મોઢેરામાં હમણાં સૂર્યોત્સવ યોજાઈ ગયો. આ મંદિર ઘણી રીતે અ-નોખું છે. સૂર્યની ઉપાસના સાથે બંધાયેલાં દેવાલયની વિશેષતા પ્રભાતથી સાંજ સુધી ત્યાં દરેક સ્થાને દેખાતાં સૂર્યકિરણો તો છે જ, ભારતમાં આ પ્રાકૃતિક દેવની ઉપાસના કેવી રીતે વિસ્તરી તેની યે કહાણી સંભળાવે છે. અહીં શિલ્પમાં કંડારાયેલા સૂર્યદેવતાની સાથે જ પાર્વતી અને સરસ્વતી પણ છે. એટલું જ નહીં, ત્રણ મુખ - ત્રણ હાથ અને ત્રણ પગવાળો અગ્નિ પણ કંડારાયેલો છે!
અલાઉદ્દીન ખિલજીનો સરદાર ઉલુઘખાન ગુજરાત પર ચડી આવ્યો અને સલ્તનત સ્થપાઈ ત્યારે તેણે મોઢેરાને ઘેરો ઘાલ્યો હતો. ‘ધર્મારણ્ય’ નામે તે સમયે (વિ. સં. ૧૩૫૬)માં લખાયેલા ગ્રંથમાં મોઢેરા પરના આક્રમણની વાત વિગતે છે. તેમાં ‘મોઢેરા પર કર્ણાટ, લોહાસુરથી માંડીને ખિલજી’નાં આક્રમણોની સામગ્રી મળે છે. એક રસપ્રદ વાર્તા તો અદ્ભુત છે.
‘દુરાચારી શ્રીપતિનો પુત્ર સોમૈયો જ્ઞાતિબહિષ્કારનો ભોગ થઈ પડતાં આક્રમણ માટે સલ્તનત અને સુલતાનને લઈ આવ્યો. વિઠ્ઠલ નામના બ્રાહ્મણે લોકોને સંગઠિત કરીને સૈન્યનો સામનો કર્યો. દિવાળીથી ફાગણ સુધી લડાઈ ચાલી. સુલતાનને મોઢેરા હાથ લાગ્યું નહીં એટલે તેણે માધવ મંત્રી સાથે સમજૂતી કરવાની ફરજ પડી...’ આ કથા પછી આગળ ચાલે છે અને આપણા સમાજની ફાટફૂટ, દ્રોહ અને વિશ્વાસઘાતનાં ઉદાહરણો આપે છે.
આક્રમણ તો આક્રમણ જ હોય
અગિયારમી સદીમાં જ્યારે મોઢેરાનું સૂર્યમંદિર રચાયું ત્યારે ગુજરાત સહિત સર્વત્ર પ્રકૃતિ પૂજા હતી. શ્રીકૃષ્ણનો પુત્ર સામ્બ છેક ઇરાન જઈને ‘મગ’ બ્રાહ્મણોને દ્વારિકા લઈ આવ્યો. તે બધા સૂર્યપૂજકો હતા એટલે આજે દ્વારિકા-પ્રદેશમાં સૂર્યમંદિરો મળી આવે છે. અલબીરુનીની યાત્રાનોંધમાં તેવાં રસપ્રદ ઉદાહરણો મળી આવે છે.
મહમ્મદ ગઝનવીએ માત્ર સોમનાથની જ લૂંટફાટ કરી અને મૂર્તિ સહિત બધું નષ્ટભ્રષ્ટ કરી નાખ્યું તેને ડાબેરી ઇતિહાસકાર રોમિલા થાપર મોહમ્મદ ગઝનવીનાં ગુણગાનમાં બદલાવે અને તેની વાહ-વાહ કરનારા ગુજરાતમાં કેટલાક અધૂરાં લેખકો મળી આવે એ મોટી કમનસીબી છે. પણ ગઝનવીએ મોઢેરાનો સર્વનાશ કર્યો તેના વિશે આ લોકો કાં તો કશું જાણતા નથી અથવા તો ચૂપ છે! ૨૦ હજાર મોઢેરાવાસીઓ ગઝનવી સામે ૧૦૨૫ ઇસવી સનમાં લડેલા પણ પરાજિત થયા હતા, એ સોમનાથની પહેલાનું ગઝનવીનું ‘રિહર્સલ’ હતું. ભીમદેવે - અત્યારે જોવા મળતાં દેવાલયનો જિર્ણોદ્ધાર કરાવ્યો હતો.
મોઢેરા પછી હવે ‘દેવભૂમિ દ્વારકા’ના ઉત્સવની તૈયારી છે. ૨૫ અને ૨૬ જાન્યુઆરીએ રાજ્યસારનો પ્રજાસત્તાક દિવસ અહીં ઊજવાશે.
૨૦૧૫નું દ્વારિકા યાત્રાળુઓથી ઊભરાય છે અને કૃષ્ણ પરની રોમાંચક નવલકથા લખનારા અશ્વિન સાંધીનો પુરાતત્ત્વવિદ્ નાયક ભીડભાડવાળા, રસહીન નગરનું વર્ણન કરે છે. આ નગરની પહેલાંની સાત દ્વારિકાઓ સમુદ્રમાં ગરકાવ થઈ ગયેલી! તેમાંની એક કૃષ્ણની ‘દ્વારવતી’! મથુરાથી આ પશ્ચિમ કિનારે આવેલા કૃષ્ણે ‘સમુદ્ર પાસેથી કેટલીક જમીન માગી અને સમુદ્ર ખસી ગયો’ એવું વર્ણન આવે છે. મુંબઈમાં બેક-બે રેકલેશન પર ઈમારતો ઊભી છે તે જોતાં કૃષ્ણસમયનું આ ભૂમિ-વિજ્ઞાન સાચું લાગે. ડો. હસમુખ સાંકળિયા અને એસ. વી. રાવનાં ઉત્ખનને આ વિશે ઘણો પ્રકાશ ફેંક્યો છે.
પણ દ્વારિકાનો ઠાઠ સા-વ જુદો છે. આદિ શંકરાચાર્યે ભારતનાં ચાર ખૂણે ‘પીઠ’ સ્થાપી તેમાંની એક દ્વારિકાની છે. ગુરુ ગોવિંદ સિંહને જે ‘પંજ પ્યારે’ મળ્યા તેમાંનો એક બલિદાની મોહકમ સિંહ દ્વારિકાનો, છીપા જ્ઞાતિનો ગરીબ વણકર હતો! મીરાંબાઈ અને બારોટ કવિ ઇસરદાન - આ બે ઐતિહાસિક પાત્રો અહીં દ્વારિકાધીશને સમર્પિત થયેલાં! ગુરુ નાનક, વલ્ભાચાર્ય, મધ્વાચાર્ય, તુલસીદાસ, સંત જ્ઞાનેશ્વર, કબીર... આ યાદી ઘણી લાંબી છે, જેમણે દ્વારિકાગમન ન કર્યું હોય! ભક્ત બોડાણો દ્વારિકાથી શ્રીકૃષ્ણ પ્રતિમાને છેક ડાકોર લઈ આવ્યો તેની આસપાસ એક લોકગીત ‘તુલસીના પાંદડે તોળાણા...’ અને બીજું, ‘લીલા લીમડાની એક ડાળ મીઠી, રણછોડ રંગીલા!’ આજેય લોકજબાન પર છે!
દ્વારિકા અને આસપાસના નિવાસીઓને ૨૫ જાન્યુઆરીએ, પોતાનો જ આત્માભિમાની ઇતિહાસ પ્રત્યક્ષ થાય તે માટેની ‘દેવભૂમિ દ્વારિકા’ નાટ્યોત્સવની કથા લખતાં મને ‘સ્ત્રી સશક્તિકરણ’ની એ ઘટના પણ વિગતે જાણવા મળી જેમાં ૧૮૫૭ના સ્વાતંત્ર્ય જંગમાં દ્વારિકાની વીર વાઘેરાણીઓએ બ્રિટિશ સૈન્યના તોપગોળા પોતાના ભીંજવેલા ગાભા-ગોદડાંમાં ઝીલીને શાંત કરી દીધા તે પણ હતી! આમાંના કોઈનું સ્મારક નથી, પણ અંગ્રેજોએ પોતાના સેનાપતિઓ જે રીતે લડ્યા તેની બહાદૂરી કહેતા કીર્તિસ્તંભો દ્વારિકા અને માછરડાની ધાર પર જરૂર જોવા મળે છે!
વનવાસી બાંધવોની વચ્ચે -
આહવામાં થાણું નાખીને પડેલા ઘેલુભાઈ નાયકે શ્વાસ છોડ્યા. આદિવાસી પ્રદેશમાં ધૂણી ધખાવીને તેમણે વર્ષો સુધી કામ કર્યું. તેને લીધે આદિવાસીઓનો વિકાસ થયો, શિક્ષણ મળ્યું અને પ્રત્યક્ષ-અપ્રત્યક્ષ ધર્માંતરણથી મોટો સમાજ બચી ગયો. સ્વામી અસીમાનંદ, ભારત સેવાશ્રમ સંઘ, મસુરાશ્રમના મિશનરી સાધુઓ, સ્વામીનારાયણ સંપ્રદાય, વનવાસી સેવા પરિષદ વગેરેએ ઘણા સમયથી પોતાના નકશા પ્રમાણે આ કામ કર્યું છે. વડોદરાના શ્રોફ પરિવારની આવા વિસ્તારોમાં ગ્રામસેવા અદ્ભુત રહી છે. સર્વોદય સમાજનું યે પ્રદાન છે તો સાપુતારામાં પૂર્ણિમાબહેન પકવાસા (દાંડીકૂચ વખતનાં સત્યાગ્રહી)ની સંસ્થા સક્રિય છે... ઝઘડિયામાં સેવા-રુરલનું કાર્ય છે, ધરમપુર નંદીગ્રામમાં કુંદનિકાબહેન કાપડિયા અને સાથીઓ છે. આ બધા આપણા ઘર દીવડાઓ છે.