ગુજરાત સંતો અને ભક્તોનું પારણું છે એમ કોઈકે કહ્યું હતું તે સાવ સાચું છે. વેદકાલીન ઋષિવરોએ તો ગાયત્રી મંત્ર જેવી રચના ગુજરાતમાં કરી, ઔષધશાસ્ત્રના અશ્વિનીકુમારો અહીં થયા, ભૃગુ ઋષિએ ચિંતનની પરાકાષ્ઠા સરજી, દધીચિએ અસ્થિબળને શસ્ત્રમાં પલટાવ્યું, જગતનું પ્રથમ સમુદ્રશાસ્ત્ર યવનાચાર્યે રચ્યું, સૂર્યપૂજાનો આવિષ્કાર દ્વારિકાતટે થયો... આ અને આવી બીજી ઘણી ઘટનાઓથી વેદકાલીન સમયપટ આલેખાયો છે.
સંત પરમ હિતકારી
મધ્યકાળમાં શ્રેષ્ઠ કવિવરો અને વૈયાકરણીઓની સાથોસાથ પૂજારીઓ અને દેવ-નર્તકીઓ પણ અહીં સુપ્રતિષ્ઠ થયાં. જૈન શાસ્ત્રકારોની એક દીર્ઘ પંક્તિ સરજાઈ.
અને સંત - ભક્ત - કવિઓમાં નરસિંહ મહેતા, મીરાબાઈ, ભાણ, રઇદાસ, ગંગાસતી, તોરલ દે, રવિ અને બીજા સેંકડોએ પ્રજાકીય અધ્યાત્મનું તપ અખંડ રાખ્યું હતું.
અર્વાચીનોનો આરંભ પ્રેમાનંદની આખ્યાનકથાથી થયો. દયારામે પ્રેમભક્તિની ગરબી રચી. ઋષિ દયાનંદ અને સહજાનંદ સ્વામીનાં નામ વિના આ પરંપરાની વાત અધૂરી રહી જાય. અગમનિગમની ધૂણી ગુજરાતમાં થઈ. જ્ઞાનેશ્વરના ગુરુ ગોરક્ષનાથ અને મત્સ્યેન્દ્રનાથ તો ગિરનારના નાથ-અવધૂતો!
આપણી નજર સામેના સાધુ - સંતો - કથાકારો - ભક્તોની યાદી ઘણી લાંબી છે. ડોંગરે મહારાજ, મોરારિબાપુ, રમેશભાઈ ઓઝા, કનકેશ્વરી દેવી અને બીજા નામો જલદીથી હોઠ પર આવે. ઘઉંમાં કાંકરાયે આવે તેવાં ઉદાહરણો ઓછાં નથી, પણ તે વાતને બાજુ પર રાખીએ તો પ્રમુખસ્વામીથી માધવપ્રિયદાસજી સુધીના અને વૈષ્ણવ પરંપરાના યે નામોનો મહિમા છે. ચંદ્રશેખર વિજયજી જેવા જૈન આચાર્યોએ તો મોટું પરિવર્તન સર્જ્યું. બંધુ ત્રિપૂટીનો તેમાં સમાવેશ થાય છે.
પ્રમુખસ્વામીએ દેશે-વિદેશે સ્વામીનારાયણ સંપ્રદાયને સુપ્રતિષ્ઠ કર્યો અને દેવાલયો સ્થાપિત કર્યાં. ગાંધીનગર અને દિલ્હીનાં અક્ષરધામોની ગણના સુખ્યાત દેવાલયોમાં થાય છે. સોમનાથ પર જેમ મોહમ્મદ ગઝનવીએ, તે રીતે ગાંધીનગરના અક્ષરધામ પર આધુનિક ગઝનવી જેવા આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આવાં આક્રમણોની પરવા કર્યા વિના સ્વામીનારાયણ સાધુ પુરુષોએ છારોડી, કાળુપુર, વડતાલ, સારંગપુર, મૂળી, ગઢડા વગેરે સ્થાનોએ આ વારસાને વધુ સમૃદ્ધ બનાવ્યો છે. હવે તો ગુજરાત - અને વિદેશોમાં - યે ‘જય સ્વામીનારાયણ’નો માહોલ છે!
પ્રમુખસ્વામીનું પ્રદાન
પ્રમુખસ્વામીનું તાજેતરમાં અવસાન થયું. દેશવિદેશના અગ્રજનો તેમને અંજલિ આપવા આવ્યા. વડા પ્રધાને ભાવુક થઈને કહ્યું કે મેં મારા પિતા ગુમાવ્યા છે. કેજરીવાલ તો સેક્યુલર રાજકારણી ગણાય, તે પણ આવ્યા. પૂર્વ રાષ્ટ્રપતિ કલામે પુસ્તક પણ રચ્યું હતું અને પ્રેરણાપુરુષ ગણાવ્યા હતા.
સંતોનો મહિમા તેમનામાં રહેલા સર્વોચ્ચ મનુષ્યભાવને આભારી છે. ‘સંસાર શુ સરસો રહે ને મન મારી પાસ’ની શ્રેષ્ઠ ભૂમિકાએ તેઓ પહોંચ્યા હોય છે. ‘સામાન્ય’થી ‘અ-સામાન્ય’ અને ‘નર’થી ‘નારાયણ’ બનવાની હિન્દુ પ્રક્રિયાના તેઓ ઉદાહરણ છે. તેઓ ભગવાન નથી હોતા, પણ દેવદૂતો જરૂર છે. પ્રમુખસ્વામીએ તેમના અનુગામી તરીકે મહંત સ્વામીની વરણી ઘણા સમય પહેલાં જ કરી હતી. અક્ષરધામની રચના દરમિયાન ડોક્ટર સ્વામી, વિષ્ણુચરણ સ્વામી વગેરેનો સુખદ પરિચય થયો હતો. તેના પરથી એવા નિષ્કર્ષ સુધી પહોંચવાનું મન થાય કે નીલકર્ણી આરાધનાએ ગુજરાતને ઘણું બધું આપ્યું છે. પ્રમુખસ્વામી અને તેમના અનુગામી સ્વામીજીઓ તેનાં ઉદાહરણો છે.
૭૦મો સ્વાતંત્ર્ય દિવસ
...તો, પંદરમી ઓગસ્ટ પણ આવી અને વીતી ગઈ!
આ પંદરમીએ ગુજરાતમાં નવા મુખ્ય પ્રધાન - વિજય રૂપાણીએ - મોરબીમાં પ્રદેશસ્તરનો સ્વાતંત્ર્ય ઉત્સવ થયો તેમાં ધ્વજવંદન કર્યું. આ જ દિવસે વડા પ્રધાન લાલ કિલ્લા પરનાં રાષ્ટ્રજોગાં ભાષણ પછી ગુજરાત આવ્યા અને સારંગપુર જઈને સ્વર્ગસ્થ પ્રમુખસ્વામીના વિદાય દર્શન કર્યાં. આ જ દિવસોમાં અલગાવવાદી અડ્ડો બનેલી જેએનયુનો કનૈયો અને ઉના-કાંડને નેતાગીરીનો અવસર માનનારાં ગુજરાતના કેટલાક જાણીતા-અજાણ્યા એક્ટિવિસ્ટોની કૂચ નીકળી. ‘દલિતોને અન્યાય’નું પાટિયું તેમની સાથે હતું. નિવેદનબાજો પણ તેમની સાથે મળ્યા. ‘દલિત-મુસ્લિમ એકતા’નો ઇરાદો જાહેર કરીને સમાજને વિભાજન તેમજ વિદ્રોહ તરફ લઈ જવાનો સંકેત પૂરો પાડ્યો. તેમાં કેજરીવાલથી કોંગ્રેસ સુધીના અને કથિત માનવાધિકારવાદીઓના સમૂહો ના ભળે તો જ નવાઈ!
એ તો સારું જ થયું કે સરકારની અને ભાજપ સંગઠનની ‘ત્રિરંગા યાત્રા’ અને ‘જરા યાદ કરો કુરબાની’ના ઉત્સવો આ દિવસોમાં શરૂ થયા. સુરેન્દ્રનગરમાં ૧૪ ઓગસ્ટ, ૧૯૪૭ના દિવસનું (પંદરમીનું નહીં) રાજકીય - ઐતિહાસિક મહત્ત્વ સમજાવતા વ્યાખ્યાનમાં મેં યાદ અપાવી કે નવી પેઢીને, અને પક્ષના કાર્યકર્તાને ગુજરાતનાં ૧૦૧ ક્રાંતિસ્થાનો સુધી પહોંચાડવાનું આયોજન થવું જોઈએ. ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઇસ’ના સંયુક્ત ઉપક્રમે છેક લંડનથી આવીને સી. બી. પટેલે થોડાંક વર્ષ પર અમદાવાદમાં આવો કાર્યક્રમ કર્યો હતો. મારાં પુસ્તક ‘ગુજરાતનાં ક્રાંતિતીર્થો’નું વિમોચન આદરણીય મોરારિબાપુ અને નરેન્દ્રભાઈ મોદીએ કર્યું હતું અને વણનોંધાયા ઇતિહાસની યશગાથા કહેતો એ સરસ પ્રસંગ બની ગયો હતો.
આ ચર્ચા સાથે તંઝિમ નામની તરુણીનો નિર્દેશ જરૂર કરવો રહ્યો. ઝાલાવાડના સુદામડા નામના ગામની આ ખોજા કન્યાએ કાશ્મીરમાં શ્રીનગર જઈને પંદરમીએ તિરંગો ફહરાવવા પ્રયાણ કર્યું તે નવી પેઢી - જેને લઘુમતી-બહુમતીના અલગાવ સાથે જરીકેય સંબંધ નથી - માટે પ્રેરણારૂપ ઘટના છે. સુદામડા નાનકડું ગામ છે - પણ ‘સરખે માથે સુદામડા’ જેવી કહેવતનું જન્મસ્થાન છે. ત્રણસો વર્ષ પૂર્વે અહીંના શાસક દરબારનો ખભેખભો મેળવીને ઝાંપડો ઢોલી - હરિજન - ગામ પર ત્રાટકેલા લૂંટારુઓની સામે લડીને શહીદ થયો હતો. ગામમાં સૌનો સમાન અધિકાર છે એમ ગામના રાજવીએ કહ્યું હતું તેને ચરિતાર્થ કરવાનું કામ આ ઢોલીએ કર્યું. ઢોલ વગાડીને આક્રમકો સામે સામનો કરનારાઓનું શુરાતન જગાડ્યું અને પોતેય ઢોલ વગાડતાં, લડતાં લડતાં મૃત્યુને પામ્યો હતો! ત્યાંની તંઝિમ પણ આવી બહાદૂર જ હોય ને?