પાટીદારો માટે અનામતનાં આંદોલનને કેવું અને કેટલુંક ગંભીરતાથી લેવું જોઈએ તેની ચિંતા અને ચર્ચા હવે થતી નથી. અખબારો જેલમાંથી હાર્દિક પટેલના એક પછી એક પત્રોના ‘બોમ્બ’નાં મથાળાં બાંધે છે. ટીવી પર પણ આવી જ ચર્ચા ચાલે છે. હાર્દિક પર ‘રાજદ્રોહ’નો ગૂનો પોલીસ અને ગૃહ ખાતાના અધિકારીઓનું ‘ભેજું’ હોવું જોઈએ એવું કોંગ્રેસના આગેવાનો માને છે. શંકરસિંહ વાઘેલાએ તો સ્પષ્ટતાપૂર્વક કહ્યું કે આવા અધિકારીઓને કાઢી મુકવા જોઈએ.
બીજી બાજુ મુખ્ય પ્રધાન આનંદીબહેનનું વલણ નવા પાટીદાર નેતાઓના સ્વૈરવિહારને તકલીફ આપે તેવું છે. ‘આંદોલનમાં હીરો બનવા નીકળેલા ‘ઝીરો’ થઈ ગયા છે’ એમ એક સભામાં તેમણે કહ્યુંયે ખરું.
આંદોલનની નેતાગીરી
જોકે પાટીદાર-પ્રસંગના પડઘા ગુજરાતમાં નથી જ પડ્યા એવું કહી શકાય તેમ નથી. હાર્દિકે મુખ્ય પ્રધાનને અને કોંગ્રેસ પક્ષના પ્રમુખ ભરતસિંહ સોલંકીને જેલમાંથી પત્રો લખ્યા તેનાથી એકેય વાત સ્પષ્ટ થતી નથી કે પ્રભાવ વિનાના થાકેલા આંદોલનકારી પાટીદાર યુવકો ભાજપની સાથે રહેવા માગે છે કે કોંગ્રેસની? કે પછી, આ બન્નેને છોડીને પોતાની શક્તિ પર તેમને ભરોસો છે? કોઈ કોઈ જગ્યાએ ‘આપ’નો હાથ પણ આંદોલનમાં પકડવો પડ્યો હતો.
દરેક રાજકીય આંદોલનની નવી કે જૂની નેતાગીરીને આપણે ત્યાં એક યા બીજા રાજકીય પક્ષના પડછાયાથી દૂર રહેવાનું પોસાતું નથી. આ એક વાસ્તવિકતા છે. ૧૯૫૬ના મહાગુજરાત આંદોલનમાં જનતા પરિષદ મુખ્યત્વે સમાજવાદીઓ અને સામ્યવાદીઓ ઉપરાંત થોડાક બગાવતી કોંગ્રેસીઓની બનેલી હતી. પરંતુ લાંબા ગાળે જનતા પરિષદમાં ફાંટા પડ્યા, ‘નુતન’ જનતા પરિષદ થઈ. ખુદ ઇન્દુલાલ યાજ્ઞિક કોંગ્રેસના સમર્થનમાં ચાલ્યા ગયા. બીજા પણ કોઈને કોઈ પક્ષમાં ભળી ગયા હતા.
નવનિર્માણ આંદોલન અને તે સમયના અધ્યાપક સંઘ (અધ્યાપક સંઘના પ્રમુખ કે. એસ. શાસ્ત્રી તો પછીથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી યે લડ્યા હતા!) બન્નેને કોંગ્રેસમાં અસંતુષ્ટોનો ટેકો હતો. છેલ્લા ‘સમાધાન’માં દિલ્હી સુધી નવનિર્માણ-નેતાઓને લઈ જવાયા તેમાં કોંગ્રેસે ભાગ ભજવ્યો હતો. ઇમર્જન્સી-વિરોધી આંદોલન પહેલેથી જનસંઘ, સમાજવાદીઓ, સંસ્થા કોંગ્રેસના હાથમાં હતું. તેમાંથી જ ૧૯૭૭માં ‘જનતા પક્ષ’ બન્યો પણ તે પછી જુદા જુદા પક્ષોમાં તેના એકમો જોડાયા. જનસંઘમાંથી ભાજપ બન્યો.
પાયો જ ખોટો?
ગુજરાત પાટીદાર સમાજમાં અનામત આંદોલન પોતે જ પાયામાંથી ગલત હતું. ગલત એટલા માટે કે ‘કહેવાતા’ સુખી-સંપન્ન પટેલો ‘અનામત’ માગે તે વાત જ કોઈને ગળે ઉતરે તેવી નહોતી. ખરેખર તો આંદોલન - ૧૯૭૪ના નવનિર્માણની જેમ - ભ્રષ્ટાચાર અને કથળેલાં શિક્ષણ પૂરતું હોવું જોઈએ. તે થયું નહીં અને આ પાટીદાર આંદોલનના કોઈ યુવા નેતા - હવે તો હાર્દિક પણ નહીં - સમગ્રપણે પ્રભાવી જનાંદોલન કરી શકે. આથી જુદા જુદા પક્ષો પાસે ‘લાભાર્થી’ બનીને થોડુંઘણું લેવાની રમતો શરૂ થઈ ગઈ છે.
પરિણામ એ પણ આવ્યું છે કે ૧૯૫૦થી જે પ્રકારે અનામત પ્રથા દાખલ થઈ તેનાથી દલિતો-આદિવાસીઓના છેક છેવાડાના માણસને કોઈ લાભ મળ્યો? આ સમુદાયોનો કેટલો વર્ગ સંપન્ન થયો? ઓબીસીના ઉમેરાથી કેવી હાલત થઈ? અનામતમાં જાતિ-સમુદાયોની સંખ્યા કેમ વધતી જ જાય છે, ઓછી કેમ નથી થતી? શું રાજકીય પક્ષો તેને ‘વોટ બેન્ક’ જ માનીને આગળ વધાર્યા કરે છે? અનામત પ્રથાથી વધુ પ્રભાવકારી વિકલ્પ જ આપણી પાસે નથી? શિક્ષણમાં ‘શ્રેષ્ઠતા’ની અને ‘સજ્જતા’ની જગ્યા અર્થ વિનાની ડિગ્રીએ લઈ લીધી છે? તેમાંથી પેદા થયેલા ડોક્ટરો, એન્જિનિયરો, વકીલો વગેરેનું સ્તર નુકસાન કરે છે કે નહીં? આ બધા સવાલોનો ગંભીરતાથી જવાબ શોધવાનો મુદ્દો સમૂળગો ફેંકાઈ ગયો! અનામતથી જાતિપ્રથા અને ભેદભાવ દૂર થશે તેવી આશા રાખવામાં આવી હતી. તેમાં યે નિષ્ફળતા મળી છે.
ગુજરાતમાં પાટીદારોના આંદોલનના વળતાં પાણી સ્પષ્ટ દેખાય છે પણ તેનો અર્થ એવો તો નથી જ કે મૂળ સમસ્યા સમાપ્ત થઈ ગઈ છે, તેના ડાળીડાંખળાં વધુ મજબૂત બન્યાં છે. સમરસ સમાજ અને ભેદભાવ વિનાના સમાજની જગ્યા વધુને વધુ વિભાજન કરવાની પ્રવૃત્તિએ લીધી છે. તેનો ઉપાય અત્યારે તો કોઈ વિચારતું હોય એવું લાગતું નથી.
પ્રમુખપદની પરંપરા
ભારતીય જનતા પક્ષના પ્રમુખની પસંદગી - આ લખાય છે ત્યાં સુધી - ઠેલાતી જાય છે. સંગઠનને માટે તે ઠીક નથી. કેન્દ્રમાં રાષ્ટ્રીય સ્તરે અમિત શાહની બીજી વારની પસંદગી પ્રમુખ તરીકે થઈ તેમાં વડા પ્રધાનની સાથે સમાન રીતે સંગઠન વત્તા સરકારનો વિચાર કરે તે હેતુ દેખાય છે. ભાજપમાં પ્રમુખપદે અગાઉ પણ એકથી વધુ મુદત આપવાનાં ઉદાહરણો છે એટલે પક્ષમાં આ ‘બે ગુજરાતી’ઓના નેતૃત્વ વિશે ખાસ ઊહાપોહ દેખાતો નથી. તેનાથી વિપરિત રાજનાથ સિંહે તો એવું કહ્યું કે મેં અધૂરી મુદતે અમિત શાહને પ્રમુખપદ સોંપ્યું હતું એટલે આ પહેલી જ મુદત ગણાય!
ગુજરાતમાં પક્ષપ્રમુખ બને તેની જવાબદારી સંગઠનને વધુ પ્રભાવશાળી બનાવવાની રહેશે. સરકાર સાથેનું સંયોજન પણ એટલું જરૂરી છે. ૧૯૯૫માં પક્ષપ્રમુખ શંકરસિંહ વાઘેલાની અનેક ફરિયાદોમાંની એક એ પણ હતી કે સરકારમાં મુખ્ય પ્રધાન સંગઠન-પ્રમુખને વિશ્વાસમાં લેતા નથી. ‘મને ચા પીવા પણ હવે બોલાવતા નથી!’ એવું તેમણે કહ્યું હતું. તેમાંથી પછી ભાગલા પડ્યા અને શંકરસિંહ વાઘેલા ઘણા ધારાસભ્યોની સાથે છૂટા પડ્યા, નવો પક્ષ બનાવ્યો, સરકાર બનાવી તે તવારિખ જગજાણીતી છે. પક્ષપ્રમુખ એવો હોવો જોઈએ કે જેનો કાર્યકર્તા અને પ્રજા - બન્ને પર પ્રભાવ હોય. આ વાત ભાજપની જેમ કોંગ્રેસને ય લાગુ પડે છે.
સમાજવાદી દીવો
હમણાં વર્ષોથી મજદૂરો માટે લડનારા સમાજવાદી નેતા ચિદમ્બરમને મળવાનું બન્યું. આ ઝૂઝારુ નેતા ૬૦ વાર જેલવાસી થયાની કારકિર્દી ધરાવે છે! ઇમરજન્સી દરમિયાન, સેન્સરશિપ સામે લડવા માટે ‘મીસા’ હેઠળ મારી ધરપકડ થઈ ત્યારે ચિદમ્બરમ્ પણ જેલનું પંખી બનેલા. ગુજરાતમાં ડો. રામમનોહર લોહિયા અને જ્યોર્જ ફર્નાન્ડિઝની સાથે રહેનારાઓમાંના પ્રાણભાઈ ભટ્ટ, કનુ ઠક્કર, તુલસી બોડા અને ચિદમ્બરમ્. આમાંથી ચિદમ્બરમ્ હજુ સક્રિય છે, બીજા કાયમી વિદાય લઈ ચૂક્યા છે. પ્રજા સમાજવાદી પક્ષ અને સમાજવાદી પક્ષની બે ફાડ પડી ત્યારે આ લડાયક નેતાગીરી ડો. લોહિયાની સાથે રહી હતી. પછી ‘સમતા પક્ષ’ રચાયો તેમાં હતા.
ગુજરાતમાં કામદાર ચળવળની લાંબી તવારિખ છે. ઇન્ટુક અને આઇટુક બે મોટી મજૂર સંગઠનાઓ. ‘મજુર મહાજન’ તો ગાંધીજી અને અનસુયા સારાભાઈના સંયુક્ત પ્રયાસોનું મજબૂત સંતાન. સર્વશ્રી શુકલ, બારોટ વગેરે તેના નેતાઓ હતા. પછીથી આ સંગઠનને ઉધઈ લાગી. ઇલાબહેન ભટ્ટ છૂટાં થયાં અને ‘સેવા’ નામે મહિલા સંગઠના ઊભી કરી. જનસંઘ પાસે ‘ભારતીય મઝદુર સંઘ’ હતો, પણ તેમાં મૂળિયાં વિસ્તારી શક્યો નહીં.
અમદાવાદ મિલોના બંધ પડવાથી યે કામદાર પ્રવૃત્તિને અસર થઈ. ‘લાલ વાવટા’ સાથેના બિરાદરોએ અમુક સમય સુધી અસર બતાવી. ઇન્દુલાલ યાજ્ઞિક પણ પ્રકૃતિએ મઝદૂરોના નેતા હતા. દિનકર મહેતા એવું બીજું નામ, એ પછીથી અમદાવાદ કોર્પોરેશનના પ્રમુખ બન્યા હતા. રાયખડના ‘ગોરજીના ડેલા’ના સા-વ સાધારણ મકાનમાં છેલ્લે સુધી રહ્યા તેનું આ લેખકને સ્મરણ છે. ચિદમ્બરમને મેં કહ્યું કે તમારે ગુજરાતની મજૂર ચળવળના સ્મરણો લખવાં જોઈએ!