મહીસાગરના અતીત-વર્તમાનનો પરિચય એકદમ ગાઢ રીતે, પણ વિચિત્ર રીતે થયો. સારસાથી (આરતી અને હું) નદીકિનારે નીકળ્યાં હતાં ફાંસિયા વડને નિહાળવા. ૧૮૫૭માં ત્યાં ૨૫૦ ગ્રામજનોને ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ એક વડલાની ડાળીઓ પર લટકાવીને મારી નાંખ્યાં હતાં. નદીકિનારે તો તે જગ્યા ના મળી પણ એક સ્થાનેથી અંતરિયાળ રસ્તે જવું પડે તેમ હતું, ત્યાં પાંચેક કિલોમીટરે એક વૃક્ષનું ઠૂંઠૂં જ રહ્યું હતું!
પણ, મહીસાગરની આસપાસ ભ્રમણ કરવું જોઈએ એ ઈચ્છા ત્યારથી મનમાં પેસી ગઈ.
મહીનો મહિમા પણ રસપ્રદ છે.
નીકળે છે તે છેક ઈન્દોરના વિંધ્યાચલથી. માળવા, બાંસવાડા-ડુંગરપુર થઈને ‘વાગડ’માં, પાલા-માળથી ચરોતર થઈને ભાદર-અનાસ-પાનમ-મેસરી નદીઓના સંગાથે જનોડ - વાડાસિનોર થઈને મહીસાગર સ્વરૂપે બામણગામ - ગંભીરા થઈને પશ્ચિમે ધુવારણ ને છેવટે ખંભાતના અખાતનો દરિયો.
૫૬૦ કિ.મી.ની લાંબી મુસાફરી કરનારી ગુજરાતની આ ત્રીજી મોટી નદી છે. તેના એકથી વધુ નામો છેઃ મહી, માહેય, મહિતા, કાલમહી.
મહીસાગર તેની આસપાસનો જિલ્લો.
લુણાવાડા, કડાણા, ખાનપુર, સંતરામપુર, બાલાસિનોર અને વીરપુર તાલુકા. ૨૫૦૦ ચો.કિ.મીટરમાં ૭૧૫ ગામડાં અને ૭૨.૩૨ પ્રતિશત શિક્ષણ.
પણ પ્રાચીન વૈભવ ઓછો નથી.
દેઝરમાં દેઝારિયા મહાદેવ અને સપ્તકુંડિયા છેક નવમી સદીનાં સ્થાપત્યને જાળવે છે. હા, મુનિ અગસ્ત્યનો નિવાસ ત્યાં હતો. લોપામુદ્રાની સાથે-સંગાથે, ને હવે આકાશે સપ્તર્ષિના એક તારક બનીને આ ઋષિવર સુપ્રતિષ્ઠ છે.
ધામોદમાં સ્વયંભૂ મહાદેવ વિરાજે છે. લાલિયા લુહારની લોકકથા જાણીતી છે આ વિસ્તારમાં. તેને અહીં પારસમણિ પ્રાપ્ત થયો હતો. કડાણા આધુનિક ગુજરાતનું સ્થાનક છે. ઈલેક્ટ્રિક ઊર્જા અને સિંચાઈનો રસ્તો નીકળ્યો. કાકચિયામાં તો મહી-પાનમ-વેરી નદીનો સુંદર સંગમ નિહાળવા મળે. કાલેશરી જાઓ તો એક વાવનું નામ છે સાસુ-વહુની વાવ! ત્યાં જ સપ્તમાતૃકામાં તરણેતર જેવું અદ્ભૂત શિલ્પ કંડારાયેલું છે.
લુણાવાડા એટલે લુણેશ્વર મહાદેવ અને ભુવનેશ્વરી માતાનું સ્થાનક. આ નગરને ‘છોટે કાશી’ કહેવાયું છે. (સૌરાષ્ટ્રમાં જામનગરને આ નામાનિધાન કરાયું હતું.) સંસ્કૃત પાઠશાળાની વિશેષતા ધરાવે છે અને કાશી વિશ્વેશ્વર વિના તો ક્યાંથી ચાલે?
ત્યાંથી ૨૩ કિ.મી. પર છે સંતરામપુર, અને ત્યાંથી જવાય છે આપણા ‘જલિયાંવાલા’ સુધી. હા, માનગઢ ટેકરી પર વનવાસી ગુરુ ગોવિંદ ગુરુની ધૂણી ધખાવીને બેઠા હતા. ૧૯૧૩ના ૧૭ નવેમ્બરે ત્યાં ‘ભારત માતા કી જય’ પોકારનારા વનવાસીઓ પર સૈનિકોએ ગોળીબાર કર્યો. ૧૫૦૭ વનવાસીઓની લોથ ઢળી. ગોવિંદ ગુરુને પકડી લેવાયા.
કોણ હતા ગોવિંદ ગુરુ?
તેમણે ‘સંપ સભા’ શરૂ કરી. ૧૮૬૩માં રાજસ્થાનના ડુંગરપુર રાજ્યના વેદસા ગામે તેનો જન્મ. એકવીસમા વર્ષે તે ‘ભગત’ અને ‘સાધુ’ બની ગયો. છપ્પનિયા દુકાળમાં કુટુંબે હિજરત કરી. સુંથી રાજ્યના વટવા ગામે સ્થાયી થયાં. સ્વામી દયાનંદની તેના પર ઘેરી અસર હતી. સંપસભા તેનું સાર્થક સ્વરૂપ હતું. ‘જુગરા’થી ‘સુગરા’ થવાની પ્રક્રિયા અપનાવી. સાદા-સીધા શબ્દો અને ધૂણીનો અગ્નિ. અનેકો તેમાં જોડાયા.
‘ભગત સંપ્રદાય’નો પ્રભાવ શરૂ થયો. દારૂ, માંસ, ચોરીના ત્યાગની વાત તેમાં પ્રચલિત કરવામાં આવી. દેશી રાજ્યોમાં દારૂની આવક ઘટી એટલે ગોવિંદ ગુરુ અળખામણા બન્યા. ભીલોની અસ્મિતા તેમની સત્તાને માટે બાધક બનશે એમ લાગ્યું. ગોવિંદ ગુરુ અને પૂંજા ધીરજીનાં આયોજનથી ૧૭ નવેમ્બર ૧૯૧૩ (કાર્તિક સુદ પૂનમ) માનગઢમાં મેળો ભરાવાની વાત ચોતરફ પહોંચી.
રતલામના મિશનરીએ સરકારને જણાવ્યું કે આ તો ખૂલ્લો બળવો છે, બ્રિટિશ પોલિટીકલ એજન્ટે ‘વિનંતી કર્યા’નો દાવો તે સમયના પરિપત્રોમાં કર્યો પણ ભીલ સમાજનો વિપ્લવ શાંત રહી શકે તેમ નહોતો. ગોળીબાર થયો. માનગઢ પર્વતની ખીણો ચિત્કારથી ગાજી ઊઠી. ચારેતરફ મૃતદેહો ઢળ્યા. ૯૦૦ ભીલોને પકડી લેવાયા.
ગોવિંદ ગુરુ સામે મુકદ્દમો ચાલ્યો. ફાંસીની સજા કરવામાં આવી પછી ઘટાડીને ૧૦ વર્ષ કરાયા. સાબરમતી જેલમાં ગોંધાયેલો ગોવિંદ ગુરુ છૂટી ગયા પછી પણ અજંપો અનુભવતો હતો. ઠક્કરબાપા સાથે કામ શરૂ કર્યું પણ પ્રકૃતિને અનુકૂળ ન પડ્યું.
કંબોઈ ધામમાં તેની સમાધિ છે.
તેના આ લોકગીતમાં સમગ્ર સ્વાધીન મિજાજ દેખાય છે.
ની માનું રે ભૂરેટિયા
ની માનું!
માનગઢ મારી ધૂણી... રે
ભૂરેટિયા, ની માનું!
ઝાલો માંય મારી કુંડી હે,
દાહોદ માંય મારો દીયો
ભૂરેટિયા, ની માનું!
ગોધરા માંય મારી જાજમ રે
અમદાવાદ માંય મારી બેઠક હૈ,
દિલ્લીમાંય મારી ગાદી હૈ,
બેણેશ્વર મારો ચોપડો હૈ,
વેરાની વાલીને પંચાયત રાજ કરવું હે
ભૂરેટિયા, ની માનું રે!
કેપ્ટન સ્ટોકલી વનવાસીઓમાં અળખામણો થયેલો ભૂરેટિયો (અંગ્રેજ) હતો, જેણે માનગઢમાં ધુંવાધાર ગોળીબારનો આદેશ આપ્યો હતો.
પંચમહાલ સત્યાગ્રહ અને આદિવાસી-સેવા પ્રવૃત્તિના ગાંધીયુગીન પ્રવાહનું સાતત્ય રાખ્યું વામનરાવ મુકાદમ, ઈન્દુલાલ યાજ્ઞિક, સુખદેવ ત્રિવેદી, ઠક્કરબાપા, કમળાશંકર પંડ્યા, યાલાભાઈ લોખંડવાલા, લક્ષ્મીકાંત શ્રીકાંત, મામાસાહેબ ફડકે, ચંદુશંકર શુક્લ, શિવશંકર શુક્લ, કાશીરામ દવે (નાનાલાલના ગુરુવર્ય)... આ બધાં નક્ષત્રોની કર્મભૂમિ અહીં રહીં ૧૯૧૭માં ગોધરાની રાજકીય પરિષદે તો ગુજરાત સમગ્રમાં-અને દેશમાં પણ-રાષ્ટ્રીય ચેતના પ્રકટાવી. ૫ નવેમ્બર ૧૯૧૭ની આ પરિષદમાં લોકમાન્ય તિલક, ખાપરડે, અલીબંધુઓ, બેરિસ્ટર જિન્ના, મોરારજી ગોકળદાસ, ગાંધીજી... સહુ એક મંચ પર હતા. પહેલી વાર બ્રિટિશ વફાદારીથી છેડો ફાડવાની આ રાજકીય ઘટના. હોમરુલ ચળવળ પણ ચાલી. વેઠવિરોધી ચળવળ માટે સરદારને બોલાવાયા. ૧૯૩૦માં જંગલ-સત્યાગ્રહ થયો.
મહીસાગરનું બાલાસિનોર પાસેનું રૈયોલી ‘ડાયનાસોર’ને માટે જગજાણીતું છે. ફ્રાન્સ, મોંગોલિયા અને રૈયોલીઃ આ ત્રણ જ સ્થાને ડાયનોસોરના અવશેષો મળ્યા છેઃ બીજા પણ અવશેષો છે, સાત-આઠ કરોડ વર્ષ પૂર્વેનું વિશ્વ નજર સામે થાય. નવાબ એચ. એસ. મોહમ્મદ તલાબત ખાન જમિમત ખાન બાબી અને તેમના બેગમ આ પાર્ક સાથે ગાઢ નાતો ધરાવે છે. પ્રવાસન વિભાગે અહીં પ્રવાસન-સ્થળ વિકસાવ્યું છે.
મહીસાગરના નગર-ગામોની અતીતની વાણી સાંભળવા જેવી છે. મહી નદીના કિનારે પરમપુરમાં ઋષિ દધિચીનો આશ્રમ હતો એટલે તેને દધિપટ્ટણ કહેવાતું. સિદ્ધરાજને ક્યારેક પાટનગર બનાવવાની ઈચ્છા થઈ હતી. ૧૪૩૪માં લુણાવાડા રાજગાદી રાજવી ભીમસિંહે સ્થાપી હતી. બ્રિટિશરોને ૧૮૫૭ના વિપ્લવની એવી બીક હતી કે તેમણે રાજાઓની વફાદારીને મહત્ત્વ આપવા માંડ્યું. રાણી વિક્ટોરિયાએ લુણાવાડાના રાજવી વખતસિંહજીને કે.સી.આઈ.ઈ. ખિતાબ પણ આપ્યો.
ડુંગરોની તળેટીમાં વસેલાં આ નગરમાં સ્થાપત્ય વૈભવ છે. બુરજ પરની તોપોનું પણ આકર્ષણ નોંધાયું છે. ‘જબ્બર’થી ‘રંગીલી’ સુધીનાં તેનાં નામ છે! બાલાસિનોરમાં બાબી નવાબ. ૭૦૦ વર્ષ પૂર્વે અફઘાનિસ્તાનથી મોગલો આવ્યા, તેના સુબેદારોમાંથી બાબી નવાબ થયા. તે ગુજરાતમાં જૂનાગઢ, બાંટવા, બાલાસિનોર, રાધનપુર, પાલનપુરમાં શાસન કરવા લાગ્યા. જૂનાગઢની જેમ અહીંના નવાબ પણ નાટકના શોખીન હતા. ‘સરદાર વિજય નાટક કંપની’ પણ શરૂ કરી! વેઠપ્રથાથી ઈમારતો બાંધવામાં આવી. કેટલોક સમય નવાબને કેદમાં રાખવામાં આવ્યા.
કલેશ્વરી પુરાતત્વની ખાણ ગણાય છે. લુણાવાડાથી ૨૫ કિ.મી. પર આવેલા આ સ્થાને ‘સ્મારક સમૂહ’નું આયોજન કરાયું તેમાં સાસુની વાવ, વહુની વાવ, શિલાલેખ સાથેનું મંદિર, પ્રાચીન મંદિર, શિકાર મઢી, ભીમચોરી, અર્જુનચોરી, ત્રિદ્વાર મંદિરનો સમાવેશ થાય છે.
સુંથ અને રામપુર – જુદાં નગરો હતાં, હવે તે ‘સંતરામપુર’ બની ગયું.
મહીસાગરનો ‘ઢોલ’ કાયમ વાગે છે તેનું કારણ ભાતીગળ પ્રજાની તવારિખ છે.