યુનિવર્સિટીઓની વિદ્યાકીય અસ્મિતા પર કાળાં ડિબાંગ વાદળાં...

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Wednesday 25th February 2015 04:59 EST
 

વાઇબ્રન્ટ ગુજરાતની જેમ હવે વાઇબ્રન્ટ કચ્છ પણ આ મહિનાના અંતે ભૂજની લાલન કોલેજનાં પ્રાંગણમાં ઊજવાશે. ૨૭ અને ૨૮ ફેબ્રુઆરી અને માર્ચની પહેલી તારીખ - એમ ત્રણ દિવસના આ કાર્યક્રમમાં કચ્છના અધિક વિકાસની સાથે તેના ઇતિહાસ-સંસ્કૃતિને ય આવરી લેવાશે. ૨૮મીએ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ તેનું ઉદ્ઘાટન કરે ત્યારે સ્વાભાવિક રીતે પુરોગામી મુખ્ય પ્રધાનની યાદ તાજી થશે.

નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્ય પ્રધાન પદે આવતાની સાથે કોઈ એક જિલ્લા તરફ નજર દોડાવી હોય તો તે કચ્છ હતું! ૨૦૦૩માં ભૂજના ઉમેદભવનના એક ખંડમાં તેમણે પોતાના મનમાં રહેલા આ નકશાની વાત કરતાં મને કહેલું કે કચ્છ તમામ રીતે દુનિયાની નજરે મોતીમાણેક બને તેવી શક્યતાઓ છે અને તે કરવાની મારી ઇચ્છા છે.

માંડવીમાં ક્રાંતિતીર્થથી તેની શરૂઆત થઈ પછી કચ્છ રણોત્સવ શરૂ થયો. અમિતાભની ‘ગુજરાત કી ખૂશ્બુ’માં કચ્છને વધુ જગ્યા પણ મળી. જોકે, તે સમયના પ્રવાસન વિભાગના સચિવે વધુ ક્ષમતા દર્શાવી હોત તો ઘણો બધો તફાવત પડ્યો હોત! મુસીબત ઘણી વાર સરકારી બાબુ સાહેબોની ચીલાચાલુ રીતિનીતિને લીધે આવતી હોય છે. પ્રવાસનમાં પણ એવું જ થયું અને છેવટે સચિવને બદલવા પડ્યા. પણ મંત્રીવર્ય સૌરભ દલાલે હજુ ઘણું અસરકારક કામ કરવાનું બાકી છે. વાઇબ્રન્ટ કચ્છના આયોજકોને એવો યે ભરોસો છે કે નરેન્દ્ર મોદી તેમાં જરૂર થોડા કલાક માટે આવીને ઉદ્બોધન કરશે.

યુનિવર્સિટીની બલિહારી

ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સારા શિક્ષણ પ્રધાન હોય તો પણ આ યુનિવર્સિટીઓનું રાજકારણ તેમને ધારી સફળતા અપાવી શકે એવું લાગતું નથી. ગુજરાતમાં ઢગલાબંધ યુનિવર્સિટીઓ છે, તેના અભ્યાસક્રમો છે, મકાનો છે અને નથી, અધ્યાપકોની પૂરતી સંખ્યા નથી, ગ્રંથાલયોની હાલત - પૂરતા સ્ટાફના અભાવે - કંગાળ છે અને અભ્યાસ? રામ રામ કરો, ભાઈ! યુનિવર્સિટી કંઈ ‘જીવંત અભ્યાસકેન્દ્ર’ બનવા માટે છે? ત્યાં તો તદ્દન રેઢિયાળ વાઇસ ચાન્સેલરો, અભ્યાસ અધ્યાપન ના કરતાં બીજી બાબતોમાં સક્રિય અધ્યાપકો અને સેનેટ-સિંડિકેટમાં ‘વિદ્યા’ના સ્થાને ‘ધાંધલ-ધમાલ-દાદાગીરી’ અપનાવતા સભ્યોનું રાજકારણઃ આવું જ હોય! અપવાદરૂપ એકાદ-બે યુનિવર્સિટીની પાસે ઉત્તમ (અથવા ઉત્તમ થવાની મહેનત કરે તેવાં) વાઇસ ચાન્સેલરો છે. બાકીના યુનિવર્સિટીની આભા કે અસ્મિતાને ઉજાગર કરવામાં તદ્દન નિષ્ફળ સામાન્ય અધ્યાપકો છે. ક્યારેક તે પ્રચારના નુસખા પ્રયોજે છે પણ તેનાથી શું?

હમણાંનો અહેવાલ હતો કે ગુજરાત યુનિવર્સિટીના વા.ચા.એ કેટલાક દિવસ સુધી પોતાનો ટેલિફોન જ બંધ કરી રાખ્યો હતો કેમ કે વિદ્યાર્થી મંડળોના ‘નેતા’ઓ તોફાન - ભાંગફોડ - દેખાવો કરીને હેરાન-પરેશાન કરી રહ્યા છે!! થોડાંક વર્ષ પૂર્વે ગુજરાત યુનિવર્સિટીના એક વા.ચા.ને સામાન્ય કારણોસર મળવા ગયો ત્યારે ઐતિહાસિક યુનિવર્સિટી ઇમારતનો રોમાંચ હતો (કારણ, અહીં ઇશ્વરભાઈ પટેલ, દિવેટિયા, ઉમાશંકર જોશી જેવા ક્યારેક વા.ચા. હતા!) પણ વા.ચા.ની કેબિન સુધી સળિયાવાળી લોબી - દરવાજા - સુરક્ષા - પૂછપરછ... આવી ઝઝાળ જોઈને હું પાછો વળી ગયો! શું આ એ જ યુનિવર્સિટી હતી જ્યાં ઉમાશંકર જોશીને મળવા સીધેસીધા તેમનાં કાર્યાલયમાં નિઃસંકોચ પહોંચવામાં મુશ્કેલી પડતી નહોતી અને ઉમાશંકર વા.ચા. તરીકેની ફરજો બજાવવા ઉપરાંત ભાષા-ભવનમાં આવીને અમારા અનુસ્નાતક વર્ગ લેતા હતા?

વિદ્યાકીય જીવંત તીર્થ

છેલ્લાં કેટલાંક વર્ષોથી અધ્યાપક મંડળના ‘યુનિયનિઝમ’થી શરૂઆત થઈ અને વિદ્યાર્થી સંગઠનોની દાદાગીરીનો ઉમેરો થયો. ગુજરાત યુનિવર્સિટીની બાજુની એક ગલી છે - ચા-નાસ્તા માટે જાણીતી - ત્યાંથી નીકળતી અસામાજિકતાનો ચહેરો જોવા મળે છે. બિભત્સ ગાળો સાંભળવા મળે. વિદ્યાર્થી ‘નેતા’ઓ મોટરકારમાં આવીને અહીં બેઠા હોય છે!

હમણાં હું જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીની તવારિખ અને સંસ્મરણોનું પુસ્તક વાંચતો હતો. શિક્ષણ પ્રધાન મોહમ્મદ કરીમ ચાગલાએ તેને શ્રેષ્ઠ વિદ્યાધામ અને બૌદ્ધિક કેન્દ્ર બનાવવાની જહેમત કરી હતી. પછીથી તે ડાબેરી વિચારો-કાર્યક્રમોનું થાણું બની જતાં તથાકથિત સેક્યુલરિઝમ અને લેફ્ટિઝમનો અડ્ડો પણ બની ગયેલી. પણ, આપણી પાસે જે યુનિવર્સિટીઓ છે તે ખરા અર્થમાં વિદ્યા અને સંસ્કૃતિનાં ‘જીવંત તીર્થ’ બની શકે તેવો ભૂતકાળ પણ ધરાવે છે.

અત્યારે તો એક મિત્રે કહ્યું કે કોઈ સારો માણસ વા. ચા. બનવા જ તૈયાર નથી થતો! જોકે સાવ એવું નથી. ખરેખર તો આ તથાકથિત સર્ચ કમિટી અને પરદા પાછળ ‘સ્થાપિત’ રાજકારણ પણ એટલું પ્રભાવી રહે છે કે યુનિવર્સિટીઓમાં વા.ચા. મેળવવાની ખાસ મુશ્કેલી પડતી નથી. હા, ઉત્તમ વા.ચા.નો જરૂર દુકાળ દેખાય છે. અપવાદો હોઈ શકે છે, પણ ઉચ્ચ અભ્યાસના આ કેન્દ્રો કાંઈ અપવાદથી જ ચાલી શકે?

શાબાશ, આંબેડકર યુનિવર્સિટી

આવી પરિસ્થિતિમાં બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીએ કરેલી પહેલ ધ્યાનાકર્ષક છે. અહીં અગાઉ એ. કે. સિંહ જેવા વિદ્વાન અને સંચાલન કુશળ કુલપતિ હતા, પછી મનોજ સોની આવ્યા. બન્નેએ આંબેડકર યુનિવર્સિટીને એક ‘આભા’ આપવાનો સફળ પ્રયાસ કર્યો તે મીઠી વીરડી જેવો અનુભવ કરાવે!

તાજેતરમાં આંબેડકર યુનિવર્સિટીએ ઓનલાઇન અભ્યાસક્રમો શરૂ કરવા માટે જે દૃષ્ટિપૂર્વકની જહેમત લીધી તેનાં પરિણામો - આ અભ્યાસ શરૂ થતાં - દેખાશે એ નક્કી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આબોહવા બદલવાના કામ માટે કમલેશ જોશીપુરાએ સફળતાપૂર્વક સુકાન સંભાળ્યું હતું, નહીંતર આ યુનિવર્સિટી એવી છે કે વિદ્યાપુરુષ યશવંત શુકલે વા.ચા. પદ સંભાળ્યા પછી તુરત યુનિયનિઝમનો એવો અનુભવ કર્યો હતો કે રાજીનામું આપીને પાછા વળી ગયા હતા!

મોદીનો કોટ

નરેન્દ્ર મોદીનો બહુચર્ચિત કોટ સુરતમાં લગભગ સવા ચાર કરોડ રૂપિયાથી પણ ઊંચી હરાજીમાં વેંચાયો તેનું રહસ્ય જાણો છો? સુરતના એક નિવાસીએ ફોન પર કહ્યું કે મોદીના સૂટ વિશે ભારે ઊહાપોહ થયો ત્યારે જ અમને લાગ્યું હતું કે, ‘આમાં સૂટના કરતાં, એક ‘ગુજરાતી’ વડા પ્રધાન બની જાય તેનાથી કાયમ માટે ભડકતો બોલકો વર્ગ દિલ્હીનો છે તેણે આને નિમિત્ત બનાવ્યું. એટલે સુરતવાસીઓએ સૂટને કરોડોમાં ખરીદીને સંકેત આપ્યો છે કે આ નાણાં ગંગા-સફાઈ અભિયાનમાં ખરચાશે તે ગુજરાતી વડા પ્રધાનની ટીકાનું વળતર બની જશે!’

બોલો, પ્રજામાનસમાં કેવા કેટલા તર્ક હોય છે! મોદી પણ તે જાણતા નહીં હોય!!


comments powered by Disqus