ગુજરાતમાં પાટીદારોએ કરેલી અનામતની માગણીનાં આંદોલનનો પડઘો વિદેશવાસી ગુજરાતીઓમાં ના પડે તો જ નવાઈ. ગુજરાત અને ગુજરાતીઓએ સર્વત્ર પોતાની સંવેદનશીલતા જાળવી રાખી છે. અમેરિકામાં કેટલાક ગુજરાતીઓએ એકઠા થઈને અપીલ બહાર પાડી છે અને લંડનમાં ‘ગુજરાત સમાચાર’-‘એશિયન વોઇસ’ના ઉપક્રમે શ્રી સી. બી પટેલે ૧૩ સપ્ટેમ્બરે કેટલાક મહાનુભાવોને ચર્ચા કરવા બોલાવ્યા તેનો સારો પ્રતિસાદ અહીં ગુજરાતમાં પડ્યો છે.
ગુજરાતથી દૂર બેઠેલા ગુજરાતીઓ અહીંની રાજકીય - આર્થિક - સામાજિક સમસ્યાઓ સાથે સંકળાયેલા છે. પછી તે નર્મદાનો સવાલ હોય, પ્રદેશ અને દેશવ્યાપી ચૂંટણી હોય યા ગુજરાતના વિકાસકાર્યોમાં સહયોગ હોય. આ દિવસોમાં પાટીદાર સમુદાયની અસરકારક રેલીઓ આખા ગુજરાતમાં થઈ અને ૨૫ ઓગસ્ટે અમદાવાદની મહા-સભા પછી જુદે-જુદે ઠેકાણે હિંસાનો દોર ચાલ્યો તેની ચિંતા અને ચિંતન વાજબીપણે થવાં જોઈએ.
કોઈ મોટું આંદોલન હમણાં સરજાયું નહોતું. પંદરેક વર્ષે - ગુજરાતી પ્રજાની ખાસિયત પ્રમાણે - આ અનામત - ચળવળ શરૂ થઈ. ૨૫મીએ તો તે ટોચ પર પહોંચી ગઈ, પરંતુ હવે બન્ને તરફથી - પોલીસ અને પ્રજા - તે ધીમે ધીમે શાંત થતું હોય તેમ દેખાઈ રહ્યું છે.
શું આ શાંતિ ‘ભારેલા અગ્નિ’ જેવી છે? ૧૩મીએ સૌ બ્રિટિશ ગુજરાતીઓ મળો ત્યારે આનો વિચાર પહેલાં કરજો કારણ એ છે કે આંદોલનોની તાકાતનો પ્રભાવ કાયમ એક સરખો રહેતો નથી. અનેક કારણોથી તે નબળો પડે છે. ગુજરાતમાં પાટીદાર આંદોલનના જે બે મુખ્ય સંગઠનો છે તેનો આપસમાં મતભેદ જલદીથી બહાર આવ્યો. ‘આંદોલનનો ચહેરો’ તો હાર્દિક પટેલ જ હતો. તેની પાસે યુવક-યુવતીઓ વચ્ચેની લોકપ્રિયતા છે. તે સીધુંસટ બોલે છે. તેની ભાષણશૈલી સૌને ખેંચી રાખે તેવી છે. હિન્દીમાં પણ ઘણું સારું બોલે છે અને સભાના ભાષણ દરમિયાન લોકલાગણીને સાથે લઈ જવા સંવાદની ભાષા યે રચે છે. આંદોલનકારી નેતાને છાજે તેવી આ શૈલી છે. તે ગાંધી - સરદાર - ભગતસિંહને એક સાથે યાદ કરે છે. તેને નરેન્દ્ર મોદી - બાળ ઠાકરે - કેજરીવાલની કેટલીક ખૂબી ગમે છે એમ પણ કહી દીધું, પણ ‘મારે તો સરદાર હાર્દિક’ થવું છે એ મહત્વાકાંક્ષા યે જાહેરમાં વ્યક્ત કરી દીધી.
મુસીબત એ છે કે ‘પાટીદારોને ઓબીસીના ૨૭ ટકામાં સમાવવા જોઈએ’ એવી જિદ્ સાથે આંદોલનનો વૈચારિક નકશો આ લોકોની પાસે નથી. હેઇસો હેઇસોનો જુવાળ છે અને અચાનક ટપકી પડતા ‘કાર્યક્રમો’ છે. ૨૫મીની આવડી મોટી રેલીમાં ‘ના, કલેક્ટરને આવેદન નહીં આપીએ...’ ‘ચીફ મિનિસ્ટર પોતે અહીં આવીને આવેદન પત્ર સ્વીકારે...’ ‘નહીંતર હું ઉપવાસ પર ઊતરી જઉં છું...’ ‘રેલી કલેક્ટરને મળવા જશે...’ ‘હાર્દિક મંચ પર ઉપવાસ પર રહેશે...’ ‘રેલીમાં હાર્કિદ જશે...’ ‘રેલી પછી વળી પાછા જીએમડીસી મેદાન પર આવીશું...’ ‘અહીંથી અમે ઊઠીશું નહીં...’ આટલા નિર્ણયો એક પછી એક લેવાયા, બપોર પછી આવું બન્યું તેમાં હાર્દિકની સાથે કોણ હતું અને કોણ નહીં તે જ સમજાય તેવું નહોતું!
આ તકનો લાભ લઈને સાંજે પોણા આઠ વાગે અચાનક પોલીસ-પરાક્રમ શરૂ થઈ ગયું (જેની કોઈ જરૂરત નહોતી. આઇબીના ગમે તે રિપોર્ટ હોય, તે સમયે ૪૦૦-૫૦૦ કાર્યકર્તા અને થોડાક શહેરીજનો સિવાય કોઈ નહોતું અને તે બધા શાંતિથી બેસીને મંચ પરની હિલચાલ જોઈ રહ્યા હતા. કદાચ તે સૌ હાર્દિકને ફરી વાર સાંભળવા માગતા હતા. પણ જનરેટર ન હોવાથી લાઈટ નહોતી.) પોલીસની આ તદ્દન નિરર્થક આક્રમક ઘટનાએ શહેર અને રેલીમાંથી પોતપોતાના શહેર - ગામ - જિલ્લે પાછા ફરી રહેલાઓમાં ઉશ્કેરણી પેદા કરી. પછી શું થયું તે આપણે સૌ જાણીએ છીએ અને તેમાં નવાઈ જેવું કંઈ જ નહોતું. માત્ર દુઃખી થઈ શકાય તેવું હતું કેમ કે ૧૯૫૬નાં મહાગુજરાત આંદોલનથી આજ સુધીનાં તમામ આંદોલનની આવી જ ઘરેડ રહી છે. હિંસા અને પ્રતિહિંસા. ક્રિયા અને પ્રતિક્રિયા. પોલીસ દ્વારા દમન અને સરકારી ઈમારતો - બસોને નુકસાન. ક્યાંક તો પોલીસ થાણા પર હુમલા થયા.
૧૯૮૧ અને ૧૯૮૫ના અહેવાલો તો દર્શાવે છે કે સાત-આઠ વર્ષની બાળકી પણ ઘરમાંથી બહાર કાઢીને વીંધી નાખવામાં આવી હતી. અમદાવાદમાં આ વખતે એક યુવાનનું પોલીસ કસ્ટડીમાં જ મૃત્યુ થયું તેની આલોચના ખુદ અદાલતે કરી છે.
અનામત મળવી જોઈએ કે નહીં - આ એક મુદ્દો અને બીજો પોલીસ - પ્રજાની વચ્ચે ખતરનાક અંતર પડી જવાથી જે હિંસા થાય છે તેને કઈ રીતે રોકવી - આ બે જ મુદ્દા ભારે મહત્ત્વના છે. તેની ચર્ચા કરવાનું ગુજરાતના વિવિધ અગ્રણીઓએ તો ટાળ્યું છે. કોઈ મોટાં ગજાંની સંસ્થાએ આ મુદ્દે વિચાર વિમર્શ કરવા બેઠક બોલાવી નથી. સરકારની સમિતિ સમક્ષની ભલામણો કે શાંતિ સમિતિઓ આમાં માહૌલ વિચારવાના અને બદલવામાં ઉપયોગી થઈ શકે તેમ નથી. સમાજના મહાજનોએ એકઠા થવું પડે. પહેલાની ઘટનાઓમાં અમૃતલાલ હરગોવનદાસ, રવિશંકર મહારાજ, એસ. આર. ભટ્ટ, પ્રા. માવળંકર વગેરે એવું અસરકારક રીતે કરતા. આજે તો તેવા નિસબત ધરાવતા મહાજનોનો દુકાળ પડ્યો હોય અથવા કશી પળોજણમાં કે વિવાદમાં પડવા ન માગતા હોય તેવી સ્થિતિ છે. બાકી રહેલી એનજીઓમાં તો મોટા ભાગે પૂર્વગ્રહ અને પક્ષપાતની બિમારી છે. તેઓ કંઈ કરે તો યે તેમાં સંમત થવું મુશ્કેલ હોય છે.
આવા સંજોગોમાં વિચારવલોવણનો લંડનનો પ્રયાસ ભલે મર્યાદિત હોય, પણ મહત્ત્વનો છે. બે મુદ્દા વિચારવાનું થશે એટલે તેમાંથી બીજા પેટા પ્રશ્નોની યે ચર્ચા થશે. કેટલાક એવા સવાલો છે પણ ખરાઃ પાટીદાર છોકરા - છોકરીઓને રસ્તા પર આવવાની ઘટના કેમ બની? તેમના વડીલ પાટીદાર આગેવાનોને આની ખબર હતી? ખબર હતી તો વાર્યા કેમ નહીં? કે પછી યુવા પેઢી તેમના કહ્યામાં રહી નથી? અનામતમાં ભાગીદારી બંધારણીય રીતે શક્ય નથી તો શો ઉપાય કરવો? ગરીબ તો ‘લોકો’ હોઈ શકે, કોઈ આખી ‘જાતિ’ નહીં તે કેમ સમજાવવું? શું અત્યાર સુધીમાં ઓબીસીનો જથ્થો વધાર્યે જવાનું જરૂરી હતું? શું ઓબીસી હેઠળની તમામ જાતિઓનો સમાજિક - આર્થિક વિકાસ થયો છે ખરો? થયો હોય તો કેટલો? અને જો કોઈ જાતિનો પૂરતો વિકાસ થયો હોય તો અનામત મેળવવામાંથી તેની બાદબાકી કેમ ના થઈ? શું સોલંકી - દરજી - મહેતાની કોંગ્રેસી ત્રિપૂટીએ પેદા કરેલી ‘ખામ’ થિયરી આ અસંતોષ અને વિભાજનનાં મૂળમાં છે? શું ઓબીસીને લીધે દલિત અને આદિવાસી (એસસી અને એસટી)ના વિકાસમાં ખરાબ અસર થઈ છે? શું આખેઆખી અનામતથી સમાજની સમરસતાને ભારે નુકસાન થયું છે? શું એક જાતિને બીજી જાતિની સામસામે મૂકવાની પેંતરાબાજીનું માધ્યમ અનામત બની ગઈ? શું ઓબીસી (અધર બેકવર્ડ ક્લાસ)ની જગ્યાએ ઇબીસી (ઇકોનોમિકલ બેકવર્ડ ક્લાસ)નો માપદંડ હવે જરૂરી થઈ ગયો છે? શું સંપૂર્ણ અનામતના આજ સુધીના લાભાલાભનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરીને, સંપૂર્ણ આંકડા સાથે પુનરાવલોકન કરવાની ઘડી આવી પહોંચી છે?
આનંદીબહેનની સરકારે આંદોલન પ્રત્યે સંયમ જાળવ્યો છે. ૧૯૭૪નાં નવનિર્માણ કે ૧૯૮૧-૮૫નાં અનામત - રમખાણો જેવી અને જેટલી ભીષણ ઘટનાઓ સર્જાઈ નથી. મુખ્ય પ્રધાન પદને અ-સ્થિર બનાવવાનો ઇરાદો રાજ્યના શાંતિથી ચાલતા વહીવટને માટે ભારે જોખમકારક સાબિત થઈ શકે છે. બેશક, સરકારે પણ ખરા અર્થમાં વિકાસ અને શિક્ષણપ્રથામાં પેધી ગયેલા ગંદવાડને ઊલેચવાના મુદ્દે વધુ ગંભીર થઈને કામ કરવું પડશે. વિદ્યાર્થી પોતાની નજર સામે, વધુ મહેનત કરીને સફળ થવાની ઇચ્છાને અકારણ ખલાસ થતી જુએ તો તેનો અજંપો તેને થાય એ સ્વાભાવિક છે. આજે પાટીદાર છોકરા-છોકરીઓને તેનો ગુસ્સો આવ્યો છે, કાલે બીજાને થશે. આમાંથી બીજા પ્રકારની અસમાનતા પેદા થાય છે તેનો વિચાર તો કરવો જ રહ્યો.
આ કેટલાક મુદ્દા, ‘મુકામ પોસ્ટ ગુજરાત’થી વિચારવા માટે મોકલ્યા છે. ચર્ચા અને ચિંતન સારાં પરિણામોનો પહેલો સંકેત હોય છે બ્રિટિશ ગુજરાતીઓની અપીલ ગુજરાતમાં એક ચોક્કસ પ્રકારનો પ્રભાવ પેદા કરશે.