વીસમી સદીના પ્રારંભથી જે ‘ગરવા ગુજરાતીઓ’ લંડન-પેરિસ-બર્લિનમાં આવીને સ્વાતંત્ર્યક્રાંતિનો ઝંડો ફરકાવતા રહ્યા તેમાંના એક બેરિસ્ટર સરદારસિંહ રવાભાઈ રાણાની દોઢસોમી જન્મજયંતિ વીતેલા સપ્તાહે એપ્રિલની દસમીએ આવી અને વીતી ગઈ.
બેરિસ્ટર રાણા કલાપીના સ્વજન હતા. લંડનમાં શ્યામજી કૃષ્ણવર્માના ‘ઇન્ડિયા હાઉસ’ અને ‘ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ’ના સહકર્મી હતા. તેમની સ્કોલરશિપ પર વિનાયક સાવરકર લંડન આવ્યા. વીરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય, મેડમ કામાના અખબારો ‘વન્દે માતરમ્’ અને ‘તલવાર’ના જનક હતા. રવીન્દ્રનાથ ટાગોર અને સુભાષચંદ્ર બોઝના પરમ મિત્ર હતા. ટાગોરની ‘ગીતાંજલિ’ના અનુવાદકને તેમણે પ્રેરિત કર્યા હતા. શાંતિનિકેતનમાં તેમનું મૂલ્યવાન ગ્રંથાલય છે. ઇન્દુલાલ યાજ્ઞિકે લંડનની ‘હિન્દુસ્થાન વિલા’માં બેસીને ૧૯૩૫માં શ્યામજીનું જીવનચરિત્ર લખ્યું તે પણ બેરિસ્ટર રાણાની પ્રેરણાથી. રાણાના પુત્રો - બળભદ્રસિંહ અને બીજા - રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જનસંઘમાં સક્રિય રહ્યા. પૌત્ર રાજેન્દ્રસિંહ ભાવનગરથી લોકસભામાં ચૂંટાયા અને પ્રદેશ ભાજપના પ્રમુખ બન્યા હતા.
રાણા સાહેબ કંથારિયામાં જન્મ્યા હતા. આજે તો ત્યાં કોઈ સ્મૃતિ નથી, પણ લીંબડીના રાજપૂત ભવનમાં તેમની એક છબિ છે.
કેવુંક છે ઝાલાવાડ?
મીનળદેવી અને સિદ્ધરાજ?
હા. ધાંધલપુર (સાયલા)માં મહારાણી મીનળદેવી રોકાયાં હતાં. જવું હતું ધોળકા. પણ ગર્ભમાં ભાવિ રાજકુમારનો સળવળાટ હતો. આવા વગડામાં પ્રસુતા મીનળનો બાળજન્મ એક લોકકથા છે. એક ઝીલેશ્વર મંદિરના પરમ સાધુ સિદ્ધે આશીર્વાદ આપ્યાને બાળક જન્મ્યું. તે સિદ્ધ-રાજ. ઝૂંઝા રબારી મીનળદેવીને સિદ્ધ પાસે લઈ ગયો હતો તે ઝીંઝુવાડા. એમ તો પાટણ પર ગુસ્સે થઈને ‘પટ્ટણ સો દટ્ટણ’ શાપ આપનાર ધૂંધળીનાથ અહીં જ રહેતો. તેની મૂર્તિ છે, મેળો ભરાય છે.
હળવદની માટી સામાન્ય રંગ ધરાવતી નથી. લોહીભીની હોય તેવી છે. હલાકાર (હળવદ)ની સાથે ઔદિચ્ય બ્રાહ્મણોનું અસ્તિત્વ રહ્યું. મહા-મોદક પ્રિય રહ્યા અને રણમોરચે લડ્યા પણ ખરા. સતીનું જોહરસ્થાન, દાઉદી વોરાનું આસ્થાસ્થાન અને થોડે દૂર સુંદરીભવાનીનું મંદિર. હળવદની આ ઓળખ છે.
ખારઘોડા (દુનિયાને નમક પૂરું પાડે છે), કુડા, લખતર, લીંબડી, મેથાણમાં સૂર્યમંદિર, મૂળી (ભરવાડણ મૂળીના નામે)માં બ્રહ્માનંદ સ્વામીએ બંધાવેલું સ્વામીનારાયણ મંદિર, પાટડી, સાયલા... અને શિયાણીમાં તો કેશવરાય મંદિરમાં જે વિરાજિત છે તે કૃષ્ણપ્રતિમા મીરાબાાઈએ પ્રતિષ્ઠિત કરી હતી. મેડતાથી દ્વારિકા ‘પગ ઘૂંઘરુ બાંધ’ ભક્તિનો રંગ રેલાવતી મીરા શિયાણીમાં રોકાઈ હતી.
અને લીંબડી તો છે રાજ્યસત્તા અને અધ્યાત્મ સત્તાનો સ્મૃતિસ્તંભ. ૧૮૯૨માં સ્વામી વિવેકાનંદને જવું હતું ભાવનગર, પણ પહોંચી ગયા લીંબડી. ગામને પાદર તાંત્રિકોની છાવણીમાં રાતવાસો કરતાં ફસાયા. ઓરડામાં પાણીના માટલાનાં ઠીકરાં પર સંદેશો લખીને ભરવાડ યુવક સાથે મોકલ્યો; પોલીસ આવી, તેમને છોડીને રાજમહેલમાં લઈ ગયા. ‘યશવંત ચરિત’ વાંચતા જ ખ્યાલ આવે કે સ્વામી અને રાજા બંને અભેદમાર્ગના પ્રવાસી હતા! અને બંને પ્રજાજીવનની વચ્ચેનાં પાત્રો!
ઝાલાવાડમાં આવું ઘણું રેલાયેલું છે; કાન ધરો અને કથા મળે! ચુડા, ધ્રાંગધ્રા, લખતર, ચોટિલા, સાયલા, લીંબડી, વઢવાણ, મૂળી અને થાનગઢ.
પથ્થરયુગના અવશેષો સેજકપુર (સાયલા)માં, પ્રાગ-ઐતિહાસિક યુગનાં એંધાણ આપે છે તો રંગપુરમાં પથ્થરયુગ, હળવદ પણ ખરું. સિંધુ સંસ્કૃતિ ન જાણે, ક્યાં ક્યાં વિકસી હતી! રંગપુર ૧૯૦૦ B.Cમાં સુનામીમાં ધ્વસ્ત થયું ત્યાં સુધી સભ્યતાનું નગર હતું.
મૌર્ય, નાહપાન, મૈત્રક, ચૌલુક્ય, ઝાલા, સુલતાન, ચુડાસમા, તુર્ક, ગુજરાતના બાદશાહો, કાઠી, મરાઠા, બ્રાહ્મણના પ્રભાવને આ ધરતીએ ઝીલ્યો. મે ૧૮૦૭થી કર્નલ વોકરની સંધિએ રાજકીય નકશો બદલ્યો. સ્વાતંત્ર્યસંઘર્ષમાં ઝાલાવાડ કદીયે પાછળ ના રહ્યું.
૧૮૫૭થી ૧૯૧૨, ૧૯૨૨માં રામસાંકળીના ‘પટેલ રાજવી’ દરબાર ગોપાળદાસ અસહકારમાં જોડાયા એટલે અંગ્રેજોએ રાજ્ય જપ્ત કર્યું. ૧૯૧૫માં ગાંધી આવ્યા હતા. આ વિસ્તારમાં, પહેલી વાર. વઢવાણમાં મોતીભાઈ દરજી મળ્યા. ૧૯૨૨માં કાઠિયાવાડ રાજકીય પરિષદ યોજાઈ. અબ્બાસ તૈયબજી, વલ્લભભાઈ પટેલ, અમૃતલાલ શેઠ, ફુલચંદ શાહ, મણિભાઈ કોઠારી, ચિમનલાલ વૈષ્ણવ. પરિષદના મોભી હતા. ૧૯૩૦માં નમક સત્યાગ્રહ થયો. ધોલેરા, વીરમગામ, ધ્રાંગધ્રા, લીંબડીમાં સત્યાગ્રહો. દરબાર ગોપાળદાસનું સરસ જીવનચરિત્ર ડો. રાજમોહન ગાંધીએ લખ્યું છે.
આ અસમાન્ય ઘટનાઓ હતી. લીંબડીમાં ન્યાયાધીશ પદેથી અમૃતલાલ શેઠે રાજીનામું આપ્યું, રાણપુરમાં ‘સૌરાષ્ટ્ર’ અખબાર શરૂ કર્યું. તો પત્રકારત્વમાં એક આખી ‘સ્કૂલ’ તૈયાર થઈ ગઈ! પ્રજામડંળો સ્થપાયાં. રસિકલાલ પરીખ, બાપાલાલ દોશી, ચિમનલાલ શાહ, શારદાબહેન ફુલચંદભાઈ, ચંચળબહેન વાઘજીભાઈ, ચંચળબહેન દવે (૧૯૧૮માં પ્લેગની વચ્ચે સેવાકાર્ય) ઘણું રચાયું.
૧૯૧૫ની સોળમી જાન્યુઆરીએ ગાંધી વઢવાણ રેલવે સ્ટેશને બધાને મળ્યા. ગાંધીજીને તાવ હતો. મોતીભાઈએ ‘નરકબારી’ની વાત કરી. વીરમગામની કસ્ટમ ચોકીને લોકો આ નામે ઓળખતા હતા. કોઈ સાંભળતું નહોતું. ‘જેલમાં જવા તૈયાર છો?’ બાપુએ પૂછ્યું. ‘ફાંસીએ ચડીશ...’ ૧૯૧૫ના ડિસેમ્બરમાં ગાંધીજી વઢવાણ, વઢવાણ કેમ્પ, ધ્રાંગધ્રા પ્રવાસ કર્યો. ‘વઢવાણ, ગઢડા અને અમરેલી ખાદીનાં ત્રણ ઝરણાં છે’ એવું પ્રમાણપત્ર મળ્યું!
સમાજજીવનનો ક્રમ અહીં જળવાયો છે. એક વાર રવીન્દ્રનાથ ટાગોર આવ્યા હતા. અહીં ૧૯૦૯માં. જવાહરલાલ, આચાર્ય કૃપલાણી, અચ્યુત પટવર્ધન, વિનોબા, અટલ બિહારી વાજપેયી... અને ડો. લોહિયા તો આ લેખકને ય યાદ છે. કોલેજજીવન દરમિયાન તેમની સાથે વાર્તાલાપની તક મળી હતી.
‘શનિ’નું ‘ચેતમછંદર’ અને મોહનલાલ ધનેશ્વર દવેનું ‘જીવનપ્રકાશ’ સૌરાષ્ટ્રી પત્રકારત્વના બે સિતારા.
તેજનક્ષત્રોનો ઝળહળાટ આ ભૂમિએ અનુભવ્યો છે. પંડિત સુખલાલ (૮-૧૨-૧૮૮૦થી ૨-૩-૧૯૭૮), લીંબડી. ચર્મચક્ષુ રહ્યા પછી પણ પ્રજ્ઞાચક્ષુ બની રહ્યાં. સ્વામી આનંદ (શિયાણી) ઝવેરચંદ મેઘાણી (ચોટિલા), કવિ પ્રજા રામ રાવળ, લોકગાયક હેમુ ગઢવી, ક્રાંતિકાર બેરિસ્ટર સરદારસિંહ રાણા, દલપતરામ (૧૮૨૦-૧૮૯૮), ચુનીલાલ વર્ધમાન શાહ (‘જીગર અને અમી’ નવલકથાથી જાણીતા પત્રકાર), ભીમજી ‘સુશીલ’ (સૌરાષ્ટ્ર અખબારમાં, મેઘાણીમિત્ર), જુગતરામ દવે, નવલરામ ત્રિવેદી (૧૮૯૫–૧૯૪૭), સંસ્કૃત વિદ્વાન ડો. ટી. એન. દવે (૧૮૦૭), જયભિક્ખુ (૧૯૦૮-૧૯૬૯), બબલભાઈ મહેતા (૧૯૧૦), નવલકથાકાર દેવશંકર મહેતા, કવિ મીનપિયાસી, પ્રા. તખ્તસિંહ પરમાર... આ કેટલાક નામો. ‘ઝાલાવાડી ધરતી’ને કવિ પ્રજારામે સાંગોપાંગ આ પંક્તિઓમાં વર્ણવી છે.
આ ઝાલાવાડી ધરતી!
આવળ, બાવળ, કેર, બોરડી, શુષ્ક રુક્ષ ચોફરતી!
અહીં ફૂલ કેવળ બાવળનાં,
અહીં પાન અધિકો મૃગજળનાં!
પુષ્પ, પત્ર, પાણી વિણ કાયા ઘોર ઉનાળે બળતી
આ ઝાલાવાડી ધરતી!
જોજનના જોજન લગ દેખો
એક નહીં ડુંગરને પેખો
વિરાટ જાણે ખુલ્લી હથેળી, સમથળ ક્ષિતિજે ઢળતી!
આ ઝાલાવાડી ધરતી!
આ તે કોઈ જનમ–વેરાગણ?
કે, કો ઉગ્ર તપંતી જોગણ?
સંન્યાસિની તણા નિર્મળ શુભ વેષે ઉર મુજ ભરતી
આ ઝાલાવાડી ધરતી!