ગુજરાતમાં હમણાં બ્રિટન અને બીજે રાહુલ ગાંધીના ‘સુવિચારો’ની ચર્ચા ચાલે છે.
વિદેશ પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીએ એક સરસ વાત કરી છેઃ ‘મારી અટક પર ન જાઓ. મારાં કામ પર મૂલ્યાંકન કરો...’
કાશ, આ વાત કોંગ્રેસજનોને સમજાઈ હોય! ભારતીય લોકતંત્રની સૌથી ખોડંગાતી બાબત એક જ છે તે વંશ-પરિવારની. ગાંધીજીએ મોતીલાલ નેહરુના આગ્રહથી જવાહરલાલને સ્વાતંત્ર્યપૂર્વે પક્ષ-પ્રમુખ બનાવ્યા (અને સુભાષચંદ્રને ત્રિપુરી કોંગ્રેસના અધ્યક્ષપદે રહેવામાં અટકાવી દીધા) એ જૂના ઇતિહાસની સામગ્રી થઠઈ. ૧૯૪૭માં દુર્ભાગ્યે નેતાજી સુભાષચંદ્ર બોઝ આપણી વચ્ચે નહોતા. જો તેઓ અહીં હોત – ભલે આઝાદ હિન્દ ફોજ સફળ ન થઈ છતાં - તો દેશની પ્રજાએ તેમને જ ભાગ્યવિધાતા બનાવ્યા હોત. ગાંધી પણ તેમાં સંમત થયા હોત.
પણ મામલો કોંગ્રેસનો આંતરિક હતો. મોરારજીભાઈએ ડો. સુબ્રમણ્યમ્ સ્વામીને, જનતા પક્ષના દિવસોમાં, એવું કહ્યું હતું કે ગાંધીજીને ડર હતો કે જો સરદારને વડા પ્રધાન બનાવાયા હોત તો નેહરુએ કોંગ્રેસથી અલગ થઈને સમાજવાદીઓ સાથે નવી કોંગ્રેસ બનાવી હોત.
આઝાદીના રક્તરંજિત દિવસોમાં નેહરુને ગાદી આપ્યા સિવાય કોંગ્રેસ બચી શકે તેમ નહોતી એવું ગાંધીજી માનતા હશે?
જો એવું હોય તો પછી ખુદ ગાંધીજીએ કોંગ્રેસ રાજકીય પક્ષ તરીકે વિસર્જિત થાય અને સમાજસેવી સંગઠનો બને તેવો આગ્રહ શા માટે કર્યો હતો?
જે હોય તે, ‘ગુજરાતી’ સરદારે ભોગ આપ્યો અને નેહરુ-ગાંધી વંશ સ્થાપિત થઈ ગયો. હા, સરદાર-પુત્રી કુ. મણિબહેન પટેલે પિતાના અવસાનના ૨૪ વર્ષ બાદ જે સત્યાગ્રહ કર્યો તે શ્રીમતી ઇન્દિરાની કટોકટી-સેન્સરશિપની સામે હતો. એ નોંધવા જેવું છે કે મોરારજીભાઈ, ડાહ્યાભાઈ વલ્લભભાઈ પટેલ, નયનતારા સહેગલ (વિજયાલક્ષ્મીનાં પુત્રી), કે. કામરાજ, સદોબા પાટિલ, અશોક મહેતા અને અહીં ગુજરાતમાં બાબુભાઈ જસભાઈ પટેલ સહિતના એક સમયના પીઢ કોંગ્રેસજનો પણ ઇન્દિરાજીના સમયે કોંગ્રેસથી વિપરિત થઈ ચૂક્યા હતા.
નેહરુ પોતાના પછી કોને વડા પ્રધાન તરીકે ઇચ્છતા હતા?
હમણાં સ્વર્ગવાસી થયેલા ખ્યાત પત્રકાર કુલદીપ નાયરે તેમનાં પુસ્તક ‘બિટવિન ધ લાઈન્સ’માં તેની જિકર કરી છે. નાયર લાલ બહાદુર શાસ્ત્રીના પ્રેસ સલાહકાર હતા. એક વાર તેમણે પૂછયું તો શાસ્ત્રીજીએ કહ્યુંઃ પંડિતજી તેમની પુત્રીને વડા પ્રધાન તરીકે જોવા ઇચ્છે છે.
વાત સાચી પડી પણ તે સાચી પાડવામાં કોંગ્રેસના દિગ્ગજો જ કામ આવ્યા. સિંડિકેટ – ઇન્ડિકેટના એ દિવસો યાદ કરો. સંજીવ રેડ્ડી - વી. વી. ગિરિની રાષ્ટ્રપતિપદ માટેની સ્પર્ધાનું સ્મરણ કરો. બન્ને ઉમેદવારો કોંગ્રેસના જ હતા ને?
શ્રીમતી ઇન્દિરા વડા પ્રધાન બન્યા, ઇમર્જન્સી પછી હાર્યા. ફરી વાર વડા પ્રધાન બન્યા અને ‘ઓપરેશન બ્લૂ સ્ટાર’ના પગલાં પછી શિખ સુરક્ષાકર્મીએ તેમની હત્યા કરી.
વડા પ્રધાન તરીકે લોકતંત્રીય પદ્ધતિ મુજબ કોંગ્રેસમાં વરિષ્ઠ નેતા તો પ્રણવ મુખરજી હતા! પણ કોંગ્રેસને કોણ જાણે કેમ, નેહરુ-ગાંધી વંશ બિરદાવલીનાં પાત્રો જ બનવાનું ગમ્યું છે. રાજીવ ગાંધી વડા પ્રધાન બન્યા, અને ચૂંટણી દરમિયાન તમિળ એલટીટીઇના લોકોએ હત્યા કરી.
કોંગ્રેસની બહુમતી દરમિયાન આમ ગણો તો સ્વતંત્ર ભારતમાં નેહરુ-ગાંધીને બાદ કરતાં માત્ર બે જ વડા પ્રધાન કોંગ્રેસી રહ્યા, એક લાલ બહાદુર શાસ્ત્રી અને બીજા પી. વી. નરસિંહ રાવ. પણ નરસિંહરાવની સામે નેહરુ-ગાંધી વંશ ખફા હતો. બીજા બિન નેહરુ-ગાંધી વડા પ્રધાન મનમોહન સિંહ બન્યા પણ તેમના પારિત ઠરાવને જાહેરમાં રાહુલભાઈએ ફાડી નાખ્યા હતા.
મજાનો તબક્કો તો હવે આવ્યો છે. ગઠબંધન થાય તો નરેન્દ્ર મોદીને હટાવી શકાય. એવું કોંગ્રેસ એવું માનતી થઈ છે. ગઠબંધન – જોડાણ – સમજૂતીના પ્રયોગો આપણા માટે નવી નવાઈની વાત નથી. નેહરુજીએ જેમને કોંગ્રેસ-પ્રમુખ બનાવેલા એ આચાર્ય કૃપલાણીએ પછીથી ફંટાઈને કૃષક પક્ષ સ્થાપ્યો તેણે ગુજરાત-સૌરાષ્ટ્રમાં વિપક્ષો સાથે સમજૂતિ કરી હતી.
૧૯૬૭માં બિન-કોંગ્રેસવાદનો ઝંડો ડો. લોહિયા-પંડિત દિનદયાળ ઉપાધ્યાયે સંયુક્તપણે ઊઠાવ્યો હતો. કોંગ્રેસને હરાવવા ગ્રાન્ડ એલાયન્સ (ભવ્ય જોડાણ) પણ થયું હતું. ૧૯૭૪-૭૫માં ગુજરાતમાં જનતા મોરચાનો પ્રયોગ થયો, કેરળ-બંગાળમાં ડાબેરી અને લોકશાહી મોરચાનું ધમાસાણ રહ્યું. ગુજરાતમાં ૧૯૭૫માં પહેલી વાર બિન-કોંગ્રેસી જનતા મોરચાએ સત્તા હસ્તગત કરી અને તેનો રેલો - બેશક કારમી કટોકટી પાર કરીને - છેક કેન્દ્ર સુધી પહોંચ્યો.
કોંગ્રેસે ત્યારે જ આત્મમંથનની જરૂર હતી. પણ જૂનું પુરાણું, સક્રિયતામાં પણ જિર્ણ જિર્ણ થઈ જાય છે તેનું ઉદાહરણ ૧૯૯૦ પછી સમગ્ર દેશમાં કોંગ્રેસે પૂરું પાડ્યું છે.
હા, નેતૃત્વ હજુ નેહરુ-ગાંધી વંશના જ હાથમાં છે.
પહેલાં શ્રીમતી સોનિયા ગાંધી.
હવે રાહુલ ગાંધી.
સ્વાભાવિક રીતે તેમની વડા પ્રધાન બનવાની હોંશ છે, ચટપટી છે. કર્ણાટકમાં તો જાહેરમાં કહી દીધું કે વિરોધ પક્ષો એક થાય તો હું વડા પ્રધાન બનીશ!
પણ હવે, વિદેશ પ્રવાસ દરમિયાન ‘હાલ એવો મારો વિચાર નથી’ એવું જણાવ્યાના અહેવાલો છે. કારણ એ છે કે હાલ જો ગઠબંધન થાય તો (અમારા એક કાઠિયાવાડી મિત્રે ‘ગઠ’નો અર્થ સમજાવ્યો કે ‘ગઠ’ એટલે ગઠિયાઓ! મીનુ મસાણી વારંવાર કહેતા કે સોશ્યાલિઝમ ઇઝ એ લાસ્ટ રેફ્યુજ ઓફ પોલિટિકલ સ્કાઉન્ડ્રલ. સમાજવાદ એ રાજકીય ગઠિયાઓની અંતિમ છાવણી હોય છે.) તેમાં વડા પ્રધાનપદના કેટલા બધા ઇચ્છાધારીઓ છે?
મમતા બેનરજી
અખિલેશ યાદવ
મુલાયમસિંહ યાદવ
ચંદ્રાબાબુ નાયડુ
પી. ચિદમ્બરમ્
શેખ અબ્દુલ્લા
લાલુ પ્રસાદ યાદવ
દેવે ગૌડા...
બીજા પક્ષો ભળે તો તેમાંથી યે દાવો નોંધાશે. રાહુલ ગાંધીએ મનથી તો ધારી લીધું છે કે વધુ બેઠકો કોંગ્રેસને મળે તો આપણે દાવેદાર પાક્કા! પણ ન કરે નારાયણ અને એવું ના બને તો?
આ રાજકીય સ્વયંસેવક એકદમ મનોરંજક તો બને, દેશની રાજકીય સ્થિરતામાં પણ ઘાતક નીવડે.
અને આ તો ‘જો’થી ‘તો’નો ખેલ છે. ભાજપની પાસે લોકપ્રિયતાની અને કાર્યકર્તાઓની મોટી મૂડી છે. થોડાક આઘાપાછા થાય કે સમાધાન વૃત્તિ દાખવે તો યે તેની મૂળ વિચારધારા સંઘમાં પડેલી છે. સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ તેનો હેતુ છે.
બાહોશ રાહુલ આ જાણે છે એટલે બિનસાંપ્રદાયિકતા, એકતા, લોકતંત્રના નામે વિદેશોમાં કોંગ્રેસ પ્રત્યે સમર્થનની લાગણી જન્મે એવો હેતુ આ પ્રવાસમાં છવાયેલો રહ્યો. પશ્ચિમી દેશો ભારતમાં ધાર્મિક સહિષ્ણુતા નથી એમ છૂટાછવાયા બનાવોના આધારે અહેવાલો બહાર પાડે છે તેવાં પરિબળો કોંગ્રેસને ટેકો આપે એવી ગણતરી છે. અને તે માટે આપણા ગુજરાતી-કાઠિયાવાડી સામ પિત્રોડાએ (કાઠિયાવાડી અદલ નામ તો અલગ છે પણ પશ્ચિમી નામ ‘સામ’ રાખ્યું છે.) તેમને મંચ પૂરો પાડવા માટે મદદ કરી છે તે ટીવી પરનાં દૃશ્યોમાં ભારતીય નાગરિકે જોયું છે.