લલિત મોદી, પીલુ મોદી, ક્રિકેટ અને બીજું બધું...!

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Wednesday 08th July 2015 08:25 EDT
 
 

લલિત મોદી વિશે હમણાં દિલ્હીના એક ‘જ્ઞાની’ પત્રકારે એવી પૃચ્છા કરી કે આ લલિત મોદી વડા પ્રધાનના સગામાં કંઈ થાય છે? રાજસ્થાનમાં વણાટ માટેના જાણીતા વણાટનાં દોરાનાં ફીંડલાથી શરૂઆત કરનાર મોદી-કુટુંબમાં અત્યારે લલિત મોદી લગભગ સર્વેસર્વા છે. વડનગરના મોદી-પરિવારમાં જન્મેલા નરેન્દ્ર મોદી સાથે તેને કોઈ નિસબત નથી. એમ તો કેટલાકને પીલુ મોદી પણ યાદ આવી ગયા! સ્વતંત્ર પક્ષના આ દેહ અને દિમાગ - બન્નેમાં કદાવર નેતા ગુજરાતમાંથી લોકસભાની ચૂંટણી જીતીને કેન્દ્રમાં કોંગ્રેસનાં શાસન માટે પડકારરૂપ બન્યા હતા અને ‘ઝુલ્ફી, માય ફ્રેન્ડ’ નામે, ઝુલ્ફીકાર અલી ભુટ્ટોની સ્મરણ કથા પણ લખી હતી. તેમનું એક અંગ્રેજી સાપ્તાહિક ‘માર્ચ ઓફ ધ નેશન’ પ્રકાશિત થતું, જેમાં તેઓ છેલ્લાં પાને પાંચમી કોલમનું બોક્સ લખતા. તેમાં કોલમનું મથાળું રહેતુંઃ ‘ફિફથ કોલમ!’ આપણે ત્યાં જાહેરજીવનમાં આ પાંચમી કતારિયા - ફિફથ કોલમિસ્ટ ઓળખ બદનામીની છે, પણ પીલુ એ નામે ભારતીય રાજકારણ પર વેધક લખાણ પૂરું પાડતા!

પીલુ મોદીની સાથે એક બીજા પારસી નક્ષત્રનું સ્મરણ થાય છે, ભલે તે ‘મોદી’ અટકધારી નહોતા પણ એ. ડી. ગોરવાલા - આ નામ પ્રતિબંધના અંધકારમાં જ્વલંત શબ્દ સાહસ માટે યાદ કરવા જેવું છે. તેઓ ચાર પાનાંનું - નાની સાઇઝનું - ચોપાનિયું ચલાવતા. નામ ‘ઓપિનિયન.’ પૂર્વે સિંધમાં એચ. એમ. પટેલની સાથે અધિકારી રહેલા ગોરવાલાનાં તેમાં રજૂ થતાં લખાણો - રાજકીય ધારનો - અજીબ નમૂનો હતા. કહે છે કે શ્રીમતી ઇન્દિરા ગાંધી સહિતના રાજદ્વારીઓ તે વાંચતા!

૧૯૭૫-૭૬માં આંતરિક કટોકટી અને પ્રિ-સેન્સરશિપ આવતાં આ ચોપાનિયાં પર સરકારી આક્રમણ થયું. ડિપોઝીટ માંગવામાં આવી. ટપાલમાં મોકલવાનો પરવાનો રદ થયો. રજિસ્ટ્રેશન પાછું ખેંચાયું! તો આ વયોવૃદ્ધ પારસી બાવાએ પોતાના નાનકડા ફ્લેટમાં બેસીને તેની સાઇક્લોસ્ટાઇલ્ડ કોપી બનાવીને ય બધાંને મોકલતા રહ્યા!

મોદી વત્તા ક્રિકેટ

લલિત મોદી વિશે આજકાલ ગુજરાતમાં એક અફવા એવી ચાલે છે કે તેના ટ્વિટર બોમ્બમાં એકાદ ગુજરાતી પણ અડફેટમાં આવી જવાનો છે! અત્યારે તો એ અફવા જ છે. પણ લલિત મોદીએ જે ઝડપથી રાષ્ટ્રીયસ્તરે ક્રિકેટ રમતનું નૈતિક ધોવાણ કર્યું તેણે ગુજરાતમાં આઝાદી પૂર્વેનાં - અને આઝાદી પછીનાં થોડાંક વર્ષોનાં - ક્રિકેટનો ઇતિહાસ જાણવા જેવો છે. (એક મિત્ર સાથે આ મુદ્દો ચર્ચવાનું બન્યું તો તેણે મજાકમાં કહ્યું કે આજકાલ લલિત મોદી ઇંગ્લેન્ડમાં છે અને જો ‘ગુજરાત સમાચાર’ તેના હાથમાં આવી જાય તો વાંચે ય ખરા!)

હમણાં ‘પાકિસ્તાનમાં ક્રિકેટની તવારિખ’ નામે એક પુસ્તક પ્રકાશિત થયું છે તે હાથમાં આવ્યું. તેમાં ફરિયાદ તો હાલના ક્રિકેટની છે, પણ અગાઉનો જાજરમાન ઇતિહાસ રસપ્રદ રીતે આલેખ્યો છે. ગુજરાતી વાચકોને પણ એ જાણીને રાજીપો થાય કે તેમાં આઝાદી પહેલાંના માણાવદર - જૂનાગઢ - જામનગર રજવાડાંની ક્રિકેટ રમતના સુવર્ણયુગનું સ્મરણ કરાયું છે.

જૂનાગઢ - માણાવદર મુસ્લિમ રાજ્યો હતાં. આ લેખકનો જન્મ માણાવદરમાં થયો છે અને તેની હાઇસ્કૂલનું શિક્ષણ માણાવદરની સરકારી શાળામાં થયું હતું. એ શાળા જ્યાં હતી તેને ‘નાની કલબ’ અને ‘મોટી કલબ’ કહેવાતાં. ખરેખર તો એશિયામાં જાણીતું ક્રિકેટ સ્ટેડિયમ નવાબે અહીં બંધાવેલું. આપણાં નવાં સ્ટેડિયમને ય ઝાંખાં પાડી દે તેવી પ્રેક્ષક ગેલેરી, પીચ, મેદાન, ચોતરફી દિવાલ, સ્કોર બોર્ડ આ શાનદાર નિર્માણ હતું, અને વિશ્વવિખ્યાત ક્રિકેટરો ત્યાં રમવા આવતા. એવું જ હોકીની રમતનું યે હતું. દુનિયાના બીજા દેશોમાં મોકલાતી ટીમના ઘણા ખરા રમતવીરો આ નવાબી રાજ્યોના ખેલાડીઓ હતા! એમાંનું કંઈ જ હવે જળવાયું નથી, માત્ર સ્મરણો રહી ગયાં!

‘અખંડ આનંદ’માં થોડાક સમય પહેલાં એક જૂનાગઢવાસીએ પોતાનું સ્મરણ લખ્યું. તેમાં કરાચીના પ્રવાસની જિકર કરતાં લખ્યું કે આ નવાબો અને તેમના વંશજો શું કરે છે તે જાણવાની ભારે ઉત્સુકતા થઈ. ગમેતેમ કરીને સરનામું મેળવ્યું ને જોયું કે હવે નવાબની પાસે કોઈ રાજમહેલ નથી, રમતનું મેદાન નથી એટલે ક્રિકેટનો શોખ પૂરો કરવા માટે પોતાના ત્રણ-ચાર ઓરડાના મકાનમાં આંગણામાં એકલા એકલા સદી ફટકારતા હતા, તે નજરોનજર જોયું!

ક્રિકેટની તરફેણ અને વિરોધ

ક્રિકેટને બર્નાર્ડ શોએ થોડાક શોખીન રમતરસિકોની નિરર્થક રમત ગણાવેલી. બ્રિટિશ સામ્રાજ્યની પાસે જૂના સમયમાં કોઈ ખાસ રમત નહોતી એટલે તેમણે વિકસાવી. ‘ધીમે ધીમે કોઈ પણ સત્તા હાંસલ કરી શકાય’ એ નિયમ આ રમતમાં યે લાગુ પાડ્યો. બ્રિટિશ સામ્રાજ્યનો તો ક્યારેય સૂરજ આથમતો નહોતો એટલે તેમના હસ્તકના તમામ દેશોમાં પણ ક્રિકેટની રમત છવાઈ ગઈ. દેશી ગિલ્લી-દંડો પાછળ ધકેલાઈ ગયાં અને વન-ડેથી ટેસ્ટ સિરિઝના ખર્ચાળ પ્રદર્શનો શરૂ થઈ ગયાં. જ્યાં બ્રિટિશ શાસન નહોતું તેવા, દુનિયાના મોટા ભાગના દેશોના બુદ્ધિમાનો અતિરેકી મજાકમાં કહે છે કે અમે આ રોગિસ્ટ ખેલથી બચી ગયા! જોકે ક્રિકેટના રસિયાઓનો તો વધારો થતો જ જાય છે.

હમણાંથી દેશમાં લલિતકથાના રોજેરોજ અધ્યાય ખૂલતા જાય છે. પોતે પણ તેમાં અવનવી વાનગી પેશ કરે છે. ભારતમાં તેને માટે તેણે પોતે પેદા કરેલી મુશ્કેલીમાં માત્ર આર્થિક ગોલંદાજી નથી, ક્રિકેટ નામની રાજરમતનો થાય એટલો બગાડો પણ સામેલ હતો.

આમ તો ભારતીય જાહેરજીવનમાં કેટલાક રાજકારણીઓ, કેટલાક ઉદ્યોગપતિઓ, સિને કલાકારો, કેટલાક માફિયાઓ અને કેટલાક આર્થિક ખેલાડીઓએ છેલ્લાં કેટલાંક વર્ષથી માઝા મુકી છે. ‘સ્કેમ’ શબ્દથી સામાન્ય માણસ પણ પરિચિત થઈ ગયો. કટકી, ગોટાળો, કૌભાંડ... નામરૂપ જૂજવાં! જેની જેવી - જેટલી શક્તિ એવો કાળો ખેલ! ૧૯૫૦ પછીનાં વર્ષોમાં તેવા ગોટાળામાં લાખો રૂપિયાની હેરાફેરી નોંધાઈ હતી. પછી તે સંખ્યા કરોડોની થઈ. હવે અબજ - ખરબ સુધી પહોંચી છે. રાજા, કનિમોઝી, જયલલિતા, અબ્દુલ રહેમાન અંતુલે, સુખલાલ, લાલુ યાદવ, વીર ભદ્રસિંહ, ક્વાટ્રોચી, હર્ષદ મહેતા સહિતના એવાં ઘણાં નામો છે તે બધા જ બધા રાજકારણી નથી, ઉદ્યોગપતિ - વેપારી - શેરસટ્ટાખોર - બિલ્ડર એવા ઘણા વ્યવસાયના ‘નાયક’ છે. બિહારમાંથી શરૂ થયેલો ‘ચારો’ હવે માત્ર ઘાસ સુધી મર્યાદિત નથી રહ્યો, કાયદા-કાનૂન અને નીતિ-નિયમોના ‘ચારા’ સુધી પહોંચી ગયો! તેનું એક એપીસેન્ટર ક્રિકેટ પણ છે.

લલિત-નીતિની લીલા

લલિત-નીતિ (અહીં ‘નીતિ’નો અર્થ પ્રવૃત્તિ એટલો જ કરવો. એ તો સારું જ થયું કે પોતાની નબળાઈ સમજી ગયેલાઓ હવે ‘રાજનીતિ’ શબ્દ નથી વાપરતા, માત્ર ‘રાજકારણ’ જ કહે છે અને કારણોનું શું? એ તો ગમે ત્યાં વેરાનમાં યે ઊગી નીકળે!) જે રીતે આજનો સળગતો પ્રશ્ન બની ગઈ છે તેના ફટાકડા તો લાંબા સમય સુધી ફૂટ્યા કરશે. પણ જો ગંભીરતાથી તેનો વિચાર કરીએ કે આ લલિત મોદી આટલો મોટો ‘પરાક્રમી’ કઈ રીતે બની ગયો, તો જવાબમાં તેનાં મૂળિયા સુધી જવું પડે. ત્યાં જ ક્યાંક ક્રિકેટ નામની આજની રમત તમામ આકર્ષણો સાથે જગતસુંદરી બનીને ઊભી છે. તેની તરેહવારની સંસ્થાઓ - એસોસિએશનો છે, દરેક પ્રદેશમાં તેની પ્રવૃત્તિ છે. વળી દેશકક્ષાએ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) છે. ચૂંટણી પણ છે.

હમણાં એક પુસ્તક આવ્યું છે ‘ક્રિકોનોમિક્સ’. દેશના વડા પ્રધાનોના નામે તો અર્થકારણને જોડવામાં આવે છે - મનમોહનોમિક્સથી મોદીનોમિક્સ સુધી. પણ આ ક્રિકેટનું ઇકોનોમિક્સ? બાપ રે, ત્યાં તો દુનિયાભરનો લૂંટફાંટિયો ગંદવાડ જામેલો છે.

‘મેચફિક્સિંગ’ એ પદ્મભૂષણ જેવું જ ખેલભૂષણ બની ગયું. કોઈ જગજાણીતા ભારતીય ખેલાડી - જેને મિનિટ માટે નિહાળવા, તેના ઓટોગ્રાફ લેવા, ટીવી પરની તેમની જાહેરાતોથી ઊછળતા ક્રિકેટપ્રેમીઓ તરસે છે - તેમાંના લગભગ બધા ફિક્સિંગ-બહાદુરો નીકળ્યા! સુરજિત ભલ્લા એક જાણીતા રાજકીય આલોચક છે. હમણાં તેમણે પૂછયું કે આ ક્રિકેટ તેની અસલી તેજસ્વિતાને ખોઈ કેમ બેઠું છે?

આટલું તો થવું જ જોઈએ

મને ડો. બાબાસાહેબ આંબેડકરનું વિધાન યાદ આવી ગયું. ‘ગમે તેવું ઉત્તમ બંધારણ જો કનિષ્ઠ લોકોના હાથમાં હશે તો તે નિષ્ફળ જવાનું છે.’ આનો ૧૯૭૫-૭૬નો અનુભવ આપણે લઈ લીધો છે. ક્રિકેટ સારી રમત હશે, પણ તેની પાછળ દેશઆખો પાગલ થઈ જાય, સંખ્યાબંધ માનવ-દિવસો બેકાર જાય એ તો ઠીક, પણ તેનાં અઢળક નાણાંના ગંદામાં ગંદા ખેલ શરૂ થઈ જાય તો યે આ રમતને ગળે વળગાડી રાખવી?

વીસેક વર્ષથી બીસીસીઆઇના હોદ્દેદાર થનારાઓનાં કૃત્યો બહાર આવતાં જાય છે.

સર્વોચ્ચ અદાલતની ન્યાયમૂર્તિ મુકુલ મુદ્ગલ સમિતિએ તો બીસીસીઆઇના પ્રમુખ એન. શ્રી નિવાસન્, આઇપીએલ અને સીએસકે (ચેન્નઈ સુપર કિંગ્સ), જમાઈરાજ ગુરુનાથ મયપ્પન વગેરેના કૌભાંડો ખોલ્યાં છે. યુપીએ સરકારે લલિત મોદી માટે ‘બ્લુ કોર્નર નોટિસ’ જ મોકલી હતી. ઇંગ્લેન્ડસ્થિત મોદી હેમખેમ રહ્યા. ભલ્લા પૂછે છે કે તત્કાળ ધરપકડ માટે રેડ કોર્નર નોટિસ કેમ ફટકારી નહીં હોય?

અત્યારના રાજસ્થાનના મુખ્ય પ્રધાન, કેન્દ્રના વિદેશ પ્રધાન, નાણા પ્રધાન વગેરેની ‘લલિત-કથા’માં જે ભૂમિકા હોય તે માત્ર રાજકીય આરોપબાજીથી નક્કી નહીં થઈ શકે. પણ, ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ચૂંટણીજંગ વખતે આ પાના પર મેં લખ્યું હતું કે રાજકીય આગેવાનોએ આમાંથી દૂર રહેવું જોઈએ.

સામાન્ય રીતે હાલનું ક્રિકેટ અને બીસીસીઆઇ સહિતનાં દરેક પ્રદેશનાં એસોસિએશનો ‘દૂઝતી ગાય’ (કેશ-કાઉ) હોય છે, તેનાથી ભલ્લા જેવો ‘ભલો આલોચક’ એમ કહે કે ક્રિકેટ સાથે રાજકારણીઓએ છૂટાછેડા લેવાનો સમય આવી ગયો છે તો તેમાં સંમત થવું અઘરું નથી.


comments powered by Disqus