મોદી-યુગના પ્રશ્નો અને પડકારો

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Monday 03rd June 2019 10:22 EDT
 
 

(ચૂંટણી ડાયરી-૧૧)

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના પ્રધાનમંડળના સાથીદારોની રાષ્ટ્રપતિ ભવનમાં શાનદાર શપથવિધિ થઈ ત્યારે એક ટીવી ચેનેલે મથાળું માર્યુંઃ ‘ભારતીય રાજકારણમાં એક સમયે નેહરુ-યુગ હતો, હવે નરેન્દ્ર-યુગ શરૂ થઈ ગયો છે!’

૧૯૫૨થી ભારતના વડા પ્રધાનો મોટા ભાગે તેમનો પોતાનો ‘યુગ’ સર્જવા જ આવતા હોય તેવા રહ્યા છે. મોટા ભાગે એટલા માટે કે ગુલઝારીલાલ નંદા (બે વારના કાર્યકારી વડા પ્રધાન), ચૌધરી ચરણ સિંહ, એચ.ડી. દેવેગૌડા, ઇન્દર કુમાર ગુજરાલ, ચંદ્રશેખરનું ‘યુગપ્રવર્તક’ તરીકે સ્મરણ રહે તેવું કશું જ નહોતું. હા, વિશ્વનાથ પ્રતાપ સિંહે મંડલ-કમંડલના ઉહાપોહમાં અનામતનો તરંગ તુક્કો અજમાવ્યો ન હોત તો કદાચ, કંઈક યાદ રહી જાય તેવું કરી શક્યા હોત.

‘નેહરુ યુગ’નો દબદબો

પણ પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ. સ્વતંત્રતાપ્રાપ્તિ અને વિભાજનનાં ભીષણ વર્ષો પછીની જવાબદારી નિભાવી. લોકતંત્રને સ્થિર કરવાની જવાબદારી નિભાવી. ૧૯૬૨નાં ચીની આક્રમણનું બદનસીબ ના મળ્યું હોત તો એશિયન ત્રિપુટી - નાસર, ટીટો, નેહરુ - એક નવી શક્તિ નિર્માણ કરી શક્યા હોત. ‘નેહરુ-યુગ’ની લાક્ષણિકતા એ હતી કે કોંગ્રેસના ધૂરંધરો પણ તેમની સામે પડવાનું સાહસ કરી શકતા નહોતા. ‘દેશ એટલે નેહરુ, નેહરુ એટલે ભારત’ એવી માન્યતા પ્રવર્તતી હતી. નવી પેઢીને ‘નહેરુ ચાચા’ મળ્યા હતા. આમાં કોંગ્રેસનો ઉમેદવાર કે ઝાડ કે વીજળીનો થાંભલો હોય તો યે પ્રજા તેને મત આપીને જીતાડે તેવો દબદબો રહ્યો. ‘બે બળદની જોડી, કોઈ શકે ના તોડી’ સૂત્ર પ્રચલિત થયું. ૧૯૫૨માં વિરોધ પક્ષના એકલદોકલ વિજેતા વિના સમગ્રપણે કોંગ્રેસ જ કોંગ્રેસ હતી. નેહરુ તેમના નાયક હતા.

પછી તેમનો વિરોધ પ્રબળ બનવાની શરૂઆત થઈ અને રાજાજી, ક. મા. મુનશી, એન. જી. રંગા, રામ મનોહર લોહિયા, આચાર્ય કૃપલાણી, અશોક મહેતા, જયપ્રકાશ નારાયણ જેવો વિરોધ-સ્વર સંભળાયો. ૧૯૫૨માં માંડ એકાદ-બે બેઠક મેળવનાર, ડો. શ્યામાપ્રસાદ મુખરજીએ જનસંઘની સ્થાપના કરી હતી તે કોંગ્રેસ સહિતના સમાજવાદી પક્ષો માટે ‘હિન્દુ કોમવાદી પક્ષ’ જ હતો. જવાહરલાલે તેને ‘આર.એસ.એસ.નું ગેરકાયદે સંતાન’ ગણાવ્યો.

૧૯૪૮માં ગાંધી-હત્યામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું નામ સંડોવવામાં આવ્યું અને પ્રતિબંધ મૂકાયો ત્યારે ૬૦,૦૦૦ લોકોનો સત્યાગ્રહ થયો હતો. અદાલતે આરએસએસને નિર્દોષ જાહેર કરવા છતાં કોંગ્રેસ-ડાબેરીઓ અને સમાજવાદીઓએ જનસંઘનું ગાંધી-હત્યા સુધી નામ જોડી દીધું તે હજુ ચાલે છે.

બેશક, જે.પી., રાજાજી, લોહિયાને સંઘ નિર્દોષ હોવાની ખાતરી થઈ જવાથી ભ્રમનિરસન થયું. ૧૯૭૫માં જેપીએ તેથી જ જાહેરમાં કહ્યું કે ‘જો જનસંઘ ફાસિસ્ટ હોય તો હું પણ ફાસિસ્ટ છું!’

જનસંઘથી ભાજપ

નેહરુ યુગમાં જનસંઘ કુમળો છોડ હતો. અનેક આઘાતો તેણે જીરવ્યા. કાશ્મીરમાં સત્યાગ્રહ કરીને પહોંચનારા શ્યામાપ્રસાદ મુખરજીની ધરપકડ કરાઈ અને તદ્દન રેઢિયાળ ઉપેક્ષિત સારવારને લીધે તેમનું અવસાન થયું. જનસંઘ માટે તો આ વજ્ર પ્રહાર હતો. સ્થાપકનું જ મૃત્યુ!! આરએસએસ દ્વારા જનસંઘમાં મોકલાયેલા નેતાઓમાં બલરાજ મધોક, અટલ બિહારી વાજપેયી, નાનાજી દેશમુખ અને દીનદયાળ ઉપાધ્યાય – બધા જ બધા સંઘ ‘પ્રચારકો’ - પુરુષાર્થ કરતા રહ્યા. તેમના એક વિદ્વાન અધ્યક્ષ ડો. રઘુવીર મોટર અકસ્માતમાં મૃત્યુ પામ્યા અને ચિંતક અધ્યક્ષ પંડિત દિનદયાળ ઉપાધ્યાયની મુઘલસરાઈ રેલવે સ્ટેશને હત્યા થઈ ગઈ! ચૂંટણીમાં ‘ગ્રાન્ડ એલાયન્સ’ નિષ્ફળ ગયું...

આ સંજોગો ઉપરાંત એક વાર તો ૧૯૮૭માં ભાજપના બે જ ઉમેદવારો જીત્યા. (તેમાંના એક મહેસાણાથી ડો. એ. કે. પટેલ બીજા ઉત્તર પ્રદેશથી અટલ બિહારી વાજપેયી!)

૧૯૬૮માં કચ્છ સત્યાગ્રહ, ૧૯૭૪માં નવનિર્માણ લડત, ૧૯૭૫માં કટોકટી સામેનો સંઘર્ષ. આ બધામાં જનસંઘે પ્રચંડ પુરુષાર્થ કર્યો. ૧૯૭૫માં ગુજરાતમાં જનતા મોરચાથી પ્રભાવી શરૂઆત થઈ. ૧૯૭૭ની ચૂંટણીમાં જનતા પાર્ટી સાથે વિલય અને ગઠબંધન રાજકારણ આવ્યું.

૧૯૮૦માં ભાજપ સ્થપાયો. વાજપેયીનું નેતૃત્વ રહ્યું. અયોધ્યા-યાત્રા થઈ. અડવાણી-મોદી તેના સૂત્રધાર હતા. એનડીએની ગઠબંધન સરકાર અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં ચાલી. વળી કસોટી શરૂ થઈ.

શ્રીમતી ગાંધીની હત્યા પછી રાજીવ ગાંધી સહાનુભૂતિના મતથી જીત્યા. નરસિંહ રાવની સરકાર પણ થઈ, પરંતુ છેવટે ભાજપે ફતેહ મેળવવા માંડી, તે ૨૦૧૪માં બહુમતી તરફ દોરાઈ. ગુજરાતે વડા પ્રધાન આપ્યા તે ૨૦૧૯માં ફરી વાર ભારે બહુમતીથી જીતેલા ભાજપના નેતા તરીકે વડા પ્રધાન બન્યા છે.

નવા પ્રશ્નો અને પડકારો

મોદી-યુગની ખાસિયતો ઘણી છે. આકરા આર્થિક ઉપાયો, જીએસટી - નોટબંધી - વિવિધ યોજનાઓ અને સરહદ પર સુરક્ષાના પ્રશ્નોમાં સરકારે મહત્ત્વનાં કામો કર્યાં છે તે પૂરાં થાય તે માટે પ્રજાએ ફરી વાર જનાદેશ આપ્યો અને લગભગ અકલ્પિત આંક સુધી ભાજપ પહોંચી ગયો.

જેટલી પ્રચંડ બહુમતી એટલા પડકારો. જેટલો મોટો પક્ષ એટલી સમસ્યાઓ. મોદી - રાજનાથ સિંહ – અમિત શાહ – નિર્મલા સીતારામન્ – તેમની પૂરી તાકાત લગાવીને ‘નવ્ય ભારત’નો નકશો તૈયાર કરી રહ્યાં છે. આગામી પાંચ વર્ષ તે ઇષ્ટ અને નિર્ણયાક બની રહેશે.


comments powered by Disqus