ્ટ્રના પ્રાદેશિક કમિશનર શ્રી નીલમ બૂચને હિંદી સરકાર વતી જૂનાગઢ રાજ્યનો વહીવટ સંભાળી લેવા સૂચના આપવામાં આવી.
૯મી નવેમ્બરે સાંજે પાંચ વાગ્યે જૂનાગઢ-મુક્તિ જાહેર કરાઈ અને ભારતીય સૈન્યે આ પ્રદેશમાં પ્રવેશ કર્યો. એ દિવસે જ્યારે બૂચ જૂનાગઢ પહોંચ્યા ત્યારે દીવાન શાહનવાઝ ખાન પણ કરાંચી ઊપડી ગયા હતા. રાજ્ય કાઉન્સિલના સેક્રેટરીએ બૂચને રાજ્યનો વહીવટ સોંપ્યો અને પોલીસ તથા સૈન્યની ટુકડીઓનાં શસ્ત્રો વગેરેનો કબજો સંભાળી લેવાયો. પાકિસ્તાન સરકારને જણાવવામાં આવ્યું કે રાજ્ય કાઉન્સિલની ઈચ્છા અને માગણી મુજબ જૂનાગઢનો વિલય હિંદી સંઘ સાથે કરવામાં આવ્યો છે.
આવી જાહેરાત પછી પાકિસ્તાને મોં ખોલ્યું. પાક. વડા પ્રધાન લિયાકતઅલી ખાને ૧૫મી નવેમ્બરે હિંદ સંઘના વડા પ્રધાન જવાહરલાલ નેહરુને પત્ર લખીને જૂનાગઢ વિલયનો વિરોધ પ્રદર્શિત કર્યો. એણે એમાં જણાવ્યું હતું કે, ‘જૂનાગઢ રાજ્ય પાકિસ્તાન સાથે યોગ્ય રીતે ધોરણસર જોડાયેલું હતું તેથી રાજ્યના દીવાન કે નવાબને હિંદી સરકારની સાથે એ અંગે કોઈ વિચાર કે નિર્ણય લેવાનો અધિકાર રહેતો નથી. ઉપરાંત પાકિસ્તાનની મંજૂરી સિવાય એ રાજ્યની હદમાં હિંદી સંઘનું લશ્કર મોકલીને એના વહીવટનો કબજો લેવામાં હિંદી સરકારે પાકિસ્તાનના પ્રદેશમાં સરહદી કાનૂનનો ભંગ કર્યો છે, એટલું જ નહિ, પણ આંતરરાષ્ટ્રીય કાયદાનો પણ ભંગ કર્યો છે.’
પ્રત્યુત્તરમાં નેહરુએ જણાવ્યુંઃ
‘હિંદી સરકારે જૂનાગઢ પર કોઈ આક્રમણ કર્યું નથી. જૂનાગઢ રાજ્યની કાઉન્સિલ પાકિસ્તાન સરકારની પ્રેરણાથી જ કામ કરતી હતી અને કાઉન્સિલના સભ્યો સર ભૂતો અને કેપ્ટન હાર્વે જોન્સ વારંવાર જૂનાગઢ રાજ્ય સંબંધે પાકિસ્તાન સરકારનો સંપર્ક રાખતા હતા અને જૂનાગઢમાં શું કરવું એ અંગે તમારી સલાહ લેવા માટે લાહોર, કરાંચી જતા હતા. એમણે જોયું કે જૂનાગઢનું રાજ્યતંત્ર સાવ ખોરવાઈ ગયું અને હિંદી સરકાર એનો કબજો ન લે તો તંત્ર પડી ભાંગે એમ છે, એની માઠી અસર સમગ્ર સૌરાષ્ટ્ર પર થાય. બીજી બાજુ, આરઝી હકૂમત આવા સંજોગોમાં રાજ્યનો કબજો ન લેત તો સંભવ હતો કે ખૂનામરકી અને અંધાધૂંધી પ્રવર્તી હોત. આ સ્થિતિમાં દીવાન સર શાહનવાઝ ખાન ભૂતોની લાગણીનો હિંદી સરકાર ઈન્કાર કરે તો એનું પરિણામ ખતરનાક આવે, જૂનાગઢની હયાતી ભયમાં મુકાય અને રક્તપાત તેમજ અરાજક્તા સર્જાય. આ પરિસ્થિતિનો ખ્યાલ દીવાને નવાબને આપ્યો હતો અને નવાબના સૂચન પ્રમાણે દીવાન વર્ત્યા હતા. હિંદી સરકારે જૂનાગઢને કામચલાઉ સરકારને માન્ય નથી કરી, પણ એમાં જે વ્યક્તિઓ છે તે પ્રજાની વિશ્વાસપાત્ર છે તેથી રાજ્યની પ્રજાની વિનંતીથી કાઉન્સિલે જે પગલું પ્રજાના હિતમાં ભર્યું તેની વચ્ચે હિંદી સરકાર આવે અને પ્રજાની માંગણીનો ઇન્કાર કરે એ ઉચિત નહોતું.’
વી.પી. મેનન અને બીજા રાજકીય નિરીક્ષકોની માન્યતા એવી હતી કે જૂનાગઢના પ્રશ્ને હિંદી સંઘને ભીંસમાં લઈ પાકિસ્તાન કાશ્મીર પ્રશ્નને પોતાની તરફેણમાં લઈ જવા માગતું હતું.
૧૩મી નવેમ્બર, ૧૯૪૭ના દિવસે સરદાર વલ્લભભાઈ પટેલ જૂનાગઢ આવ્યા. આરઝી હકૂમતનું કાર્ય પૂરું થયું હોઈ પ્રતીકરૂપે તલવાર શામળદાસ ગાંધીએ સરદારને અર્પણ કરી. બહાઉદ્દીન કોલેજના પટાંગણમાં જનમેદનીને સંબોધતા ‘રક્તપાત વિના વિજય મેળવવા’ માટે પ્રજાને અભિનંદન આપ્યા. આ સભામાં પણ સરદારે પ્રજાને પ્રશ્ન કર્યોઃ ‘તમે હિંદ સાથે જોડાશો કે પાકિસ્તાની સાથે?’ જવાબમાં ‘હિંદની સાથે...’ શબ્દો દ્વારા પ્રજાએ સંમતિ આપી. ત્યારબાદ સરદારે કહ્યું કે, ‘જૂનાગઢની પ્રજાનો અભિપ્રાય પણ આપણે વિધિસર - મતદાન પદ્ધતિથી લઈશું.’
એ જ દિવસે સરદાર વેરાવળ ગયા અને પ્રભાસ પાટણમાં સોમનાથ મહાદેવના મંદિરનો પુનરુદ્ધાર કરાવવાની ઘોષણા કરી.
ફેબ્રુઆરી, ૧૯૪૭માં જૂનાગઢ રાજ્યે પાકિસ્તાન સાથે જવું કે હિંદી સંઘમાં ભળવું એનો લોકમત લેવાયો. ગુપ્ત મતદાન દ્વારા લેવાયેલા આ લોકઅભિપ્રાયમાં વિશાળ બહુમતી (૧,૯૦,૮૭૦ મત) ભારત સાથેના વિલયની તરફેણમાં રહી અને માત્ર ૯૦ મત પાકિસ્તાન સાથેના વિલયને માટે પડ્યા. પ્રજાની બહુમતીએ આપી દીધેલા ચુકાદા પછી પણ પાકિસ્તાને વારંવાર આ પ્રશ્ન વ્યૂહરચનાના એક ભાગરૂપે ઉઠાવવાનો ચાલુ રાખ્યો.
પાકિસ્તાન સરકારે યુનો સત્તાવાળાઓ સમક્ષ રજૂઆત કરી, જૂનાગઢના નવાબનો હોદ્દો ચાલુ રાખ્યો અને જે ટપાલ ટિકિટો છાપી તેમાં ‘વિવાદાસ્પદ પ્રદેશો’ની નોંધમાં કાશ્મીરની સાથે જૂનાગઢ અને માણાવદરનો પણ નિર્દેશ કર્યો.
પરંતુ ઇતિહાસ, સાંસ્કૃતિક અને ભૌગોલિક તમામ પ્રકારે ‘સરવા સોરઠ’ નામે જાણીતો જૂનાગઢ વિસ્તાર ગુજરાતનો જ એક અવિચ્છિન્ન ભાગ અને એ તથ્યની અવહેલના થઈ શકી નહીં.
જૂનાગઢની સમસ્યાનો રાજકીય ઉકેલ આવવાથી વિક્ષોભક વાતાવરણ થોડુંક હળવું થયું, પણ હજુ વિલીનીકરણની લાંબી પ્રક્રિયા બાકી જ હતી. કાઠિયાવાડના રાજકીય નેતાઓની સાથે સરદાર પટેલે ચર્ચા કરી ત્યારે એક વિકલ્પ એવો સૂચવવામાં આવ્યો હતો કે જૂનાં રજવાડાંઓની જોડાણ યોજનાને પુનર્જીવિત કરવી અને કાઠિયાવાડની ૫૦ ટકાથી વધુ વસ્તી ધરાવતાં રાજ્યો (જેવા કે જૂનાગઢ, ભાવનગર, નવાનગર વગેરે)માં નાના રજવાડાં, જાગીરો અને તાલુકા ભેળવી દેવાં.
બીજી દરખાસ્ત પ્રમાણે અર્ધહકૂમતવાળા અને બિનહકૂમતવાળાં રાજ્યો - જાગીરો, થાણાંઓને મુંબઈ પ્રદેશ સાથે જોડી દેવાની વ્યવસ્થા કરી શકાય એમ હતું, પણ આ બંને યોજનાઓથી સમસ્યાનો આંશિક ઉકેલ જ આવે એમ હતું એટલે કાઠિયાવાડના તમામ એકમોનું જોડાણ કરીને એક સંયુક્ત રાજ્ય રચવાનો નિર્ણય લેવામાં આવ્યો. સૌરાષ્ટ્રની રાજકીય ચળવળોમાં મહત્ત્વનો ભાગ ભજવનારા નેતાઓની સરદાર પટેલ અને વી.પી. મેનન સાથે મંત્રણાઓ કરી ભાવનગર અને જૂનાગઢના રાજવીઓએ નવા સૌરાષ્ટ્ર રાજ્યની યોજનાને સમર્થન આપ્યું. સરદાર પટેલે બીજાં રજવાડાંઓને અપીલ કરી.