(ચૂંટણી ડાયરી-૬)
ગુજરાતે તેના સ્થાપના દિવસ (પહેલી મે)ની પહેલાં જ ૨૬ બેઠકોનું મતદાન કર્યું, તે નિમિત્તે ગુજરાત અને તેના રાજકીય તખતાની યાદ તાજી થાય તેમાં નવાઈ નથી.
‘ગુજ્જર’ ‘ગુર્જરત્રા’ ‘ગુજરાત’ તો હજારો વર્ષ જૂનો અંદાજ આપે કેમ કે અહીંના વિશાળ સમુદ્ર કિનારો, વેપારવાણિજ્ય, કુદરતી આફતો, ભૌગોલિક ફેરફારો અને સાહસિક પ્રજાના સંઘર્ષમાંથી આ ગુજરાત સર્જાયું છે. તેનું રાજકીય સ્વરૂપ ચૌલુક્ય, ગુપ્ત, શાક્ય વગેરે રાજવંશોના સમયે અલગ હતું, મુઘલ અને સલ્તનતકાલીન સાવ અનોખું રહ્યું. અંગ્રેજ રાજ્યે તેના વહીવટને ઠીકઠાક કર્યો અને તે દરમિયાન જ પ્રજાએ સ્વાતંત્ર્ય સંઘર્ષ કર્યો. ગાંધીનો અસહકાર અને સત્યાગ્રહ તો બીજી તરફ સશસ્ત્ર સ્વાતંત્ર્યની લડાઈ. બન્ને મોરચે ગુજરાત સ્થાપિત થયું હતું. તેમાં ૧૮૫૭નો વિપ્લવ, આદિવાસીઓના બલિદાનનાં બે જલિયાંવાલા (માનગઢ અને પાલ ચિતરિયા) અરવિન્દ ઘોષની ક્રાંતિસાધના, ૧૯૨૦થી અહિંસક જંગ, બારડોલી - બોરસદ – ખેડા - દાંડી સત્યાગ્રહો, ગાંધી - સરદારનું નેતૃત્વ, શ્યામજી કૃષ્ણવર્મા - મેડમ કામા - સરદારસિંહ રાણાનો બ્રિટન – ફ્રાન્સમાં મહાપ્રયાસ, ૧૯૪૨ની હિન્દ છોડો લડત... અને અંતે ૧૫ ઓગસ્ટનું સ્વાતંત્ર્ય પ્રભાત!
૧૯૪૭ પછી સૌરાષ્ટ્રનું અલગ રાજ્ય હતું. બાકી ગુજરાત મુંબઈ સાથે જોડાયેલું હતું. ૧૯૫૬માં મહાગુજરાત ચળવળ ચાલી. ‘નેહરુ ચાચા’ની સામે ‘ઇન્દુ ચાચા’નો પડકાર થયો. અસંખ્ય યુવકો ગોળીબારનો ભોગ બન્યા.
ગુજરાતઃ પ્રથમ ગ્રાસે...
૧૯૬૦માં ગુજરાત રાજ્ય રચના થઈ. મુંબઈ વિધાનસભા અનુસાર ગુજરાતમાં કોંગ્રેસનું પ્રધાનમંડળ તો થયું, ડો. જીવરાજ મહેતા (જે ગાંધીજીના પણ ડોક્ટર રહી ચૂક્યા હતા) મુખ્ય પ્રધાન પણ બન્યા, પરંતુ કોંગ્રેસ સંગઠન પાંખનો વિરોધ હતો. ૧૯૬૨માં વિધાનસભા ચૂંટણી થઈ ત્યારે ‘દસ વર્ષ સત્તા’ મર્યાદાના નિયમ હેઠળ ડો. જીવરાજ મુખ્ય પ્રધાન ના બને તેવો કારસો રચાયો. જીવરાજ મહેતા મુખ્ય પ્રધાન તો બન્યા પણ ટકી ન શક્યા. ગુજરાત રાજ્યની સ્થાપનાના દિવસોથી જ કોંગ્રેસનો આંતરકલહ બહાર આવ્યો.
અનેક ચઢાવ-ઉતાર જોયા ગુજરાતે. બે આંદોલનો એવાં થયાં કે તેમાં મુખ્ય પ્રધાનોએ જવું પડ્યું! ૧૯૪૭નું નવનિર્માણ અને ૧૯૮૫નું અનામત તરફેણ-વિરોધ, બન્નેમાં ક્રમશઃ ચીમનભાઈ પટેલ અને માધવસિંહ સોલંકીએ મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપવું પડ્યું. ૧૯૯૫માં ભાજપ માટે આંતરિક અસંતોષ કારણ બન્યો. કેશુભાઈ પટેલે રાજીનામું આપવું પડ્યું અને સુરેશ મહેતા ગાદી પર આવ્યા, તે લાંબો સમય ટકી શક્યા નહીં.
ભાજપના જ પૂર્વ નેતા શંકરસિંહ વાઘેલાએ નવો પક્ષ રચ્યો, સરકાર બનાવી તે પણ એકાદ વર્ષ અસ્તિત્વમાં રહી. દરમિયાન કેશુભાઈ પદારૂઢ તો થયા પણ ફરી વાર તેમનો સ્થાનફેર થયો, નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન બન્યા તે સમયે જ ગોધરામાં ટ્રેન સળગાવાઈ તેની પ્રતિક્રિયા ગુજરાતમાં પડી. ચૂંટણીમાં તે પછી વારંવાર નરેન્દ્ર મોદી અને ભાજપ જીત્યા અને ૨૦૧૪માં ગુજરાતે ભાજપને બીજા વડા પ્રધાન આપ્યા, તે ૨૦૧૯ની ચૂંટણીમાં પુનરાવર્તનના દસ્તક આપી રહ્યું છે.
કેવા કેવા ઉમેદવારો?
ગુજરાતને બળવંતરાય મહેતા, હિતેન્દ્ર દેસાઈ, બાબુભાઈ જ. પટેલ, માધવસિંહ સોલંકી, અમરસિંહ ચૌધરી, ચીમનભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા, છબીલદાસ મહેતા, સુરેશ મહેતા, દિલીપ પરીખ, કેશુભાઈ પટેલ, આનંદીબહેન પટેલ અને હવે વિજય રૂપાણી આટલા મુખ્ય પ્રધાનો મળ્યા છે અને ૨૦૧૯ની લોકસભા ચૂંટણી આ રાજકીય પડછાયા સાથે લડવામાં આવી. ૨૬ બેઠકો, બે મોટા પક્ષોના ૪૨ મુરતિયાઓ, નાના-મોટા પક્ષો-અપક્ષોના ઉમેદવારોએ નસીબ અજમાવ્યું. મતદારોએ ૨૦૧૪થી થોડીક વધુ ટકાવારી સાથે મતદાન કર્યું.
આમાં વારંવાર ચૂંટણી લડેલા ઉમેદવારો છે, ધારાસભ્યમાંથી સાંસદ બનવા થયેલા ઉમેદવારો છે, પક્ષાંતર કરનારાઓ પણ છે અને પક્ષના આગેવાનો પણ છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર મતવિસ્તારમાંથી ચૂંટણી લડે છે જ્યાં પહેલાં અટલ બિહારી વાજપેયી અને અડવાણી ઉમેદવાર બનીને જીત્યા હતા. પરેશ ધાનાણી અને ભરતસિંહ સોલંકી કોંગ્રેસમાં રાજ્યનાં સંગઠનનું સુકાન સંભાળી ચૂક્યા છે તેઓ ઉમેદવાર છે. ચાર વિધાનસભા બેઠકોની ચૂંટણી પણ થઇ છે. એવી ગણતરી થાય છે કે કોળી, પાટીદાર, ઠાકોર, આદિવાસી વોટબેન્ક મોટો ભાગ ભજવશે, પણ તેનાથી વિપરિત એક દૃઢ અભિપ્રાય એવો છે કે આ ચૂંટણીમાં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બને કે નહીં, ભાજપ જીતે કે નહીં તેનું ‘રેફરેન્ડમ’ છે.
આશા સર્વત્ર છે!
ગુજરાતમાં કોંગ્રેસ આશા રાખે છે કે બે-ત્રણ બેઠકો મેળવશે. જોકે અહમદ પટેલ સહિતના નેતાઓ જાહેરમાં ૧૪-૧૫ બેઠકોમાં આશાવાદ સેવી રહ્યા છે. પાટીદાર મત માટે એક કાંખ-ઘોડીનો ઉપયોગ થઈ રહ્યો તે હાર્દિક પટેલનો છે. બીજી કાંખઘોડી આ વખતે કામ લાગે તેવી નથી તે અલ્પેશ ઠાકોરની છે. ત્રીજો - જિગ્નેશ મેવાણી તો ‘ટૂકડે ટૂકડે ગેંગ’ના ખલનાયક કન્હૈયાકુમારને જીતાડવા બિહાર ચાલ્યો ગયો છે. ભાજપમાં સી. આર. પાટિલ, પરબત પટેલ, મોહન કુંડારિયા, પૂનમ માડમ, દેવુસિંહ ચૌહાણ, જસવંત સિંહ ભાભોર, રંજનબહેન ભટ્ટ, દર્શના જરદોશ, કે. સી. પટેલ, શારદાબેન પટેલ મજબૂત ગણાય છે.
એકાદ મહિનો - દેશ આખાની જેમ ગુજરાતે પણ રાહ જોવાની છે, સમગ્ર પરિણામ એક સાથે આવશે ત્યાં સુધી અનુમાનો અને અટકળોનાં વાદળાં વરસ્યા કરશે.