લંડનસ્થિત સરદાર સાહેબનું અ-સ્થાયી નિવાસસ્થાન મેં ૨૦૦૮માં નિહાળ્યું હતું, ત્યારે જ મનમાં એક વિચાર સ્ફૂર્યો હતો કે મહાપુરુષો (અને સામાન્ય વ્યક્તિના) જીવનમાં પણ સ્થાનવિશેષ કેવો મહત્ત્વનો ભાગ ભજવી જતાં હોય છે? આમ તો તેમનાં સમગ્ર જીવનનો અખંડ આકાર ઘડનારાં પરિબળો આટલાંઃ તેનો ઘર-પરિવાર, તેના શિક્ષણસ્થાનો અને શિક્ષકો, તેનાં સ્થળાંતરો - શહેરો અને ગામડાંઓ, તેનાં પ્રવૃત્તિ કેન્દ્રો, તેની કર્મભૂમિ બની જતાં સ્થાનો ત્યાં સર્વત્ર તેનું વિચાર-ઘડતર થાય છે, શરીરનું પાલનપોષણ થાય છે. તે દેશાંતર પણ કરે છે. પરિભ્રમણ કરતા રહે છે. કેટલાકના નસીબે સ્થળાંતર અને હિજરત પણ આવે છે. બ્રિટનમાં વસી ગયેલા કેટલા બધા ગુજરાતીઓએ ‘એક દેશ છોડીને બીજા દેશ’માં સ્થાયી થવાની જહેમત લીધી છે?
ભારત અને પાકિસ્તાન ભાગલા થયા ત્યારે પણ હિન્દુ-મુસ્લિમોની રક્તરંજિત હિજરતો આપણે નિહાળી છે. સિંધથી આવેલા ઘણા બધા જેતપુર, આદિપુર, ગાંધીધામ, ધોરાજી, માણાવદર, બાંટવા વગેરે ગુજરાતનાં ગામોમાં આવ્યા ત્યારે તેમને ‘નિરાશ્રિત’ જેવો (નિર્વાસિત) શબ્દ સાંભળવો પડતો, પણ જલદીથી તેઓ નિર્વાસિતમાંથી પુરુષાર્થી બની ગયા, એ જ રીતે અહીંથી જે વોરા - ખોજા - શિયા - સુન્ની મુસલમાનો પાકિસ્તાનમાં ગયા (તેમાં જૂનાગઢ અને માણાવદરના નવાબો પણ હતા. ઉત્તર પ્રદેશમાંથી ફૈઝ અહમદ ફૈઝ અને સઆદત હસન મન્ટો હતા.) અને સંતોષ-અસંતોષ વચ્ચે જીવન વીતાવે છે.
હમણાં કચ્છમાં સ્થાયી થયેલા, સિંધના નગરપારકરના એક સોઢા રાજપૂત આગેવાન મળવા આવ્યા હતા. સિંધ એસેમ્બલીમાં ‘મિનિસ્ટર’ હતા, અને તે પદ છોડીને આવ્યા છે, પોતાની આત્મકથા પણ લખી છે. કેટલીક વાર આવા સમુદાયોને માટે ‘ડાયસ્પોરા’ શબ્દ પ્રયોજાય છે પણ તેઓ ‘મૂળ સોતાં ઉખડેલાં’ નથી. વતન-વિછોયાં જરૂર છે, પણ બ્રિટન-અમેરિકા કે બીજે જ્યાં હોય ત્યાંથી જ્યારે દેશની સફરે આવે ત્યારે પોતાનાં ગામે જાય છે, ત્યાંના મંદિરે જઈ માથું ટેકવે છે, ગલીઓમાં ફરીને સ્મરણો તાજાં કરે છે. હમણાં અમેરિકા સ્થાયી થયેલા એક મિત્ર શરદ મહેતા - તેની કિશોરવયે માણાવદરમાં હતો - પોતાના ગામના કેટલાકને સાથે લઈને માણાવદર પહોંચ્યો અને જૂની ઇમારતો, રસ્તાો, મંદિરો, મકાનો, ગલીઓ, શાળા, મેદાનોમાં ફર્યો તેની અનુભૂતિનાં પંદર પાનાં લખીને મોકલ્યા છે!
સ્થળાંતરોની કહાણી
મનુષ્યના સ્વભાવમાં આમ સ્થળાંતરો છે. ગાંધી-પ્રતિભાને ઘડનારા પોરબંદર, રાજકોટ, મુંબઇ, લંડન, અમદાવાદમાં સાબરમતી અને કોચરબ આશ્રમ, વર્ધામાં સર્વ સેવા સંઘ, ચંપારણ, દિલ્હીનું બિરલા હાઉસ, નોઆખલી, કોલકાતા, દક્ષિણ આફ્રિકાનું પીટ્સર્બગ અને ફિનિક્સ આશ્રમ અને દાંડી... આ તમામનું મહત્ત્વનું સ્થાન છે. આ સ્થાનો પર ગાંધીના વિચારો અને કર્મનો જે અગ્નિ પ્રગટ્યો તે ન થયો હોત તો? પોરબંદરમાં તેમનો જન્મ થયો હોત અને રાજકોટમાં ‘સત્યવાદી હરિશ્ચંદ્ર’ નાટક ન જોયું હોત તો? યરવડા જેલ-વાસી ન બન્યા હોત અને અમદાવાદના સરકીટ હાઉસની ખાસ અદાલતમાં છ વર્ષની સજા ન મળી હોત તો? અરે, દાંડી જઈને મીઠું ન પકવ્યું હોત...
સરદાર જ્યાં ઘડાયા
જેને તમે ‘સ્થાન-સ્તંભ’ કે ‘માઇલ સ્ટોન’ કહો તેવાં આ સ્થાનો અને ઘટનાઓ છે જે મહાપુરુષોને ઘડે છે. સરદારના જીવનમાં કરમસદ અને નડિયાદથી તેનો પ્રારંભ થાય છે. ગોધરા તેમાં ઉમેરાય છે. અમદાવાદની વકિલાત તેમનો એક પડાવ છે અને ભદ્રમાં આવેલી વકીલ કલબ એ બીજી નિશાની. પછી દાહોદની પ્રજાપરિષદ અને ગાંધીજીનો મેળાપ. એ પૂર્વે તેમણે - અને ભાઈ વિઠ્ઠલભાઈ પટેલે - લંડનમાં અભ્યાસ કર્યો તેમાં, સરદાર – સ્થાન તો હવે સ્મૃતિરૂપે સક્રિય થયાના ખબર સી. બી. પટેલે આપ્યા ત્યારે હું રાજી થયો. વિઠ્ઠલભાઈ ક્યાં રહ્યા હતા તે શોધી કાઢવાનું, અને તેને પણ સ્મૃતિ-સ્થાન તરીકે સ્થાપિત કરવાનું કામ પણ થવું જોઈએ.
આમ તો લંડન ભારતના ઇતિહાસની સાથે ગાઢ રીતે જોડાયેલું છે એટલે ગાંધી - સરદાર – આંબેડકરના સ્થાનો, શ્યામજી કૃષ્ણવર્મા અને સુભાષચંદ્રની યુનિવર્સિટીઓ, ક્રાંતિકેન્દ્ર ઇન્ડિયા હાઉસ અને શ્યામજીનું નિવાસસ્થાન, જ્યાં મદનલાલ ધીંગરાએ બ્રિટિશ કર્ઝનનો વધ કર્યો તે ઇમ્પિરિયલ ઇન્સ્ટિટ્યૂટ, મદનલાલ અને ઉધમસિંહનું ફાંસી-સ્થાન પેન્ટોનવિલા જેલ, હિન્દુસ્તાન પત્રોના પત્રકાર રણછોડલાલ લોટવાળાનું ગેસ્ટ હાઉસ - જ્યાં ઇન્દુલાલ યાજ્ઞિક રહ્યા હતા. ક્રાંતિકારોનું મિલન સ્થાન નિઝામુદ્દીન રેસ્ટોરન્ટ, દાદાભાઈ નવરોજીનું મકાન... આ બધું ઐતિહાસિક છે અને તેને સ્મૃતિમાં પળોટવા માટે લંડનના ગુજરાતી, પારસી, પંજાબી, દક્ષિણ ભારતીય, બંગાળી ‘સ્મૃદ્ધ નાગરિકો’ તેમજ ‘લોર્ડ’ સહિતના સન્માનધારકો અને કેન્દ્ર સરકારના ‘ઇન્ડિયા હાઉસ’ રાજદૂતાલય પ્રતિનિધિઓ... બધા એકત્રિત થઈને ‘લંડનમાં દેદિપ્યમાન ભારત’ને જીવંત બનાવી શકે.
ચરોતર, બારડોલી અને હરિપુરા
સરદારના જીવન-ઘડતર કેન્દ્રોમાં ખેડા - નડિયાદ પણ ખરાં. વસોની હવેલી આ દૃષ્ટિએ વિચારવી જોઈએ. બોરસદના સત્યાગ્રહના ઘણા સ્મરણચિહનો હશે. અડાસનું સ્ટેશન તો છે જ. દરબાર ગોપાળદાસ, ઠક્કરબાપા, ઇન્દુલાલ યાજ્ઞિક, દાદુભાઈ અમીન અને બીજાં ઘણાં નામ – કામ – સ્થાન મળી આવે. સરદારનું બીજું તીર્થસ્થાન બારડોલી છે. સ્વરાજ આશ્રમમાં હું ગયો છું, તેમનું ઘર અકબંધ જળવાયું છે. તેનાથી નજીક હરિપુરા છે.
હરિપુરામાં ૧૯૩૭માં નેતાજી સુભાષચંદ્ર બોઝના અધ્યક્ષપદે રાષ્ટ્રીય મહાસભાનું અધિવેશન યોજાયું તેના સંપૂર્ણ આયોજનમાં સરદાર સાહેબ હતા. વિઠ્ઠલભાઈના નામે તેને ‘વિઠ્ઠલનગર’ નામ અપાયું હતું. વાંસદાના મહારાજાએ સુભાષબાબુની શોભાયાત્રા માટે રથ તૈયાર કરાવ્યો હતો. હરિપુરામાં એનઆરજી ખરા પણ સ્મારક માટે એકાદ જયંતીભાઈ જેવાને બાદ કરતાં ખાસ ઉત્સાહી નહીં. જ્યાં સુભાષ – સરદાર – ગાંધી રહ્યા હતા તે ઘર પણ છે અને એક સુભાષ પ્રતિમા પણ. મુખ્ય પ્રધાન હતા ત્યારે નરેન્દ્ર મોદીએ અહીં આવીને ગુજરાતના સમગ્ર ગામડાંઓને નેટ સાથે સાંકળવાનો મહત્ત્વાકાંક્ષી કાર્યક્રમ આપ્યો હતો. હરિપુરા સુભાષ – વલ્લભભાઈ બન્નેને માટે નિર્ણાયક સ્થાનો.
‘નવજીવન’ અને ‘વિદ્યાપીઠ’ના પાયામાં
સાબરમતી જેલમાં જેમ ટિળક અને ગાંધી રહ્યા, તે રીતે વલ્લભભાઈ પણ કારાવાસી હતા. દાંડીકૂચ પહેલાં જ તેમને પકડવામાં આવ્યા અને જેલમાં તેમણે પોતાની ડાયરી પણ લખી હતી. એમ તો ‘નવજીવન’ અને ‘ગૂજરાત વિદ્યાપીઠ’ના પાયામાં સરદાર હતા. સરદારના શાસન સાથે જોડાયેલા દિવસો ૧૯૪૭ પછી શરૂ થયા. ઔરંગઝેબ રોડ પર તેમનું નિવાસસ્થાન હતું. કેન્દ્ર સરકાર ‘દિલ્હીમાં સરદાર’ને માટે મહત્ત્વાકાંક્ષી આયોજન કરીને સ્મારક બનાવશે... અને તેમનું અંતિમ સ્થાન મુંબઈ. એ પૂર્વ ૧૯૪૨માં યરવડા જેલ. આ તમામને માત્ર ‘સ્થાન’ નહીં, પણ ત્યાં પ્રાપ્ત થયેલી મહાપુરુષનાં ઘડતરની કહાણી સાથે જોડવામાં આવે તો સાચુકલું ઇતિહાસ-દર્શન થાય.
...અને તેવાં પ્રાણવંત ઇતિહાસ-અનુભૂતિની આજે સખત જરૂરત છે.