પંચોતેરમા વર્ષે રાજકીય હોદ્દો ત્યજી દેવો જોઈએ એવો ગણગણાટ આજકાલ બધે ચાલે છે, તેણે મને કોંગ્રેસની દસ વર્ષીય નિવૃત્તિની તવારીખ યાદ કરાવી દીધી. ઈ-ટીવીના મિત્ર જતીને આ વિષયની ચર્ચા માટે આમંત્રણ આપ્યું ત્યારે હું મુંબઈ હતો એટલે શક્ય ના બન્યું, પણ ત્યારે વાતચીતમાં એ દિવસો મનમાં તાજા થયા. યાદ છે, ૧૯૬૦માં મહાગુજરાત આંદોલન પછી ગુજરાતની પોતાની સરકાર અને પ્રદેશ જાહેર થયા ત્યારે પ્રથમ મુખ્ય પ્રધાન ડો. જીવરાજ મહેતા બન્યા હતા. બરાબર એ જ વર્ષોમાં સંજય રેડ્ડીએ વિસ્ફોટ કર્યો કે કોંગ્રેસના કોઈ હોદ્દેદાર દસ વર્ષ પછી સત્તા ભોગવશે નહીં. જીવરાજ પણ તે ચક્રવ્યૂહમાં ફસાઈ ગયા.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું સંગઠન એક તરફ અને જીવરાજ સરકાર બીજી તરફ. આ પ્રધાનમંડળના કેટલાક કોંગ્રેસી પ્રધાનો પણ જીવરાજ મહેતા અને બીજા કેટલાકને ઈચ્છતા નહોતા. પ્રદેશ પ્રમુખ ઠાકોરભાઈ દેસાઈ પણ વિરોધમાં. એક વાર તો કોંગ્રેસના ધારાસભ્ય જ પોતાના મુખ્ય પ્રધાનની ખિલાફ અવિશ્વાસ દરખાસ્ત લાવવામાં સક્રિય બન્યા હતા. છેવટે લાંબી લડાઈ પછી જીવરાજ મહેતાએ રાજીનામું આપી દીધું. તેમની સાથે રસિકભાઈ પરીખ અને રતુભાઈ અદાણીનોયે ભોગ લેવાયો. બળવંતરાય મહેતા પેટા-ચૂંટણી જીતી શક્યા નહીં તે મુખ્ય પ્રધાન બન્યા. તેમના પછી હિતેન્દ્ર દેસાઈ આવ્યા ત્યારે કોંગ્રેસના બે ફાડચા થઇ ચુક્યા હતા.
પંચોતેરમે વર્ષે આનંદીબહેન રાજીનામું આપી દેશે એવી હવાને જોર એટલા માટે મળ્યું કે મધ્ય પ્રદેશમાં એવા પ્રધાનોને મુક્ત કરાયા. કેન્દ્રમાં પાંચમી જુલાઈ કે તે પછી પ્રધાનમંડળમાં જે ફેરફાર થશે તેમાં ‘ઉમ્ર કા તકાજા’ને ધ્યાનમાં લેવાશે એવું માનવામાં આવે છે.
ગુજરાતમાં અલગ અલગ કારણોસર કેટલાક મુખ્ય પ્રધાનોના રાજીનામાં લેવાયા એ રસપ્રદ તવારીખ છે. ભાજપ પણ તેમાંથી બાકાત નથી. કેશુભાઈનું રાજીનામું લેવાયું હતું. કોંગ્રેસમાં તો જીવરાજ મહેતા, માધવસિંહ સોલંકી, ચીમનભાઈ પટેલ એમ ત્રણ મુખ્ય પ્રધાનો દિલ્હીએ ખસેડ્યા હતા. તેમાં છેલ્લા બે તો આંદોલનના કારણે ગયા.
આનંદીબહેન નરેન્દ્ર મોદીના રાજકીય વારસદાર તરીકે અને પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન તરીકે આરૂઢ થયા હતા. પ્રજા વિકાસના કામો તો થયા, મહિલાશક્તિને પ્રોત્સાહન મળ્યું, તેમના પ્રશ્નો હાથમાં લેવાયા, પરંતુ પાટીદાર આંદોલને વિપરીત અસર કરી તેથી આ વાતાવરણ સર્જાયું છે. પરંતુ અત્યારના સંજોગોમાં ભાજપ મુખ્ય પ્રધાનની કોઈ ફેરબદલ કરે તો તેની ખરાબ અસર થાય એવું મોવડી મંડળ મને છે.
આ નવેમ્બરમાં આનંદીબહેન પંચોતેર ભલે પૂરા કરે, ૨૦૧૭ને હવે બહુ વાર નથી. ચૂંટણી આવશે ત્યારે જોઈશું એવી માનસિકતા દિલ્હીની છે. એટલે કોઈ ખાસ ચમત્કાર ના થાય કે સ્વયમ્ મુખ્ય પ્રધાન જ પોતાની નિવૃત્તિ જાહેર કરી દે તે સિવાય ફેરફાર નહીં થાય. રાજ્યની સ્થિર સરકારને અસંતુલિત પરિસ્થિતિમાં મૂકવાનું જોખમ પક્ષ નહીં લે એવા સંકેતો તાજેતરની મારી દિલ્હી મુલાકાત દરમિયાન મળ્યા.
આ ૧૫મી ઓગસ્ટે આનંદીબહેન મોરબીમાં સ્વાતંત્ર્ય દિવસનો રાષ્ટ્રધ્વજ ફરકાવશે. જે નવા જિલ્લા થયા છે ત્યાં પણ પ્રદેશસ્તરનો ઉત્સવ યોજાય તેવી પરંપરા મુજબ આ ઉત્સવ યોજાશે. આ પહેલા લુણાવાડા, રાજપીપળા, વ્યારા, છોટા ઉદેપુર પસંદ કરાયા હતા. આ વખતે મોરબીનો વારો છે. પછી બોટાદ આવશે.
ભણતર ઓછું, રાજકારણ વધુ
પારુલ યુનિવર્સિટીના સૂત્રધાર ગંદી હરકતોના આરોપસર પકડાય તે ઘટના શિક્ષણ ક્ષેત્રે હચમચાવી મુકે તેવી છે. આ અગાઉ ગુજરાત યુનિવર્સિટીના એક વિભાગના વડા સામે પ્રેમપત્રોના નામે છેડછાડ કરાયાના આક્ષેપો થયા હતા. પાટણ તાલીમાર્થી મહિલાઓનું પ્રકરણ ચગ્યું તેમાં તો આરોપીઓને સજા પણ થઇ છે. ગુજરાતમાં અપવાદોને બાદ કરતા યુનિવર્સિટી કુલપતિઓની કામગીરી પ્રશ્નાર્થો પેદા કરતી રહી છે. ગુજરાત યુનિવર્સિટીમાં કોઈ એક પાલ હતા, તેમની કામગીરી હજુ ચર્ચાતી રહી છે.
કુલપતિઓ તિકડમબાજી અને ખુશામતખોરી કરીને શિક્ષણની બાદબાકી કરી રહ્યાના ઉદાહરણો પણ છે. શિક્ષણ પર અધિક ધ્યાન આપવા માટે સમાજ અને સરકાર બન્નેએ સાથે મળીને વિચારપૂર્વક નિર્ણય લેવો પડશે. અગાઉ આશ્રમ શાળાઓ અને દૂરદરાજના તાલીમી કેન્દ્રો વિશે ખાસ્સી ફરિયાદો આવતી હતી, હવે તે મોટા પાયે સર્વત્ર વ્યાપ્ત બની છે. કુલપતિ માત્ર પક્ષનો સમર્થક કે અમુકતમુક નેતાઓનો માનીતો હોય અને પદ મેળવે તે પરિસ્થિતિ અટકાવી દેવા જેવી છે.
આવા સંજોગોમાં વિદ્યાર્થી હતાશ અને પ્રતિક્રિયા આપતો થઇ જાય છે. વિદ્યાર્થી નેતાઓ અને તેના સંગઠનો આનો લાભ ઉઠાવે છે. સેનેટ અને સિન્ડિકેટ સ્થાપિત હિતના તમાશા બની જાય છે. ભવનોમાં ભણાવાય ઓછું ને રાજકારણ વધુ થાય તેવી સ્થિતિ છે. પરીક્ષા, પ્રશ્નપત્રો, તેની ચકાસણી, ગુણાંક, પેપર ચકાસવાના પ્રશ્નો અને અધ્યાપક યુનિયનોની રાજનીતિ... આ બધું શિક્ષણમાં ખાડે જવાના સંજોગો પેદા કરે છે. તેની ખરાબ અસર તો વિદ્યાર્થીઓ પર જ થાયને? જેએનયુમાં રાજકીય ખેલ કરનારા અધ્યાપકો ઓછા જવાબદાર નથી, કનૈયાઓના ગોડફાધરો છે, કેટલીક ગોડમધર પણ છે. ગુજરાતમાં આવું બને જ નહીં એવી આત્મવંચના રાખશો માં.
વિદ્યાર્થીઓ અને તે પણ વડોદરા સયાજીરાવ યુનિવર્સિટીના. તેમની સાથે એક આખી સાંજ મળવાનું થયું તેમાં પણ અંદાજ મળ્યો કે છાત્રોની આંખોમાં તેજ છે, પણ યુનિવર્સિટીના રાજકારણે તેની ઉપેક્ષા જ કરી છે.
બીજી જુલાઈએ આ યુવક-યુવતીઓ ઇચ્છતા હતા કે તેમને ચાલીસ વર્ષ પૂર્વે લોકતંત્ર પર જે પ્રહાર થયો હતો તે વિગતે સમજવો છે! ગુજરાત છાત્ર સંસદ નામે ભાવનાશાળી સંગઠન અને તેના યુવા સૂત્રધારો કૃણાલ અને રંગમનો આગ્રહ હતો કે ૧૯૭૫ની આંતરિક કટોકટી, સેન્સરશીપ, મીસા, સત્તાકરણ અને તેનાથી લોકશાહી પરનો વજ્રઘાત... આ અમારે સમજવા છે. મારા માટે સમયની ખેંચ હતી. પહેલી જુલાઈએ સાંજે મુંબઈમાં સોમનાથ વિશેની સ્ક્રિપ્ટ નિમિત્તે અમિતાભ બચ્ચનને મળવાનું હતું. સોમનાથ ટ્રસ્ટના મોવડી પ્રવીણભાઈ લહેરીની ઈચ્છા હતી કે મારે જવું. પ્રવાસન વિભાગના શ્રીવાસ્તવ પણ એમ ઇચ્છતા હતા. આથી ઉતાવળે અમદાવાદથી મુંબઈ. સાંજની તેમની સાથેની બેઠકનો એક લાભ એ થયો કે ગુજરાતના ઇતિહાસની અજાણી વાતો પણ થઇ. અમિતાભને તેમાં રસ પડ્યો. એ જ રાતે અમદાવાદ અને બીજીની સવારે વડોદરા.
વ્યાખ્યાનમાં મુખ્યત્વે વિદ્યાર્થીઓ હતા, ડો. શ્રુતિ ત્રિવેદી અને બીજા મહાનુભાવો પણ ઉપસ્થિત હતા. વડોદરાની જેલમાં ચારેક મહિના (અને તે પહેલાના સાત મહિના ભાવનગરમાં) રહેવાનું બન્યું હતું. મીસા હેઠળ એટલે વાત વધુ આધિકારિક બની. દોઢેક કલાક સમગ્ર કટોકટીના વર્ષો આકારિત કર્યા પછી તેના બોધપાઠો પણ ચર્ચાયા. આવા ઘણા વિદ્યાર્થીઓ અલગ અલગ વિષયોને આત્મસાત કરીને સક્રિયતા ઈચ્છે છે, પણ તેમના ચીલાચાલુ અભ્યાસક્રમોમાં આવું ખાસ સામેલ નથી!