ભારતીય પ્રજાસત્તાક દિવસ ઉજવાઇ ગયો, સંકલ્પો અને સમસ્યા છોડતો ગયો છે. તાર્કિક રીતે આ વાત સાચી હોવા છતાં દરેક દેશ, જેણે સ્વતંત્રતા માટે દીર્ઘકાલીન સંઘર્ષ કર્યો હોય અને જેણે પોતાની રાજ્યસત્તાને નાગરિકના અધિકાર અને ફરજ દર્શાવતા રાજ્ય બંધારણ માટે ભારે મથામણ, વિશદ્ ચર્ચા અને સંકલ્પની સાથે એક આદર્શ લોકતંત્ર અને તેનું સંવિધાન રચ્યું હોય તેને માટે આવતીકાલની ચિંતા અને સજ્જતા અનિવાર્ય બની જાય છે. દેશવાસી નાગરિક, તેની બંધારણીય સંસ્થાઓ, તેના વિદ્યાધામો, તેના સાધુસંતો, ભાવિ નાગરિક માટે કેવો દેશ મૂકી જશે તેની સજ્જતા ના રાખે તો ખલિલ જિબ્રાનના પેલા ગીતની જેમ ‘એ દેશની ખાજો દયા...’નું બદનસીબ ભોગવવું પડે અને સમાજ તેમજ રાષ્ટ્રની અસ્મિતા, સુરક્ષા અને સાર્વભૌમત્વ સમાપ્ત થતાં વાર લગતી નથી. કોઈ એક તારણહાર તેને બચાવી શકે નહિ એટલે તો ‘જનતા જનાર્દન’ શબ્દ છેક ગીતાના સમયથી કહેવાયો છે. સામૂહિક પ્રજાકીય સમજ એક જ અસ્મિતાનો ઉપાય છે.
આટલું કહેવા પાછળ આપણે ત્યાં કારણો પણ છે એટલે ખરેખર ભારતીય લોકતંત્રનાઆટલા વર્ષો વીત્યા, જે પાડોશી દેશોને માટે અશક્ય બની ગયા છે. અરે, સૌથી પુરાણી લોકશાહીનો અમેરિકા ખંડ પણ તાજેતરના હિંસક તોફાનોથી આબરૂ ગુમાવી બેઠો, જેને ફરી પાટા પર ચડાવવા નવા શાસકોને ભારે મહેનત કરવી પડશે.
જરીક ઝીણવટથી જોઈએ તો ઈઝરાયલ, જાપાન, ફ્રાંસ જેવા દેશોમાં પણ વારંવાર આવા પડકારો આવ્યા અને ત્યાંની શાણી પ્રજાએ ઝીલ્યા છે. હા, જ્યાં ધાર્મિક મઝહબ અથવા સૈનિકી શાસન કે પછી સામ્યવાદ પ્રવર્તે છે ત્યાં પ્રજા હાંસિયામાં ધકેલાઇ જાય છે અને સર્વોપરી નેતાઓ જ ભવિષ્ય નક્કી કરે છે. પુટીન, શી જિનપિંગ, ઈમરાન ખાન અને દક્ષિણ આફ્રિકાના ઘણા દેશોની હાલત એવી છે.
મ્યાંમાર અને બાંગ્લાદેશ એટલા નસીબદાર કહેવાય કે ત્યાં સૈનિકી શાસન પછી જેવીતેવી પણ લોકશાહી ટકી રહી છે. મ્યાંમાર તો લાંબા સમયથી સૈનિકી સરમુખત્યારીમાં સપડાયેલું હતું, જેની હત્યા થઈ હતી તેવા પૂર્વ વડા પ્રધાન આંગ સેનની પુત્રી આંગ સેન સૂ કી વિદેશેથી આવી અને લોકશાહી માટે લાંબો સંઘર્ષ કર્યો. તે દરમિયાન તેણે પોતાના પતિને કેન્સરમાં ગુમાવ્યો જેમને અંતિમ વિદાય પણ આપી ના શકી અને ઘણા વર્ષો નજરકેદ રહી, પણ પ્રજાકીય લડત ચાલુ રાખીને અંતે વિજય મેળવ્યો એ આપણા પડોશી દેશની ઐતિહાસિક રોચક કહાણી છે.
બર્મા - મ્યાંમારનું નામ લઈએ એટલે આપણાં પોતાના દેશભકતોએ એ ભૂમિ પર રહીને જે મુક્તિ સંઘર્ષ કર્યો હતો તેનું સ્મરણ થઈ આવે. ૨૩ જાન્યુઆરીને ‘પરાક્રમ દિવસ’ તરીકે ઉજવવામાં આવ્યો, તે નેતાજી સુભાષચંદ્ર બોઝ અને તેમની આઝાદ હિન્દ સરકાર બર્માના રંગૂન મહાનગરમાં ૧૯૪૩માં સ્થાપિત થઈ હતી. તેની પોતાની આઝાદ હિંદ ફોજ હતી, રાષ્ટ્રધ્વજ હતો, રાષ્ટ્રગીત હતું, રાષ્ટ્રીય ચલણ હતું, મુખપત્ર હતું, બંધારણ પણ હતું અને મંત્રી પરિષદ પણ હતી. તે સરકારને ઘણા દેશોએ સરકાર તરીકે માન્યતા આપી હતી. એ દૃષ્ટિએ પ્રથમ ભારતીય સરકાર ૧૯૪૩ના ઓકટોબરમાં સ્થાપિત થઈ હતી જેની પાસે આંદામાન-નિકોબાર દ્વીપ અને છેક કોહિમા, આસામનો કેટલોક ભૂભાગ પણ હતો, જ્યાં રાષ્ટ્રીય હકૂમતની શરૂઆત થઈ હતી.
આનો સીધો અને સ્પષ્ટ અર્થ એવો કરવો જોઈએ કે આપણે એવા સંઘર્ષો કરીને આઝાદી પ્રાપ્ત કરી છે અને તેને એવી સત્તામાં બદલવાનો ભગીરથ પ્રયાસ કર્યો કે બંધારણના માધ્યમથી જ લોકો પોતાની સત્તાનો અનુભવ કરે તેવી સંસદીય લોકશાહી પ્રવર્તે છે. આ સામાન્ય બાબત નથી જ નથી.
બીજી લોકશાહીની જેમ આપણે ત્યાં પણ અનેક ખૂબીની સાથે ખામી છે. છીદ્રો જ નહિ, બાકોરાં પણ છે તેમ છતાં લોકોએ સમય આવ્યે સરમુખત્યારી લાવવાના પ્રયાસો કરનારાઓને જરૂરી બોધપાઠ આપ્યા, આંતરિક ખેંચતાણથી વડા પ્રધાનપદ માટે લડનારાઓને સબક શીખવાડ્યો, કૌભાંડોનો અતિરેક પસંદ ના કર્યો, બંધારણમાં જે ગલત જોગવાઈ હતી તેવી ૩૭૦મી કલમનો છેદ કર્યો, મજહબના નામે સ્ત્રીઓ પર તીન તલાકનો જુલમ થતો હતો તે દૂર કરાવ્યો.
આ ઘટનાઓ જેટલી તત્કાલીન રાજસત્તાને આભારી છે એટલી જ પ્રજાની જાગૃતિને પણ આભારી છે. વરિષ્ઠ અદાલતના ચુકાદાના શુભ આશયને બરાબર સમજીને જ પ્રજાએ અયોધ્યા રામ જન્મભૂમિ અને બીજે મસ્જિદ - બંનેનું નિર્માણ માન્ય રાખ્યું, ક્યાંય કોઈ ઉત્પાત જોવા ના મળ્યો.
આ સાવ અચાનક આકાશમાંથી ઉતરી આવતો ચમત્કાર નથી. તેની પાછળ સમજદાર સંસ્કૃતિની પરંપરા છે. ટ્રમ્પને અને તેના ટેકેદારોને ચૂંટણીમાં પરાજય મળ્યો તો તોડફોડ કરી. ભારતમાં તમામ રાજકીય પક્ષો એક યા બીજી વાર બૂરી રીતે હાર્યા છે, પણ તેમણે હથિયાર ઉઠાવ્યા નથી. હથિયારનો આશરો કોણે લીધો? જેમની આસ્થા ચીન કે રશિયામાં રહી તેવા એક વર્ગે. તેલંગણાના વિદ્રોહથી તેની શરૂઆત થઈ અને નક્સલવાદ, માઓવાદ, અર્બનનક્સલવાદ જેવા જૂથ ઊભા થયા. અને કેટલાક ડાબેરી પરિબળો તેમાં જોડાયા. તેઓ આંદોલનો, મતદાન, શિક્ષણ વગેરેનો પણ ઉપયોગ હોંશિયારીથી કરે છે. તેઓ દલિત, વંચિત, પીડિત વગેરે શબ્દાવલિનો ભ્રામક ઉપયોગ કરીને લોકોમાં વિભાજન પેદા કરે છે. ન્યાય માટેના આંદોલનના નામે અરાજકતા ફેલાવવાનો તેમનો મુખ્ય એજન્ડા રહે છે.
આવતીકાલના ભારતીય પ્રજાસત્તાકને કોઈ મોટો ખતરો હોય તો તે નાગરિકની સજ્જતાના અભાવમાં પડ્યો છે. લોકતંત્રને પણ વારંવાર સુધરવું પડે, સુધારવું પડે છે. રાષ્ટ્રને અને તેના અસ્તિત્વને કેન્દ્રમાં રાખીને, ‘બહુજન હિતાય”’ના અધૂરા ધ્યેયને બદલે ‘સર્વજન સુખાય’ તરફ જવું એ તંદુરસ્ત સમાજ અને પ્રજાસત્તાકની નિશાની છે.