રાજ્યસભાની ચૂંટણી પૂર્વે અને પછી...

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Monday 23rd March 2020 07:53 EDT
 
 

ગુજરાત રાજ્યસભાના ઉમેદવારોની પસંદગી હાથવેંતમાં છે. થશે તો ચૂંટણી જ, પણ ક્યારે? તે કોરોના નક્કી કરશે! એટલે ભાજપ-કોંગ્રેસ પોતાની વ્યૂહરચનાઓ પ્રમાણે સક્રિય છે. દરેક વર્ગનો સમાવેશ કરવાની સ્વાભાવિક પ્રક્રિયાને જાતિ કે વર્ગ - વર્ણ વિશેષનો ‘એરુ આભડી જવો ના જોઈએ’ એ આદર્શ તો છે પણ... વાસ્તવિક્તા સર્વત્ર અલગ તરાહની. મધ્ય પ્રદેશમાં ૧૫ મહિના પણ કોંગ્રેસ - પોતાના આંતરકલહને લીધે - સત્તા પર રહી ન શકી, ‘કમળ’નો નાથ’ બીજો જ થઈ ગયો!

આને લોકશાહીનું પર્વ કહેશું કે પક્ષના પોતાના જ અખાડામાં ચાલનારી જીવલેણ ફ્રી કુશ્તી?

સવાલ ચર્ચાતો રહેશે. ગુજરાતને માટે છેક ૧૯૫૨થી આપણે ત્યાં જંગ ખેલાતો આવ્યો અને દરેક વખતે પરિસ્થિતિમાંથી જન્મેલા મુદ્દાઓ હતા. ૧૯૫૨માં સૌરાષ્ટ્ર સરકાર પણ હતી (જેના મુખ્ય પ્રધાન પછીથી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ બન્યા હતા. કેટલાકના મતે નેહરુ પછી કોણનો જવાબ આ સાદગીયુક્ત ગાંધીવાદી નેતામાં શોધાઈ રહ્યો હતો, પણ મોરારજીભાઇએ તેવું થવા દીધું નહીં!) નવીસવી આઝાદી એટલે કોંગ્રેસનો દબદબો હતો અને વિરોધ પક્ષે પ્રજા સમાજવાદ, સામ્યવાદ, હિંદુ મહાસભા, રામરાજ્ય પરિષદ, કૃષક મઝદૂર પ્રજા પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડ્યા. રજવાડાંઓનું વિલીનીકરણ અને જમીનદારી પ્રથા નાબૂદીના અસરકારક મુદ્દાઓ હાજર હતા. બુલેટની સાથે બેલેટની બોલબાલા સૌરાષ્ટ્રની પ્રથમ ચૂંટણીનું દેખીતું લક્ષણ! ડાકુ ભૂપતે બહારવટું ખેડ્યું અને કેટલીક લાશો ઢાળી. તેનો વિરોધ તત્કાલીન કોંગ્રેસ સરકારની સામે હતો.

બીજી તરફ આરઝી હકુમતના સર સેનાપતિ શામળદાસ ગાંધી પણ જૂના સાથીદારોને છોડીને પછીથી વિપક્ષે રહીને ચૂંટણી લડ્યા, પણ હારી ગયા. સૌરાષ્ટ્ર ઉપરાંત ગુજરાત (જે મુંબઈ સરકારમાં સામેલ હતું) તેના વિપક્ષ - નેતાઓ આચાર્ય કૃપલાણી, ઈન્દુલાલ યાજ્ઞિક, જશવંત મહેતા, દિનકર મહેતા. પણ એ વખતે કહેવત હતીઃ ‘બે બળદની જોડી, કોઈ શકે ના તોડી!’ એ સમયે કોંગ્રેસનું નિશાન ગ્રામલક્ષી - ખેડૂતલક્ષી બળદ-જોડીનું હતું પછી તો કોંગ્રેસનાં જ દેશવ્યાપી ભાગલા પડતા ગયા અને નિશાનો બદલતાં રહ્યાં.

ગુજરાતમાં જ સંસ્થા કોંગ્રેસ, ઈન્દિરા કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ, નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી... આ બધાની હાજરી ચાલુ રહી. પણ કોંગ્રેસ ઉમેદવારની જગ્યાએ કોઈ ઝાડ કે વીજળીનો થાંભલો ઊભો રાખે તો તે પણ જીતી જાય એવી માન્યતા હતી. ‘નેહરુ એટલે કોંગ્રેસ, કોંગ્રેસ એટલે દેશ’ એ બીજો મંત્ર, જે પછીથી છેક ૧૯૭૫માં ‘ઈન્દિરા ઈઝ ઈન્ડિયા’માં ફેરવાઈ ગયો... એવા સમયે વિરોધમાં કોણ જીતી શકે? તો યે લીંબડી વિધાનસભા અને વડોદરાની લોકસભા બેઠકો વિરોધ પક્ષે મેળવી. કારણ? એટલું જ કે તેના ઉમેદવારોએ સાચી રીતે ઉમેદવારીપત્રક ભર્યાં નહોતાં! સૌરાષ્ટ્રમાં ત્રણ, શેષ ગુજરાતમાં આઠ વિરોધી ઉમેદવારો યે જીત્યા. આથો અર્થ એ થયો કે ‘સાવ-સૂપડાં સાફ’નો મિજાજ ત્યારે પણ નહોતો.

એ ચૂંટણીમાં મોરારજીભાઈ વલસાડ - ચીખલીમાં હારી ગયેલા! વિજિત ઉમેદવાર ડો. અમુલ દેસાઈએ તેમના અવસાન પૂર્વે એક વાર ગપસપમાં મને કહ્યુંઃ ‘હું જીત્યો તો માત્ર ૧૯ મતે, પણ તેનો રોમાંચ જબરો હતો!’ રાજ્યનો ગૃહ પ્રધાન હારી જાય એ કાંઈ નાનીસૂની વાત નહોતી. જોકે, પછી બીજે લડીને મોરારજીભાઈ મુંબઈ રાજ્યના મુખ્ય પ્રધાન તો જરૂર બન્યા! અમદાવાદની પેટા-ચૂંટણીમાં તેમણે સામ્યવાદી નેતા દિનકર મહેતાને હરાવ્યા હતા.

૧૯૭૫-૭૬માં કટોકટી-વિરોધના સંઘર્ષમાં મોરારજીભાઈની સાથે સામ્યવાદી સીપીએમ અને જનસંઘ પણ હતો. એક બેઠકમાં દિનકરભાઈને મોરારજીભાઈએ યાદ કરાવ્યું કે જે ગુજરાત વિદ્યાપીઠમાં તમે હતા તેનો હું કુલગુરુ છું! ત્યારે જનસંઘના વસંત ગજેન્દ્રગડકરે હસતાં હસતાં કહ્યુંઃ મોરારજીભાઈ અમને તો તમે કાયમ જેલોમાં પૂર્યાં છે!

બીજી ચૂંટણી તો મહાગુજરાત આંદોલનના ઓછાયે થઈ. મુદ્દો મહાગુજરાત લેકે રહેંગે! અજંપાગ્રસ્ત ગુજરાતમાં આ આંદોલને ઉદ્દામ યુવા નેતાગીરી સર્જી અને દેશને ‘નેહરુચાચા’ની સમાંતરે વૃદ્ધ ઈન્દુ ‘ચાચા’ આપ્યા. મહાગુજરાત જનતા પરિષદમાંથી કોઈ બળવાન પ્રાદેશિક પક્ષ નિર્માણ ન પામ્યો અને ખુદ જનતા પરિષદના ભાગલા પડ્યા. એક નવી મહાગુજરાત જનતા પરિષદ રચાઈ અને આજે તે બેમાંથી કોઈનું અસ્તિત્વ નથી.

૧૯૫૭ની ચૂંટણીમાં માંડ સાત પક્ષો મેદાનમાં હતાં. પણ અપક્ષોનો રાફડો ફાટ્યો. ૩૨ બેઠકો વિરોધ પક્ષોના અને ૧૦૦ કોંગ્રેસના ફાળે આવી. આખા દેશમાં ગુજરાતમાં ૧૯૫૨માં કોંગ્રેસે સૌથી વધુ મતો હાંસલ કર્યા હતા, પણ સત્તાવનમાં તેવું બન્યું નહીં. ઈન્દુલાલ જીત્યા અને લોકસભામાં ક્રાંતિકારી સમાજવાદી પક્ષ, કેરળ - બંગાળના અપક્ષો અને મહાગુજરાત જનતા પરિષદે ‘સંયુક્ત પ્રગતિશીલ લોકજૂથ’ની સ્થાપના કરી. તે પૂર્વેની લોકસભામાં ડો. શ્યામાપ્રસાદ મુખરજી સંયુક્ત વિરોધ દળના નેતા હતા. વિપક્ષો પ્રારંભે જ જો વધુ શક્તિશાળી બન્યા હોત અને કાશ્મીરની જેલમાં સત્યાગ્રહ માટે કેદી અવસ્થામાં મૃત્યુને ન ભેટ્યા હોત તો શ્યામાપ્રસાદ ૧૯૫૭ની લોકસભા ચૂંટણીમાં વડા પ્રધાન બન્યા હોત!

ઈતિહાસમાં અંકિત આ ‘જો’ અને ‘તો’ની વચ્ચે ગુજરાતમાં કોંગ્રેસ વિજેતા તો રહી પણ આંતરિક કલહની શરૂઆત થઈ ગઈ. ભાવનગર અધિવેશનમાં પ્રમુખપદેથી નીલમ સંજીવ રેડ્ડીએ એવું સૂચવ્યું કે કોંગ્રેસના નેતાઓ દસ વર્ષથી વધુ સમય સત્તા પર રહેવા ન જોઈએ. આનો પહેલો અમલ ગુજરાતમાં અજમાવવામાં આવ્યો!

૧૯૬૦માં નવા ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્ય પ્રધાન ડો. જીવરાજ મહેતાની સામે પક્ષના જ નેતાઓએ હથિયાર ઊગામ્યાં અને ૧૯૬૨ની વિધાનસભા ચૂંટણી જીતવા છતાં, છેવટે ડો. મહેતાએ રાજીનામું આપવું પડ્યું. એ સમયે મોવડીમંડળને લખાયેલો જીવરાજ મહેતાનો ૫૧ પાનાંનો પત્ર વિભાજિત કોંગ્રેસના ઈતિહાસનો અંદાજ પૂરો પાડે તેવો છે. અને કદાચ, કોંગ્રેસમાં શરૂ થયેલા આ વિભાજને એક નવા જમણેરી પક્ષનો સૂર્યોદય કરવામાં ભાગ ભજવ્યો, તે રાજીજીનો સ્વતંત્ર પક્ષ. પરંતુ ‘જમણેરી, સામંતવાદી, વેપારી અને પ્રતિક્રિયાવાદી’ પક્ષ તરીકે તેને લેબલ લાગ્યું એટલે રાજાજી, એન. જી. રંગા, કનૈયાલાલ મુનશી, મહારાણી ગાયત્રી દેવી, મીનુ મસાણી, પીલુ મોદી જેવા દિગ્ગજ નેતાઓ છતાં તેણે રાજકારણને નવી દિશા આપી નહીં.

અલગ રીતે પણ ભારતીય જનસંઘ અને હવે ભાજપ રાષ્ટ્રવ્યાપી કોંગ્રેસ-વિરોધનું બળવાન પ્રતીક બની ચૂક્યાં છે, જે પૂર્વેના વિપક્ષોની એક પરંપરા છે. આ બધી તવારિખ રસપ્રદ છે.


comments powered by Disqus