ભાજપ પ્રદેશ પ્રમુખની પસંદગીઃ એક સાવધાની, એક પડકાર

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Tuesday 12th January 2016 10:47 EST
 

ઉત્તરાયણનો પતંગ આકાશમાં ઊડે ત્યાં સુધીમાં અટકળ એવી છે કે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે કોઈ એક નેતાની વરણી થઈ જશે. ભાજપ અને તેના પૂર્વવર્તી પ્રમુખોની પસંદગી એક રસપ્રદ રાજકીય તવારીખનો વિષય છે. વિરોધ પક્ષે હોય ત્યારે પ્રમુખ બનવું તેનાં સમીકરણો સત્તામાં હોય ત્યારે સંગઠન-પ્રમુખ બનવાથી સાવ અલગ રીત રહે છે. ૧૯૫૨માં દિલ્હી-લખનૌમાં ભારતીય જનસંઘની સ્થાપના થઈ ત્યારે મહાકાય કોંગ્રેસનો સામનો કરવા માટે મેદાને પડેલા ઉત્સાહીઓની કિશોરકથા જેવી જનસંઘની સ્થિતિ હતી.

સમાજમાં સુપ્રતિષ્ઠ મોભી ગણાય તેવા ભાગ્યે જ જનસંઘમાં સામેલ થાય. કોંગ્રેસ અને પ્રજા સમાજવાદી પક્ષની ભારે અસર હતી. એટલે શરૂઆતમાં જ્યાં ક્યાંય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની થોડીઘણી પ્રવૃત્તિ હોય ત્યાં જનસંઘનાં એકમો રચાયાં. ગુજરાતમાં એકાદ-બે નગરપાલિકાઓ પણ ક્યાં નસીબમાં હતી? એટલે સ્થાનિક-પ્રાદેશિક-રાષ્ટ્રીય સવાલો પર આંદોલનો કરવાં એ જ મુખ્ય કાર્ય! દીવ-દમણ, ગોવા સત્યાગ્રહ, વેચાણવેરા વિરોધી ચળવળ, ફી વધારા સામેનો સંઘર્ષ, ગૌહત્યા વિરોધી દેખાવો, છાડબેટ અને કચ્છ-સત્યાગ્રહ... આ બધા શરૂઆતમાં પક્ષને મજબૂત કરવા માટેના મથામણનાં માધ્યમો હતાં.

ગુજરાત પ્રદેશ જનસંઘના પ્રમુખ બન્યા મોહનનાથ કેદારનાથ દીક્ષિત. સુરતવાસી રાષ્ટ્રીય ચળવળના કાર્યકર્તા. તે પછી હરીસિંહજી ગોહિલ આવ્યા. હિન્દુ સભાની સાથે સંકળાયેલા હરીસિંહભાઈ રાજકોટ મ્યુનિસિપાલિટીના પહેલવેલા પ્રમુખ બન્યા તે જનસંઘની તે સમયની પહેલવેલી સિદ્ધિ! પછી એક ૧૯૬૦ના દશકમાં માણાવદર અને બોટાદ મ્યુનિસિપાલિટીમાં બહુમતી મળી. ચીમનભાઈ શુક્લ રાજકોટથી ધારાસભામાં જીત્યા.

ગુજરાત જનસંઘના શરૂઆતના પ્રમુખો માટે તે ‘પટેલ’ છે, ‘ઓબીસી’ છે, ‘દલિત’ છે એવી ગણતરી કરવામાં આવતી નહીં. હરીસિંહજી ગોહિલ, દેવદત્ત પટેલ, મકરંદ દેસાઈ, કેશુભાઈ પટેલ, ડો. એ. કે. પટેલ, વજુભાઈ વાળા, શંકરસિંહ વાઘેલા વગેરે પ્રમુખ બન્યા ત્યારે તેમણે પક્ષ અને વિચારધારા - બન્ને માટે પ્રયાસ કરવાના રહેતા અને તેઓ તેમ કરતા પણ ખરા. ૧૯૭૫માં પહેલી વાર જનસંઘ જનતા મોરચામાં હોવાથી નવી સરકારમાં મંત્રી પદની કેટલીક તક મળી. કેશુભાઈ પટેલ, મકરંદ દેસાઈ અને શ્રીમતી હેમાબહેન આચાર્ય - આ જનસંઘમાંથી ગુજરાતમાં પ્રથમ પ્રધાન બન્યા હતા. ૧૯૭૭માં જનતા પક્ષમાં યે તેવી તક મળી અને તે પછીના ડાવાડોળ રાજકારણમાંથી ૧૯૯૫થી જનસંઘના અનુગામી ભારતીય જનતા પક્ષને બહુમતી મળવા લાગી તે આજ ’દિ સુધી ચાલુ રહી છે.

સત્તામાં હોવું અને સંગઠનને જાળવવું - એ બેવડાં કામ પક્ષો માટે અઘરાં સાબિત થતાં હોય છે. ભાજપ સત્તા પર આવ્યો તે પછી થતાં તેનાં સંમેલનો, અભ્યાસ વર્ગો કે બેઠકો મુખ્યત્વે સત્તા-કેન્દ્રી રહે તે સ્વાભાવિક છે. સંગઠનમાં કામ કરનારનેય એવી આશા બંધાય કે સરકારમાં કોઈ હોદ્દો કે પદ જરૂર મળશે. આ પણ પક્ષમાં સક્રિય રહેવા માટેનું એક ચાલક બળ બની જાય છે, એટલે સંગઠન ચૂંટણી જીતવા માટેનું પરિબળમાં બદલાઈ જાય. જનસંઘ સમયની શિબિરો અને અભ્યાસ વર્ગોમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયનાં ‘એકાત્મ માનવદર્શન’ સહિતની વૈચારિક ફિલસૂફી દરેક કાર્યકર્તાનાં દિલોદિમાગમાં પ્રસ્થાપિત કરવાના પ્રયાસો થતા, સંગઠન અને શિસ્ત મહત્ત્વની બાબતો લેખાતી. સ્વાભાવિક રીતે જ શાસન પર આવ્યા પછી તેમાં ફેરફાર આવી જાય છે. સંગઠનમાં પણ પક્ષને માટે કાયમ લોહીપસીનો એક કરનારાનું કામ માત્ર સંગઠન પૂરતું મર્યાદિત થઈ જાય, સત્તા પક્ષમાં આવવા માટે બીજા પક્ષો, સંસ્થાઓ, ક્ષેત્રોના લોકોની ભીડ જામે, તેમની અપેક્ષા યે મોટી હોય. એટલે શાસક પક્ષનું રાજકારણ અલગ પ્રકારનું બની જાય. આજકાલ પટેલોને અનામતની માગણીના આંદોલને ભાજપ અને કોંગ્રેસ-બંનેમાં આંતરિક ગડમથલો સર્જી છે.

આવા સંજોગોમાં ભાજપના પ્રદેશપ્રમુખ કોણ બનવાં જોઈએ? પટેલોને રાજી રાખવા માટે કોઈ પટેલ? અન્ય વર્ણોના કોઈ આગેવાન? ક્ષત્રિય? દલિત? આદિવાસી? પક્ષો ‘વોટ બેન્ક’ના પ્રભાવ હેઠળ આવા પ્રકારના હિસાબ જરૂર કરે પણ એક બાબત ભૂલી જવી ન જોઈએ કે પક્ષ અને વિચાર એ નાત-જાત-કોમ-સંપ્રદાયથી ઉપર પણ છે, અને તેનું સંચાલન એવા બાહોશ વિવિધ રાજકીય પ્રવાહોના જાણકાર સંગઠન-કૌશલ્ય ધરાવનાર અને વિચારાધારાને સમર્પિત હોવા જોઈએ તો ગુજરાત, પક્ષ, શાસન અને પ્રજાની ભલી વાર થાય.

આ આદર્શ અઘરો તો છે જ, પણ અશક્ય નથી. ભાજપ-જનસંઘની પાસે હજુ પરંપરામાં આવા શક્તિશાળી નેતાઓ પડ્યા છે, તેનો જરૂર ઉપયોગ કરી શકાય. આજે તેમના કેટલાક પુરોગામીઓ - મકરંદ દૈસાઈ, અરવિંદ મણિયાર, કાશીરામ રાણા, વસંતરાવ ગજેન્દ્ર ગડકર, સૂર્યકાંત આચાર્ય, ચીમનલાલ શુક્લ, હરીસિંહજી ગોહિલ વગેરે-ની પરંપરા હતી, તેને યાદ કરીને પક્ષે આગળ વધવું જોઈએ. છેવટે તો પક્ષ એ રાષ્ટ્રીય વૈચારિકતાનો એક પડાવ છે. જનસંઘ-ભાજપના તેવા ઉત્તમ શિક્ષકો - ડો. મુખરજી, અટલ બિહારી વાજપેયી, દીનદયાળ ઉપાધ્યાય, ડો. દેવપ્રસાદ ઘોષ, આચાર્ય રઘુવીર, રાજમાતા વિજયારાજે, પ્રેમનાથ ડોગરા, વગેરે હતાં... કોંગ્રેસ તેના ભૂતકાળને હડસેલીને ૧૯૬૯ પછી જે રીતે આગળ વધી તેનાં ખરાબ પરિણામો આવ્યાં તેનો બોધપાઠ લઈને વધુ શક્તિશાળી અને વિચારવાન બનવાનો આ સ્વર્ણિમ સમય છે.

ગુજરાત જનસંઘ - ભાજપનું, પહેલેથી મહત્ત્વનું રાજ્ય બની રહ્યું છે. ૧૯૭૪માં જો ગુજરાતમાં જનતા મોરચાનો પ્રયોગ થયો તેણે રાજકીય બદલાવનો રસ્તો બનાવી આપ્યો હતો. ઇમર્જન્સીની ભૂગર્ભ લડાઈના કારણે નરેન્દ્ર મોદીનાં નેતૃત્વનો ઉદય થયો હતો. નવનિર્માણ ચળવળે ભારતવ્યાપી જેપી ચળવળને વેગ આપ્યો હતો. તેમાંથી કોંગ્રેસ-વિરોધનો માહોલ રચાયો હતો. ૧૯૬૮માં પહેલી વાર કચ્છ-સત્યાગ્રહમાં તમામ વિપક્ષો એકત્રિત થયા તે ૧૯૬૭ના બિનકોંગ્રેસવાદમાં સાંપડેલી નિરાશા પછીની આશાવાદની પહેલી લહેરખી હતી. કોંગ્રેસના પ્રભાવને ખલાસ કરવામાં સફળ ગુજરાતે મોરારજી દેસાઈ અને નરેન્દ્ર મોદીને ભારતના વડા પ્રધાન બનાવ્યા. આ રાજકીય તવારીખના અભ્યાસ સાથે ગુજરાત ભાજપે આગળની રણનીતિ નક્કી કરવી જોઈએ.

સાહિત્ય અને સંસ્કૃતિની સરધાર

બે સાંસ્કૃતિક ઉત્સવોએ અમદાવાદને તાજગીભરી હવા આપી તે ‘સાબરમતી ઉત્સવ’ અને ‘ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ’ બંનેની પોતાની શૈલી હતી. સાબરમતી ઉત્સવમાં, સાર્વજનિક ક્ષેત્રે ઉદિત અનાર પટેલનું આયોજન નજરે ચડ્યું. મોટા ભાગે તેમાં ગુજરાત બહારના કલાકારોએ ધૂમ મચાવી. જાંખોપાંખો અને અધૂરો ઈતિહાસ રજૂ થયો તે સોનાની થાળીમાં લોઢાની મેખ હતી. ગીતસંગીત, કવિતા, ગઝલ, નૃત્ય નાટક, ભલે મહત્ત્વના બનતાં હોય પણ જ્યાં સુધી તમે પ્રજાની ઇતિહાસ-ચેતનાને જગાડતી પ્રસ્તુતિ ના કરી શકો ત્યાં સુધી ત્યાં સુધી તેની સફળતાનો વૈભાવ પ્રાપ્ત થતો નથી.

બીજો ‘ગુજરાત લિટરેચર’ ફેસ્ટિવલ કનોરિયા આર્ટ સેન્ટરમાં ત્રણ દિવસ સુધી ચાલ્યો. ‘સાહિત્ય અને સંવાદ’ તેનો હેતુ અને તેનો અંદાજ કંઈક આ શબ્દોમાં ‘સાહિત્ય મોજ હોવું જોઈએ ને રોજેરોજ હોવું જોઈએ! ભાષા એ હોય જે લોકોને બોલવી અને લખવી ગમતી હોય...નવા વાંચન-લેખનનો શોખ વિકસાવવા માટે લિટરેચરને ફન, કૂલ અને હેપ રીતે રજૂ કરવાનો પ્રયાસ...’

વાત મઝાની છે, અને ‘ફિલ્મ પણ સાહિત્ય છે’ એ મુદ્દે આ ફેસ્ટિવલમાં લોર્ડ મેઘનાદ દેસાઈ, અંજુમ રાજબલી, પ્રા. રીટા કોઠારી, અભિષેક જૈન, સંજય ઉપાધ્યાય, રૂપા મહેતા, બિનિતા દેસાઈ, મલ્લિકા દેસાઈ, સલીલ દલાલ, ઇશાન રાંદેરિયા, વૈશલ શાહ, નલિન શાહ, દીપક સોલિયા, શ્રીરામ રાઘવન્, મિહિર ભુતા, મયુર પુરી, પેન નલિન, પ્રા. એ. કે. સિંઘ, મહેશ ચંપકલાલ... આ બધા ફિલ્મ-નાટક વિશે બોલ્યા. ભાષણ નહીં ચર્ચા! મેઘનાદ દેસાઈએ ‘દિલીપકુમાર અને જવાહરલાલ’ની સમકાલીનતાનું પુસ્તક પણ લખ્યું છે. તેમનાથી કહેવાઈ ગયું કે સરસ્વતીચંદ્રના પહેલા બે ભાગ તો બરાબર પણ ત્રીજો-ચોથો વાંચી શકાય તેવા નથી, ‘નકામા’ છે. સામે બેઠેલા રઘુવીર ચૌધરી નારાજ થયા અને સલાહ આપી કે ફરી વાર સમય લઈને વાંચજો.

સત્રનું ઉદઘાટન સાહિત્ય સાથે જોડાયેલા રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલીએ સંમાર્જિત વક્તવ્યથી કર્યું. કાર્ટુન, કવિતા, સિરિયલ, લોકગીત, લોકસંગીત, નવા લેખ અને લેખિકાઓ... આવા લગભગ ૫૦ સત્રો; મોટા પરિસરમાં એક સાથે ત્રણ જગ્યાએ... જેને જ્યાં ફાવે ત્યાં બેસે. કંટાળો આવે તો બીજે જાય. કાફેટરિયામાં સરસ નાસ્તો અને ચાની ચુસ્કી લે. અનુકૂળ પડે તો પુસ્તક વેચાણ કેન્દ્રમાં જાય.

આયોજકોએ ગુજરાતી વાર્તાના એક ભૂલાયેલા સંપાદક અને સાહિત્યકારનું શતાબ્દી સ્મરણ પણ એક સત્રમાં કર્યું! અશોક હર્ષ ૧૯૬૦થી ‘ચાંદની’ વાર્તામાસિકના સંપાદક હતા. આજે સુપ્રતિષ્ઠ વાર્તાકારોની પહેલી વાર્તા ‘ચાંદની’ અને ‘આરામ’માં પ્રસિદ્ધ થઈ હતી. વિવિધ સાહિત્ય સ્વરૂપોના નિષ્ણાત આ કચ્છી માડૂએ સ્વાભિમાનપૂર્વક પોતાની કેડી કંડારી. સાહિત્યમાં સ્થાપિત હિતોનો વિરોધ કર્યો. નવોદિતોની આંગળી પકડી. પત્રકાર-જીવનમાં જ વર્ષો કાઢ્યાં. સો વર્ષ પૂર્વે જન્મેલા અશોકભાઈને ‘વાર્તાગુરુ’ તરીકે ગણાવીને ચર્ચાસત્ર આયોજિત થયું. તેમાં મધુ રાય, રજનીકુમાર પંડ્યા, યશવંત શુક્લ અને મારે બોલવાનું હતું.

મધુ રાયે તેનાં વાર્તા માસિક ‘મમતા’નો અશોક હર્ષ વિશેષાંક પ્રકાશિત કર્યો તેનું સંપાદન રજનીકુમારે (મધુ રાય અને રજનીકુમાર બંનેની પ્રથમ વાર્તા ‘ચાંદની’માં જ પ્રકાશિત થયેલી!) કર્યું છે. અશોક હર્ષ પછી ૧૯૮૧થી ‘ચાંદની’નું સંપાદક પદ મેં સંભાળ્યું હતું. ૬૦ અને ૭૦ના બે દશક દરમિયાન આ લેખકે પણ વાર્તાઓ લખી હતી!

(એક રસપ્રદ સ્મરણ મેં કહ્યું કે ૧૯૭૫-૭૬માં કટોકટી દરમિયાન અમે જેલમાં હતા. વડોદરાના જેલવાસ દરમિયાન કેટલાક મિત્રોને એવું સૂઝ્યું કે સરસ ફિલ્મ બનાવવી જોઈએ! ‘ચાંદની’માં પ્રકાશિત મારી વાર્તા પછીથી નવલકથાના વિસ્તારમાં મેં લખેલી તેનો આધાર લઈને ગુજરાતી ફિલ્મ બનાવવી એવું નક્કી થયું. તેના મુખ્ય પાત્ર તરીકે શંકરસિંહ વાઘેલા હતા! આશા પારેખ સાથે સંપર્ક થયો, આખું આયોજન તો થયું, પણ પછી કટોકટી સમાપ્ત થઈ. બાપુ રાજકારણનો જંગ જીતવામાં ગળાડૂબ બન્યા અને પેલી વાત વિસરાઈ ગઈ. ગુજરાતને એક ફિલ્મી હીરો મળવાની તક મળી નહીં!)

લિટરેચર ફેસ્ટિવલમાં નવા-જૂના મિત્રો મળ્યા, સાહિત્યિક માહૌલનો અનુભવ થયો. આવું વારંવાર થવું જોઈએ. આ દિવસોમાં ગુજરાત યુનિવર્સિટીએ એક કરોડના ખર્ચે ‘સાહિત્યોત્સવ’ કર્યો તે તદ્દન નિષ્ફળ રહ્યો. વાર્તામાસિકની ચર્ચામાં મેં કહ્યું કે આ એક કરોડના ખર્ચથી બે સાંરાં વાર્તામાસિકો પ્રકાશિત કરવાનો નિર્ણય લેવાયો હોત તો યે એ ખર્ચનું સાહિત્યિક વળતર ગણાયું હોત!


comments powered by Disqus