લિબરલ, ફાસિસ્ટ, રાઇટિસ્ટ... હવે શબ્દપંડિતોના સરવાળા!

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Saturday 22nd June 2019 03:34 EDT
 

લગભગ પીસ્તાળીસ વર્ષ થયાં એ રાજકીય દુર્ઘટનાને.

હા, તે હતી તો રાજકીય જ. ૧૯૭૪માં ગુજરાતમાં ચીમનભાઈ પટેલની સરકારના ભ્રષ્ટાચાર સામે નવનિર્માણ આંદોલન થયું અને બિહારમાં ગફૂર-સરકારની ખિલાફ જયપ્રકાશ નારાયણની ચળવળ ચાલી. બન્નેએ રાષ્ટ્રીય અસર ઊભી કરી. નવનિર્માણમાં સરકાર ગઈ, રાષ્ટ્રપતિ શાસન આવ્યું ને પછી ચૂંટણી.

જે.પી. ગુજરાત આવ્યા, બધાને મળ્યા. કોંગ્રેસવિરોધી મોરચો રચવાની જહેમત શરૂ થઈ. (આજે તો તેમાંના ભાગ્યે જ જીવે છે, વિદાય લઈ લીધી, પણ રાષ્ટ્રીય રાજકારણમાં ‘ગુજરાતના પ્રદાન’ માટે તેમણે મહત્ત્વનું કામ કર્યું. બાબુભાઈ જશભાઈ પટેલ, સી.ટી. દરૂ, પ્રા. કીર્તિદેવ દેસાઈ, ભોગીલાલ ગાંધી, વસંતભાઈ ગજેન્દ્ર ગડકર, ઇન્દુભાઈ પટેલ, ધીરુભાઈ દેસાઈ, ઉમાશંકર જોશી, ઇશ્વર પેટલીકર... આવાં બીજાં નામો પણ ખરાં.) કશ્મકશ પછી ‘જનતા મોરચો’ રચાયો, ચૂંટણીમાં ૧૯૫૨થી ૧૯૭૪ સુધીમાં પહેલી વાર કોંગ્રેસ હારી. મોરચાની સરકાર બની. ત્યાં બિહારમાં જે.પી. આંદોલને વેગ પકડ્યો.

લોકસભા ચૂંટણીમાં શ્રીમતી ઇન્દિરા ગાંધીની ચૂંટણીને અલ્હાબાદ હાઇ કોર્ટના જસ્ટિસ જગમોહન સિંહાએ અ-માન્ય ઠેરવી. વડા પ્રધાન ખરા પણ પાર્લામેન્ટમાં મત ન આપી શકે. કોંગ્રેસમાં ઉહાપોહ શરૂ થયો એટલે શ્રીમતી ગાંધીએ સિદ્ધાર્થ શંકર રાયની સલાહથી, બંધારણમાં રહેલી કટોકટીની જોગવાઈનો ઉપયોગ કરીને આંતરિક કટોકટી લાદી દીધી!

આંતરિક કટોકટી.

અને પ્રિસેન્સરશિપ.

મેઇટેનન્સ ઓફ ઇન્ડિયા સિક્યુરિટી એક્ટ – અર્થાત્ ‘મીસા’નો અટકાયતી ધારો.

૧ લાખ ૧૦ હજાર રાજકીય – શૈક્ષણિક – સામાજિક મહાનુભાવો અને વિદ્યાર્થીઓની ‘મીસા’ હેઠળ ધરપકડ.

તેમાં જયપ્રકાશ નારાયણ, અટલ બિહારી વાજેપયી, મોરારજીભાઈ દેસાઈ, ચંદ્રશેખર, મોહન ધારિયા, પીલુ મોદી, એલ. કે. અડવાણી, એસ. એમ. જોશી, મધુ દંડવતે, બાળાસાહેબ દેવરસ, શ્યામનંદન મિશ્રા, નીતિશ કુમાર, વસંતકુમાર પંડિત... અને બીજા ઘણા, જુદી જુદી જેલોમાં.

સંસદમાં ગણતરીના થોડાકને બાદ કરતાં બધા વિપક્ષી નેતાઓ જેલોમાં.

‘પોમા’ (પ્રિવેન્શન ઓફ ઓબ્જેક્શનેબલ મટિરિયલ એક્ટ) કાયદાનો અમલ. સેન્સરશિપને લીધે અખબારોમાં વન-વે ટ્રાફિકઃ વીસ મુદ્દાના વખાણ કરો, ઇન્દિરાજીનો જયકાર કરો, લખો કે કટોકટીથી શિસ્ત આવી ગઈ છે. ટ્રેનો સમયસર ચાલે છે.

તુર્કમાન ગેટનાં ઝૂપડાંઓ પર બુલડોઝર ફર્યાં.

આ રાજકીય ઘટના બની હતી ૨૫-૨૬ જૂન ૧૯૭૫ની મધરાતે. ‘મીડ નાઇટ નોક.’

આ ૨૫-૨૬મીએ તેને લગભગ ૪૫ વર્ષ વીતી ગયાં. પણ તે કટોકટી જ જેલવાસ પછી બહાર નીકળેલા નેતાઓનો ‘જનતા પક્ષ’ સર્જવામાં નિમિત્ત બની અને ૧૯૫૦ પછી પહેલી વાર કેન્દ્રમાં કોંગ્રેસ વિરોધી પક્ષોની સરકાર બની.

વિકલ્પની શરૂઆત થઈ.

આટલાં વર્ષે એ રાજકીય દુર્ઘટનાને યાદ કરવાનું કોઈ કારણ ખરું?

હા. ૨૦૧૪થી ભારતમાં એક એવો વર્ગ ઊભો થયો, જેને ‘લિબરલ’ નામ અપાયું છે.

તેમને લાગે છે કે નરેન્દ્ર મોદીના ૨૦૧૪નો વિજય અને ૨૦૧૯માં તેનાથી વધુ મોટા જન-આદેશથી ફરી વાર વડા પ્રધાન બનવું, ભાજપની સરકાર રચાવી એ ચિંતાનો વિષય છે. ચિંતનનો વિષય છે.

કોણ છે આ ‘લિબરલ’ મહાનુભાવો?

તેમાંના મોટા ભાગના ડાબેરીઓ છે. તેમાંના કેટલાક પહેલેથી ભાજપ-સંઘને ફાસીવાદી માનતા આવ્યા છે.

તેમના કેટલાક બુદ્ધિમાનોને હવે જુદી જુદી સમિતિઓમાં સ્થાન મળતું નથી, અકાદમીઓ અને સાંસ્કૃતિક સંગઠનમાં જગ્યા મળતી નથી. તેમના પાઠ્યપુસ્તકો ચાલતાં નથી. તેમનું કુલપતિ - ઉપકુલપતિ પદે, આકાશવાણી - દુરદર્શનમાં આગમન લગભગ બંધ થવા લાગ્યું છે. કેટલાક નિષ્ક્રિય મહાનુભાવોએ રૂખસદ આપવામાં આવી છે.

કેટલાકના લોહીમાં ‘ડાબેરી’ ઝનૂન પડ્યું છે. તેમને માટે સંસદીય લોકશાહી પણ ડાબેરી ઢબે ચાલે તેવો મુખ્ય હેતુ છે. કેટલાક વધારે ‘ક્રાંતિકારી’ બનીને ‘અર્બન નકસલવાદ’માં સામેલ છે, અને વિદેશી મદદ મેળવે છે.

તેમાંના કેટલાક ‘ખ્યાત’ પત્રકારો છે. ખાન માર્કેટમાં મળીને સરકાર ચલાવવાનો ફાંકો રાખતા હતા અને જેએનયુ (જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી) તેમજ જાદવપુર યુનિવર્સિટીમાંથી ‘ક્રાંતિની ચિનગારી’ ફાટી નીકળશે એનાં સપનાં સેવે છે, લેખો લખે છે. કાશ્મીરની ‘આઝાદી’ અને તેને માટે લડનારાઓ અફઝલ વગેરે તેના ‘નાયક’ (હીરો) છે.

આમાંના કેટલાક લેખકો છે, વિદ્યાપુરુષો છે, આંતરરાષ્ટ્રીય ઇનામો મેળવ્યાં છે, વિશ્વ વિદ્યાલયોથી આયોજન પંચ અને અર્થકારણમાં નિષ્ણાંતો છે... પણ હવે અફસોસ છે તેમને, કે તેમને કોઈ પૂછતું નથી, સલાહ લેતું નથી, વિમાનોમાં સફર કરાવીને મિટિંગો ભરતું નથી. મંચ પર સ્થાન આપતું નથી. અરે, રાષ્ટ્રીય કક્ષાના નાગરિક સન્માનો - પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મ વિભૂષણ-માં પસંદગી તો ઠીક, ભલામણો પણ કરાતી નથી!

પહેલાં તો એવા જ લોકોનો જમાવડો થતો હતો, જેની ઓળખાણ હોય. એટલે બોલીવૂડના મનોરંજનકારો અને ક્રિકેટરો જ પસંદ થતા હતા, હવે તો કોઈ ચાના બગીચામાં ૨૦૦૦ રૂપિયા મેળવીને ગામના બીમારોને દૂરની હોસ્પિટલે પોતાની બાઈક પર લઈ જનારા ‘એમ્બ્યુલન્સ દાદા’ જેવા પદ્મશ્રી બને છે. અનસંગ હીરો. જુદાં જુદાં ક્ષેત્રોમાં દીર્ઘકાલીન સક્રિયતા દાખવનારા સેવાકર્મીઓ.

કેટલાકને માટે બીજાં કારણો ઉમેરાયા હશે. પણ તેમને માટે ‘લિબરલ’ હોવું અનિવાર્ય બની ગયું છે.

શક્ય છે કે કેટલાક સાચા અર્થમાં ‘લિબરલ’ હોય, પણ તેની શોધ દૂરબીન લઈને કરવી પડે એવી સ્થિતિ ભારતમાં છે. અહીં તેમને હાથવગા મુદ્દાઓ છેઃ ગાય, લિચિંગ, કલબૂર્ગે અને બીજાઓની હત્યા, ચૂંટણી પંચના નિયમો, ઇવીએમ, કાશ્મીરની ‘આઝાદી’, બૂરહાન વાનીથી અફઝલ સુધીનાની વિદાય, ‘જય શ્રી રામ’ના નારા, અયોધ્યામાં મંદિર, કોઈ ખૂણેખાંચરે દલિતો પરનું દમન કે ઉપેક્ષા... તેમનાં નિવેદનો - ચર્ચાઓ – વક્તવ્યોમાં આ મુદ્દા જરૂર હશે ને પછી અંતિમ અભિપ્રાય – દેખીતી રીતે કે છૂપી રીતે - આટલો જઃ

• દેશમાં ફાસીઝમ આવી ગયું છે...

• લોકશાહી સંસ્થાઓનું અવમૂલ્યન કરાઈ રહ્યું છે કે પાંગળી બનાવીને સરકાર – પરસ્ત બનાવવામાં આવે છે...

• ભાજપ અને આરએસએસના એજન્ડા મુજબ સરકાર ચલાવવામાં આવે છે...

• ગોડસેની પૂજા કરવામાં આવે છે...

• ગાંધી-નેહરુનું મૂલ્યાંકન જુદી રીતે થઈ રહ્યું છે...

• લઘુમતી - બહુમતી વચ્ચે વિભાજન કરાયું છે...

• ‘મેજોરિટીઝમ’નો ખતરનાક પ્રવેશ કરવામાં આવ્યો છે...

• સંગઠન, પક્ષ કે દેશને બદલે ‘એકમાત્ર મોદી’નો નારો ચગાવામાં આવી રહ્યો છે, અને ‘ભક્તો’ તેને માટે સામુહિક માધ્યમોનો ઉપયોગ કરી રહ્યાં છે.

• રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું હતું અને હજુ ચાલે છે. તેમના પ્રમાણે ‘અમારી (કોંગ્રેસ) પરંપરા અને આદર્શ ગાંધીજી છે, તમારા (ભાજપ) સાવરકર છે. આ બે વિચારધારાઓનો સંઘર્ષ છે.’

ખરેખર? નવ્ય-ભારતમાં ગાંધીજી અને સાવરકર, સુભાષબાબુ અને સરદાર જો હયાત હોત તો?

કેટલાકનાં માથાં નકારમાં ધૂણશે પણ આ બધા આજે એક જ મંચ પર હોત અને નવાં ભારત માટે પ્રેરિત કરતા હોત. ‘લિબરલ’, ‘લેફ્ટિસ્ટ’, ‘રાઇટિસ્ટ’, ‘ફાસિસ્ટ’ જેવા જર્જરિત આદર્શો - આક્ષેપો - ઓળખાણોને દફનાવીને આગળ વધ્યા હોત. હાલની પ્રજાકીય હકારાત્મક રાજનીતિને તેમણે સમર્થન કર્યું હોત.


comments powered by Disqus