(ગતાંકથી ચાલુ...)
કોલકાતામાં ઈસ્ટ ઇન્ડિયા કમ્પની અને તેના સર્વેસર્વા વોરેન હેસ્ટિંગ્સની ખિલાફ પત્રકારત્વના માધ્યમથી સફળ થનાર જેમ્સ ઓગસ્ટસ હિકીના સાવ અંધારે રહી ગયેલી જિંદગીના પાના ખોલનાર સંશોધક એન્ડ્ર્યુ ઓટીસના મહા-પ્રયાસની વિગત આપણે આ કોલમમાં લીધી તેનો સહુથી અધિક પ્રતિસાદ પત્રકારત્વમાં સક્રિય તંત્રી, પત્રકાર અને તાલીમાર્થી વિદ્યાર્થીઓએ આપ્યો અને આ વિષય પર ભારતના અને એશિયાના પણ પ્રથમ અખબારના તંત્રી વિષે વધુ પ્રકાશ પાથરવાનો આગ્રહ રાખ્યો છે. તેઓની વાત સાચી છે. હિકીના જીવન વિષે નવી માહિતી મળે છે તે પછી ભારતીય પત્રકારત્વના ઇતિહાસનો અંગ્રેજી અધ્યાય સાવ નવી દિશા તરફ લઇ જાય છે.
છેક ૧૭૮૧માં આ આયરીશ પત્રકાર આવ્યો તો હતો એક તબીબ તરીકે, પણ કોલકાતામાં તેણે કંપની સરકારની હિકમતો જોઈ, બેફામ ભ્રષ્ટાચારી તંત્રની બોલબાલાનો અનુભવ કર્યો, તેના છેડા ઉપર સુધી પહોંચ્યા તેની વિગતો મેળવી પછી તેણે નક્કી કર્યું કે ભારતીય પ્રજાના નાણાને માત્ર સત્તાના જોરે લુંટફાટના રસ્તે લઇ જનારાઓને ખુલ્લા કરવા, ભલે તે બ્રિટીશ સાથીદારો હોય. એટલે તેણે સાહસ કર્યું, અખબાર પ્રકાશિત કરવાનું. બેશક, તે દુ:સાહસ જ હતું, કેમ કે છાપકામની કોઈ સામગ્રી નહીં, કારીગર નહીં, થોડીક જ મૂડી હતી. તેના આધારે કામ શરૂ કર્યું. કંપની સરકારની સેના માટેની પત્રિકા, બિલ વગેરેનો ઓર્ડર તો મળ્યો પણ તેમાં દરેક ટેબલ પર કંઇક વજન મુકવું પડે, અને મોટા ટેન્ડર તો ઉપરથી જ મંજુર થાય.
કોલકાતા તેને બે છેડા પર ઉભેલું ત્રસ્ત નગર લાગ્યું. ગરીબ હિન્દુસ્તાની માટે ત્યાં સુખી જીવન દુર્લભ હતું. કેવળ મજુરી અને નીચી કક્ષાની નોકરી તેના નસીબે હતી. હિકી માટે આ દૃશ્ય અસહનીય બની ગયું એટલે તેણે મુદ્રિત માધ્યમનો સહારો લીધો અને બેંગાલ ગેઝેટની શરૂઆત કરી. ભારતમાં મુદ્રિત પત્રકારત્વનો એ લગભગ પહેલો પ્રયોગ હતો, તેની પૂર્વે કેટલાક પ્રયત્ન જરૂર થયા પણ વેપારીમાંથી શાસક બનેલી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને માટે તે અસહ્ય રહ્યું. હિકી તેની સામે ટકી રહ્યો, તેણે ભલભલાની ચામડી ઉતરડી નાખી અને બેઈમાની તેમજ ભ્રષ્ટાચારી વિગતો બહાર લાવ્યો.
૧૭૮૦થી ૧૭૮૨ માંડ બે વર્ષ ચાલેલા આ અખબારે હાહાકાર મચાવી દીધો અને જેની સામે એક શબ્દ પણ બોલી શકાતો નહોતો તે બ્રિટીશ ઇન્ડિયાના ગવર્નર જનરલ અને કમાંડ ઓફ ધ સુપ્રીમ કોર્ટ વોરેન હેસ્ટિંગ્સને લંડનમાં અપરાધી તરીકે, ભારતમાં અમાનવીય સત્તાનો ભોગવટો કરનારા સર્વોચ્ચ તરીકે સાબિત કરીને પીંજરામાં ખડો કરી દીધો. એડમંડ બર્ક જેવા પ્રખર વિચારકે તેની સામે જે દલીલો કરી તે આજે પણ ઐતિહાસિક ગણાય છે. એટલું જ નહીં, કોલકાતામાં ચર્ચનું રાજકારણ ખેલાતું હતું તેના મુખ્ય પાદરી કીરેન્દર્ને ય ખુલ્લો પડ્યો. તેની સામેના કોલકાતામાં ચાલેલા તમામ મુકદ્દમા તેણે આર્થિક રીતે ખુવાર કરવા માટે પર્યાપ્ત હતાં. કેટલાકમાં તે નિર્દોષ સાબિત થયો. કેટલાકમાં તે ગુનેગાર ઠરાવાયો એટલે તેનું પ્રેસ, તેના અંકો, ઘરવખરી બધું જપ્ત કરાયું. (આવા પગલા આપણે ત્યાં સ્વતંત્રતા જંગ દરમિયાન અને ૧૯૭૫ની કટોકટી દરમિયાન લેવાતા હતાં.)
તેને જેલ મળી તો પણ પોતાનું અખબાર કોઈને કોઈ રીતે ચાલુ રાખ્યું, તેના અખબારની વિશેષતા એ હતી કે તેમાં ઉપનામનો ઉપયોગ થતો. મોટે ભાગે હિકી પોતે જ માહિતી મેળવીને લખતો, તેના લેખો અને અહેવાલોમાં ભારોભાર કટાક્ષ રહેતો. અપરાધીને જેલના સળિયા વિનાની સજા થતી. લોકો તેવા અફસરને રસ્તામાં જતા આંગળી ચીંધીને ઓળખી બતાવતા, હિકી તે બધાને માટે ખલનાયકો સામેનો નાયક હતો, પણ તેની જિંદગી લગભગ ગુમનામ રહી.
સંશોધક એન્ડ્ર્યુના જણાવ્યા પ્રમાણે ૧૭૩૦મા તે વિપ્લવ મિજાજી આયર્લેન્ડમાં જન્મ્યો હતો. પિતા વણકર હતા અને યુવા અવસ્થામાં મૃત્યુ પામ્યા. હિકી શરૂઆતમાં કારકુન બન્યો, ડબ્લીનથી વધુ આગળ વધવાની મહત્વાકાંક્ષાથી લંડન પહોંચ્યો. પોતાની દુકાન ખોલી, બ્રિટીશ સેનામાં જોડાયો, છેવટે હિન્દુસ્તાન તરફ એક જહાજ રોકીન્ઘામમાં જવા નીકળ્યો. તેની સાથેના ઘણા મુસાફરો અધવચ્ચે જ મૃત્યુ પામ્યા. કોલકાતામાં તેણે રાધા બઝારમાં પોતાનું છાપખાનું ખોલ્યું. અને અખબાર શરૂ થયું.
૨૯ જાન્યુઆરી ૧૭૮૦થી કલમના માધ્યમથી શરૂ થયેલો સંઘર્ષ બે વર્ષ ચાલ્યો. એક રૂપિયાની કિંમતના આ અખબારમાં હિકીએ વાચકોને બે બાબતો માટે આમંત્રણ આપ્યું. એક, વાચકોના પત્રો અને બીજું, કવિઓની કવિતા! બાકીના અહેવાલો માટે તે પોતે અને કેટલાક સંવાદદાતા સક્રિય બન્યા. તેણે જાહેર કર્યું કે કોઈ પણ પ્રકારના પક્ષપાત કે પૂર્વગ્રહ વિના આ અખબાર ચાલશે. કોર્ટમાં જયારે તેને ન્યાયમૂર્તિએ પૂછ્યું કે આ ખુવારીનો રસ્તો - પત્રકારત્વનો - તેં શા માટે પસંદ કર્યો? તો તેણે જે જવાબ વાળ્યો તે કોઈ પણ આદર્શ પત્રકાર માટે પસંદ પડે તેવો છે. તેણે કહ્યું કે મારા આત્માને આનંદ આપવા માટે મેં પત્રકારત્વ કર્યું છે. અદાલતને તો તેણે જે અહેવાલો છાપ્યા તેનાથી કંપની સરકારની આબરૂ ગઈ અને બદનક્ષી થઇ તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાનું હતું. આથી સજા થઇ અને હિકીને જેલ મળી. તેણે અદાલતને કહ્યું: I was not bred to a slavish life, of hard work, yet I take a pleasure my body, in order to purchase freedom for my mind and soul...
તેની ઈચ્છા તો હતી કે વૃદ્ધાવસ્થામાં ઇંગ્લેન્ડ જઈને શાંતિથી છેલ્લા વર્ષો ગાળવા. પણ તેણે માટે જે સંપત્તિ જોઈએ તે ક્યાં હતી? અરે, તેણે જે સામગ્રી છાપી હતી તેની રકમ પણ ના મળી, તેણે વારંવાર માગણી કરી, કેસ લડ્યા. છેવટે લંડનમાં બે-આબરૂ થઈને રહેતા પોતાના દુશ્મન વોરેન હેસ્ટિંગ્સને ય પત્રો લખ્યા કે ભલા માણસ, હું અહીં સાવ ખુવાર થઇ ગયો છું, મારે હવે શું કરવું? અહીં તારા તંત્રને સુચના આપ કે કંઇક વળતર આપે. તેણે જવાબ આપ્યો કે હવે મારો હુકમ ચાલતો નથી. કોલકાતામાં મારા વિશે જે કહેવત શરૂ થઇ છે તે તારા અખબારમાં જ છપાયેલી છે. વાત તો સાચી. એ લોકોક્તિ હતી: ‘હાથી પે ઘોડા, ઔર ઘોડે પે જીન, જલ્દી ભાગ ગયા વોરેન હેસ્ટિંગ્સ!’
હિકી પર એક બીજો આરોપ હતો, જે તેનું અસ્તિત્વ ના રહ્યું ત્યારે સાબિત થયો. બ્રિટીશ સેનામાં આ હિકી ભ્રષ્ટાચાર માટે બળવો કરવાની પ્રવૃત્તિ કરે છે અને તેવા લેખો તેમજ અહેવાલો છાપે છે, એવો આરોપ તેના પર થયો. નંદ કુમારને ફાંસી અને અવધની બેગમોને અન્યાય સામે હિકીએ લેખો લખ્યા હતાં. ભારતમાં કંપની સરકારને રાજ કરવાનો કોઈ અધિકાર નથી એવો તેનો અભિપ્રાય હતો. બ્રિટીશરો તે કઈ રીતે સહન કરે? તેણે લખ્યું કે અહી બંગાળમાં કોઈ કાયદો નથી, કોઈ સંસદ નથી, કોઈ વિચાર સ્વાતંત્ર્ય નથી, સ્વાધીન ન્યાયતંત્ર નથી, માત્ર અને માત્ર હેસ્ટિંગ્સ છે! તેણે એમ પણ કહ્યું કે મતભેદ મારી પસંદનો વિષય છે, તેને માટે હું જીવું છું ને મરીશ.
૪૦,૦૦૦ રૂપિયાના જામીન માટે નાણાં ના હોવાથી તે જેલ ગયો. પાછળથી તેનું કુટુંબ તારાજ થયું, અસામાજિક હુમલા થયા, ૧૭૯૯માં તેણે મદદ માટેનો છેલ્લો પત્ર લખ્યો, કોઈ પરિણામ ન આવ્યું. બ્રિટીશ નજરે તો તે કૌભાંડી, પીળું પત્રકારત્વ કરનારો, લેભાગુ જ રહ્યો. તે હિન્દુસ્તાનમાંથી હદપાર કરાયો હતો એવું પણ કહેવાયું. ભારતના પત્રકારત્વના ઇતિહાસમાં પણ આવું જ લખાયું, પણ તે અધૂરી અને એકતરફી માહિતી હતી. જેમાં સચ્ચાઈનો અભાવ છે, જેવી રીતે ૧૮૫૭ના વિપ્લવને, ભારતીય ક્રાંતિકારોને, નેતાજી સુભાષની સેનાને, અને સૌરાષ્ટ્ર કાઠીયાવાડમાં થયેલા બહારવટિયાઓને બ્રિટીશ ઇતિહાસે દ્રોહી વિદ્રોહી ચીતર્યા એવું જ આ હિકી માટે પણ થયું છે. ભારતથી ચીન જતા સમુદ્રયાત્રા દરમિયાન હિકીએ છેલ્લા શ્વાસ લીધા હતાં, અને તેના પત્રકારત્વ પછી મોટા પાયે બંગાળમાં પત્રકાર અને પત્રકાત્વ બન્નેનો યુગ સ્થાપિત થયો. (સમાપ્ત)