સુશાંતસિંહ રાજપૂત નામે મુંબઈ વસવાટ કરનારા બિહારના યુવક અભિનેતાએ આપઘાત કર્યો કે પછી તેને મારી નાખવામાં આવ્યો તેની રોજેરોજની ચર્ચા હજુ અટકી નથી. પણ તેની પાછળ માત્ર પોલીસ તપાસ જ નહીં, દેશના ત્રણ રાજ્યો અને તેનું રાજકારણ આટલી હદે ઉત્પાતમાં સામસામે આવી જશે તેનો અંદાજ બિચારા સુશાંતને ય નહી હોય, તેને એવી પણ ક્યાંથી ખબર હોય કે બોલિવૂડના જંગલમાં નશાખોરીનો જે માહોલ છે, ને જેને કારણે હત્યાથી આત્મહત્યા સુધીના પરદા પાછળના લોહિયાળ ખેલનો પણ પર્દાફાશ થશે. અભિનેતા-નેત્રીઓ એકબીજાની સામે આવી જશે અને તેનો પડઘો સ્ટુડીઓથી સંસદ અને સ્થાનિક પોલીસથી સીબીઆઈ અને નાર્કોટિક્સ વિભાગ સુધી પહોંચશે.
એક અભિનેતાના મોતે સાર્વજનિક જીવનમાં ચર્ચા અને ઉહાપોહ મચાવી રાખ્યા છે, સાચું શું અને ખોટું શું તેની પરવા વિના ઘટના પાછળની ઘટનાનું ‘ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ’ ચાલશે. એક સમય એવો હતો કે ભારતીય રાજકારણમાં પેસી ગયેલા ભ્રષ્ટાચારને બહાર લાવવા સંશોધનાત્મક પત્રકારત્વ સક્રિય હતું. બોફોર્સથી ભાગલપુર જેલમાં કેદીઓને અંધ બનાવવાની કે તત્કાલીન વડા પ્રધાનના નામે મુંબઈમાં એક પ્રતિષ્ઠાન ખોલીને મુખ્ય પ્રધાને આચરેલા સિમેન્ટ કૌભાંડ સુધીની ઘટનાઓ બહાર આવી, રાજકારણમાં ભૂકંપ સર્જાયા, સત્તા પરિવર્તનો થયાં. અને છેક તેનો રેલો જયપ્રકાશ નારાયણના આંદોલન સુધી આવ્યો.
પણ હાલનું આ સંશોધનાત્મક પત્રકારત્વ તેવી તરાહનું નથી. સુશાંત અને રિયા કે પાછલી સેક્રેટરી દિશા અને રિયાના ભાઈ કે સ્ટાફના લોકોએ શું શું કર્યું, કઈ નશીલી દવા ક્યારે આપી, કેવી પાર્ટીઓ થઇ, ડ્રગ્સ ક્યાંથી આવ્યું, કોણે આપ્યું, કોણ ગોડફાધર બન્યા, કઈ બેંકમાં નાણાં ઠલવાયા અને ઉપાડી લેવામાં આવ્યા, કોણે કેટલી અને કેવી મિલકત બનાવી વગેરેની આસપાસના ભેદભરમ મીડિયા પર રોજ દર્શાવવામાં આવે છે, સાચી અને ખોટી, પ્રાયોજિત મુલાકાતો બતાવવામાં આવે છે, એકની એક વારંવાર બતાવવામાં આવે. જેણે આ મુખ્ય પાત્રોને એકાદ વાર પણ જોયા હોય તેઓ મોટું રહસ્ય જાણતા હોય તેમ મીડિયાને મુલાકાતો આપે છે, સંસદમાં જયા બચ્ચન ફિલ્મી દુનિયાને બદનામ કરવામાં આવે છે એવું કહે કે તુરત જવાબો મળે.
કોઈને ય તેનો અણસાર નહોતો કે અનેક ઘટના બનતી રહી છે તેવી જ આ આપઘાત કે હત્યાની ઘટના જલ્દીથી સામસામેના આક્ષેપો અને પ્રદેશ વિરુદ્ધ પ્રદેશ, સરકાર વિરુદ્ધ સરકાર, એક છાવણી વિરુદ્ધ બીજી છાવણી, પ્રદેશ સરકાર વિરુદ્ધ બીજી સરકાર, રાજ્ય વિરુદ્ધ કેન્દ્ર, એક પક્ષ સામે બીજો પક્ષના મોટા રણમેદાનમાં ફેરવાઈ જશે. અભિનયની દુનિયાનું જ એક પાત્ર કંગના રનૌત બોલશે અને તેની મુંબઈની ઈમારતને તોડી પાડવામાં આવશે. વાત ત્યાં સુધી પહોંચી કે કંગના મુંબઈમાં પ્રવેશ ના કરે તેવી જાહેરમાં ચેતવણી, અને તે પણ સત્તારૂઢ પક્ષનો નેતા આપે એવું બન્યું. પછી સામસામાં બાણ ચાલતા રહ્યાં. કંગનાની ઓફિસને ગેરકાયદે ગણાવીને મુંબઈના વહીવટી તંત્રે તોડી પાડી. બહુ જલ્દીથી તોડી નાખ્યું.
કંગનાએ પોલીસને તો ઠીક, સીધા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનને જ પડકાર ફેંક્યો, તો હિમાચલ પ્રદેશની સરકારે કંગનાને મુંબઈ જાય ત્યારે પોલીસ સુરક્ષા આપી. મહારાષ્ટ્ર સરકારે રિયા ચક્રવર્તીની સામે તપાસ કરવાં મુંબઈ પોલીસને કામગીરી સોંપી, તો સુશાંતના પરિવારે બિહારમાં પોલીસ ફરિયાદ નોંધાવી. મહારાષ્ટ્રને તેમાં અપમાન લાગ્યું અને બિહારના પોલીસ અધિકારીને તપાસાર્થે મોકલ્યા તો મુંબઈમાં તેને કોરેન્ટાઈન કર્યા. આ કેસ માટે સર્વોચ્ચ અદાલતે કહ્યું ત્યારે જ સીબીઆઈને મામલો સોંપવામાં આવ્યો.
બીજી તરફ હિમાચલ સરકારે પોતાના પ્રદેશની પુત્રીને પોલીસ આપી. આ થપ્પડ અકારી લાગે તેવી હતી અને તેની પરાકાષ્ઠા એવી આવી કે મહારાષ્ટ્રના શિવસેના નેતાઓ અને છેવટે મુખ્યા પ્રધાને જાહેરમાં કહ્યું કે આ મુદ્દે મહારાષ્ટ્રનું અપમાન કરવાની સાજીશ રચવામાં આવી છે. કંગનાએ મુંબઈને પાકિસ્તાન કબ્જાગ્રસ્ત કાશ્મીર (પીઓકે) જેવું ગણાવીને પોલીસનું અપમાન કર્યું.
વાત વધુને વધુ વણસી રહી છે. શિવસેનાએ આને બિહારમાં આવી રહેલી ચુંટણી માટે મુદ્દો ઉભો કર્યો તેવો આક્ષેપ કર્યો. કેન્દ્ર સરકારે કંગનાને સુરક્ષા આપી તેને માટે ભાજપની આલોચના કરવામાં આવી. સરવાળે આ મહારાષ્ટ્રનું અપમાન છે એવું શિવસેના મહારાષ્ટ્રની પ્રજાને ઠસાવવા માગે છે.
અગાઉ ભાષાવાર પ્રાંત રચના માટે માંગ ઉઠી અને ૧૯૫૫માં તેની જાહેરાત થઇ ત્યારે તેની પહેલાથી મુંબઈના અને મહારાષ્ટ્રના અલગ રાજ્યની રચના સામે ઉહાપોહ શરૂ થઇ ગયો હતો. મુંબઈ સહિતનું મહારાષ્ટ્ર મેળવવા ‘આમચી મુંબઈ’નો નારો પેદા કરાયો અને તેના સિલસિલામાં મુંબઈમાં પર પ્રદેશોના લોકો રહેતા હતાં તેમણે હાંકી કાઢવાની ચળવળ રસ્તા પર આવી ગઈ. ગુજરાતીઓને નાપસંદ કરાયા. પછી દક્ષિણ ભારતીયો અડફેટે ચડ્યા.
છેલ્લાં ઘણા વર્ષોથી એક યા બીજા પ્રદેશોના મુંબઈમાં રોટી, રોજગાર અને રહેઠાણ માટે આવેલા લોકોને હાંકી કાઢવા ટોળાં રસ્તા પર આવી ગયા. સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિમાં કાર્યરત કેશવરાવ ઠાકરેના યુવાન પુત્ર બાળાસાહેબે ફ્રીપ્રેસ અખબારમાં કાર્ટૂનિસ્ટની નોકરી કરી, પછી છૂટા થઈને જ્યોર્જ ફર્નાન્ડીસની સાથે નવા અખબારનું સાહસ કર્યું, તે મહીનોમાસ પણ ના ચાલ્યું એટલે પોતાનું કાર્ટુન-સામયિક શરૂ કર્યું. તત્કાલીન રાજકારણમાં ચાવી મળી ગઈ, જાહેર કર્યું કે મહારાષ્ટ્ર મરાઠાઓનું છે.
સંજય રાઉત એમ કહે કે મહારાષ્ટ્ર કોઈના બાપનું નથી, અમારું છે ત્યારે તેમાં તેના પૂર્વજ બાળાસાહેબની રાજનીતિની પરંપરાનો અંશ દેખાય. શિવસેના પણ બની જેણે કોઈ મોટો પક્ષ બાકી નથી રાખ્યો, જેની સાથે જોડાવાનું ન બન્યું હોય. કટોકટીમાં તો બાળાસાહેબે ખુલ્લી રીતે ઇન્દિરાજીને ટેકો આપ્યો. નિરીક્ષકો એવું કહે છે કે ઠાકરેએ પોતાની ધરપકડ ના થાય એટલે આવું કર્યું હતું. પણ ઠાકરેના રાજકારણને આટલી સહેલાઈથી માપી શકાય તેમ નથી.
પહેલી વાર મુખ્ય પ્રધાનપદ શિવ સેનાને મળ્યું અને કટ્ટર વિરોધી કોંગ્રેસ તેમજ શરદ પવારે ટેકો આપવો પડ્યો તે સમજી શકાય તેવી મજબુરી છે. શિવસેના માટે મહારાષ્ટ્રીયન મરાઠા, શિવાજી મહારાજ અને હિંદુ સમાજ, આ ત્રણ હથિયાર છે. તેમાં કંગના-રિયા મુદ્દો ભળ્યો એ વળી નશીલા દ્રવ્યો સાથે સંબંધ ધરાવનાર ફિલ્મી જગતની ખાસિયત છે. મુંબઈનું રાજકારણ બોલીવુડ ચાલી શકે તેવું નથી, અને દેશ વિદેશના માફિયા આવા ટોચના અભિનેતા-નેત્રીઓ સાથે તમામ પ્રકારનો સંબંધ રાખે છે. આ ત્રેખડ હવે અમુક અંશે મુશ્કેલીઓથી ઘેરાયેલું છે. વળી પાછો પ્રદેશવાદ ખેલાવા માંડ્યો અને પ્રાદેશિક અસ્મિતાના નામે જે દિશા પકડવામાં આવી છે તે ખતરનાક પરિણામો લાવી શકે તેમ છે.