સર્જકશ્રેષ્ઠ આંગળાંનો કસબ એક આખી સૃષ્ટિનું પ્રતિનિધિત્વ કરે છે ત્યારે અચૂક તેની પાછળ જીવન સંઘર્ષનો પડછાયો પણ હોય જ છે. મેઘાણી અને જયભિખ્ખુની શબ્દયાત્રાના એવા ઘણા મુકામ છે, કેટલાક સ્થળવિશેષના યે ખરા! બોટાદ - બન્નેના ‘અક્ષર’નિવાસની ભૂમિ. પછી રાણપુર. મેઘાણી-અમૃતલાલનાં ‘સૌરાષ્ટ્ર’ પત્રનો અહીં સૂર્યોદય. ખરા અર્થમાં તે મધ્યાહનનો સૂર્ય હતો! શોષકોને તે દઝાડતો, સામાન્યજનને પ્રકાશ આપતો. આ પત્રકારત્વે ગુજરાતી ભાષા અને સાહિત્યને નવો ચહેરો આપ્યો. ‘સૌરાષ્ટ્ર સ્કૂલ ઓફ જર્નાલિઝમ’ની વિગતો અને વિશ્લેષણ પત્રકારત્વના અભ્યાસક્રમોમાં વધુ અસરકારક રીતે પહોંચવા જોઈએ.
બુધવારની એક બપોરે અહીં પત્રકાર મેઘાણીએ તત્કાલીન સ્વરાજ સંઘર્ષના નિર્ણાયક પડાવ - ગોળમેજીમાં ગાંધી-ને કવિતારૂપે વાચા આપી હતી. બળવંતરાય ઠાકોરે ‘આપણી કાવ્ય સ્મૃદ્ધિ’માં મેઘાણીની એક કવિતા ‘ઝંખના’નો સમાવેશ કર્યો ત્યારે તેમણે કહ્યુંઃ ‘એમને મારી એ કૃતિ મારું પૂર્ણ પ્રતિનિધિત્વ કરતી લાગી. ખેર! એ કૃતિ ‘સૌરાષ્ટ્ર’ના અંક પર મૂકવા, ગુરુવારે સાંજે છ વાગે - એટલે કે પ્રેસ પર છેલ્લી ક્રિયા કરવા ટાણે - ફક્ત દસ મિનિટમાં છેકછાક વગર લખીને છાપામાં મૂક્યું એટલે મારું સર્જન ‘છાપાળવું’ કહેનારા વિવેચકો નીકળ્યા!’ મેઘાણીની આ વાતમાં પત્રકારત્વનાં ગૌરવની પ્રતિષ્ઠા હતી, વિનમ્રતા હતી કે પૂણ્યપ્રકોપ સાથેની રમૂજ?
એમ તો મેઘાણી - જયભિખ્ખુને સર્જક ગણવામાં ક્ષોભ તો વારંવાર અનુભવાયો છે. કવિમિત્ર ચંદ્રકાંત શેઠના શબ્દોમાં તેનું સાચુકલું મૂલ્યાંકન થયું છે. કહ્યું છે તેમણેઃ ‘આ જયભિખ્ખુ, મેઘાણી, દુલા ભાયા કાગ, ધૂમકેતુ, ગુણવંતરાય આચાર્ય જેવા સાહિત્યકારોના ઘરાનાના સર્જક. જે કંઈ તેમણે લખ્યું તે માનવધર્મ, લોકધર્મ અને સ્વ-ધર્મથી પ્રેરાઈને લખ્યું.’
આ ત્રણે ‘ધર્મ’ની પાછળ ‘સર્જકધર્મ’નું આકાશ તો હતું જ! બેશક, તે ‘ધર્મ’ ‘મિશન’ની સાથે જોડાયેલો હતો. મિશન માટે હું ‘સેવાવ્રત’ શબ્દ પ્રયોજું છું તેમાં જીવન સમગ્રને કરુણા તરફ પ્રેરતી સેવાનો સંસ્પર્શ છે અને અડગ - અચલ - અથાગ સંકલ્પોની સાથે જોડાયેલું ‘વ્રત’ પણ છે. આ માર્ગ સરળ તો ક્યાંથી હોય? ઉબડખાબડ જમીન પર, સાથે - સંગાથે કે એકલવીરની જેમ ચાલતાં-દોડતાં રહેવું, પગમાં છાલાં પડી જાય તોયે પરિભ્રમણ કરવુંઃ આ કઠોર આરાધનાનાં પ્રતીકો એટલે મેઘાણી અને જયભિખ્ખુ.
પિતાની ભૌતિક સંપત્તિનો વારસો જયભિખ્ખુએ નકાર્યો. કોલકતામાં મોટી નોકરીની લાલચ મેઘાણીએ છોડી અભાવોનાં અરણ્યમાં તેઓ અડીખમ રહ્યા. દુવિધાનાં ઝાડી-ઝાંખરાં તેમણે પાર કરવાની કાયમની નિયતિ સ્વીકારી. શિવપુરી ગુરુકૂળની ‘તર્કભૂષણ’ પદવી પ્રાપ્ત કર્યા પછી ભાવિ જીવનને કઈ તરફ લઈ જવું તેના પ્રશ્નોની સાથે ‘ગોવર્ધનરામ ત્રિપાઠી જેવા’ બનવાનો સંકલ્પ હતો! જીવન ચરિતકાર કુમારપાળ દેસાઈએ તે દિવસને નોંધ્યો છે; ૧૭ જુલાઈ, ૧૯૩૩. વિ.સં. ૧૯૮૯, સોમવાર. આ સંકલ્પભૂમિ અમદાવાદની હતી! બોટાદની જેમ તેનોયે અલગ પ્રભાવ રહ્યો તેમાં, તેમના જ શબ્દોમાં ‘કાળી કસોટી થઈ પણ અંતે તેના પર ફૂલ આવ્યાં.’ મકાન માલિકણ વૃદ્ધ માજીએ આ મંગલ પ્રારંભ માટે ચોખા આપ્યા અને કહ્યું કે ‘દીકરા, તું રસોડું શરૂ કરે છે તો આ ચોખાથી શરૂઆત કરજે.’ દક્ષિણ ભારતમાં ચોખાના દાણા વિશે એક સરસ લોકગીત છેઃ ‘આ તો મારા સંકલ્પનો સ-જીવ દાણો!’ આપણે પણ શુભ અવસરે ‘કંકુ અને ચોખા’નું મહત્ત્વ દર્શાવ્યું જ છે ને?
વળી પાછા રાણપુર પર આવીએ. જયભિખ્ખુનાં લગ્ન રાણપુરના શેઠ પરિવારનાં પુત્રી વિજયાબેન સાથે થયેલાં. અને લો, આ ‘જયભિખ્ખુ’ ઉપનામનું સુંદર રહસ્ય! મૂળ નામ ભીખાલાલ અને પત્ની વિજયા. આમાંથી ‘જય’ અને ‘ભિખ્ખુ’ શબ્દનો મિલનયોગ સાધી લીધો હતો!
રાણપુર તો મેઘાણીનું સમર્થ પત્રકારત્વ-તીર્થ! મેઘાણી-જયભિખ્ખુનાં પત્રકારત્વના પ્રારંભની સુખદ કહાણી તેમના જીવનસંગ્રામની શીતળ લહેરખી ગણવી જોઈએ. કોલકતામાં એલ્યુમિનિયમ કારખાનાના અધિકારી જીવણચંદ શાહ (જેમના પુત્ર વીરેન શાહ મોટા ઉદ્યોગપતિ - રાજકારણી - બન્યા હતા)ના ચારે હાથ, વિદેશપ્રવાસની સંભાવનાઓ અને માતબર વેતન... પણ પેલા ‘વણદીઠા સાદ’નું શું? ૧૮ સપ્ટેમ્બર, ૧૯૨૧ના તેમનો પત્ર ‘લિખિતંગ હું આવું છું...’ (હવે તે નામે હિમાંશી શેલત - વિનોદ મેઘાણીએ કરેલું પત્ર સંપાદન આપણી મૂડી છે)માં, તેમણે ખોજનો અજંપો તેમજ આત્મશ્રદ્ધાનો દીવો સળગાવ્યો છે. ‘અંધારું થતું જાય છે. ગોધૂલિનો વખત થઈ ગયો. વગડામાંથી પશુઓ પાછાં આવે છે. એના કંઠની ટોકરીનો ગંભીર અવાજ કાને પડે છે. મંદિરમાં ઝાલર વાગવા લાગી. હું પણ પાછો આવું છું. ધરાઈને આવું છું. જીવનની ગોધૂલિના આ સમયે, અંધકાર અને પ્રકાશની મારામારીને વખતે, મારો ગોવાળ મને બોલાવી રહ્યો છે. હું રસ્તો નહીં ભૂલું. એના સાદને હું ઓળખું છું...’
‘હું જુદા દેશની વાણી બોલું છું’ કહેનારા મેઘાણીના પત્રકારત્વનો શબ્દ આવા સાદમાંથી પેદા થયો હતો એ વાત હું મારા પત્રકારત્વના વિદ્યાર્થીને પ્રથમ વર્ગમાં જ કહેવાનું ભૂલતો નથી. પત્રકારોને માટે આનાથી મોટું દિક્ષાન્ત પ્રવચન બીજું શું હોઈ શકે?
૨૮ એપ્રિલ, ૧૯૩૦ના મેઘાણી ધંધુકાની કોર્ટમાં ‘છેલ્લી પ્રાર્થના’ ગાઈને ન્યાયમૂર્તિને ય રડાવે છે, એ દેશ-જીવનની પીડા અને મહત્ત્વાકાંક્ષાના સંગ્રામનું ગીત છેઃ
હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ,
કલેજાં ચીરતી, કંપાવતી અમ ભયકથાઓ,
મરેલાંનાં રુધિર, ને જીવતાનાં આસૂડાંઓ
સમર્પણ એ સહુ, તારે કદમ પ્યારા પ્રભુ, ઓ!
અને ત્રીજી રચના, ૧૯૩૧ના કારાવાસ દરમિયાન રામપ્રસાદ બિસ્મીલ્લ-અશફાકુલ્લાની શહાદતના રક્તરંજિત સ્વર ‘હમ ભી ઘર રહ સકતે થે...’ પરથી રચાઈ તેની આ પંક્તિઃ
અહોહો, ક્યાં સુધી પાછળ અમારી આવતી’તી
વતનની પ્રીતડી, મીઠા સ્વરે સમજાવતી’તી
ગળામાં હાથ નાખી ગાલ રાતા ચૂમતી’તી
વળી પાછા વદીને, વ્યર્થ વલવતી જતી’તી
ઓ દોસ્તો! દરગુજર દેજો દીવાના દેશબાંધવોને,
સબૂરી ક્યાંય દીઠી છે કલેજે આશિકોને?
દિલે શું શું વીતે-જલે, દેખાડીએ ઉરદાહ કોને,
અમારી બેવકૂફીને યે કદિ સંભારશો ને?
અગર બહેતર, ભૂલી જજો અમારી યાદ નાની,
બૂરી યાદે દૂભવજો ના સુખી તમ જિન્દગાની
કદી સ્વાધીનતા આવે, વિનંતિ ભાઈ, છાની
અમોને યે સ્મરી લેજો જરી પળ એક નાની!
લેખકીય જિંદગીને સુખ-સગવડો સાથે સોરાબરુસ્તમી જ હોય છે! મેઘાણી ૧૯૪૪માં લખે છે કે હું અકાળે વૃદ્ધ બની રહ્યો છું (પણ બીજી બાજુ યુગનો મિજાજ મને યૌવન તરફ ખેંચે છે.) ‘શરીર ગૂમાવી બેઠો તો ગાતાં ગુલાબી તોરથી, આગેકદમ!’નો મિજાજ જ રાખીશ (૨૩-૯-૧૯૪૪). ભૂગર્ભ પત્રકારત્વનો સ્વાતંત્ર્ય-સંગ્રામ, કાર્ટુન માટે સરકારી રાજદ્રોહનો ખટલો (અને ઉશ્કેરણીનો યે!) પોતાનો તમંચો પાછો મેળવવા કાનૂની લડત, બોટાદનાં સ્ટેશને ગૂંડાની સામે શારીરિક બાથંબાથી, ‘સળગતાં આયર્લેન્ડ’નો ગુજરાતને પ્રથમ પરિચય આપતી પુસ્તિકા અને કંપિત આંગળા, હરસનો વ્યાધિ હોવાના દુઃખથી ઓતપ્રોત મેઘાણી અંતિમ નવલકથા ‘કાળચક્ર’ને મહાનવલમાં પરિવર્તિત કરવાના આશા-સ્વપ્ન પણ સેવી રહ્યા હતા! ગાંધીજીને ય તેમણે આલોચનાથી નવાંજેલા. ‘સેગાંવના હાડપીંજરો જોઉં છું ત્યારે તમારું સાહિત્ય રેઢિયાળ લાગે છે’ તેવાં ગાંધી-વિધાનને તેમણે પડકારેલું અને લખ્યુંઃ ‘સરજાઈ રહેલાં સાહિત્યને આ ઉદ્ગારો અન્યાય કરનારા છે. આવું ઉચ્ચારનાર ભલે સાક્ષર ન હોય તો ભલે પણ નવાં સાહિત્યબળોનો માહિતગાર તો હોવો જોઈએ ને? ક્યું સાહિત્ય તમને રેઢિયાળ લાગે છે? ગુજરાતનું ક્યું સાહિત્ય એમણે વાંચ્યું કે જોયું છે?’
‘જંજાળગ્રસ્ત’ જિંદગીમાં ‘કેવળ સાંસ્કારિક અને સાહિત્યિક સ્વરૂપનું એક ફક્કડ સાપ્તાહિક’ શરૂ કરવાનો અભરખો ૧૯૪૪માં સેવ્યો હતો. એ કહેતા કે મારી જીવનસ્મૃતિ લખું તો ‘પેરોડી’ જેવું બને. જીવનનું ઘણુંખરું સ્મરવાને બદલે વીસરવાને યોગ્ય હોય છે. (૭-૯-૧૯૪૪). અંતરતમ દુઃખ વ્યક્ત કરતાં કડવાશપૂર્વક લખે કે ‘ગૃહકલહ સિવાય કોઈ અસલી પરંપરા જેની છે નહિ તેવા મેઘાણી કુટુંબનો હું વારસદાર છું’ (૧૧-૮-૧૯૪૫) એકાવનમા વર્ષે પહેલી વાર વિમાનયાત્રા કરીને એ ‘પૃથ્વીમાતાનાં વિરાટદર્શન’થી પાવન થયાનું અનુભવે છે!
‘કાલચક્ર’ તેમના જીવન સંઘર્ષમાંથી નિપજેલું મહાનવલ સરખું પ્રદાન હોત. ૧૯૪૬ જુલાઈથી તે શરૂ કરી, માર્ચ ૧૯૪૭ સુધીમાં તેના આઠ પ્રકરણો લખાયાં. ૯ માર્ચ, ૧૯૪૭ના તેમણે આંખો મીંચી લીધી.
મેઘાણી-જયભિખ્ખુના જીવન-નેપથ્યના સંગ્રામોની યે ‘અણખૂટ ધારા’ છે. આજે તો અહીં વિરામ કરીએ, ભલે તે અલ્પ-વિરામ જ હોય!