લોર્ડ ભીખુ પારેખ, મોદી, ભાજપ અને આરએસએસ

વિષ્ણુ પંડ્યા Wednesday 26th November 2014 06:36 EST
 

ગુજરાતનાં પ્રધાનમંડળનું આંશિક વિસ્તરણ થયું, હવે બાકીના બીજા ઘણાને પછીથી પ્રધાનો તરીકે અથવા નિગમોમાં લેવાશે. સત્તા અને સંગઠનમાં આ તો ચાલ્યા જ કરતું હોય છે. દિલ્હીમાં કેન્દ્રીય પ્રધાનમંડળમાં કેટલાક ફેરફારો થયા તેમાં હરિભાઈ ચૌધરી અને મોહનભાઈ કુંડારિયાને લેવાયા. મોહનભાઈ લોકસભાની રાજકોટની બેઠક પર ચૂંટાઈ આવ્યા છે, પટેલ વિરુદ્ધ બાકીના એવી રણનીતિ કરવાનો કોંગ્રેસે પ્રયાસ કરવો જોઈતો હતો એમ તેમના જ કેટલાક નેતાઓનું માનવું હતું, પણ પક્ષમાં હજુ કોઈ નક્કી નીતિ કે કાર્યક્રમ જ ના હોય ત્યાં બીજી શક્યતાઓ રહેતી નથી.

ગુજરાતના પ્રધાનમંડળમાં જે ત્રણ ધારાસભ્યોને સૌરાષ્ટ્રમાંથી અને એક વનવાસી ઇલાકામાંથી લેવાયા એ શાસન વત્તા પ્રભાવ ક્ષેત્રમાં સંતુલનનો નાનકડો પ્રયાસ ગણાય. સૌરાષ્ટ્ર ભાજપના પુરોગામી જનસંઘને માટે જિયો-પોલિટિક્લ (ભૂ-રાજકીય) વિસ્તાર હતો. તમામ આંદોલનો પ્રભાવશાળી રીતે ત્યાંથી થયાં. પ્રદેશપ્રમુખો પણ સૌરાષ્ટ્રમાંથી આવ્યા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, મઝદૂર સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ, વિદ્યાર્થી પરિષદ અને જનસંઘ ઉપરાંત સહકારી પ્રવૃત્તિમાં પણ સૌરાષ્ટ્રના કાર્યકર્તાઓ આગળ રહેલા. છેક ૧૯૬૪માં ગુજરાતભરમાં પહેલી મ્યુનિસિપાલિટી (નગર પંચાયત)માં બહુમતી મળી હોય તો તે સૌરાષ્ટ્રમાં માણાવદર અને બોટાદની હતી. જોકે માણાવદર મ્યુનિસિપાલિટીના પ્રમુખ ગોરધનભાઈ ચૌહાણને તે સમયના સ્થાનિક સ્થાપિત હિતોએ હુમલો કરીને મારી નાખેલા.

રાજકોટે મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલ, રાજ્યસભા સભ્ય ચીમનભાઈ શુકલ, સહકારી બેન્કના પ્રમુખ અને ધારાસભ્ય અરવિંદ મણિયાર, જનસંઘ-ભાજપમાં પ્રદેશ પ્રમુખ, નાણા પ્રધાન અને હવે (ગુજરાતમાંથી ભાજપના પ્રથમ) રાજ્યપાલ વજુભાઈ વાળા, આર.એસ.એસ.ના લાંબા સમય સુધી સંઘચાલક (પ્રદેશ પ્રમુખ) રહેલા ડો. પી. વી. દોશી અને બીજા ઘણા રાજકોટે આપ્યા હતા. બીજા પ્રમુખ હરીસિંહજી ગોહિલ પણ સૌરાષ્ટ્રના જ. જનસંઘની તે સમયની ૧૯૫૨થી ૧૯૭૦ સુધીની બેઠકોમાં સૌરાષ્ટ્રની વધુ અસર રહેતી. આ પ્રધાનમંડળોમાં રાજ્યમાં વિજય રૂપાણી અને કેન્દ્રમાં કુંડારિયાને લેવાયા તો પુરુષોત્તમ સોલંકી (ભાવનગર), જસાભાઈ બારડ (જૂનાગઢ)નો યે સમાવેશ કરાયો છે. જે માત્ર જિયો-પોલિટિકલ, રાજકીય ભૂગોળ જ નહીં, સામાજિક રાજકારણનો યે એક ભાગ છે. ક્રમશઃ સંગઠિત પરિબળો તરીકે આગળ આવતી વિવિધ કોમ, જાતિ, સમુદાયોને સત્તામાં રાજકારણમાં અવગણી શકાય તેમ નથી, પણ ક્યારેક રાજ્યસભા જેવી વૈચારિક પૃષ્ઠભૂમિ ધરાવતા ગૃહોમાં આ માપદંડથી પસંદગી કરવામાં આવે ત્યારે લોકતંત્રમાં અસંતુલનની ગરબડ પેદા થાય છે. નાની પાલખીવાલાએ આવી બાબતોમાં ચેતવણી પણ ઉચ્ચારી હતી.

શું ગુજરાત વિચારશૂન્ય છે?

લોકતંત્રમાં વિચાર-વિવાદ તો રહેવાના જ. બલ્કે કેટલીક વાર જરૂરી પણ છે. એકાદ વરસ પહેલાં વડોદરાની એક સામાજિક સંશોધનની સંસ્થામાં પરિસંવાદ માટે જવાનું થયું ત્યારે તેમાં ભાગ લેવા આવેલા ખ્યાત અર્થશાસ્ત્રી પ્રા. વાય. કે. અલઘે અંગત ગપસપમાં અફસોસ કર્યો કે એક સમય એવો હતો કે ગુજરાતમાં ચર્ચા અને ચિંતન થતાં, વૈચારિક આબોહવા હતી. શેઠ અમૃતલાલ હરગોવનદાસ જેવા સાર્વજનિક જીવનના પ્રશ્નોમાં વજન પડે તેવા શ્રેષ્ઠી હતા, એસ. આર. ભટ્ટ, એસ. ડી. દેસાઈ, ઉમાશંકર જોશી, પ્રા. માવળંકર, યશવંત શુકલ વગેરે એકત્રિત થતા, તરેહવારના વિષયોની ચર્ચા પણ થતી, લેખો લખતા. છેક નવનિર્માણ ચળવળ અને કટોકટી સુધી આવું ચાલ્યું હતું. મેં ઉમેર્યું કે ૧૯૭૪ પછી બી. કે. મજમુદાર, સી. ટી. દરૂ, પેટલીકર, ભોગીલાલ ગાંધી, કે. ડી. દેસાઈ વગેરેના પ્રયાસોએ ગુજરાતમાં નવનિર્માણ પછીની ચૂંટણીમાં જે સત્તાપરિવર્તન લાવ્યા તેથી કટોકટીમાં ‘ભારતનો સ્વાતંત્ર્યદ્વીપ’ ગુજરાત બન્યું હતું.

કેટલાકને એવું લાગે છે કે હવે આવું કંઈ રહ્યું નહીં! અને તેને માટે ભાજપના ‘ફાસીવાદી પરિબળો’ જવાબદાર છે! આ એક અણઘડ અને અતિરેકી નિષ્કર્ષ છે. મૂળ કારણ તો બૌદ્ધિકોમાં પૂર્વગ્રહો અને પક્ષપાત બન્નેના ધ્વજ ફરકતા રહે છે એટલે ચર્ચા જામતી નથી અને ચર્ચા થાય તો તેમાં કેટલાક કાયમી ‘ચહેરા’ હાજર હોય, તેઓ ‘ફાસીવાદ’ ‘સેક્યુલરિઝમ’ ‘એકાધિકારવાદ’ ‘પર્યાવરણ’ ‘માનવાધિકાર’ આ પંચમુખી સૂત્રો ફટકારે છે, તેનો ભરોસો કોણ કરે? અને તેમાંથી કંઈ નીપજે ય કઈ રીતે?

ચર્ચાનું કેન્દ્ર - પક્ષપાત કે પૂર્વગ્રહ

હમણાં એક ‘ચર્ચા’ યોજાઈ તેમાં લંડનથી પ્રા. ભીખુ પારેખ મુખ્ય વક્તા હતા, છેલ્લે સમારોપ પણ તેમણે કર્યો. પરંતુ આ ચર્ચાની ગુજરાતમાં ક્યાંય પ્રભાવશાળી નોંધ જ ના લેવાઈ. કારણ તો આયોજકોની પાસે જ પડ્યું છે. આ સમગ્ર ચર્ચાનું કેન્દ્ર માત્ર નરેન્દ્ર મોદી, ભાજપ અને આરએસએસની સામેનું નિશાન હોય એ સ્પષ્ટ હતું. એક તરફી આગ્રહો - પૂર્વગ્રહો - આરોપો - નિષ્કર્ષો - અવલોકનોનો જ ખડકલો થયો. પ્રા. પારેખના કેટલાક નોંધપાત્ર મુદ્દા યે ખોવાઈ ગયા કેમ કે તેમણે ય દેશને પ્રગતિશીલ બનાવવો હોય તો આરએસએસથી ચેતવું જોઈશે એના પર ભાર મૂક્યો. તેમના મતે આરએસએસ વગેરે ‘ગાંધીજીના ગાંધીજીની જાતીય વૃત્તિઓ કે પ્રયોગોના કારણે તેમની સાથીદાર સ્ત્રીઓ માનસિક રોગોનો ભોગ બની હતી... ગાંધીજીની ‘ભારત છોડો ચળવળ’ની જરૂરત નહોતી... આવા એક-બે મુદ્દા શોધી કાઢીને તેમના ચારિત્રહનનના સંગઠિત પ્રયાસો આવતા એક-બે વર્ષોમાં થઈ શકે.!’ પ્રા. પારેખના મતે ‘દેશનું મૂળભૂત ચારિત્ર્ય જે સ્વતંત્રતાના સંઘર્ષથી વિકસાવેલું છે તેને જ ખતમ કરી નાખશે. ઇઝરાયેલે આ પ્રકારની નવી સાંસ્કૃતિક ચળવળ શરૂ કરી દીધી છે જે ભારતના બીજેપી-આરએસએસ મોડેલને સમજવામાં મદદરૂપ થાય છે.’

પ્રા. પારેખ કહે છેઃ ‘આ લોકો જે દેશનો સ્વતંત્રતાના સંઘર્ષનો ઉપનિવેશવાદ સામેનો રાષ્ટ્રીય સવિસ્તાર લખાયેલો અને વિકસેલો ઇતિહાસ છે, જેના આધારે દેશનું તે મૂલ્યો પર આધારિત ઘડતર થયું છે, પોત બનેલું છે તેને વ્યવસ્થિત રીતે રાજકીય સત્તાની મદદથી ક્રમશઃ તોડી નાખવા માગે છે.’

ભીખુ પારેખે ‘ઇન્ટેલેકચુઅલ ઓર્થોડક્સી’ ઠોકી બેસાડવાનો ભય વ્યક્ત કર્યો છે. અને કહ્યુંઃ ‘પેલા બત્રાની ચોપડી જે ગુજરાત રાજ્યમાં તમે શાળામાં પૂરક વાચન તરીકે દાખલ કરી છે તે મેં વાંચી છે. તેમાંથી તો એવું ફલિત થાય છે કે તમારી નવી ઓર્થોડક્સીમાં નેહરુના વૈજ્ઞાનિક મિજાજને અને ટેમ્પરને ફગાવી લોકોને અંધશ્રદ્ધાળુ પૌરાણિક ગૌરવના નામે ઘેનમાં રમાડવા છે.’

‘એકમાર્ગી’ બૌદ્ધિકો

આ ચર્ચા ‘વન-વે’ ચાલી તેનું કારણ એ હતું કે તેમાં ચીલાચાલુ આગ્રહો-પૂર્વગ્રહોથી પીડિત વક્તાઓ મુખ્યત્વે હતા. એકાદ થોમસ પેંથમ જેવા વક્તાને બાદ કરતાં એવું જ લાગે કે આ દેશનું હવે સત્યાનાશ વળી જવાનું છે અને અમે કહીએ તે મુજબ લોકોએ ચાલવું જોઈએ!

પ્રા. ભીખુ પારેખે પોતાનાં વક્તવ્યમાં જોકે, ગુજરાતમાં એક તરફી વલણો-વહેણોની ‘બૌદ્ધિકતા’ પ્રત્યે જાણે-અજાણે ચિંતા વ્યક્ત કરીને એવું સૂચન કર્યું કે આમાં ‘આરએસએસના કોઈ બૌદ્ધિક માણસને ચર્ચા માટે બોલાવવો જોઈએ, અને પ્રશ્નો પૂછવા જોઈએ...’

અને એ જ શ્વાસે તેમણે કહ્યું કે ‘મારું સ્પષ્ટ મંતવ્ય છે કે આરએસએસને પડકારવો જોઈએ કારણ કે તે ભારતના ભાવિ માટે ખતરારૂપ છે (ધી સોલ ઓફ ઇન્ડિયાઝ ઇઝ એટ સ્ટેક...) જે દેશ માટે આપણને પ્રેમ છે, જેનું સ્પષ્ટ વિઝન આપણી પાસે છે, તેની સામે આ પડકાર છે. આરએસએસની વિચારસરણી બૌદ્ધિક રીતે ભ્રષ્ટ છે અને વિકૃત છે તેનો સામનો કરવો પડશે. આવી ચર્ચા દેશમાં અને ગુજરાતમાં ખાસ કરીને કરવાની એટલા માટે જરૂર છે કે તે લોકોએ ગુજરાતને પોતાની વિચારસરણીના આધારે રાજ્ય સત્તા પ્રાપ્ત કરવાની વિચારશાળા ગણી હતી. આ આરએસએસવાળા લોકો દેશને હિન્દુ ધર્મ આધારિત રાષ્ટ્ર બનાવવાની પેરવીમાં પડી ગયા છે, તેને આપણે શું કહીશું?’

વિચાર ઓછો... વિવાદ વધુ

પ્રા. પારેખનું દીર્ઘ પ્રવચન સ્થળાભાવને લીધે આપ્યું નથી, પણ તેમના મુખ્ય ચર્ચાસ્પદ વિધાનો - તેમના જ શબ્દોમાં - આપ્યાં છે. એમ તો તેમણે એવો યે મુદ્દો ઊઠાવ્યો છે કે ‘છેલ્લા ૧૦૦ વર્ષમાં ભારતમાં મુસલમાનોનું શું સ્થાન આનો જવાબ હજુ મને મળ્યો નથી... ભારતીય બંધારણ સભાએ ‘સત્યમેવ જયતે’ મુદ્રાલેખ પસંદ કર્યો હતો. એ મને ખૂબ ગમે છે. પણ આશ્ચર્ય થાય છે કે તે સંસ્કૃતમાં કેમ? આપણા દેશની ઓળખ માટે જે સાત-આઠ પ્રતિકો (નેશનલ સિમ્બોલ્સ) નક્કી કરાયાં તેમાં એક પણ પ્રતીકમાં ઇસ્લામ નથી! આમ કેમ?’

ભીખુભાઈ વિદ્વાન શોધક-ચિંતક છે. લંડનમાં પ્રવાસ દરમિયાન અમને હાઉસ ઓફ લોર્ડસ બતાવવા લઈ ગયા હતા અને તેનો વિગતે રસપ્રદ પરિચય આપ્યો હતો. રાજકોટમાં વિશ્વ ગુજરાતી સમાજે પ્રા. રાજમોહન ગાંધીને સરદાર પ્રતિભા એવોર્ડ એનાયત કર્યો ત્યારે આવ્યા, અને બોલ્યા હતા... તેમના આ દરેક મુદ્દા એક તો પૂર્વગ્રહપીડિત આબોહવાની વચ્ચે બોલાયા હતા અને આને ‘વિચારગોષ્ઠિ’ ગણાવવામાં ઘણા બૌદ્ધિક મિત્રોએ મારી પાસે આઘાત વ્યક્ત કર્યો હતો. પસંદગીના (સિલેક્ટેડ) ભાગ લેનારાઓ જ આવા કાર્યક્રમોમાં બોલાવાય અને એકઠા થાય એટલે તેમાં ઉપસ્થિત રહેવાનું તો શક્ય નહોતું, પણ તેમના ભાષણોની જે નોંધ વાંચવા મળી તેના પરથી અહીં માત્ર તેમના વિચારો પ્રસ્તુત કર્યા છે. ઇંગ્લેન્ડવાસી ગુજરાતીને તેમાં રસ પડશે (અને કદાચ આશ્ચર્ય કે આઘાત પણ થાય) એટલે અહીં પ્રસ્તુત કર્યા છે. તેમના વિધાનોની ભીતરમાં જઈને કેટલીક ચર્ચા જરૂર થઈ શકે છે, પણ તેવું અત્યારે, આ લેખમાં શક્ય નથી.


comments powered by Disqus