વછોડા ક્યાં આવ્યું? નકશામાં તો દેખાતું નથી!
રાણાવાવથી પોરબંદર તરફ જતા રસ્તાને ચાતરીને વછોડા ગામે પહોંચાય છે. કેટલાકના મતે તે વનચરડા છે. ગામની કોઈ વિશેષ ઓળખ ક્યાંથી હોય? ધૂળિયો રસ્તો. થોડાંક ઝાડવાં. સુસ્ત અને ગરીબ વસતી. મોટા ભાગનાં ખેતર અને ખેતમજૂરી સાથે જોડાયેલા. દિવસે મકાનોના દરવાજે તાળાં લાગેલાં હોય. રડીખડી દુકાન એકાદ-બે સાંકડી ગલીના ઉબડખાબડ રસ્તા. નાગાપૂગાં છોકરાંઓ ઇધર-ઉધર ભટકે છે.
‘અહીં મૂળુ માણેકનું બલિદાન લેવાયું હતું? ‘ના છડિયાં હથિયાર’ના વીર નાયકનું?’
માન્યામાં આવે તેવું નહોતું. ગામલોકને ય આછીપાતળી ખબર. તેમાં અજાણ્યા આગંતુકોને તો માંડીને વાત પણ કોણ કરે? ગાડી ધૂળ ઊડાડતી ગામના પ્રવેશની જગ્યાએ પહોંચી. માર્ગ-મકાન ખાતાનો એક માઈલ-સ્ટોન ગામનું નામ જણાવતો હતો. એક તરફ સૂનમૂન મંદિર હતું. બીજી તરફ -
કોઈકે આવીને કહ્યું કે અહીં વાસમાં મૂળુ માણેકની ખાંભી છે. ઝાંખરાં પાર કરીને અમે ગયાં. આસપાસ નાનાં મકાનો, વચ્ચેના ફળિયા જેવી જગામાં વૃક્ષ તળે ખાંભી - ખરેખર આ ખાંભી હતી? કેટલાક પથ્થર જ પડ્યા હતાં, વીરનાયકની સ્મૃતિને વાગોળતા! વરસે એકાદ વાર માણેક પરિવારો તેના પૂર્વજને ‘પગે લાગવા’ આવતા હશે એટલે સિંદૂર ચઢેલું દેખાતું હતું.
હા, અહીં જ મૂળુ માણેક અને તેના ચાર સાથીદારો - મેઘાણીના શબ્દોમાં પાંચ પાંડવો - પોરબંદરના સૈનિકોની સામે લડતાં મરાયા. છેલ્લું ઠેકાણું - તેના આશ્રયનું - દલિત હરિજનનું ઘર હતું; ત્યાંથી તેણે સિપાહીઓની સામે છેલ્લવેલું ‘જુદ્ધ’ ખેલ્યું!
૧૮૫૭ના આ વીર નાયકની ખાંભી અહીં સૂતેલી છે તેની આપણા યુનિવર્સિટીના ઇતિહાસ ભવનોને ખબર નહીં હોય? હોય તો તેમણે, સમાજને સાથે લઈને આ શહીદોનાં બલિદાનની ઊજવણી કરીને એક ભવ્ય સ્મારક પણ ઊભું કરાવવાનું કામ કરવું જોઈએ. પ્રવાસન વિભાગ પણ આ ‘ઐતિહાસિક સ્થાન’ માટે પુરાતત્ત્વ વિભાગની સાથે મળીને કરી શકે.
આજે તો, સૂસવાતા વાયરાની વચ્ચે વિરાન જગ્યાએ આ ખાંભીઓ ઊભી છે. ઝવેરચંદ મેઘાણી આ જગ્યાએ વર્ષો પહેલાં ગયા હશે, ઇતિહાસકાર નરોત્તમ પલાણ કહેતા હતા કે તેમણે પણ મુલાકાત લીધી છે. આજે અમે આ ‘ઉપેક્ષિત સ્મારક’ સમક્ષ ઊભા છીએ, અને મેઘાણીએ મૂળુ માણેકના અંત વિશે આલેખેલી કહાણી યાદ આવી જાય છે.
સાંભળીશું મેઘાણીભાઈને?
‘મૂરુભા! આ વાડીની ઘટા ઠાવકી છે. આંહી જ વિસમિયેં.’
‘હા વેરસી! માણસું અનાજની ના પાડશે પણ ઝાડવાં કાંઈ છાંયડીની ના પાડશે?’
હસીને જવાબ દેતાં દેતાં બહારવટિયાએ પોતાના દૂબળા દેહ પરથી હથિયાર છોડ્યાં. બરડાના (વછોડા) વાછરડા ગામની સીમમાં એક વાડીનાં ઘટાદાર ઝાડવાં હેઠળ એણે પોતાનું થાકેલું ડિલ પડતું મેલ્યું. ભૂખે અને ઉજાગરે એને ભાંગ્યો હતો.
વૈશાખની ઊની લૂ વાતી હતી. ચારે કોર ઝાંઝવાં! ઝાંઝવાં! ઝાંઝવાં! જાણે નદી સરોવર ભર્યાં છે, ને કાંઠે મોટી નગરીઓ જામી પડી છે!
બીજા ચાર સાથીડા ભેળા હતા. તેણે પણ હથિયાર પડિયાર ઉતારીને ઓશીકે મેલ્યાં. ઝાડને થડ ટેકો દઈ પરાણે હસતું મોં રાખતો બહારવટિયો બોલ્યોઃ ‘જોયું, ભાઈ જગતિયા! આ ઝાંઝવાં જોયાં? ઓખો જાણે આઘો ઊભો ઊભો હાંસી કરી રિયો છે! અરે ભૂંડા! પાંજો વતન થઈને ટરપરાવછ! અટાણે!’
મૂળુએ મોં મલકાવ્યુંઃ પણ એની આંખોમાં ઝળઝળિયાં છલી આવ્યાં.
હાદો કુરાણી જોઈ રહ્યોઃ ‘હેઠ મુરુભા! કોચવાઈ જવાય કે?’
‘અરે, ના રે ના! ઈ તો મુંને જોધો કાકો ને દેવોભા સાંભરી આવ્યાં. પંદરસોની ફોજ ફેરવતાં તેમાંથી આજ પાંચ રિયા. હવે પાંચમાંથી તો કોઈ ખસો એમ નથી ને, ભાઈ?’
નાગસી ચારણે પોરસ ચડાવ્યો, ‘આ પાંચ પાંડવું જેવા રિયા છીએ, મુરુભા! હવે તે ખસીએ? આવો સાથ છોડીએ?’
‘અરે હવે ક્યાં ઝાઝા દી કાઢવા છે? ઠીક લાંઘણું થાવા લાગી છે. હવે તો દ્વારકાનો ધણી વે’લી વે’લી દોરી ખેંચી લેશે!’ મૂળુ પરાણે હસતો હસતો બોલ્યો.
‘એ... ભૂખનો વાંધો નહિ, મૂરુભા!’ વેંરસી બગાસું ખાતો બોલ્યોઃ ‘ભૂખ ખમાય, ઉજાગરા ન ખમાય. અટાણે ભલેને કોઈ ભોજન ન આપે! કાંઈ ઊંઘવાની કોઈ ના પાડે એમ છે? ઊંઘ કરીને ભૂખ વીસરશું.’
સહુએ એક પછી એક બગાસાં ખાધાં.
‘મૂરુભા! હથિયાર છોડવાનું મન થાય છે?’
‘હવે હથિયાર છોડું? કિનારે આવીને બૂડૂં? આ ટાણે દેવાવાળું ગીત મોંય ચડે છે.’
ધીરે કંઠે મૂળુ ગાવા લાગ્યોઃ
ના રે છડિયાં હથિયાર અલાલા બેલી!
મરણેજો હકડી વાર, દેવોભા ચેતો,
મૂરુભા વંકડા, ના છડિયાં હથિયાર.
(હથિયાર નહિ છોડીએ, અલ્લા અલ્લા કરો, ઓ ભાઈઓ! એક વાર મરવું તો છે જ, દેવોભા કહે છે કે ઓ વંકડા મરદ, મૂળુભા! આપણે હથિયાર નહિ છોડીએ.)
પેલો ધીંગાણો પીપરડીજો કિયો ઉતે,
કીને ન ખાધી માર, દેવોભા ચેતો,
મૂરુભા વંકડા, ના છડિયાં તલવાર.
(પહેલું ધીંગાણું પીપરડીનું કર્યું ત્યાં કોઈએ માર ન ખાધો.)
હેબટ લટૂરજી વારું રે ચડિયું બેલી!
ઝલ્લી માછરડેજી ધાર, દેવોભા ચેતો,
મૂરુભા વંકડા, ના છડિયાં તલવાર.
(હેબર્ટ લટૂરની ફોજ ચડી, ત્યારે માછવડાની ધાર પર ચડ્યા.)
જોટો રફલ હણેં છાતીએ ચડાયો નાર,
હેબટ લંટૂર મુંજો ઘા, દેવોભા ચેતો,
મૂરુભા વંકડા, ના છડિયાં તલવાર.
(જોટાળી રાઈફલ છાતીએ ચડાવીને દેવાએ કહ્યું કે જોઈ લેજો હેબર્ટ-લટૂર! મારો ઘા કેવો થાય છે?)
ડાબે તે પડખે ભેરવ બોલે, જુવાનો!
ધીંગાણેમેં લોહેંજી ઘમસાણ, દેવોભા ચેતો,
મૂરુભા વંકડા, ના છડિયાં તલવાર
(ડાબી બાજુએ ભૈરવ પક્ષી બોલ્યું છેઃ માટે આ જ તો ધીંગાણામાં લોઢાનાં ઘમસાણ બોલશે. આજ મરશું એવા શુકન થયા છે.)
ચારેય જણ લહેરથી ગીત ઝીલવા લાગ્યા ગાઈને ભૂખ- દુઃખ વીસરવા લાગ્યા.
ગાતો ગાતો મૂળુ ઝોલે ચડ્યો. નીંદરે ઘેરાણો. ચારેય સાથીઓનાં પોપચાં પણ ભારી થવા લાગ્યાં. ભેળો એક જણ ચાડિકો હતો એને બેસાડ્યો ઝાડ માથે અને પાંચને નીંદરે ઢાળી દીધા. લાંઘણો, ઉજાગરા અને રઝળપાટ થકી લોથપોથ થયેલા શરીરો ઘસઘસાટ લંબાઈ ગયાં.
બંદૂક લઈને ઝાડ ઉપર બેઠલા ચાડીકાને પણ ઝોલાં આવવા લાગ્યાં. બંદૂક પર ટેકો લઈને એ પણ જામી ગયો.
સીમમાં એક આદમી આંટા મારે છે. એણે આ સૂતેલા નરોને નીરખ્યા, ઓળખ્યા. બાજુમાં જ પોરબંદરની ફોજ પડી હતી, તેને જઈ વાવડ દીધા.
ફોજનો દેકારો બોલ્યો ત્યારે બહારવટિયા જાગ્યા. મીઠું સપનું ચાલુ હતું. જાણે ગાયકવાડી સૂબા બાપુ સખારામે એને બે હજાર કોરી આપી છેઃ ને પોતે એ ખરચી પરણવા ગયો છે. ફૂલેકે ચડ્યો છે, રૂપાળી વાઘેરાણી જાણે રાતના છેલ્લે પહોરે એનું કપાળ પંપાળે છે.
એ મીઠું સોણલું ભાંગી ગયું. જાગે ત્યાં સામે મોત ઊભું છે.
બહારવટિયો ઊઠ્યો. ગિસ્તની સન્મુખ પગલાં માંડ્યાં. ભેરુઓએ હાકલ દીધીઃ ‘મૂળુભા! આમ આભપરાના દીમના!’
‘ના ભાઈ, હવે તો રણછોડરાયજીના દીમના!’
બહારવટિયો ફોજની સન્મુખ ચાલ્યો. વાર આંબે તે પહેલાં તો પાંચેય જણાએ ગામ બહારના એક ઘરનો ઓથ લીધો. એ ઘર ઢેઢનું હતું.
વારમાંથી હાકલ પડીઃ ‘તરવાર નાખી દે જીવવું હોય તો.’
જવાબમાં ખોરડામાંથી બહારવટિયો ગહેક્યોઃ ભેળા ચારે ભેરુએ સૂર પુરાવ્યા. શૂરવીરોએ જાણે મોત વેળાની પ્રાર્થના ઉપાડી.
ના રે છડિયાં હથિયાર અલાલા બેલી!
મરણેજો હારડી વાર, દેવોભા ચેતો,
મૂરુભા વંકડા, ના છડિયાં હથિયાર.
‘એ ભાઈ! જીવવા સાટું નો’તા નીકળ્યા. અને પે! આવી જાવ. મરદુંના ઘા જોવા હોય તો ઓરા આવો. આઘે ઊભા ઊભા કાં પડકારા કરો?’
પાંચ જણા ખોરડામાં ભરાઈ બેઠા હતા. પણ ફોજમાં પાંચસો જણામાંથી કોઈની છાતી નહોતી કે પડખે આવે. છેટેથી જ બંદૂકનો તાશેરો થયો.
પણ બંદૂકની ઝીંકે ખોરડું પડ્યું નહિ. બહારવટિયાઓએ પણ સામો ગોળીઓથી જવાબ વાળ્યો.
‘એલા સળગાવો ખોરડું!’ ગિસ્તમાં ગોઠણ થવા લાગી.
બંદૂકના ગજ સાથે દારૂની કોથળી ટીંગાડી, કોથળીની સાથે લાંબી જામગરી બાંધી, જામગરી સળગાવીને ગજનો ઘા કર્યો. ખોરડા ઉપર પડતાં જ દારૂનો દા લાગ્યો, ઘડીકમાં તો ખોરડાને મોટા મોટા ભડકાએ ઘેરી લીધું.
જ્યારે બહારવટિયા ધુમાડે મૂંઝાઈ ગયા ત્યારે મૂળુએ પોતાના ચારણ ભેરૂને સાદ દીધો, ‘નાગસી ભા! તું ચારણ છો. માટે તું મારું માથું ઉતારી લે, મારું માથું ગિસ્તને હાથે બગડવા મ દે. મારું માથું વાઢીને ફોજ લઈ જાશે અને મલકને દેખાડશે. એથી તો ભલું કે તું દેવીપૂતર જ વાઢી લે.’
ચારણ ધ્રૂજી ઊઠ્યો. મૂળુભાનું માથું વાઢવાનું જોર એની છાતીમાં નહોતું. દડ! દડ! દડ! ચારણનાં નેત્રોમાંથી નીર દડી પડ્યાં.
‘બસ! ચારણ! મારું મોત બગાડવું જ ઠર્યું કે? ઠીક ત્યારે બેલી, ઉઘાડી નાખો બારણું.’
પાંચ જણા બહાર નીકળ્યા. સામેથી ગોળીઓની ઝીંક બોલી અને આંહી છેલ્લા નાદ સંભળાણાઃ
‘જે રણછોડ! જે રણછોડ! જે રણછોડ!’
ઇંદર લોકથી ઊતરીયું, રંભાઉં બોળે રૂપ,
માણેક પરણે મૂળવો, જ્યાં ભેળો થિયા ભૂપ.
(ઇન્દ્રલોકથી રંભાઓ મહારૂપ લઈને ઊતરી, જ્યાં ભૂપતિઓ મેળા થયા છે અને મૂળુ માણેક પરણે છે ત્યાં રણક્ષેત્રમાં)
નારીયું નત્ય રંડાય, નર કે દી રંડાય નહિ,
ઓખો રંડાણો આજ, માણેક મરતે મૂળવો.
(સ્ત્રીઓ તો રંડાય છે પણ પુરુષ કદી રંડાતો નથી છતાં આજ તો મૂળુ માણેક મરતાં (ઓખામંડળ) જે પુરુષવાચક છે, તે રાંડી પડ્યો, નિરાધાર બન્યો.)’
મેઘાણીની આ લોકકથા પછી વાઘેર જાતિ અને તેની જીવનશૈલી પર અનેક સંશોધન થયાં. ગુણવરાય આચાર્યે ‘અલ્લાબેલી’ નાટક રચ્યું. હજુ આ બહાદુર કોમ પર બૃહદ ઇતિહાસ અને બૃહદ નવલકથા રચી શકાય તેમ છે. ઓખામંડળમાં આજેય તેઓ લોકગીતોમાં સ્થાપિત છે. દસ્તાવેજી ઇતિહાસ જેટલો જ મહત્ત્વનો આ જન-ઈતિહાસ નહીં? તેમણે મૂળુ માણેકનો અંત આવી રીતે દર્શાવ્યો છેઃ
‘પોરબંદરની બજારમાં શેઠ નાનજી પ્રેમજીની દુકાન પર ગિસ્ત ઊભી છે. વચ્ચે પડ્યું છે એક વાઢી લીધેલું માથુંઃ કાળો ભમ્મર લાંબો ચોટલો વીખરાણો છે. નમણા મોઢાં ઉપર લોહી રેલાય છતાંયે મોં રૂડપ મેલતું નથી. હમણાં જાણે હોઠ ફફડાવીને હોંકારો દેશે! એવા માથા ઉપર ગિસ્તના માણસો દારૂ છંટાવતા હતા.
પાસે ઊભેલા એક નાગર જુવાને એ વાઢેલા માથાની મુખમુદ્રા ઓળખી. એના મોમાંથી વેણ નીકળી પડ્યું કે ‘આ તો મૂળું માણેકનું માથું!’
પસાસેક આંખો એ બોલનાર પર ચોંટી ગઈ. સહુને અજાયબી થઈ. મિયાં અલવીનો એક જાસૂસ પડખે ઊભો હતો. તેણે આ નાગર જુવાનને નરમાશથી પૂછ્યુંઃ ‘તમે કેમ કરીને જાણ્યું, ભાઈ?’
એક જ પળમાં જુવાન ચેતી ગયો. એ માથાના ધણીને વારે વારે દીઠેલો, ઘેરે નોતરેલો, પ્રેમથી હૈયાસરસો ચાંપેલો, એ બધી વાત ભૂલીને જવાબ દીધો કે એ તો બહુ રૂપાળું મોઢું છે, તેથી એમ લાગ્યું.
વાત અટકી ગઈ. નાગર બચ્ચો અણીને સમયે ઉગરી ગયો. અને એ રૂપાળા માથાને કપાયેલું દેખી, ભાંગી પડતે હૈયે ઘર તરફ ચાલ્યો ગયો.
ગોમતીએ ઘૂંઘટ તાણિયા, રોયા રણછોડરાય,
મોતી હૂતું તે રોળાઈ ગયું, માણેક ડુંગરમાંય.
(ગોમતીએ શોકથી મોં પર ઘૂમટો ઢાંક્યો. રણછોડરાય પણ રડ્યા, કેમ કે માણેકરૂપી મહામોલું મોતી ડુંગરમાં નાશ પામ્યું.)
મૂળુ માણેક, વેરસી, નાગસી ચારણ, હાદો કરાણી અને એક પહેરેદાર – આ પાંચે બલિદાનીઓની સ્મૃતિ વછોડામાં ચૂપચાપ પડી છે.