બળાત્કાર આપણા શારીરિક અને માનસિક ભોગવટાનો સૌથી ખરાબ પ્રકાર છે અને દુનિયાનો કોઈ દેશ બાકી નથી કે જ્યાં બળાત્કારો ન થયા હોય. પશ્ચિમમાં તો આવો અનુભવ કરી ચૂકેલી મહિલાઓની આપવીતી પુસ્તક સ્વરૂપે આવી છે. માનસશાસ્ત્રીઓનાં વિશ્લેષણ કરતાં પુસ્તકોનો પાર નથી. એક વાર કોઈકે કહ્યું હતું કે દરેક સરકારે માત્ર બળાત્કાર નિવારણનો એક વિભાગ કે ખાતું ઊભા કરવાં જોઈએ. મહિલા ઉત્પીડન પર દરેક સભ્ય સરકાર પગલાં લેતી જ હોય છે અને તેનો અલગ વિભાગ પણ હોય છે.
છતાં, બળાત્કારો તો થાય જ છે! હમણાં હાથરસની નિર્મળાની ઘટના બહાર આવી, તે પહેલાં નિર્ભયાકાંડ થયો હતો. ગુજરાતમાં હમણાં બે કિસ્સા બહાર આવ્યા તો મીડિયાના એક વર્ગે કાગારોળ મચાવી દીધી, જાણે આખું ગુજરાત રોજરોજ બળાત્કાર જ કરતું હોય! કોંગ્રેસ અને ભાજપ-વિરોધી ‘લિબરલ’, ‘ડાબેરી’, એનજીઓ’ને તો હથિયાર મળી ગયું! રાહુલ ગાંધી - પ્રિયંકા ગાંધીની પીડિતાના પરિવાર સાથે ‘ફોટો મુલાકાત’ થઈ. મળ્યાં તે પહેલાં એક કોંગ્રેસી નેતાએ પીડિતાના પરિવારને શીખવ્યું કે તમારે સીબીઆઈની તપાસની ના પાડવી! રિપબ્લિક ટીવીના ધૂંવાધાર પત્રકાર અર્ણવ રોયે ઘટસ્ફોટ કર્યો અને વીડિયો બતાવ્યો કે આ ‘નેતા’એ ૫૦ લાખ રૂપિયાની ઓફર પણ કરી હતી!
દાળમાં કંઈક કાળું છે. રાજકીય લાભ ખાટવા રોજેરોજ હાથરસ જનારા મુલાકાતી નેતાઓ પહેલા સરઘસ કાઢે છે પછી મારામારી કરે છે, પોલીસ તેને રોકે છે અને લાઠીમાર કરે છે. આ ઘટનાઓ વિશે મુખ્ય પ્રધાનનું કહેવું છે કે દંગા-ફસાદ કરાવવાની એક સાજિસ થઈ છે. ઉત્તર પ્રદેશમાં વિકાસ થાય એ અમુક પરિબળોને ગમતું નથી.
દરેકની વાતમાં કેટલીક સચ્ચાઈ છે, પણ મૂળ મુદ્દો ભૂલાઈ જાય છે તે દેશ અને સમાજમાં બળાત્કારોનું નિવારણ કઈ રીતે થાય તેનું આત્મનિરીક્ષણ થવું જોઈએ તે નથી થતું. શા માટે, અને કોણ બળાત્કાર કરે છે. આ રહ્યા તેવા ગૂનેગારો.
(૧) વ્યક્તિગત, કુટુંબગત જીવનમાં જેમને સંસ્કાર મળી શક્યા નથી તેવા માનસિક વિક્ષિપ્ત લોકો.
(૨) હતાશા, નિરાશા, પરાજયને કારણે બનેલા પ્રતિક્રિયાવાદીઓ.
(૩) વર્તમાન જીવનશૈલીમાં ફિલ્મો - સીરિયલો - ફેશન વગેરેએ પેદા કરેલી ‘શરીરને જ વધુને વધુ ખૂલ્લું કે સેક્સી બતાવવાની’ પ્રવૃત્તિ.
(૪) સત્તા એ મોટો નશો છે. રાજકીય, આર્થિક, સામાજિક સત્તા ભોગવનારાઓ સહેલાઈથી સ્ત્રીની સ્થિતિનો લાભ લે છે.
(૫) પોતાની જરૂરિયાતો માટે વંચિત, ગરીબ, મજબૂર કે લાલચુ સ્ત્રીઓ આ ‘છૂટછાટ’ને સ્વીકારી લે છે.
(૬) સેક્સ એ માત્ર ભૂખ સંતોષવાની જરૂરિયાત છે એવી માન્યતા અને માનસિકતાને માટે હોલિવૂડ - બોલિવૂડ - નાટક - સીરિયલો - પુસ્તકો કાયમ ઉપલબ્ધ છે.
(૭) પુરુષપ્રધાન સમાજમાં પૌરુષને પરાક્રમી બનાવવાને બદલે સ્ત્રીને ભોગવવાનો નશો અને અધિકાર માની લેવામાં આવે છે.
(૮) શરાબનો અતિરેક, અહંકારનો અતિરેક, ભોગવટાનો અતિરેક, સ્વચ્છંદતાનો અતિરેક પણ બળાત્કારનો રસ્તો ઊભો કરે છે.
(૯) સત્તા અને સંપત્તિ પણ આવો જ ભાગ ક્યારેક ભજવે છે.
(૧૦) વર્તમાન પરિસ્થિતિમાં ઘર - કુટુંબ - સમાજ - દેશ વિશેની દૃઢતા તૂટતી જાય છે તે પણ સંસ્કાર વિહીનતાને સહજ માનીને આગળ વધે છે.
(૧૧) હાથરસ કંઈ એકલદોકલ ઘટના નથી. મુખ્યત્વે પોલીસ તરફ આંગળી ચીંધવામાં આવે છે. પોલીસની પાસે સમાજ સુરક્ષા માટેની વ્યાપક સત્તા છે. તેનો ક્યારેક બેફામ ઉપયોગ થાય અથવા તો નિષ્ક્રિયતા રહે ત્યારે બળાત્કારોની પરંપરા સર્જાય છે. કેટલાકના મતે પુરુષ-વર્ચસ્વ ધરાવતી પોલીસ આવા કિસ્સાને નગણ્ય ગણે છે. તેને માટે પોલીસ તંત્રમાં સ્ત્રીઓની વધુ ભરતી જરૂરી છે.
(૧૨) હાથરસનું રાજકારણ બળાત્કાર-કેન્દ્રી બની ગયું, તેમાં જાતિવાદ પણ ભળી ગયો. હાથરસના ઠાકુરો અને સવર્ણો, તેના ધારાસભ્ય સહિત, એકત્રિત થઈને આરોપીઓનો બચાવ કર્યો અને કહ્યું કે આ લોકો નિર્દોષ છે. કેટલાકના મતે પીડિતાના પરિવારે જ નિર્મળાને મારી નાખી છે. પણ પ્રશ્નો તો ઊભા જ રહે છે. પોલીસે મધરાતે પીડિતાના કેમ અગ્નિસંસ્કાર કરાવી નાખ્યા?
રાજકીય રીતે થાકી ગયેલી કોંગ્રેસના જીવમાં જીવ આવી ગયો. કેટલોક ‘સેક્યુલર’ વર્ગ ‘ભગવાધારી ચીફ મિનિસ્ટર’ને પહેલેથી પસંદ નથી કરતો, તેને ‘હિન્દુ રાજ્ય’ ચાલવાની આશંકા છે. તેઓ પણ તૂટી પડ્યા!!
ખરેખર તો આ સમગ્ર પરિબળો જે આપણે ક્રમશઃ નોંધ્યા તે બધાંનો સમગ્રપણે વિચાર કરવો જોઈએ.
આપણું શિક્ષણ જીવનલક્ષી નથી, માત્ર વ્યવસાયલક્ષી બની ગયું. આપણા શિક્ષક - અધ્યાપકોનો મોટો વર્ગ વિદ્યાલક્ષી નહીં, પણ પગારલક્ષી બની ગયો. યુનિવર્સિટીઓ સત્તાની અને કૌભાંડોની ખેંચતાણનાં કારખાના બની ગયાં. ધર્મોપદેશકોનો એક નાનો - પણ અસરકારક - વર્ગ પોતે જ ભ્રષ્ટલીલા કરતો થયો. તેમાં કેટલાક તો જેલોમાં છે પણ તેના ભક્તો વધતા જાય છે!
સામાજિક સંગઠનો એક સમયે સમાજસુધારનું કામ કરતા, આજે વિદેશી ફંડિંગ અને અલગાવવાદી પ્રવૃત્તિમાં પડ્યા છે. અને રાજકારણ પણ નાત-જાત-કોમ-સંપ્રદાયનો અડ્ડો બની ગયાનું દૂર્ભાગ્ય સર્જાયું છે. આ બધા પ્રત્યક્ષ અને છૂપી રીતે સામાજિક પ્રદૂષણોના જન્મદાતાઓ છે, તેમાંનો એક ‘બળાત્કાર’ પણ આવી જાય છે. કેટલાક દારૂબંધીથી રાજ્યની આવક ઘટી જાય છે તેવી દલીલ કરીને દારૂની છૂટ થવી જોઈએ તેવી માગણી કરે છે. તમિળનાડુ અને કેરળમાં સ્ત્રીઓએ દારૂબંધીની તરફેણમાં સરઘસો કાઢીને જણાવ્યું હતું કે, બળાત્કારો, સ્ત્રીઓને ઘર બહાર કાઢી મૂકવી વગેરેમાં દારૂ મુખ્ય જવાબદાર છે. જ્યાં દારૂબંધી છે ત્યાં છડેચોક દારૂ વેચાય છે એટલે દારૂબંધી ન રહેવી જોઈએ એવી દલીલમાં કોઈ દમ નથી. બલ્કે, પોલીસ અને સત્તા બંનેને વધુ સજાગ - સક્રિય બનાવવાં જોઈએ તો દારૂનું દૂષણ ઓછું થાય તેમાં શક નથી.
આ બધા પરિબળોની સામુહિક ચિંતાની જવાબદારી રાજકારણીઓ (શાસક અને વિરોધ પક્ષો), સમાજસેવી સંગઠનો, શિક્ષણ, સાધુ-સંતો, પોલીસ તંત્રની સમાન રીતે છે, બધાં એકત્રિત થઈને દેશને બળાત્કારમુક્ત સમાજ બનાવવા માટેનાં પગલાં વિચારી ના શકે?
એવું થવું તો જોઈએ.