(ચૂંટણી ડાયરી-૯)
રવિવાર ૧૯ મેની સાંજથી ગુરુવાર ૨૩ મેની સવાર સુધીના કલાકોની સંખ્યા આમ તો ૮૭ થાય, પણ આ કલાકોની કહાણી સાંભળવા જેવી છે.
૧૯મીએ સાંજે એક્ઝિટ પોલ આવ્યા. આવતાંવેત જાણે વાવાઝોડું ત્રાટક્યું! અરે, આ તો ભાજપ-મોદી માંડ માંડ લઘુમતી બેઠકો મેળવી શકશે એવું મનાઈ રહ્યું હતું તેને બદલે ૩૦૦ અને તેથી વધુ સર કરી રહી છે!
તુરત પ્રતિક્રિયા આવી.
‘ઇવીએમની ગરબડ છે.’
બીજી પ્રતિક્રિયા બંગાળથી મમતા બેનરજીનીઃ ‘વિરોધ પક્ષો, ભેગા થાઓ... ઇવીએમની ગરબડ સામે રસ્તા પર ઊતરો...’
તુરત આંધ્ર પ્રદેશથી ચંદ્રાબાબુ નાયડુએ ઝંપલાવ્યું. હેતુ બે હતા - ચૂંટણી પરિણામ પછી વિરોધ પક્ષોનું ગઠબંધન અને કોંગ્રેસ ભેગા મળે તો ભાજપને સત્તાસ્થાનેથી વંચિત કરી શકાય.
મળ્યા તો ખરા, પણ -
તેઓ બધાને મળ્યા. ડીએમકે, કોંગ્રેસ, આપ, સપા-બસપા, તૃણમૂલ, એનસીપી...
બધાએ ‘હા’ તો પાડી, પણ -
એક શરતેઃ ‘વડા પ્રધા પદ પર અમે ઉમેદવારી નક્કી કરીશું.’
નાયડુ મુસીબતમાં છે.
આંધ્ર પ્રદેશમાં તેના યુવાન દીકરા (જે તેલુગુ દેશમને સંભાળે છે) તે કહી આવ્યા છે કે જો, વડો પ્રધાન બનીને આવવાનો છું.
પણ -
માયાવતીનું કહેવું છેઃ ‘મારાથી શ્રેષ્ઠ વડા પ્રધાન કોઈ નથી. હું મોદીના કરતાં વધુ સારી રીતે વડા પ્રધાનનું કામ બજાવી શકું તેમ છું.’
અખિલેશ તેને માટે તૈયાર છે, પણ સપાના જીતેલા ઉમેદવારોમાંથી કોઈને કેન્દ્રમાં ‘સબસે બડું ખાતું’ મળે તેવી પેરવી છે.
મમતા મહાગઠબંધન કરીને પોતાને - અથવા પોતે જેને ઇચ્છે તેને - વડા પ્રધાન બનાવવા માગે છે.
ડીએમકેના સ્ટાલિનને ‘કિંગમેકર’ બનવું છે. તેણે જાહેર કરી દીધું કે વડા પ્રધાન રાહુલ બનશે અને સ્ટાલિન શું બનશે?
પદવાંચ્છુઓની હાલત તો જુઓ! હજુ શરદ પવારને ય મહત્ત્વાકાંક્ષા છે. ‘આપ’ના કેજરીવાલની રણનીતિ તો એવી હતી કે દિલ્હીમાં કોંગ્રેસને ભાગીદાર બનાવીને ચૂંટણી લડવી. કોંગ્રેસે એટલા માટે ના પાડી કે તે દિલ્હીની બધી બેઠકો મેળવી જશે એમ માનતી હતી! થયું છે એવું કે એક્ઝિટ પોલમાં છ બેઠકો ભાજપને મળશે એવું જણાવાયું છે. બંગાળમાં તેનો સપાટો ફર્યો છે. વિધાનસભામાં હારી ગયેલા પ્રદેશોમાં ઝળકાટ બતાવ્યો છે. એક સર્વે તો તેને કેરળના કમ્યુનિસ્ટ ગઢમાં એક બેઠક મળે તેવી આગાહી કરી છે. ભારે કરી! કર્ણાટકમાં તેણે ફરી વાર અસરકારક પ્રવેશ મેળવી લીધો છે. ઓડિશા, અસમ, ઉત્તર પ્રદેશમાં પણ આવું બની રહ્યું છે તેવા આસાર છે.
‘જો’ અને ‘તો’
જો આવું બને તો? મમતાએ પોલ સર્વે દરમિયાન જ નિવેદન ઠપકાર્યું છે કે સંઘર્ષ કરવા વિપક્ષો એકઠા થઈ જાઓ.
આનો અર્થ સમજવા જેવો છે.
વિપક્ષો એકઠા થાય.
ઇવીએમને ખોટું ઠેરવે.
ફરી ચૂંટણીની માગણી થાય અને તે રીતે બધા રસ્તા પર આવે, આંદોલન કરે.
આંદોલન એટલે -
લૂંટફાટ,
આગજની,
તોડફોડ,
પત્થરબાજી,
અવ્યવસ્થા,
અરાજકતા,
અંધાધૂંધી...
એવી અંધાધૂંધી કે મોદી સરકાર જ ચલાવી ન શકે. અનિયંત્રિત ભીડ પર લાઠીમાર-ગોળીબાર થાય. લોકો મરે અને દોષનો ટોપલો સરકાર પર ઢોળવામાં આવે.
અર્થાત્ અસ્થિરતાનો દોર શરૂ કરવામાં આવે.
કોંગ્રેસને તેમાં કોઈ વાંધો નથી. આમેય જો રાહુલ ગાંધીને વિપક્ષો વડા પ્રધાન ન બનાવવાના હોય તો તેને એવી સરકારમાં રસ નથી. હા, એટલું જ કે એવી સરકારને ટેકો આપશે ને પછી મોકો મળ્યે પાછો ખેંચી લેશે એટલે ફેર ચૂંટણી થાય.
ભરોસા વિનાનો ખેલ
અગાઉ આવું એક વાર નહીં અનેકવાર કર્યું છે કોંગ્રેસે.
ચૌધરી ચરણસિંહ
ચંદ્રશેખર
ગુજરાલ
દેવે ગૌડા
બધી સરકારોનો ખેલ પાડ્યો છે એટલે ગઠબંધનને તેનો ભરોસો નથી. એટલે સરકાર બને કે ના બને, અજંપાગ્રસ્ત કોંગ્રેસે અસ્થિર ભવિષ્યનો નકશો બનાવી લીધો છે. રાહુલ તેમાં ‘ઉત્તમ’ સલાહકારોથી ઘેરાયેલા છે.
પી. ચિદમ્બરમ્
સામ પિત્રોડા
રોબર્ટ વાડ્રા
રણદીપ સુરજેવાલા
મણિશંકર અય્યર
સ્ટાલિન
શશિ થરુર
સોનિયા ગાંધી
મનમોહન સિંહ
આ તમામના આધારે કોંગ્રેસ પોતાનો ભવિષ્યનો ‘રોડ મેપ’ તૈયાર કરવા માગે છે. ભારતના ભાગ્યવિધાતા બનવા માગે છે. જૂના મુદ્દા કામે લાગ્યા નહીં એટલે નવા મુદ્દા ઊભા કરવા છે. તેને માટે એકલા જવું કે વિપક્ષોને સાથે રાખવા તેની ગડમથલ ચાલે છે. મધ્ય પ્રદેશ – રાજસ્થાનમાં બસપાને બાજુ પર રાખીને આગળ ચાલ્યા તેમાં કારણ એ હતું કે એકલા જ સમગ્ર ચૂંટણી જીતવામાં આવે તો નેહરુ જમાનાનું કે રાજીવ-યુગનું પુનરાવર્તન કરી શકાય.
દરમિયાન એક અવાજ ઊઠ્યો છે કે કોંગ્રેસનું કામ પૂરું થયું, હવે તેણે વિસર્જન કરી નાખવું જોઈએ!
એક નવો અવાજ
યોગેન્દ્ર યાદવ પહેલાં ‘આપ’માં, તે પહેલાં સ્વતંત્ર રાજકીય વિશ્લેષક, હવે સ્વરાજ સંગઠનના કર્તાહર્તા છે. બૌદ્ધિકોમાં તેનું સન્માન છે. પણ આપણા આ બુદ્ધિમાનો વર્તમાનની વાસ્તવિકતા ભૂલીને, આદર્શના ફૂગ્ગાઓ ઊડાવે ત્યારે શું થાય તેના ઘણાં ઉદાહરણો છે તેમાંના આ એક છે. પરંતુ તેમણે સાહસપૂર્વક કહ્યું છે કે કોંગ્રેસે નષ્ટ થવું જોઈએ તે ભાજપની સામે સક્ષમ, સ-શક્ત વિકલ્પ બનવાની તાકાત ધરાવતો નથી.
જો કોંગ્રેસ નથી તો કોણ? ભારાડી ટીએમસી અને મમતા? દલિતના નામે સત્તા મેળવનાર માયાવતી? જાતિવાદી સપા? અર્થહીન બની ગયેલી એનસીપી? દ્રવિડ રાજકારણમાં પારંગત ડીએમકે? આંધ્રનો ગઢ સાચવીને, તેલંગણમાં બધું ગુમાવી બેઠેલા ચંદ્રાબાબુ? મુસ્લિમ લીગ? ઇધરઉધર હવાતિયાં મારતી સીપીઆઇ – સીપીએમ? અર્બન નકસલીઓ? જેએનયુની ટૂકડે ટૂકડે ગેંગ? કોણ દેશને મજબૂત વિકલ્પ પૂરો પાડી શકે, એ તો કહો યોગેન્દ્રજી?
આ રહ્યા ટેકેદારો
હા. એટલું તો નક્કી કે યોગેન્દ્ર યાદવને જે મળી શકે તેવા કેટલાક જરૂર છે. તેઓ ખડી પડેલી ગાડીના ડબ્બા જેવા ‘બૌદ્ધિકો’ છે, જેપીને જાળવી - સમજી ન શકનારા, પણ તેનો ઉપયોગ કરનારાઓ છે. ગાંધી-વિચારનું શરબત પણ ક્યાંક ઉમેરાશે. જેઓ નવરાધૂપ છે એટલે પરિસંવાદો - ગોષ્ઠિઓ – નિવેદનો - ચર્ચાઓનું મનોરંજન પૂરું પાડે તેવા ‘કર્મશીલો’ છે, તટ ક્યાં છે તેની ખબર નથી તેવા ‘તટસ્થો’ છે, ડાબેરી અને અર્ધ ડાબેરીઓ છે, કીડી મરે તો યે તેમાં ભાજપ-સંઘને કારણરૂપ જોનારાં પરિબળો છે. આ બધાંનો યોગેન્દ્ર યાદવને ‘વિકલ્પ’ શોધવામાં સહયોગ મળશે. પણ એ સંઘ એવો હશે કે જે કાશી તો નહીં પહોંચે, બીજે ક્યાંય પણ તેનું ગંતવ્ય સાબિત નહીં કરી શકે!
હમણાં ગુજરાતના આવા ‘મહાનુભાવો’ની એક બેઠક ગુજરાત વિદ્યાપીઠના આંગણે યોજાઈ રહી છે. એમાં યોગેન્દ્ર આવે તો તેમને સમજાઈ જશે કે પડકાર કેવો મોટો છે અને પ્રજાના આત્માને સમજ્યા વિના દલિત – પીડિત – શોષિત – બિનસાંપ્રદાયિક વગેરે વગેરે શબ્દ-સાથિયાથી કશું વળતું નથી. ભાજપ – આરએસએસ પ્રત્યેનો પૂર્વગ્રહ પણ છોડવો પડે, જે લોહિયા – જેપી - મોરારજીભાઈએ છોડ્યો હતો.