એમનું નામ સ્વામી કૃષ્ણાનંદ સરસ્વતી. વડોદરાવાસીઓને તેમનો આત્મીય પરિચય હતો. વિશ્વ જ્યોતિ આશ્રમમાં તેમનો - ભારતમાં આવે ત્યારે - નિવાસ રહેતો, બાકી વિશ્વભરમાં તેમની અદ્ભૂત ખ્યાતિ રહી. વિચાર અને કર્મનાં સાયુજ્યને તેમણે જનતા-જનાર્દનની વચ્ચે વહેતું કર્યું એ તેમની વિશેષતા!
સામાન્ય રીતે સાધુ-સંતોનો આદર ખરો કેમ કે સંન્યાસી પરંપરા વર્ષોથી રહી એ ભારતીય સમાજનો એક મહત્ત્વનો હિસ્સો છે. આ સાધુ-સંતોએ સામાજિક સેવા અને ચિંતનમાં ઘણો મહત્ત્વનો ભાગ ભજવ્યો છે.
કૃષ્ણાનંદ સરસ્વતીની વિશેષતા શી હતી? કર્મકાંડથી એ દૂર રહેતા. જનસમૂહને માટે વશીકરણ તેમનો માર્ગ નહોતો. આ ભગવા વસ્ત્રધારી સ્વામી ‘ચન્દ્રાસ્વામીઓ’થી (બીજા નામો પણ ઉમેરી શકાય) સાવ અલગ હતા. ‘ઇશ્વર પ્રત્યે સમર્પણ, અને મનુષ્યમાત્રની સેવા’ આ ભારતીય ચિંતનનું ‘સેક્યુલરિઝમ’ છે તેને તેમણે વ્યવહારમાં સાંગોપાંગ ઉતાર્યું હતું.
રાજસ્થાની રાજવૈભવમાંથી મુક્ત થઈને એ સંન્યાસી બન્યા હતા અને ૧૯૯૩ના વર્ષ સુધી જીવ્યા, પોતાના માટે નહીં, વ્યથિત સમાજ માટે! ૨૩ ઓગસ્ટ ૧૯૯૩ના સુદૂર મોરિશિયસનાં પોર્ટ લૂઈસ ખાતે તેમનું અવસાન થયું. દૂરદર્શન પર તે સમયે અંજલિ આપનારાઓમાં વડા પ્રધાન નરસિંહ રાવ પ્રથમ હતા.
વડોદરાવાસી સ્વ. દાદુભાઈ પટેલ તેમની પાસે લઈ ગયા ત્યારે તેમની દેહયષ્ટિ પર પહેલી નજર ગઈ. પહાડી શરીર, નેવુંમાં વર્ષે પણ એકદમ તંદુરસ્ત, ચહેરા પર વાર્ધક્ય જોવા ના મળે. બોલે ત્યારે રાજસ્થાની રણકો સંભળાય. સહજતા સમગ્ર રીતે, ક્યાંય ‘ઊંચા આસન’ની અહમહમિકા નહીં!
તે દિવસે ત્રણેક કલાક તેમની સાથે વાતચીત થઈ. કોઈ સાધુ સાથે આટલો સમય સંવાદ થાય એ પહેલો અનુભવ હતો. તેમનું સ્ફોટક વિધાન સાંભળીને આશ્ચર્ય થયું. તેમણે કહ્યું હતુંઃ તું મારા શરીર પર ભગવાં વસ્ત્રો જુએ છે ને? એ તો સંજોગવશાત્ છે. હું તો ક્રાંતિ ઈચ્છું છું. ગુણાત્મક પરિવર્તન. હજુ તેની તલાશમાં રખડતો રહ્યો છું.
ના. યજ્ઞયાગાદિ નહીં. કર્મકાંડની આસક્તિ નહીં. જે સહજ હતું તે કર્યું. કોઈને જાણ પણ ન થાય કે ૭૩ દેશોના ૬૦ કરોડ મનુષ્યોની વચ્ચે જઈને તેણે બધાંના સુખદુઃખમાં ભાગ પડાવ્યો છે!
પહેલું ઉદાહરણ મોરિશિયસનું. તેના સ્વાતંત્ર્ય દિવસે ભારતના બે મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. એક વડા પ્રધાન નરસિંહ રાવને, બીજું કૃષ્ણાનંદ સરસ્વતીને. ગણતંત્ર દિવસે મોરેશિયસ સરકારે જે ટપાલ ટિકિટ બહાર પાડી તેમાં આ સ્વામીજીનું ચિત્ર અંકિત હતું. દૂરદર્શને રાબેતા મુજબ વડા પ્રધાન હાજર રહ્યાનો અહેવાલ તો આપ્યો, પણ કૃષ્ણાનંદ-સ્વાગતને ભૂલી ગયો હતો!
શા માટે મોરિશિયસમાં સ્વામીનું આટલું માન છે? વિશ્વ હિંદી સંમેલન માટે બે વર્ષ પૂર્વે ભારતમાંથી પસંદ કરાયેલા લેખકો અને કવિઓ તેમજ અકાદમીના પ્રમુખોને સંમેલન માટે મોકલાયા તેમાં જવાની તક મળી ત્યારે પોર્ટ લૂઈસ સહિતના સ્થાનોએ મને સ્વામી કૃષ્ણાનંદ જાણે એ દેશના જ વાસી હોય તેવો આદરભાવ અનેકો પાસેથી સાંભળવા મળ્યો. કોઈ મંત્રતંત્ર - ચમત્કારોનો દેખાડો તો તેમની પાસે નહોતો. સ્વામીનાં દેહાવસાનની સ્મશાન યાત્રામાં વડા પ્રધાન, રાષ્ટ્રપ્રમુખ સહિત આખું પ્રધાનમંડળ સામેલ થયું હતું. મોરેશિયસની સંસ્થાનવાદમાંથી મુક્તિ માટે પુરુષાર્થ કરનારાઓમાં આ સ્વામી પણ હતા.
દરેક સમાજ તેના નિત્ય નિયમમાંથી શક્તિ મેળવતો રહે છે એટલે પૂરા દેશનાં, તમામને તેમણે એક ભેટ આપી. શાની? ‘રામાયણ’ની. રામ - લક્ષ્મણ - જાનકીની તસવીર અને બજરંગ બલિ હનુમાનની પ્રતિમાની! કહે છે કે આખું જહાજ ભરીને તે ‘રામાયણ’ પ્રતો મોરિશિયસ લઈ ગયા હતા. પરિણામ એ આવ્યું કે આજેય દરેક ઘરમાં હનુમાનચાલીસા અને રામચરિતમાનસનો પાઠ થાય છે.
તેમની માનવસેવાનો યજ્ઞ અવિરત યજ્ઞ અનેક જગ્યાએ ચાલ્યો. મનુષ્યમાં છૂપાયેલા ઇશ્વરનું સન્માન એ તેમનો ધર્મ. આફ્રિકાના ગાઢ જંગલોમાં, લંડનના અનેક પરાંમાં, મોરિશિયસની ખાણોના કામદારો માટે અકિંચન સેવા કરી.
મોરિશિયસ હ્યુમન ટ્રસ્ટના મહામંત્રી ધ્રુનદેવ બહાદૂરે કહ્યુંઃ ‘તેમની જિંદગીનાં ઓછામાં ઓછા પચાસ વર્ષ નિઃસ્વાર્થ સેવાનો અધ્યાય છે!’ વાત એકદમ સાચી છે. પડોશી દેશ નેપાળમાં તેમણે નેત્રયજ્ઞો કરાવ્યા, એક નહીં સેંકડો. આજે ય સૌ ‘આંખે દેનેવાલા બાબા’ તરીકે તેમને યાદ કરે છે. રાજસ્થાનના રણમાં મોટી નેત્ર-હોસ્પિટલ ઊભી કરી.
કેન્યામાં ‘માઉ માઉં ચળવળ’ ચાલતી હતી. ત્યારે કૃષ્ણાનંદ છેલ્લા માણસની સેવા માટે પહોંચ્યા; ૧૯૬૮ના મોરિશિયસમાં રમખાણોની વચ્ચે અડગ રહીન પીડિતોને મદદ કરી. યુગાન્ડાથી થયેલી હિજરત વીસમી સદીની કારમી ઘટના હતી. ભારતીયોને અને મુખ્યત્વે ગુજરાતીઓને તેમાં ભારે સહન કરવું પડ્યું. સ્વામી ત્યાં પણ પહોંચી ગયા હતા.
સુનામી અને મોરબીની પ્રચંડ પૂરથી તારાજી થઈ ત્યારે કૃષ્ણાનંદ સરસ્વતી, આરએસએસના કાર્યકર્તાઓ અને રાજ્ય સરકારે ત્યાં સેવાની ધૂણી ધખાવી હતી. પાણીમાં પલળીને ફૂલી ગયેલી લાશોના લોચા ઉપાડીને સ્મશાને સામુહિક અગ્નિદાહ અપાતો હતો.
સંસ્કૃતિના પરિવ્રાજક થવું સહેલું નથી. વી.વી. ગિરીએ તેમને ‘સંસ્કૃતિના રાજદૂત’ કહ્યા હતા. ૧૫ લાખ ‘રામાયણ’ તેમણે વિદેશવાસી ભારતીયોનાં ઘર સુધી પહોંચાડ્યાં. ઇંગ્લેન્ડનાં તત્કાલીન ગૃહ પ્રધાન અને વડા પ્રધાન માર્ગારેટ થેચર તેમના પ્રશંસક હતા. લંડનના ફીંચલે વિસ્તારમાં ‘મિલ્સ ઓન વ્હીલ્સ’, કમ્યુનિટી સેન્ટર, અફઘાનિસ્તાન, આફ્રિકા, કેનેડા, મોરિશિયસમાં ‘પંચાયતન’ દેવોનાં દેવાલયો... આ અણથક કાર્ય કર્યા.
ગાંધીજીએ સલાહ આપી કે આ ભગવા વસ્ત્ર છોડો. માન્યા નહીં. મીરાબહેનના આશ્રમમાં રહ્યાં... મોરિશિયસની એક જિજ્ઞાસુ બેઠકમાં કોઈએ તેમને ગીતાનો એક શ્લોક સમજવાની જિજ્ઞાસા કરી તો તે સમજાવતા રહ્યા. અર્થ પૂરો થયો અને આંખો મીંચી લીધી. ભારતના સશસ્ત્ર સ્વાતંત્ર્ય જંગના મારા પુસ્તકો વાંચીને લખ્યું કે આપણે બેસવું પડશે. મારે પણ ઘણું કહેવું છે.
એ કહેવાનું રહી ગયું. ૯૩ વર્ષ પૂર્વે જન્માષ્ટમી - ૨૩ ઓગસ્ટ - જન્મ્યા હતા, એક અદભુત યાત્રાનો વિરામ આવ્યો.