વીતેલા સપ્તાહે સુરતમાં આપણા સાંપ્રત અને ગંભીર વિષય પર નર્મદ યુનિવર્સિટીમાં ચર્ચા થઈ. રાજ્યપાલશ્રીની ઉપસ્થિતિમાં એક પરિસંવાદ હતો. મુદ્દો એ હતો કે ગુજરાત સરહદી રાજ્ય છે. કચ્છથી બનાસકાંઠા અને અન્યત્ર પાકિસ્તાને કરેલા આક્રમણોની આપણને અનુભવ છે. આજના સંજોગોમાં, જ્યારે કાશ્મીરના પુલવામાને રક્તરંજિત કરવામાં આવ્યું અને ચાલીસ જવાનોના મોત થયાં, તે ઘટનાની નિસબત દેશ સમગ્રને છે, તો ગુજરાતે તે વિષે શું વિચારવું જોઈએ? મુદ્દો સાચો છે...
સરહદી આક્રમણ ઉપરાંત વિભાજન દરમિયાન હિજરતનો પણ ગુજરાતને અનુભવ છે. રાજ્યના એક-બે રજવાડા તો પાકિસ્તાન સાથે વિલીન થવા માંગતા હતા તેને આરઝી હકુમત રચીને પ્રજાએ બોધપાઠ આપ્યો હતો. ગુજરાતમાં વેરાવળથી અમદાવાદ કેટલાંક કોમી હુલ્લડો ભૂતકાળમાં થયાં હતાં. મુંબઈમાં લોહિયાળ વિસ્ફોટ કરનારા ગુજરાતના સમુદ્રકિનારેથી પહોંચ્યા હતા અને કચ્છની સરહદ તો દાણચોરી તેમજ ઘૂસણખોરી માટે ઘણા સમયથી જાણીતી રહી છે. ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધની સહુથી ભીષણ સ્મૃતિ કચ્છની છે.
૧૯૬૫ના યુદ્ધમાં ગુજરાતના મુખ્ય પ્રધાન બળવંતરાય મહેતા, તેમના પત્ની સરોજબહેન, પત્રકાર કે. પી. શાહ, મુખ્ય પ્રધાનના અંગત સચિવ પરેશ, વિમાનના ચાલક સહિત બધા સુથરી નજીક વિમાન અકસ્માતમાં મોતને ભેટ્યા. પાછળથી એવા અહેવાલો આવ્યા કે પાકિસ્તાને રડારનો ઉપયોગ કરીને આ વિમાન તોડી પાડ્યું હતું. છાડ બેટ, કંજર કોટ, વીઘા કોટ, બેડીયા બેટ, સરબેલા બેટ, બિયાર બેટ... આ બધા નામો તે સમયે જગજાણીતા થયેલા અને ૧૯૬૫ના એપ્રિલમાં થયેલા હુમલામાં ભારતીય એસ.આર.પીના દળોએ ૧૩૪ પાકિસ્તાની સૈનિકોની લોથ ઢાળી દીધી ત્યારે તેમાં ભારતે જે પાંચ સૈનિકોને ગુમાવ્યા તેમની સ્મૃતિ આજે પણ લોકોના ચિત્તમાં છે.
૧૯૬૮માં ભારતે છાડ બેટ પાકિસ્તાનને આપી દીધું ત્યારે એક મહિના સુધી કચ્છમાં સરહદી સત્યાગ્રહ ચાલ્યો હતો. આવી જ એક સત્યાગ્રહી ટુકડી બનાસકાંઠામાં સુઈ ગામ થઈને સિંધના નગર પારકર સુધી પહોંચી તેમાં આ પત્રકાર પણ સામેલ હતો અને તપતા રણમાં માંડ બધાના જીવ બચ્યા હતા. સિંધમાં ત્યારે ભારતીય સૈનિકોએ આ વિસ્તાર જીતી લીધો હતો, પણ પછી મંત્રણા દરમિયાન પરત કરી દીધો હતો.
કાશ્મીરમાં ઇસ્લામિક રાજ્ય?
અત્યારના સંજોગો પ્રત્યક્ષ યુદ્ધના નથી પણ જેને ‘પ્રોક્સી વોર’ કહી શકાય તેવી સ્થિતિ છે. મુખ્ય કારણ કાશ્મીર છે, અને તેના મૂળમાં છેક ૧૯૪૭નું વિભાજન છે, જ્યારે પાક. કબાઈલ આક્રમકોએ હુમલો કર્યો. ભારતની સામે ત્રણ યુદ્ધ હારી ગયા પછી પણ પાકિસ્તાની શાસકોને શાંતિ નથી અને પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીરમાં આતંકવાદી છાવણીઓ ઊભી કરીને ભારતમાં જે ૪૫ ટકા કાશ્મીર છે તેને મેળવવા કોશિશ કરી રહ્યું છે. તેના ત્રણ મોરચા છેઃ એક આંતરરાષ્ટ્રીયસ્તરે પ્રચાર કરવો. બીજું, ક્રોસ-બોર્ડર ટેરરીઝમને ચાલુ રાખવું ને ત્રીજું, કાશ્મીરમાં ‘આઝાદી’ના નામે મજહબી સંગઠનો ઉભા કરવા. કાશ્મીરના સ્થાનિક પક્ષોમાં પોતાના સાગરિતો ઉભા કરવા અને ભારતીય સૈનિકોની સામે જંગ આદરવો.
મહત્ત્વની વાત યાદ રાખવા જેવી છે કે કાશ્મીરમાં ૬૦ જેટલા નાના-મોટા સંગઠનો છે તેઓ પણ ઇસ્લામિક રાજ્ય સ્થાપવાના ઇરાદા ધરાવે છે! માનવાધિકારના નામે, ‘આઝાદી’ના નામે તેમને ભારતમાં કેટલાંક પરિબળો ટેકો આપે છે તેનું એક મથક જેએનયુ છે. સંસદ પર હુમલો કરનાર અફઝલ તેનો આદર્શ છે. હવે દેશભરમાં ટુકડે ટુકડે આ ગેંગ કુખ્યાત બની ગઈ છે. હવે સ્પષ્ટ થઈ ગયું છે કે તેમની પાછળ અલ્ટ્રા-લેફ્ટીસ્ટ લોકો છે, જેમનો ઇરાદો વધુમાં વધુ વિભાજનનો છે.
ક્યારેક ક્રાંતિકારી, ક્યારેક દલિત, ક્યાંક બુદ્ધિજીવી, વળી માનવાધિકારવાદી એમ વિવિધરૂપે તેઓ દેશભરમાં પ્રવૃત્ત છે. ક્યાંક તેઓ ગાંધીજીનું નામ પણ વાપરે છે. અર્બન નક્સલ એવી હિકમત છે. અત્યારે તેઓ પરિસ્થિતિ જોઈને શાંત છે, પણ ગુસપુસ અને ગણગણાટ ચાલુ છે. પુલવામાના હત્યાકાંડ વિષે કંઈ બોલી શકે તેમ નથી એટલે નવો મુદ્દો શરૂ કર્યો કે કાશ્મીરના યુવકોને સેના અને પોલીસ આ ઘટનાના નિમિત્તે હેરાન કરી રહી છે. તે વાતને રદિયો પણ અપાઈ ચુક્યો છે. એમનેસ્ટી આવા તત્ત્વોને મદદ કરતી હોવાનો આરોપ છે અને તેની તપાસ ચાલુ છે. બીજી તરફ પાકિસ્તાન આજના સંજોગોમાં શા માટે આવી હરકતો કરી રહ્યું છે તે પણ જાણી લેવા જેવું છે.
પાકિસ્તાન કર્યું ભોગવે છે!
એ તો દેખીતું છે કે પાકિસ્તાનમાં સરકાર અને વડા પ્રધાનનું દેખીતું શાસન છે, દોર તો પંજાબી લશ્કરના હાથમાં છે. અત્યારે નવા ડેપ્યુટી જનરલ અસીમ મુનીર છે, જે કાશ્મીરમાં ઉત્પાત કરવાની વ્યૂચરચના સંભાળે છે. તેને ડાયરેક્ટર જનરલ મિલિટરી ઇન્ટેલીજન્સનો અનુભવ છે. સૈનિકી વડા કમર જાવેદ બાજવા નવેમ્બરમાં પોતાના હોદ્દા પરથી નિવૃત્ત થાય છે, પણ હજુ ચાલુ રહે તેવી ઇચ્છા છે.
જૈશ-અલ-અદ્દલ નામે પાકિસ્તાની આતંકવાદી જૂથે પુલવામા હુમલાના એક દિવસ પહેલા બલુચિસ્તાન માર્ગ પર ઇરાન ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડસના ૨૭ સભ્યોને બોમ્બથી ખતમ કર્યા હતા. પાકિસ્તાન પોતાના કર્મને ભોગવું રહ્યું છે ને તેને ઇમરાન ખાન બચાવી શકે તેમ નથી.
છેલ્લી વાત આપણા દુઃખ અને ગુસ્સાની છે, નજર રાખીને બેઠેલા કેટલાંક તત્ત્વો ભારત કોઈ મોટું પગલું ન લઈ શકે તેવો માહોલ પેદા કરી રહ્યાં છે. તર્ક, કુતર્ક અને અર્ધસત્યોનો રેલો શરૂ થયો છે. કાશ્મીરી પ્રજામાં સૈનિક અને ભારત સરકાર વિરોધી લાગણી પેદા કરનારા તત્ત્વો સક્રિય છે, તેમાં રાજકીય લોકો પણ છે. સામાન્ય ભારતવાસી ગુસ્સામાં છે. તે સ્વાભાવિક છે. એ પણ કડવી વાસ્તવિકતા છે કે પાકિસ્તાનનો જન્મ જ ભારત પ્રત્યેના ધિક્કારથી થયો તેનો ફાયદો ત્યાંના રાજકીય નેતાઓ આજ સુધી ઉઠાવતા આવ્યા છે.
સામાન્ય પાકિસ્તાની નાગરિકના દિમાગમાં દ્વેષ પેદા કરવા સિવાય પાકિસ્તાની રાજકીય અને મજહબી સંગઠનોએ બીજું કશું કર્યું જ નથી. આપણે ભલે ઉત્તર અને દક્ષિણ કોરિયા કે પૂર્વ અને પશ્ચિમ જર્મનીની દિવાલના ઉદાહરણ આપીએ પણ ત્યાંના કરતા પરિસ્થિતિ સાવ જુદી છે. પાકિસ્તાન આર્થિક રીતે તબાહ થઈ ચૂક્યું છે તેનું કારણ તેના શાસકો છે. પણ પ્રજા તે સમજવા અને યોગ્ય પરિવર્તન લાવવા જેટલી જાગૃત નથી.
જો સિંધુ જળ કરાર રદ કરવામાં આવે (કેટલાક જીવદયાપ્રેમીઓ તેનો વિરોધ પણ કરશે) તો પાકિસ્તાનની શી દશા થાય તે વિષે પાકિસ્તાની મીડિયામાં હવે ચર્ચા શરૂ થઈ છે. ભારતે સરહદ પર યુદ્ધ કરવાને બદલે દરેક મોરચે એવાં ભગલા લેવા શરૂ કર્યા એ સારું થયું. હજુ પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીરમાં જે આતંકી છાવણીઓ છે તેને નષ્ટ કરવી, અને બન્ને કાશ્મીરનું વિલીનીકરણ ઇચ્છતી પ્રજાને સમર્થન આપવું, બલુચિસ્તાનની આઝાદી ચળવળને સક્રિય ટેકો આપવો અને ભારતીય કાશ્મીરમાં બેઠેલા તમામ અલગાવવાદીઓની તાકાત સમાપ્ત કરવી, જેવા સાથે તેવા નીતિ અપનાવીને સિંધુ જળ કરાર રદ કરવો. આટલાં પગલાં પ્રત્યક્ષ યુદ્ધ કરતાં પણ વધુ અસરકારક બનશે. ભારતીય નાગરિક જુલુસ કાઢે, સૈનિકોને મદદ કરે, ગુસ્સો વ્યક્ત કરે તે બરાબર છે, પણ ઉન્માદનો અતિરેક ન જ કરે. ગુસ્સાને રાષ્ટ્રીયતાના વિધેયાત્મક જુસ્સામાં બદલાવી નાખે એ જ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની તાકાત છે.
ગુસ્સો નહીં, જુસ્સો!
ગુજરાતે પણ આમાં ધીરજ અને દૃઢતાથી આગળ વધવાનું છે. પાછલા અનુભવો તેને કામ લાગે તેવા છે. ઝિંદાબાદ-મુર્દાબાદ કે નનામી બાળવી યા એર કન્ડીશન્ડ ઓફિસ કે ચાની લારીના ગલ્લે ‘બસ, હવે તો પાકિસ્તાનને ઠોકી દો’ એમ કહેવું તેનાથી કશું વળતું નથી. ખરી કસોટી ઠંડી તાકાતમાં છે. તે નબળાઈ નથી, દુશ્મનને હંફાવે તેવી મોટી તાકાત છે અને તેનાં પરિણામો ક્રમશઃ જોવા મળશે.