ભાજપના ત્રિપુરા-વિજય સાથેનું ગુજરાત કનેકશન?

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Wednesday 07th March 2018 05:28 EST
 
 

ઈશાન ભારતના રમણીય પણ વેરવિખેર પ્રદેશ ત્રિપુરામાં સીપીએમ સરકારનો પરાજય માત્ર ચૂંટણીલક્ષી ઘટના નથી. અગાઉ કહેવામાં આવતું (અને બિરાદરો પણ માનતા કે) ભારતીય સમાજમાં અંતિમ લડાઈ સામ્યવાદ વિરુદ્ધ સંઘની રહેવાની છે. કેરળમાં તો આ રોજેરોજના સમાચાર છે કે કાર્યકર્તાઓની હત્યાઓ થાય છે. ત્રિપુરા સામ્યવાદીઓને માટે ઉત્તર-ઈશાન ભારતનો એકમાત્ર ગઢ હતો. પશ્ચિમ બંગાળમાં મમતા મુખરજીની તૃણમૂલ કોંગ્રેસે ડાબેરી મોરચાને પરાસ્ત કર્યા પછી તેને ફરી વાર સત્તાની તક મળી નથી. એક માત્ર ત્રિપુરા બાકી હતું, તે પણ ગયું. હવે કેરળમાં સામ્યવાદ સીમિત થઈ ગયો.

વડા પ્રધાને આ પરિણામો પછી પ્રતિક્રિયા આપતાં કહ્યું કે કોંગ્રેસનું કદ આટલું નાનું કદાપિ થયું નથી. બે-પાંચ રાજ્યો પૂરતો તેને સત્તાનો ભોગવટો બાકી રહ્યો છે. ઈશાન ભારતમાં કોંગ્રેસ બીજા પ્રાદેશિક પક્ષોની વૈશાખી પર ક્યારેક સફળ થતી હતી. પણ મેં અસમ-પ્રવાસ દરમિયાન જોયું છે (અને તે વિશે તાજેતરનાં પુસ્તક ‘ઓહ, આસામ!’માં વિગતે લખ્યું પણ છે) કે કોંગ્રેસ પ્રત્યે ઇશાન ભારતમાં ક્યાંય, ક્યારેય હમદર્દી રહી નથી.

એક વાર તો પંડિત જવાહરલાલ નેહરુની ઇમ્ફાલ-સભામાં કાગડા ઊડતા હતા. સાથે રહેલાં શ્રીમતી ઇન્દિરાએ તેમને સાવધાન પણ કર્યા હતાં. બીજું કારણ એ પણ છે કે ૧૯૬૨નાં ચીની આક્રમણ વખતે ભારત સરકારે આ પ્રજાને ભગવાન ભરોસે છોડી દીધી હતી. ચીનાઓ તેજપુર થઈને ગુવાહાટી સુધી આવી પહોંચશે એવી અફવાઓનો હાહાકાર હતો. લોકો ભાગવા માંડ્યા હતા. તેજપુરમાં તો સરકારી વહીવટી તંત્રે પાગલોની હોસ્પિટલના બીમારોને ય છોડી મૂક્યા હતા! અને પંડિત જવાહરલાલ નેહરુ દિલ્હીમાં બેસીને ઓલ ઇન્ડિયા રેડિયો પર કહેતા હતાઃ મારું દિલ અસમના લોકોની સાથે છે! છેક ૧૯૮૩માં શિલોંગની એક હોટેલમાં બંગાળી અને ખાસી યુવકોએ એ ઘટના યાદ કરીને મને કહ્યું હતું કે અમારે તેમનું દિલ નહોતું જોઈતું ચીનાઓની સામે લડવા માટે હથિયારો જોઈતાં હતાં!’

ઈશાન ભારત પર બીજી ‘કોંગ્રેસી આપદા’ ઘૂસણખોરીને થપથપાવવાની રહી. એટલે સુધી કે તેઓ મતદારો બની બેઠા! જ્યારે ઇન્દિરા સરકારે ચૂંટણી થોપી ત્યારે પ્રજાએ તેનો બહિષ્કાર કર્યો અને માંડ ૧૦-૧૫ ટકા મતદાન થયું અને તેમાંથી સામાન્ય સંજોગોમાં ડિપોઝિટ ગૂમાવવાની આવે તેટલા મતોથી ચૂંટાયેલા ધારાસભ્યોની ‘લોકપ્રિય’ સરકાર બની!

આ ઘટનાઓ ભલે ભૂતકાળની હોય પણ તેના વાદળાં નાગરિકનાં ચિત્તમાં કાયમ રહ્યાં છે. ‘અમારી ચિંતા એ છે કે દેશ અમારી કેવી અને કેટલી ચિંતા કરે છે!’ આ વિધાન ૧૯૮૫માં ગુવાહાટીની કોટન કોલેજમાં ‘આસુ’ના યુવકો પાસે સાંભળ્યું તેનું સ્મરણ થાય છે. પરિણામ એ આવ્યું કે કોંગ્રેસ આ પ્રદેશોથી વિમુખ અને નિર્માલ્ય બનતી ગઈ, વંશીય (એથનિક) જૂથો પ્રબળ બન્યાં. મિઝો, મૈતૈયી, ખાસી, ગારો, ચુતિયા, અંગામી વગેરે જૂથોએ પોતાના સંગઠનો રચ્યાં અને પક્ષો બનાવ્યા. નાગાલેન્ડમાં ઈસાઈ ચર્ચે મોટો ભાગ ભજવ્યો. (આ ચૂંટણીમાં પણ ચર્ચે ફતવો પહાર પાડ્યો કે ભાજપ જેવા હિન્દુ પક્ષને મત આપવો નહીં. પરંતુ સ્વયં આદિવાસી ઈસાઈઓએ જ આ વાતને સ્વીકારી નહીં.) ત્રિપુરામાં બંગાળી વત્તા કેટલાંક વનવાસી જૂથોના ટેકાથી સીપીએમે વર્ચસ્વ જમાવ્યું. કોંગ્રેસ આમાં ક્યાંય ચિત્રમાં જ ન રહી. જનસંઘ-ભાજપને તો કોણ ઓળખે?

ત્રિપુરા ભાજપે હસ્તગત કર્યું, નાગાલેન્ડ, મેઘાલયમાં બીજાં જૂથોનો ટેકો લઈને સરકાર બનાવી એ એકવીસમી સદીના રાજકીય ભારતનો ચમત્કાર છે.

આ ચમત્કારની પાછળ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, પૂર્વ જનસંઘ, ભાજપા, સ્વામી વિવેકાનંદ કેન્દ્રના કાર્યકર્તાઓની મહેનત પડી છે તેનો અંદાજ ઓછો આવશે. ૧૯૮૩-૮૫માં મારા અસમ અને પૂર્વોત્તર પ્રવાસ દરમિયાન અલગાવની આંધીની વચ્ચે કામ કરતા આ પ્રતિબદ્ધોને મેં જોયા છે. શિલોંગની મુલાકાતે ગયો ત્યારે ખબર પડી હતી કે વિવેકાનંદ કેન્દ્રના કાર્યકર્તા પર અલગાવવાદી તત્ત્વોએ હૂમલો કર્યો હતો. ચર્ચને એક પ્રકારની, ડાબેરીઓને બીજા પ્રકારની અને કોંગ્રેસને ત્રીજા પ્રકારની ચિંતા સંઘ વિશે હોય તે સ્વાભાવિક હતું. તેમાં ચોથો ઉમેરો બાંગ્લાદેશથી આવેલા ઘૂસણખોરોના સંગઠનના સાથીદાર ‘આમસુ’નો થયો!

ઈશાન ભારત સાથેનું ગુજરાત-કનેકશન અલગ પ્રકારનું છે. સર્વોદયી આગેવાન ચુનીભાઈ વૈદ્ય અને સમાજસેવી નવનીત ઠક્કરે ત્યાં કામ કર્યું હતું. વિમલાતાઈ ઠકારનો દીર્ઘ પ્રવાસ થયો. સાહિત્યક્ષેત્રે હમણા સ્વર્ગસ્થ કિશોર જાદવ મુકોકચંગમાં કાયમી સ્થાયી બન્યા હતા અને ત્યાંની નાગ યુવતીને પરણેલા.

અને, ત્રિપુરા-વિજયમાં જે ત્રણ નામો મીડિયા ચમકાવતું રહ્યું છે તેમાંના એક સુનિલ દેવધર તો દાહોદમાં સંઘ-પ્રચારક રહી ચૂક્યા છે. પછી નરેન્દ્ર મોદી વારાણસી લોકસભા ચૂંટણીમાં ઇન-ચાર્જ તરીકે લઈ ગયા અને છેલ્લા કેટલાંક વર્ષોથી ત્રિપુરાનું કામ સોંપાયું. ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણી વખતે સુનિલ દાહોદમાં સક્રિય હતા. દાહોદ વિસ્તારની તમામ બેઠકોમાંથી એક જ – ગરબાડા - ભાજપ પાસે હતી. ૨૦૧૨માં તેમાંથી વધીને ત્રણ થઈ. ૨૦૧૭માં સાત સીટ ભાજપે મેળવી. સુનિલ દેવધરને દિલ્હીનું કામ સોંપાયેલું. પૂર્ણકાલીન સંઘ-પ્રચારકે તે પણ કર્યું. દક્ષિણ દિલ્હીની સાત બેઠકો પર ભાજપે વિજય મેળવ્યો. થોડો સમય અંધેરી કામ કર્યું અને અમિત શાહે હીરાની પરખ કરી, ત્રિપુરા મોકલ્યા. ત્યાં જઈને વિવિધ જૂથોનો સંપર્ક કર્યો, તેમની ભાષા અને બોલી શીખી લીધી. વિશ્વાસ સંપાદિત કર્યો.

કોણ છે આ રણનીતિના ચાલક દેવધર? છાપાંઓના મથાળામાં આ નામ મેળવવું મુશ્કેલ છે. અંધેરીમાં અભ્યાસ અને ભવન્સ કોલેજમાં એમ.એસસી. કર્યું. તેમના પિતા વી. એન. દેવધર મરાઠી અખબાર ‘તરુણ ભારત’ના તંત્રી હતા. અખિલ ભારતીય તંત્રી સંમેલનના અધિવેશનોમાં સિમલા, બેંગલોર, મુંબઈ વગેરે સ્થાનોએ સૌ મળતા ત્યારે સર્વશ્રી દેવધર, ભિશીકર, મા. ગો. વૈદ્ય, રાજાભાઈ નેને, બાપુરાવ લેલે, અગ્રવાલજી, યાદવરાવ દેશમુખ, મલપ્પા, કે. આર. મલકાણી વગેરેનો સંગ રહેતો.

ભાગવત ઓછા બોલા કર્મનિષ્ઠ તંત્રી-પત્રકાર હતા. સુનિલ દેવધર જૂહુમાં વિદ્યાનિધિ હાઈસ્કૂલમાં ભણાવતા ત્યારે વિદ્યાર્થી પરિષદના પદ્મનાભ આચાર્યનો પરિચય થયો (હવે તેઓ નાગાલેન્ડના રાજ્યપાલ છે.) રા. સ્વ. સંઘના સરસંઘચાલક બાળાસાહેબ દેવરસજીએ તેમને પહેલાં મેઘાલય મોકલ્યા. પછી ‘ખુલ્લી શાળા’નો કાર્યક્રમ થયો. ઈશાન ભારતની અનેક બોલી તે જાણે છે. ‘માય હોમ ઇન્ડિયા’ તેમનો મહત્ત્વાકાંક્ષી પ્રયોગ છે. રામા માધવ અને હેમંત બિશ્વાસની સાથે મીડિયા એકશ્વાસે દેવધરનોય નિર્દેશ કરે છે.


comments powered by Disqus