આપણા નગર - મહાનગરો વિશે કવિઓએ કલમ ચલાવી છે. ‘આ તે શા હાલ, સુરત સોનાની મુરત’ અને ‘ચલ મન, મુંબઈ નગરી...’ હોઠ પર આવે.
નર્મદા કિનારે વસેલાં ભરૂચ માટે કહેવાયુંઃ ‘ભાંગ્યું તો યે ભરૂચ!’ આમ તો તેમાં ભરૂચનાં ખમીરને બિરદાવાયું છે, પણ એક લક્ષણ ઉમેરીને પૂછી શકાયઃ ‘ભરૂચ ક્યાં ભાંગ્યું છે, ભલા?’
તેનો અતીત ભવ્ય છે, ઠીક નર્મદા જેવો જ. તેના વર્તમાન પણ ભૂતકાળની ભૂમિ પર ઊભો છે. ભૃગુ ઋષિ વિના ભૃગુકચ્છ - ભરૂચની વાત અધૂરી છે. આ ઋષિકૂળે નર્મદાનાં કાંઠે સાંસ્કૃતિક વૈભવ સર્જ્યો હતો. સંશોધનકર્તાઓ તો એમ પણ કહે છે કે પ્રાચીન પરંપરાનું આપણું દિવ્ય-ભવ્ય સ્તોત્ર અને મંત્રોની રચના અહીં થઈ હતી. કયો ભારતીય સૂર્યોપાસના સમયે ‘ઓમ ભુ ભૂર્વસ્વઃ તત્સવિતુર્વરેણ્યમ્, ભર્ગો દેવસ્ય ધિમહી ધિયો યોનઃ પ્રચોદયાત!’ શ્લોકનું પઠન નહીં કરતો હોય?
ગાયત્રીનું અવતરણ જ આ ભૂમિ પર ખળખળ વહેતી નર્મદા કિનારે. બળવંતરાય સરખા કવિને પણ સ્ફૂર્ણા થાયઃ
‘આઘે ઊભાં તટધુમસ જેમાં દ્રુમો
નીંદ સેવે, વચ્ચે સ્વપ્ને મૃદુ મલકતાં
શાંત રેવા સુહાવે!’
કબીર વડ આ ભૂમિ પરનો પ્રકૃતિસ્તંભ. નામ પણ જ્ઞાનધૂની ઓલિયા કબીર સાહેબ પર. એવો જ શાનદાર વૈભવ ભરૂચનો. ઇસવી સન પૂર્વે પાંચમી સદીમાં લખાયેલાં જાતક ગ્રંથોમાં આ ભૃગુ-નિવાસી ભૂમિ જેમ પેરિપ્લસમાં ભરૂચ ‘બારિગાઝા’ છે, હ્યુ- એન-ત્સંગે તેને ‘પો-તુ-કે-ચી-પો’ ગણાવ્યું હતું. નદીઓની યે જન્મકથા પ્રવર્તે છે. રાજા પુરુરવાએ જમીન પર ઉતારી એટલે નર્મદા - રેવા - મેકલકન્યકાને એક વધુ નામ મળ્યું તે સોમોદ્ભવા. કાલીદાસ ‘મેકલ’ પર્વતની કન્યકાને ‘વરદા’ કહે છે. આ પ્રાચીનતમ નદી છે. મુખથી મૂળ સુધી ૧૩૧૨ કિલોમીટરના દીર્ઘપટ પર વિરાજે છે, અહીં ભરૂચમાં આવતાં મધુમતી - કાવેરી - ટોક્ટી - મોહન જેવા વિલીનીકરણની સાક્ષી છે. આમ તો તેનાં નામ અનન્ય છે. રુદ્ર સમુદ્રભુતા, અયોનિજા, શોણ, મહાનદ, દશાર્ણા, ચિત્રકૂટા, તમસા, નર્મદા, સુરસા, મંદાકિની, વિદશા, કરભીનું વર્ણન છે.
અહીંની બ્રાહ્મણ પરંપરા દૂર દેશાવર સુધીની જ્ઞાન-યાત્રામાં મગ્ન રહી. પ્રાચીન શુકલ તીર્થના ‘અગ્નિહોત્રીઓ’ અને ‘સામવેદી’ બ્રાહ્મણો છેક કાશી સુધી વિસ્તર્યા હતા. અને આ ભરૂચ? બલિ રાજા અને વામનાવતારનું સાક્ષી! ‘રેવા ખંડ’માં એક કથા છેઃ ભૃગુ ઋષિવરે ‘કચ્છ’ ‘કૂર્મ’ (કાચબા)ની પીઠ પર એક મહાનગર વસાવ્યું તે આ ભૃગુકચ્છ.
મત્સ્ય પુરાણ, વાયુ પુરાણ, વામન પુરાણથી માંડીને દસમી સદીના કવિવર રાજશેખરના ‘કાવ્યામીમાંસા’માં પણ આ ‘જનપ્રદેશ’નો ઉલ્લેખ છે. ભરુનગર વાચક, ભારુ દેશવાચક (ડો. હરિપ્રસાદ શાસ્ત્રીનો મત) એમ બેવડી ઓળખ આ નગરની છે. પરદેશીઓએ ઇસવી સનની પહેલી સદીમાં તેને કહ્યું, ‘બારીગાઝા’! મક્કામાં હજ પઢવા જવું હોય કે દેશાવર વ્યાપારનું સાહસ કરવું હોય, અહીંથી જહાજ લાંગરે. છેક બેબીલોન અને ટાઈગ્રીસ સુધી આપણાં જહાજો પહોંચતાં.
જૈન - બૌદ્ધ ઇતિહાસે ભરૂચને બિરદાવ્યું છે. વીસમા તીર્થંકર મુનિ સુવ્રતસ્વામી વિહાર કરતાં અહીં આવ્યા હતાં. છેક સિંહલ (શ્રીલંકા)થી આવી હતી રાજકુમારી સુદર્શનાદેવી. તેણે ‘શકુનિકા વિહાર’નું નિર્માણ કરાવ્યું. શું બોધિસત્વ ભરુકચ્છના ઉત્તમ નાવિક હતા? કદાચ. ઈ.સ. પૂર્વે ૫૦૦ની કથાઓ તો એવો સંકેત આપે છે. મૌર્ય સત્તા નબળી પડી તે પછી ગ્રીક આવ્યા, શ્રોત્રિય, ગુપ્ત, મૈત્રક, ચાલુક્ય, મુઘલ, મરાઠા અને છેવટે નવાબી શાસન રહ્યું. સોમનાથ અને સુરતની જેમ આ નગર પણ બબ્બે વાર લૂંટાયું છે.
સ્વાતંત્ર્યયુગમાં પંડિત ઓમકારનાથજીનું સ્મરણ થાય. દાંડીકૂચ વખતે તેમણે સિંહગર્જન કર્યું હતું; તેની પ્રથમ પંક્તિ -
‘ગિરિ સે ગીરાઓ,
મજધારમેં બહાઓ...’
૧૯૬૦માં જ જિલ્લાનું સ્થાન ભરૂચે લીધું. ૧૧ તાલુકા રહ્યા - ભરૂચ, આમોદ, અંકલેશ્વર, વાગરા, હાંસોટ, જંબુસર, ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ. ૬૫૩ ગામડાં, કડિયો ડુંગર અને સારસા માંનો ડુંગર. નદીઓમાં ઢાઢર, નર્મદા, કરજણ, અમરાવતી, કીમ, મેણ. પાંચ નાનાં-મોટાં બંદરગાહ. સૌથી વધુ અકીક ખનીજનું ઉત્પાદન કંબોઈ (કાજી)માં. બીજું સોમનાથ ગણાય સ્તંભેશ્વર દેવાલય, ભાડભૂતમાં નર્મદા મંદિર, શુકલતીર્થ અને જટાજૂટ કબીરવડ!
યમુના, ચિત્રોજ્જવલા, બિપાશા, રંજના, વલુવાહિની, ત્રિકુટા, વૈષ્ણવી, મહતી, કૃપા રેવા, વિમલા... રેવા તટે ૩૫ સંગમ છે. ૧૧ દક્ષિણે, ૨૪ ઉત્તરમાં. ૪૦૦ તીર્થ છે. આદિ શંકરની નર્મદા સ્તૃતિ ગમે તે વહેણમાં, ગમે ત્યારે સંભળાશેઃ ‘ત્વદિય પાદ પંકજમ્, નમામિ દેવી નર્મદે...’
ભરૂચનો ઇતિહાસ પ્રાચીનતમ છે, પાષાણયુગથી. પુરાણમાં તે અગ્નિપૂજકોનો દેશ કહેવાયો. તુરત ભૃગુ - ભાર્ગવ - પરશુરામનું સ્મરણ થાય. મૌર્ય, અનુ-મૌર્ય, ક્ષત્રપ, ગુપ્ત, મૈત્રક, અનુ મૈત્રક, સોલંકી, મુઘલ સુધીના યોગો આ ભૂમિએ અનુભવ્યા છે.
અંગ્રેજોની ઇસ્ટ ઇન્ડિયા કંપની. ૧૬૧૩માં ઓલ્ડ વર્થ વિલિંગ્ટન. ૧૬૧૪માં જમીન ખરીદી અને ૧૬૧૬માં જહાંગીરે સર થોમસ રોને પરવાનગી આપી. એ ઇતિહાસનું અ-જાણ પાનું છે કે સૂફી મુઘલ રાજપુત્ર દારા શિકોહને ભરૂચે આશ્રય આપ્યો હતો. ૧૬૬૦માં ઔરંગઝેબે પોતાના આ સગા ભાઈને મારી નાંખ્યો. ૧૮૫૭માં અહીં ૪૧૦ ગામડાંઓનું અંગ્રેજોએ નિઃશસ્ત્રીકરણ કરાવ્યું. ૧૮૮૫માં ભીલોએ બગાવત કરી. લખા ભગતને ફાંસીની એ ઘટના. રાજપીપળા સુધી તાત્યા ટોપે આવેલો. તે સફળ થયો હોત તો સમગ્ર ગુજરાત સ્વાધીન હોત.
૧૯૩૦માં દાંડી કૂચ થઈ તે બોરસદ તાલુકાના દેવાતાથી મહી નદીને ઓળંગીને જંબુસર - આમોદ થઈ ભરૂચ પહોંચી. જંબુસર નગરમાં દાંડીકૂચ સમયે જવાહરલાલે ‘આનંદ ભવન’ રાષ્ટ્રને અર્પણ કરવાની ઘોષણા કરી. ડો. ચંદુલાલ દેસાઈ, છોટુભાઈ પુરાણી, શાંતિલાલ શાહ... બધા રાષ્ટ્રીય સંગ્રામમાં સામેલ હતા. શહીદ વિક્રમ ભૂગર્ભ પત્રિકાનો તંત્રી હતો. ચૂનીલાલ મોદી, ચંદુશંકર ભટ્ટ, દિનકરરાય દેસાઈએ જંગ ચાલુ રાખ્યો. આઝાદ પાર્ટી ૧૯૪૨માં સ્થાપવામાં આવી. છોટુભાઈએ તો સાડા ત્રણ વર્ષ સુધી ભૂગર્ભ પ્રવૃત્તિ ચલાવી.
આદિવાસી વનવાસી વૈવિધ્ય અહીંનું ઘરેણું છે. ‘ભીલ’તો ‘બિલ્લુ’ જેવા દ્રવિડ શબ્દ સાથે સંબંધ ધરાવે છે. બિલ્લુ એટલે બાણ. અહીં ‘ભીલોડી રામાયણ’ ગવાય છે. નારેશ્વરના રંગ અવધૂત મહારાજ, ટેંબે મહારાજ, સુંદરમ્, બળવંતરાય ઠાકોર, ડો. રતન રુસ્તમ માર્શલ, અરવિંદ-શિષ્ય અંબુભાઈ પુરાણી અને છોટુભાઈ પુરાણી.
કાવી તે કપિલ મુનિની નગરી. ભરૂચનો જન્મ ૪૦૦૦ વર્ષ જૂનો. ૧૮ હજાર શિષ્યો સાથે ભૃગુ ઋષિ અહીં આવ્યા હતા. હિડિમ્બા-પુત્રી હાટિકાની વિનંતીથી માઘ સુદ પાંચમે કૂર્મની પીઠ પર, વિશ્વકર્માનું સ્મરણ કરીને રચાયું તે આ ભરૂચ.
કોણ કહે કે આ ભાંગેલુ ભરૂચ?