શંકરસિંહ વાઘેલા અને રાજકારણમાં સક્રિય તેમના પુત્ર મહેન્દ્રસિંહ ઉપરાંત રાજપા સમયના ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપામાં જાય છે કે નહીં તેના કરતાં વધુ કફોડી માનસિકતા કોંગ્રેસની થઈ છે. ‘જાયે તો જાયે કહાં?’ જેવી સ્થિતિ ચૂંટણી સુધી ચાલવાની છે - કેમ કે ગુજરાતમાં ભાજપને પરાસ્ત કરીને સત્તા મેળવવી એ આસાન નથી રહ્યું તે વાત કોંગ્રેસ પણ સારી રીતે સમજે છે. રહી વાત નેતાગીરીની, તો બહારથી સૌ હસતા ચહેરે ‘એક’ હોવાનો દેખાવ કરે છે અને હાઇકમાન્ડ પ્રભારીને રાતોરાત બદલાવી નાખે તો યે ખમી ખાય છે.
મૂળ સવાલ અત્યારે તો આગામી વિધાનસભા ચૂંટણીની વ્યૂહરચનાનો તો હાંસિયામાં ધકેલાઈ ગયો છે અને રાજ્યસભામાં એક સીટ કઈ રીતે મેળવવી તે જ મુખ્ય મુદ્દો બની ગયો! કારણ એ છે કે અહમદ પટેલને તે બેઠક પર ફરી મોકલવા એવું રાબેતા મુજબ વિચારાયું છે હવે અહમદભાઈ પોતે જ ના પાડે અને બીજા કોઈને જગ્યા કરી આપે તો વળી અલગ વાત થઈ. અને તેમ થાય તો ગુજરાત કોંગ્રેસને માટે નવા સંકેતો ઊભા થાય.
અહમદ પટેલ વગદાર અને વજનદાર નામ છે. કોંગ્રેસમાં તેમનો દબદબો છે અને તેમના વિરોધીઓ પણ મોટી સંખ્યામાં છે પણ અહમદ પટેલની અંદર-બહારની શક્તિ એટલી છે કે સર્વોચ્ચ નેતાઓને તેમની કાયમ જરૂર પડે છે. આવા સંજોગોમાં તેમને જો ફરી વાર રાજ્યસભાની બેઠક માટેના ઉમેદવાર બનાવવામાં આવે ત્યારે શંકરસિંહ વાઘેલાનું જૂથ પક્ષ સાથે છેડો ફાડીને ભાજપને મદદ કરે તો શું થાય? આ અટકળે ગુજરાતી રાજકારણમાં ધરતીકંપ પેદા કર્યો છે. મીડિયા તરેહવારની વાતો લાવે છે. શંકરસિંહ વાઘેલાએ પોતાના પુત્ર મહેન્દ્રસિંહને ભાજપામાં સ્થાન મળે તો કોંગ્રેસ છોડવાની તૈયારી બતાવી છે, બાપુ પોતે હવે સક્રિય રાજકારણ છોડીને સામાજિક-સાંસ્કૃતિક સેવાના ક્ષેત્રે સક્રિય થવા માગે છે. કોંગ્રેસમાં તેમણે પોતાના મુખ્ય પ્રધાનપદની પહેલેથી જાહેરાત થાય તેવો આગ્રહ રાખ્યો છે, તેમ ન થાય તો રાજીનામું ધરી દેશે. વડા પ્રધાન ગુજરાતની મુલાકાતે આવે ત્યારે મહેન્દ્રસિંહ ભાજપામાં જોડાઈ જશે... આ બધા અહેવાલો મીડિયામાં ચમકતા રહ્યા છે.
બાપુ પાસે વાસણ જતાં વિશાળ શિક્ષણ સંકુલ છે, વાસણિયા દેવાલય સહિત અનેક સંસ્થાઓમાં સક્રિય છે એટલે રાજકારણને છોડે તો યે તેમની જાહેર જીવનની પ્રવૃત્તિ તો ચાલુ જ રહેવાની છે. ભાજપને ગુજરાતની આગામી ચૂંટણીમાં ધમાકેદાર વિજય હાંસલ કરવો છે તેમાં શંકરસિંહ વાઘેલા અંદર આવીને સક્રિય થાય તો મોટા લાભ થાય એવું માનનારો એક વર્ગ છે અને તેમને નકારનારો બીજો વર્ગ પણ છે. બધાંની પોતપોતાની ગણતરીઓ છે. એક વાત નક્કી છે કે બાપુનું રાજકીય વજન (તેમના શારીરિક વજનની જેમ?) હજુ એવુંને એવું છે.
૧૯૬૭માં મહેસાણાથી, ભારે ભરખમ લશ્કરી બૂટ સાથે શંકરસિંહ મધ્યસ્થ જનસંઘ કાર્યાલયમાં - જે માણેક ચોકમાં પોલિસ ચોકીની સામેના એક અંધારા ઓરડામાં હતું - સંગઠન મહામંત્રી વસંતરાવ ગજેંન્દ્ર ગડકરને મળવા આવ્યા તે પછી તેમનું પ્રદેશ જનસંઘમાં સક્રિય થવાનું નક્કી થઈ ગયું હતું. વસંતરાવના તે વિશ્વાસુ સાથીદાર બનીને ગુજરાતમાં ગામડાંઓ સુધી સંગઠન કરવા માટે ઘૂમતા રહ્યા. ૧૯૯૦ પછી જનસંઘ – ભાજપ તરીકે અસ્તિત્વમાં આવ્યો ત્યારે - જે નવી ભરતી થઈ તેનું શ્રેય શંકરસિંહને જાય છે, પણ વસંત ગજેંન્દ્ર ગડકર કે મકરંદ દેસાઈ રહ્યા નહીં.
બાપુ વત્તા નરેન્દ્ર મોદી એ શરૂઆતનો તબક્કો હતો. ૧૯૭૫માં જય પ્રકાશ નારાયણ ગુજરાતના પ્રવાસે આવ્યા ત્યારે તેમની સંપૂર્ણ આયોજન, દેખભાળ અને સુરક્ષાની જવાબદારી બાપુએ નિભાવી હતી. ૧૯૭૫માં તે વધુ સમય ભૂગર્ભવાસી રહી ન શક્યા અને પકડાઈને મીસાબંદી બન્યા. ભાવનગર – વડોદરા જેલ નિવાસ થયો. આ પછી ૧૯૯૫માં પહેલી વાર ભાજપને ગુજરાતમાં સત્તા મળી અને કેશુભાઈ પટેલ મુખ્ય પ્રધાન બન્યા, ત્યાર બાદનો અસંતોષ અસામાન્ય હતો. તેની વિગતો એક અલગ લેખ માગી લે તેવી સામગ્રી ધરાવે છે, પણ મહત્ત્વની વાત એ બની કે ગુજરાત ભાજપના ત્રણ સુકાનીઓ – નરેન્દ્ર મોદી, કેશુભાઈ પટેલ અને શંકરસિંહની દિશાઓ અલગ પડી ગઈ.
કોંગ્રેસની મુસીબતો
આજે જે પરિસ્થિતિ છે તેની આ પાર્શ્વભૂમિકા ચકાસવામાં આવી રહી છે. કોંગ્રેસ શંકરસિંહને સાચવી ન શકી. રાહુલ ગાંધીને ગુજરાતનાં રાજકારણ વિશે ખાસ ગતાગમ નથી, પણ સોનિયા ગાંધીને થોડી ઘણી સમજ હતી. જે પ્રભારીઓ આવે છે તે બિચારા પોસ્ટમેનથી વિશેષ સત્તા ધરાવતા નથી. પોતાના રાજ્યોમાં નબળા પૂરવાર થનારા કામત કે ગેહલોત ગુજરાતને કઈ રીતે સંભાળી શકે? તાજેતરની કોંગ્રેસની એક મહત્ત્વની બેઠકમાં અહમદ પટેલે ગેહલોતની, તેમની હાજરીમાં, પ્રશંસા કરીઃ ‘તેઓ કોઈની યે શેહ વિના નિર્ણયો લઈ શકે છે’ એવું પણ જણાવ્યું. પછી ગેહલોતનો વારો આવ્યો. અહમદભાઈએ જે કહ્યું તેનો ઓક્સિજન તેમને મળી ચૂક્યો હતો એટલે તેમણે પણ કોંગ્રેસમાં કોઈનાં અંગત હિત કે પ્રભાવ ચાલશે નહીં એવું ખોંખારો ખાઈને જણાવ્યું. બેઠકના સમારંભમાં અહમદ પટેલે આખી વાતને ફેરવી નાખીઃ ‘બગીચામાં ફૂલનાં બે કુંડા હોય તેમાંનું એક આ બાજુ અને બીજું, બીજી બાજુ મૂકીએ તેમાં કશો વાંધો નહીં. તેમ થવું જોઈએ...’ સંકેતો જેને માટે જરૂરી હતા તે બધાંને, ગેહલોત સહિત, મળી ગયા!!
કોંગ્રેસ ભાવિ મુખ્ય પ્રધાનનાં નામને પહેલેથી જાહેર કરવાના મૂડમાં નથી. ‘એવું કરવાથી અસંતોષ અને વિદ્રોહને હવા મળશે’ એવું એક સીનિયર નેતાનું માનવું છે. આવા સંજોગોમાં પરિસ્થિતિને થાળે પાડવા માટે ચૂંટણી આયોજન, પ્રચાર અને ધારાસભ્યપદ માટેની પસંદગી - એમ ત્રણ મહત્ત્વની બાબતોમાં સમિતિઓ રચવી તેવો કંઈક વચલો રસ્તો શોધવાની કસરત થઈ રહી છે તે કેટલી અસરકારક નિવડશે તેની યે આશંકા પ્રવર્તે છે.
ભાજપની વ્યૂહરચના
આવા સંજોગોની વચ્ચે ભાજપ સરકાર અને સંગઠને ‘ચૂંટણી જીતવાનું માળખું’ તૈયાર કર્યું છે, જયનારાયણ વ્યાસ સહિતના આગેવાનોએ ‘સંકલ્પ પત્ર’ એટલે કે ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવાનું કામ ઉપાડ્યું છે. સરકાર મહત્ત્વની યોજનાઓને માટે તત્પર છે. નર્મદાજી (એટલે નર્મદા વત્તા આજી)ના પાણીની યોજનાએ સૌરાષ્ટ્ર-કચ્છને તરબતર કર્યું, તેનો ફાયદો મતદારો દ્વારા થાય તે સ્વાભાવિક છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ અત્યારે યોજનાઓ અને તેના અમલીકરણ માટે એકદમ સક્રિય છે. બીજા પ્રધાનો પણ સજ્જ થઈ ચૂક્યા છે અને અધૂરામાં પૂરું અમિત શાહની ગુજરાત મુલાકાતો સંગઠન માટે મદદરૂપ થાય છે તો વડા પ્રધાનની મુલાકાતો યોજના - અમલના રસ્તે છે, તેની અસર ચૂંટણી સમયે ન થાય તો જ નવાઈ. આ સંજોગોમાં પટેલ અનામત આંદોલનની કોઈ ખાસ અસર રહી નથી. હા, પોલીસ અત્યાચારની ઘટનાઓની વળતી અસર જરૂર થાય છે.
ઓબીસી અને દલિત કે ઓબીસી વત્તા દલિત, અથવા દલિત વત્તા લઘુમતી - આવા જૂનાં ચવાઈ ગયેલાં સૂત્રો અને પ્રયાસોમાં કોઈ દમ નથી. નેતાગીરીની ખીચડી પકવવા માટે તેનો ઉપયોગ થતો રહ્યો છે અને થતો રહેશે.
દરમિયાન જૂનથી સપ્ટેમ્બર કે ઓક્ટોબર સુધીમાં રાજકીય પ્રવાહોની ઊલટસુલટ મીડિયાને પૂરતો મસાલો પૂરો પાડશે.