કચ્છમાં ડિસેમ્બરના ત્રીજા સપ્તાહ દરમિયાન બે મોટા ઉત્સવો યોજાઈ રહ્યા છે તેના સાક્ષી બનવાની તક મળી. એક તો દર વર્ષનો રણોત્સવ છે. પ્રથમ વાર જ્યારે તેની શરૂઆત થઈ ત્યારે ભૂજના સર્કીટ હાઉસ ‘ઉમેદ ભુવન’માં, તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની અંગત વાતચીત દરમિયાન તેમણે કહ્યું હતું કે કચ્છમાં પ્રવાસનની ભારોભાર ક્ષમતા છે અને તેવું આકર્ષણ ઊભું થાય તે માટે તમામ પ્રયત્નો કરવાની મારી ઇચ્છા છે.
આ વાત હવે સાચી ઠરી છે. રણઉત્સવ માટે દેશદેશાવરના સહેલાણીઓ આવતા થયા છે. પ્રવાસન ખાતું તેમાં જો સફળ થઈ રહ્યું હોય તો તે માત્ર મોદી સરકાર અને હવે આનંદીબહેન સરકારને કારણે જ થયું છે એ વાસ્તવિકતા છે. કચ્છમાં તો હજુ ઘણું બધું થઈ શકે તેમ છે, કરવું જોઈએ. પણ પ્રવાસનના પૂર્વ સચિવનો રસ્તો એકમાર્ગી હતો. અમિતાભ બચ્ચનને ભલે એ લાવી શક્યા હોય, પણ ગુજરાતનું પ્રવાસન એટલી બધી સંભવિતતા સાથેનું છે કે તેને માટે ‘વિઝન’ જોઈએ. તે ક્યાંથી પેદા કરવું?
એક જ ઉદાહરણ પૂરતું છે. પ્રવાસનને ઇતિહાસની સાથે જોડવું પણ મહત્ત્વનું કામ છે. કચ્છમાં માંડવી પાસે ક્રાંતિકારી પંડિત શ્યામજી કૃષ્ણવર્માનું સ્મારક ‘ક્રાંતિતીર્થ’ બનાવવાનો સંકલ્પ નરેન્દ્ર મોદીનો હતો, તે ચાર વર્ષ પહેલાં જ સાકાર થયો. ખરેખર તો આ તીર્થ ભારતીય સ્વાતંત્ર્યજંગના સમગ્ર ઇતિહાસને દર્શાવે છે. પ્રવાસન ખાતાએ માંડવી દરિયાકિનારા પૂરતી જ નજર રાખવાને બદલે આ ક્રાંતિતીર્થ સુધી પણ સહેલાણીઓ જાય તેવો જરાસરખો પ્રયાસ પણ કર્યો હોત તો એક મોટું અને ખરું કામ થયું હોત. પણ કહે છે કે તેના સચિવ પાસે એવી કોઈ તત્પરતા અને સજ્જતા જ નહોતી. હવે તો તેમને બીજે બદલી નાખવામાં આવ્યા છે, પણ જે નુકસાન થવાનું હતું એ તો થઈ જ ગયું!
ઇતિહાસ ચર્ચાનો મેળાવડો
માંડવીથી થોડેક દૂર બોંતેર જિનાલયની સુંદર જગ્યાએ ૧૩-૧૪ ડિસેમ્બરે ગુજરાતના ઇતિહાસકારો એકઠા થયા હતા. ગુજરાત ઇતિહાસ પરિષદમાં અધિવેશનનું સંપૂર્ણ આયોજન વિવેકાનંદ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના તરફથી થયું. અધ્યક્ષ નરેશ અંતાણી હતા. ખ્યાત ઇતિહાસકાર શિરીનબહેન મહેતાને (અત્યારે તેઓ ૮૨ વર્ષના છે!) સ્વ. રસિકલાલ પરીખ ચંદ્રક એનાયત થયો. મકરંદ મહેતા અને બીજા વિદ્વાનોનાં ભાષણ થયાં, નિબંધોનું વાંચન અને ચર્ચા પણ થયાં.
પ્રારંભે મેં એક મુદ્દા ‘ઇતિહાસ અને ઇતિહાસબોધ’ વિશે આપેલાં વ્યાખ્યાનના સંદર્ભે પણ ઘણી ચર્ચા થઈ. ચર્ચામાં ભાગ લેનારા વક્તાઓનાં વક્તવ્યોનો સાર એવો હતો કે જેમ સમાજજીવનનાં બીજાં ક્ષેત્રોમાં, તે રીતે ઇતિહાસ-લેખનમાં પણ સપાટી પરનાં સંશોધન, ‘સિલેબસ’ આધારિત પુસ્તકો, પૂર્વગ્રહ અથવા પક્ષપાતથી રંગાયેલા લેખો - પુસ્તકો - વિધાનો, માર્કસવાદી અને સેક્યુલર બનાવવાની હોડમાં નીકળેલા રોમિલા થાપર જેવા ઇતિહાસકારો અને તેમને માટે કરતાલધ્વનિ કરનારાઓની ગુજરાતમાં યે હાજરી વગેરે નજરે ચડે છે. પરિણામે ખરો ઇતિહાસ અંધારામાં રહી જાય છે. અમદાવાદમાં થયેલી ‘બૌદ્ધિક ચર્ચા’ના બૌદ્ધિકોએ આ ઇતિહાસ પરિષદમાંથી બોધપાઠ લેવા જેવો છે કે ‘વાદે વાદે જાયતે તત્વબોધઃ’!
૧૩મી ડિસેમ્બરે બરાબર ચાર વર્ષ પૂર્વે માંડવી કચ્છમાં આખું કચ્છ સ્વયંભૂ કામગીરી બંધ રાખીને એકઠું થયું હતું! કોઈ માગણી માટેનું આંદોલન નહીં, ઋણ ચૂકવવાની ભાવના સાથે! ૧૯૩૦થી ૨૦૦૧ સુધી ઉપેક્ષિત પંડિત શ્યામજી કૃષ્ણવર્માનું ભવ્ય સ્મારક ૨૦૧૦માં આ દિવસે ઊભું થયું હતું, તેનું સ્મરણ માંડવી સ્થિત હીરજીભાઈ કારાણીએ કરાવ્યું. ૧૯૬૫થી આ માણસ કૃષ્ણવર્માનાં જન્મસ્થાનને ઐતિહાસિક સ્મારકમાં પળોટવાની જહેમત લઈ રહ્યો છે! ૭૦થી વધુ વર્ષના હીરજીભાઈ સ્મારકસ્થાને દરરોજ સાઇકલ લઈને જાય! તેમણે હરખ કર્યો કે ચાર વર્ષમાં ૧૦થી ૧૨ લાખ લોકો સ્વયંભૂ અહીંની મુલાકાતે આવ્યા છે.
૧૩ ડિસેમ્બર, ૨૦૧૦ની એ સ્મારક ખૂલ્લું મુક્યાની જનસભામાં ૩૦ હજાર લોકો હાજર હતા. ઉદ્ઘાટન નરેન્દ્ર મોદીએ કર્યું તે પહેલાંના ઉદ્બોધનમાં મેં કહ્યું કે મોદીની બીજી ઘણી વિશેષતાઓ હશે, પણ તેમણે આ જે ઇતિહાસબોધની ધ્વજા ફરકતી કરવાનો પ્રયાસ કર્યો છે તેને માટે આપણે તેમને અભિનંદન આપીએ. તુરત સમગ્ર મેદનીએ ઊભા થઈને પાંચ મિનિટ સુધી કરતલધ્વનિ કરીને તેમનું ગૌરવ કર્યું હતું.
માંડવીનું ‘ઇન્ડિયા હાઉસ’
હીરજીભાઈ આ સ્થાને લઈ ગયા ત્યારે તેની યાદ તાજી થઈ. લંડનના ભારતીયો તો શ્યામજી કૃષ્ણવર્માનાં ઐતિહાસિક ‘ઇન્ડિયા હાઉસ’ અને નિવાસસ્થાનને સ્મારકમાં પટોળી શક્યા નથી, પણ તેની જ પ્રતિકૃતિ જેવું ‘ઇન્ડિયા હાઉસ’ અને પંડિત શ્યામજી તેમ જ ભાનુમતી કૃષ્ણવર્માની આદમકદ સુંદર પ્રતિમાઓ આ સમુદ્રકિનારાના સ્મારકે ઊભી છે તે ઇતિહાસનો રોમાંચ સર્જે છે. જાન્યુઆરીમાં ગુજરાત આવનારા એનઆરજી પરિવારોએ - તેમની નવી પેઢી સાચા ઇતિહાસથી જાણકાર થાય - તે માટે આ સ્થાને અવશ્ય જવું જોઈએ.
લંડનમાં પાર્લમેન્ટ સ્કવેરમાં ગાંધીપ્રતિમા લગભગ નક્કી છે. લોર્ડ મેઘનાદ દેસાઈ અને લોર્ડ પ્રો. ભીખુભાઈ પારેખ તેને માટે અહીં સક્રિય છે. લંડનના ‘હાઇડ પાર્ક’ની લાક્ષણિકતા મુજબ આ પ્રતિમા વિશે ચર્ચા જાગી એ તો સારું જ થયું. ‘ગાંધી નહીં, દાદાભાઈ નવરોજી’ આ વિધાન કુસુમબહેન વડગામાએ કર્યું છે.
પંડિત શ્યામજી કૃષ્ણવર્માએ લંડનમાં જ સ્વાતંત્ર્યજંગનો ધ્વજ લહેરાવ્યો અને હિંડમેન જેવા ઉદારવાદી અંગ્રેજોનું સમર્થન મેળવેલું. ‘હોમરુલ લીગ’ની સ્થાપના તેમણે કરેલી એટલે ગાંધીજીની જેમ શ્યામજીની પણ પ્રતિમા ત્યાં થઈ શકે એવો અભિપ્રાય પણ આવ્યો. એમ તો મેડમ કામા જેવાં તેજસ્વિની પારસી મહિલા પણ આ યાદીમાં ઉમેરી શકાય, પરંતુ બ્રિટીશ માનસ ગાંધી સિવાયના કોઈ મહાન પુરુષોને પાર્લામેન્ટ ચોકમાં પ્રતિમા માટે સ્વીકારી શકે તે અશક્ય છે. હા, ૧૮૫૭ના વિપ્લવમાં બ્રિટિશ સૈન્યનું નેતૃત્વ કરીને કાનપુરનો વિનાશ કરનારા જનરલ હેવલોકની એક પ્રતિમા ત્યાં જરૂર છે, એ સ્વાભાવિક છે કે બ્રિટિશરોનો પોતાનો રાષ્ટ્રવાદ છે.
આમાંથી ગુજરાતે પણ શીખવા જેવું ઘણું છે.