કોરોનાના ભયજનક વાદળા સાથેનો આ પહેલો સ્વાતંત્ર્ય દિવસ હતો. ૧૯૪૭થી ૨૦૨૦ આટલાં વર્ષોમાં પહેલી વાર લાલ કિલ્લાની ઉદાસી જોવા મળી. સીમિત સંખ્યામાં આમંત્રિતો અને ભીડભાડ વિનાનો ઉત્સવ. લાલ કિલ્લાએ કેવી - કેટલી પંદરમી ઓગસ્ટ જોઈ છે! સ્વતંત્રતાના ખંડિત અને લોહીલુહાણ વિભાજનના સ્વાતંત્ર્ય દિવસે પંડિત જવાહરલાલ નેહરુએ દેશને સંબોધ્યો હતો. નિયતિએ પડખું બદલ્યાનો તેમાં સંકેત હતો. હિજરત અને હત્યાની વચ્ચે સ્વતંત્રતાનો સ્વાદ ભારતે ૨૦૦ વર્ષની બ્રિટીશ ગુલામી પછી પહેલી વાર ચાખ્યો. ગામડાનો માણસ તેને માટે ‘જે હિન્દ’ આવ્યું એમ કહેતો.
પછીનો એક સ્વતંત્રતા દિવસ ૧૯૬૨નો રહ્યો. ચીની આક્રમણ હેઠળની એ સાવધાની હતી. નેહરુજીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોને ય સ્વતંત્રતા પરેડમાં સામેલ કર્યા હતા એ કેટલા જાણતા હશે?
૧૯૬૫નું ભારત-પાકિસ્તાન યુદ્ધ પણ સ્વતંત્રતા દિવસને માટે આહ્વાન બની ગયું હતું.
૧૯૬૯નાં વર્ષે શ્રીમતી ઇન્દિરા ગાંધીએ પૂર્વે પાકિસ્તાનને બાંગ્લા દેશમાં પરિવર્તિત કરવા મુક્તિવાહિનીને મદદ કરી. એ પછીના સ્વાતંત્ર્ય દિવસે તેમણે સંબોધન કર્યું હતું, પછી કોંગ્રેસ વિભાજનના દિવસોનું તેમનું રાજનીતિક પ્રવચન રહ્યું.
દેશને ૧૯૯૬ પછી પહેલી વાર વિરોધ પક્ષના નેતાને વડા પ્રધાન તરીકે લાલ કિલ્લા પરથી સાંભળવાનો ઐતિહાસિક અવસર મળ્યો. ૧૯૫૨થી કોંગ્રેસનું અબાધિત શાસન હતું. તે પહેલાં તો ૧૯૭૭માં દૂર થયું અને જનતા પક્ષની સરકારના વડા પ્રધાન મોરારજીભાઈએ ઉદ્બોધન કર્યું, પછી એવી તક મળી અટલ બિહારી વાજપેયીને. તે બેની વચ્ચે દેવે ગોવડા, ચંદ્રશેખર, ઈન્દર કુમાર ગુજરાલ અને વિશ્વનાથ પ્રતાપસિંહ પણ આવ્યા પણ તે બધી રાજકીય ભેળસેળ રહી.
વાજપેયી પછી આવ્યા નરેન્દ્ર મોદી. ગુજરાતી વડા પ્રધાન! બીજી વારની રાષ્ટ્રીય ચૂંટણીમાં પણ જીત્યા. તેમણે ભારતીય રાજકારણની દિશા બદલાવી નાખી છે. હજુ એકાદ વર્ષના સમયમાં જ કાશ્મીરની બંધારણીય અસ્થાયી જોગવાઈની કલમ-૩૭૦ને હઠાવી લડાખને અલગ ગરિમા આપી. પાકિસ્તાન પરની સર્જિકલ સ્ટ્રાઈકથી જડબાતોડ જવાબ આપ્યો. ત્યાં ચીનનો ખેલ શરૂ થયો. તેની સામે પણ કૂટનીતિનો મંચ રચાયો. ચીની ઉદ્યોગ-વેપારની સામે સ્વનિર્ભર ભારતનું સૂત્ર ગાજતું થયું.
ભારતની મુસ્લિમ મહિલાઓને ત્રણ તલાકનાં પીંજરામાંથી મુક્તિ મળી. આ બધાંની સાથે જ નાગરિકતા સંશોધન સુધારો પણ ચર્ચામાં આવ્યો. આટલા સાહસિક અને દૂરગામી પરિણામ દર્શાવતાં પગલાં અગાઉ કરતાં આ વડા પ્રધાને અલગ રીતે લીધાં તેનું મહત્ત્વ ઓછું નથી.
ત્યાં આવ્યો કરાલકાળ કોરોના. ચીની સામ્યવાદ જેવો જ એ ભયાવહ વૈશ્વિક રોગ છે! વુહાનથી શરૂ થઈને અમેરિકા, બ્રિટન, ફ્રાંસ, જર્મની થઈને દૂર - સુદૂર દેશો સુધી ફેલાયો છે. માણસો સંક્રમિત થાય છે અને ટપોટપ મરે છે. હજુ તેની કોઈ દવા, કોઈ ઇંજેક્શન, કોઈ રસી શોધાયાં નથી. ગળાની અંદર ઘૂસીને તે બધું નષ્ટભ્રષ્ટ કરી નાંખે છે, તેની આસપાસ ડાઘુઓ પણ રહી શકતા નથી. માત્ર ચાર જણ, તે ય પૂરતી તબીબી સુરક્ષા સાથેના, તેમને આ દુનિયાથી વિદાય આપી આવે છે.
હોસ્પિટલો ઊભરાઈ રહી છે અને ‘અતિથિ દેવો ભવ’ સૂત્ર ભૂલીને, કોઈને આમંત્રણ અપાતું નથી. સેનિટાઇઝર, ક્વોરેન્ટાઈન, સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક શબ્દો ગાજતા થયા. પહેલાં બૂકાની બહારવટિયા માટે હતી, હવે બધાને માટે ફરજિયાત છે. ચહેરા વિનાનો માણસ, ચહેરો છૂપાવતો થઈ ગયો. સભા, સરઘસ, જુલૂસ, દેવદર્શન, મેળા, સિનેમા, કોલેજ, યુનિવર્સિટી... બધે પ્રતિબંધ. ચાલે છે તે ‘હોમ એટ વર્ક’!
પંદરમીનું ભારત આવું છે. વડા પ્રધાનને બધાએ ઓનલાઈન સાંભળ્યા. સામે થોડાક મહેમાનો બેઠા હતા, આસપાસ ઉભેલા - સાથે રહેલા અધિકારીઓના પણ ‘ટેસ્ટ’ પણ લેવાયા હશે.
વડા પ્રધાને આવા ભીષણ દિવસોની સામે સજ્જ થવાની ભરચક કોશિશ કરી છે, પણ સમાજમાં એટલી જાગૃતિ ક્યાં?
આ સવાલ સાથે વડા પ્રધાન બોલ્યા. ભારતીય આઝાદીના સ્વતંત્રતા દિવસનું સંબોધન કર્યું. હજુ હમણાં જ તેમણે યશપ્રાપ્તિનું એક વધુ પીછું મેળવ્યું છે, તે ૫૦૦ વર્ષથી વિવાદાસ્પદ જમીન પર રામજન્મભૂમિ દેવાલયનું નિર્માણ! કેટલાક દિશાહીનો તેને ‘મેજોરિટીઝમ’ ગણાવે છે એને ‘સેક્યુલર ઈન્ડિયાની સમાપ્તિ ગણાવે છે’ કોણ? કેટલાક ડાબેરીઓ અને કેટલાક ઓવૈસી જેવા કોમવાદીઓ!
પણ આ હોંશિયાર... રાજનીતિજ્ઞે પોતાના દીર્ઘપ્રવચનમાં દેશના વિકાસની જ વાતો કરી. મહિલા, આરોગ્ય સાથે સેનિટરી પેડની નાની પણ મહત્ત્વની વાત કરી. એવું લાગ્યું કે વડા પ્રધાન સામાન્યમાં સામાન્ય માણસની નાડ પારખે છે.