રાજ્યપાલોની કતારમાં એક અનોખા રાજ્યપાલ...

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Wednesday 28th January 2015 05:15 EST
 
 

આમ તો બંધારણ નિર્માતાઓએ રાજ્યોના રાજ્યપાલો (ગર્વનર)ને કેન્દ્ર-રાજ્ય વચ્ચેના બંધારણીય ‘દૂત’નું કામ સોંપ્યું હતું, પણ તેમણે પ્રજાતરફી સક્રિયતા કેવી કેટલી દાખવવી જોઈએ તેની સ્પષ્ટતા કરી નહોતી. આથી ઘણી બધી વાર રાજ્યપાલ જે તે રાજ્યને બદલે કેન્દ્રમાં જેની સરકાર હોય તેની તરફેણમાં કામ કરતા હોવાની ફરિયાદો શરૂ થઈ ગઈ હતી.

 ૧૯૮૦માં નાસિકમાં મીનુ મસાણીની સંસ્થાએ યોજેલા એક પરિસંવાદમાં ખુદ એક રાજ્યપાલ ડી. પી. સિંહે આ પ્રશ્નથી પોતાનાં ભાષણની શરૂઆત કરી હતી કે શું રાજ્યપાલ કેન્દ્રનો દલાલ છે?

રાજ્યપાલની નિયુક્તિમાં હવે તો કેન્દ્રમાં જે પક્ષ હોય તે પોતાના ‘સિનિયર’ (વરિષ્ઠ) નેતાઓની શક્તિનો લાભ ઊઠાવવાનું વલણ સ્થાપિત થઈ ગયું છે. તેમાં કશું અનુચિત પણ નથી કેમ કે જેમ લોકસભામાં અધ્યક્ષ (સ્પીકર)પદ માટે પક્ષનો જ સંસદ સભ્ય ચૂંટાઈ આવે પછી તે કોઈ એક પક્ષનો રહેતો નથી, તટસ્થ ભૂમિકા ભજવે છે અને એવી અપેક્ષા પણ રાખવામાં આવે છે. આવું જ રાષ્ટ્રપ્રમુખપદનું યે છે. રાજ્યપાલ આ દાયરામાં આવે છે એટલે પદ સંભાળ્યા પછી તેણે તે પ્રદેશનાં રાજ્ય વહિવટને પક્ષપાત વિના નિહાળીને જરૂર પડ્યે પગલાં લેવાના હોય છે.

આ સિવાય રાજ્યપાલનું પદ ‘નિવૃત્તના આનંદસ્થાન’ જેવું છે - વિધાનસભા સત્ર દરમિયાન પ્રવચન, જુદી જુદી સંસ્થાઓમાં વ્યાખ્યાનો-ઉદ્ઘાટનો-ઉદ્બોધનો, રાજ્ય સરકાર તરફથી આવતા વિધેયકો પર હસ્તાક્ષર અને રાજભવનમાં મુલાકાતોઃ આટલું તેમની પ્રવૃત્તિમાં આવે. ૧૫ ઓગસ્ટ અને ૨૬ જાન્યુઆરીએ ‘એટ હોમ’ કાર્યક્રમમાં અધિકારીઓ-આગેવાનો-રાજકારણીઓ આવીને હળભળે એ પણ કાર્યક્રમોની હેઠળ આવી જાય.

નિવૃત્તિ કે પ્રવૃત્તિનું મથક?

જોકે થોડાક મહિના પર ગુજરાતના વર્તમાન રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલીને મળવાનું થયું ત્યારે આશ્ચર્યનો પ્રારંભ થયો. કોહલીજી મૂળ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)ના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે રહી ચૂક્યા છે. (ગુજરાતમાં એબીવીપીના એવા બે રાષ્ટ્રીય (પૂર્વ) અધ્યક્ષો હજુ હયાત છે. તે પ્રા. એન. યુ. રાજગુરુ અને નારાયણ રાવ ભંડારી. એમને ક્યારેક યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરો તરીકે પસંદ કરાયા હોત તો અત્યારે મોટા ભાગના ક્ષમતા કે સ્તર વિનાના વાઈસ ચાન્સેલરો માથે પડે છે તેવું ન બન્યું હોત. કદાચ યુજીસીના નિયમોમાં તેઓ બંધ બેસતા ન હોય એવું બને.) કોહલીજી સાહિત્યકાર છે, તેમના અર્વાચીનથી પ્રાચીન વિષયો પરનાં પુસ્તકો પણ છે. ઉત્તમ વાચક અને વક્તા છે. વિશ્વ ગુજરાતી સમાજના કાર્યક્રમમાં તેમણે આપેલું વ્યાખ્યાન એક ઉત્તમ દર્શકને અને ચિંતકને શોભે તેવું હતું. એમ ઘણા શ્રોતાઓએ અનુભવેલું.

કોહલીજીની પ્રજાભિમુખતા

પણ કોહલી ‘પ્રજાભિમુખ રાજ્યપાલ’ છે એની વધુ જાણ રાજભવનના ‘મુખ્ય સચિવ’ અરવિંદ જોશીએ કરી ત્યારે જ અંદાજ આવ્યો. ગુજરાતના રાજ્યપાલ તરીકે તેઓ આરુઢ થયા ત્યારથી ગુજરાતનાં સાંસ્કૃતિક, આર્થિક, સામાજિક, રાજકીય અસ્તિત્વનો અભ્યાસ શરૂ કરી દીધો! વિવિધ ક્ષેત્રોનાં - સાહિત્ય, ઉદ્યોગ, પત્રકારત્વ, શિક્ષણ સહિત-માં ખરેખરા અર્થમાં જેમનું કામ હોય તેવા અગ્રજનોને રાજભવનમાં બોલાવે અને બે-ત્રણ કલાક ગોષ્ઠિ કરે છે. ગુજરાતના પ્રવાસે જાય ત્યારે મોટા ભાગે રેલવેની મુસાફરી પસંદ કરે છે. બીજે જવું હોય તો ખાસ ચાર્ટર્ડ પ્લેનનો આગ્રહ રાખતા નથી. અને ગવર્નર સાથે જોડાયેલા નિરર્થક પ્રોટકોલની વાડ તોડીને બધાની સાથે હરેફરે, મળે છે.

અરવિંદ જોશી ઉત્તમ આઈ. એ. એસ. કેડરમાંથી આવે છે. વર્ષોથી રાજભવનમાં છે. ઘણા રાજ્યપાલો હેઠળ કામ કર્યું છે, તેમના શબ્દોમાં ‘આ રાજ્યપાલ સાચ્ચે જ અ-નોખા છે.’

૨૨ ગવર્નરોનું ગુજરાત

તેમની વાત સાથે સંમત થવાય તેવું છે. ગુજરાતમાં મહેંદી નવાઝ જંગથી કોહલીજી સુધીના ૨૨ રાજ્યપાલો આવ્યા. આમાંના શ્રીમન્નારાયણ પક્કા ગાંધીવાદી હતા. (પોતાની પાછળ અગ્રવાલ અટક પણ ન રાખવામાં આવે એટલા જાતિવાદથી અલગ!’) તેમના પત્નીએ તો નવા મતદારોનાં અભિનંદનનું અભિયાન ચલાતું હતું. ડો. સ્વરૂપ સિંહ વિદ્યાકીય નિષ્ણાત. અટલ બિહારી વાજપેયી જ્યારે વિરોધ પક્ષે હતા ત્યારે અમદાવાદ આવ્યા તો સ્વરૂપસિંહને મળવાની ઇચ્છા દર્શાવેલી. મેં પૂછ્યું તો કહે, ‘અરે, વે શેક્સપિયર કે સાહિત્ય કે એક્સપર્ટ હૈ!’ એક અધ્યાપક અને એક કવિ- રાજનેતાના વચ્ચેની મઝાની મુલાકાતના સાક્ષી બનવાની મને તક મળી હતી. નો પોલિટિક્સ, ઓન્લી લિટરેચર!

બી. કે. નહેરુ એવા જ આધિકારિક નિષ્ણાત. મુંબઈમાં મળેલી એક વિચારગોષ્ઠીમાં તેમણે આત્મકથા લખવી જોઈએ જેથી ગુજરાતના તેમના અનુભવોની કહાણી લોકો સુધી પહોંચે એવું કહેતાંવેંત હસી પડ્યા હતા અને ઈશારો સમજી ગયા કે શ્રીમતી ઇન્દિરા ગાંધી વિશેનાં અનુભવો પણ એમાં સામેલ થાય! કૃષ્ણપાલસિંહનો દૂરદર્શન માટેનો ઇન્ટરવ્યુ મારે લેવાનું બન્યું હતું ત્યારે જ જણ થઈ કે અરે, આ તો એમ. એન. રોયના રેડિકલ હ્યુમેનિસ્ટ પણ હતા! સુંદરસિંહ ભંડારી જનસંઘ સ્થાપનાના સ્તંભોમાંના એક. દીનદયાળ ઉપાધ્યાયના ‘એકાત્મ માનવદર્શન’ને ઝીણવટથી, સરસ રીતે સમજાવવા ૧૯૬૭માં એ સૌરાષ્ટ્રના વઢવાણ નગરમાં અધ્યયન શિબિરમાં આવ્યા હતા. શિબિરાર્થીઓમાં હતા કેશુભાઈ પટેલ, ચીમનભાઈ શુક્લ, વસંત ગજેન્દ્ર ગડકર, શંકરસિંહ વાઘેલા, સૂર્યવંત આચાર્ય, મકરંદ દેસાઈ, હરીસિંહજી ગોહિલ અને બીજા ઘણા!

રાજ્યપાલ અને મુખ્ય પ્રધાન

શ્રીમતી કમલા બેનીવાલની સાથે રાજ્ય સરકારનું ઘર્ષણ થયું એટલું બીજા કોઈની સાથે નહીં થયું હોય. મહેંદી નવાઝ જંગે સાબરમતી આશ્રમમાં પ્રથમ નવી ગુજરાત સરકાર અને તેમના મુખ્ય પ્રધાન ડો. જીવરાજ મહેતાના સોગંદવિધિ લેવડાવ્યા હતા. કે. વિશ્વનાથન્ ૧૯૭૫-૭૬ની કટોકટી અને સેન્સરશિપ દરમિયાન રાજ્યપાલ હતા. નરેશચંદ્ર સિંહાને ભાજપની સરકાર અને વિભાજનની સમસ્યા વચ્ચે કામ કરવાનું આવ્યું હતું. નવલકિશોર શર્માને મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી સાથે સારો મેળમિલાપ રહ્યો. પછી ડો. શ્રીમતી કમલા બેનીવાલ આવ્યા અને હવે ઓમપ્રકાશ કોહલી રાજ્યપાલ છે!

૧૯૬૦ થી ૨૦૧૫ – આટલાં વર્ષોમાં ગુજરાતના રાજ્યપાલોની યે રાજકીય દાસ્તાં છે! તેમને માટે કોંગ્રેસ (સંસ્થા), કોંગ્રેસ (ઇન્દિરા), જનતા મોરચો, જનતા દળ અને ભાજપાઃ આટલા પક્ષોના મુખ્ય પ્રધાનો સાથે કામ કરવાનું આવ્યું હતું, જેમાં ડો. જીવરાજ મહેતા, બળવંતરાય મહેતા, હિતેન્દ્ર દેસાઈ, બાબુભાઈ જ. પટેલ, માધવસિંહ સોલંકી, અમરસિંહ ચૌધરી, ચીમનભાઈ પટેલ, છબીલદાસ મહેતા, શંકરસિંહ વાઘેલા, કેશુભાઈ પટેલ, દિલીપ પરીખ, સુરેશ મહેતા, નરેન્દ્ર મોદી અને હવે આનંદીબહેન પટેલનો સમાવેશ થાય છે. રાજભવનથી મુખ્ય પ્રધાન ભવનની વચ્ચે આમ તો કોઈ ઝાઝું અંતર નથી... પણ તો યે તેઓ એકબીજાંથી બંધારણીય જોગવાઈ પ્રમાણે ‘દૂર છે અને દૂર નથી!’


comments powered by Disqus