ગુજરાતની સાથે કાયમના તાણાવાણાથી જોડાયેલા સી. બી. પટેલ વડા પ્રધાને લંડનમાં જ કહ્યું તેમ તેમના ‘મિત્ર’ સાબિત થયા તે જ રીતે લંડન-અમદાવાદની સીધી ફ્લાઇટ માટે બ્રિટિશ-ગુજરાતીઓના યે ‘હિતેચ્છુ મિત્ર’ પ્રમાણિત થયા છે. એક અખબાર પ્રકાશિત કરવું કે કોઈ વ્યવસાયમાં સિદ્ધિ હાંસલ કરવી એ મહત્ત્વનું છે, તેની સાથે જ જો સમાજ-જીવનના પ્રશ્નોના ઉકેલ માટે લગાતાર ‘ઝુંબેશ’ ચલાવવાનું વલણ પણ ઉમેરાય તો તે સોનામાં સુગંધ ભળવા જેવું ગણાય! મનોજ લાડવાએ વડા પ્રધાનની મુલાકાતને દબદબામાં ફેરવવા માટે અપાર મહેનત કરી તેનું યે ગુજરાત-ગુજરાતી નાગરિકોમાં સ્વાગત થયું છે.
તેની સાથે જ જસ્ટિસ મિનિસ્ટર અને સાંસદ શૈલેષ વારાએ ગુજરાતના ઐતિહાસિક રાષ્ટ્રીય આંદોલન સાથે જોડાયેલા મહાન ક્રાંતિકાર પંડિત શ્યામજી કૃષ્ણવર્માનું અનોખી રીતે સ્મરણ કરાવ્યું તે પણ ગુજરાત - અને સમગ્ર કચ્છમાં - પ્રતિસાદ પામ્યું છે.
શૈલેષ વારા થોડાક મહિના પર અમદાવાદ આવ્યા ત્યારે વિશ્વ ગુજરાતી સમાજ અને બ્રિટિશ હાઇકમિશન તરફથી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમને મેં લખેલું શ્યામજીનું ગુજરાતી જીવનચરિત્ર ભેટ આપ્યું હતું. ‘મારી મોમ જરૂર વાંચશે’ એમ તેમણે કહ્યું ત્યારે થોડી રમૂજ સાથે તેમના નિખાલસ અભિપ્રાયથી માન થયું.
થોડાક જ મહિનાઓમાં વડા પ્રધાનની મુલાકાત દરમિયાન તેમણે એક મોટું ઐતિહાસિક કામ કર્યું - તે ૧૯૦૯માં પંડિત શ્યામજી કૃષ્ણવર્માની વકીલ તરીકેની ઇનર ટેમ્પલ સનદ બાર એસોસિએશને તેમના સ્વાતંત્ર્યજંગ માટે, પરત લઈ લીધી હતી, રદ કરી હતી. કારણ એટલું જ હતું કે શ્યામજી કૃષ્ણવર્માએ અંગ્રેજી અખબાર ‘ધ ટાઇમ્સ’ને એક પત્ર લખ્યો કે ભારતને સ્થાનિક સ્વરાજ (હોમરુલ) પ્રાપ્ત થવું જ જોઈએ. ઉપરાંત ‘ઇન્ડિયા હાઉસ’ની સ્થાપના કરી, ‘ઇન્ડિયન સોશ્યોલોજિસ્ટ’ અખબાર શરૂ કર્યું. દાદાભાઈ નવરોજી, હિંડમેન, ગાય-દ-અલ્ફ્રેડ, વીર સાવરકર, પી. ગોદરેજ, મેડમ કામા, લાલા હરદયાળ અને બીજા અનેકોને સાથે લઈને ભારતની સ્વતંત્રતાનો સંઘર્ષ આરંભ્યો, તે પણ લંડનભૂમિ પર!
વડા પ્રધાનની લંડન-મુલાકાતના થોડાક દિવસો પહેલાં આ ઘટનાઓનું સ્મરણ કરાવતો, વડા પ્રધાન પરનો ખુલ્લો પત્ર મારી કોલમમાં, ‘ગુજરાત સમાચાર’માં છપાયો હતો. પછી અચાનક ૧૨મીએ - વેમ્બલીની જાહેરસભા પહેલાં - પીએમઓમાં અંગત સચિવ જગદીશ ઠક્કરનો લંડનથી ફોન આવ્યો અને આ સમાચાર આપ્યા કે શ્યામજીની સનદ વડા પ્રધાન ડેવિડ કેમરન વડા પ્રધાન મોદીને ભેટરૂપે આપવાના છે!!
ગુજરાતના મહા-નાયકની સ્મૃતિને લંડનની ધરતી પર આ રીતે સુસ્થાપિત કરવામાં આવે તેની ખુશી કેમ ન હોય? કોને ના હોય?
આ સનદ-વાપસીની ઘટનાનું બયાન વડા પ્રધાનના વેમ્બલી-ભાષણમાં વિગતે થયું, બ્રિટિશ-ગુજરાતીઓને ય જાણ થઈ કે અહીં, લંડનના હાઇ ગેટ પરના ત્રણ મજલાની એક ઇમારત - નામે ‘ઇન્ડિયા હાઉસ’માં - કેવો અભૂતપૂર્વ સ્વાતંત્ર્ય સંઘર્ષનો અગ્નિ પેટાવાયો હતો અને તેમાં આપણા ગુજરાતી ક્રાંતિકાર શ્યામજી શિરમૌર હતા!
વડા પ્રધાન થયા તે પહેલાંથી - કહો કે મુખ્ય પ્રધાન થયાની યે પહેલાંથી - નરેન્દ્ર મોદીએ શ્યામજી-સ્મૃતિની ચિંતા સેવી હતી. તેમના અસ્થિ લાવવાનો મોકો મળ્યો ત્યારે તે મુખ્ય પ્રધાન હતા. એ જ દરમિયાન માંડવી-કચ્છમાં શ્યામજીના જન્મનગરમાં ભવ્ય સ્મારક ઊભું કરાયું, ત્યાં પણ ‘ઇન્ડિયા હાઉસ’ની આબેહૂબ પ્રતિકૃતિ જેવી ઇમારત રચવામાં આવી છે.
શૈલેષ વારાએ એક શાનદાર પ્રયાસ કર્યો અને ઓનરેબલ સોસાયટી ઓફ ઇનર ટેમ્પલનો સંપર્ક સાધ્યો. ૧૦૦ વર્ષ પહેલાં શ્યામજી જેવા તેજસ્વી બેરિસ્ટરની સનદ પાછી ખેંચી લેવી એ અન્યાય હતો. તે સમયના બ્રિટનના ઘણા સમાજવાદી નેતાઓએ ય આ પગલાંનો વિરોધ કર્યો હતો, પણ સનદ રદ થઈ જ. આ વર્ષે બ્રિટિશ વડા પ્રધાન ભારતીય વડા પ્રધાનને મળે ત્યારે આ સનદ-વાપસીનું અવિસ્મરણીય પગલું ભરી શકાય? શૈલેષ વારાએ તેને માટે પ્રયાસો કર્યા. બ્રિટિશ વડા પ્રધાન ડેવિડ કેમરને સંમતિ આપી અને નરેન્દ્ર મોદીને આ સનદ આપવાનો કાર્યક્રમ યોજાયો. ઇનર ટેમ્પલના ઉપ-ખજાનચી પેટ્રિક મેડ્ડમ્સ પણ ઉપસ્થિત રહ્યા. શૈલેષ વારાએ આનંદની અભિવ્યક્તિ કરી.
વડા પ્રધાન કેમરને સ્વાધીન ભારતને માટે આ એક સાંકેતિક પ્રદાન ગણાવ્યું. તેમની વાત સાચી હતી. વેમ્બલીની જાહેરસભામાં પણ નરેન્દ્ર મોદીએ આ ઘટનાની વિગતો પોતાનાં ભાષણમાં આપી, સો વર્ષે ફરી વાર લંડને પંડિત શ્યામજી કૃષ્ણવર્માના ક્રાંતિ-વ્યક્તિત્વનો પુનઃ અહેસાસ કર્યો. વડા પ્રધાને કહ્યું કે આ સનદને ક્રાંતિતીર્થમાં સ્થાપિત કરવામાં આવશે. અહીં ભારતના અને વિદેશોમાં સક્રીય અનેક ક્રાંતિકારોનાં જીવન અને કાર્યને પ્રસ્તુત કરાયું છે. દસથી પંદર લાખ લોકો આ સ્મારકની મુલાકાત લઈ ચૂક્યા છે. એટલે હવે આગામી મહિનામાં દેશભરના પોલીસ વડાઓ સહિતના સુરક્ષાકર્મી વડાઓની કચ્છના ઘોરડા ગામે મહત્ત્વની બેઠક થઈ રહી છે તે નિમિત્તે ક્રાંતિતીર્થને આ ઐતિહાસિક દસ્તાવેજ મળી જાય તેવા સંયોગો છે.
દરમિયાન ગુજરાતની છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાન થઈ ગયું. આ વખતે તેમાં પાટીદાર અનામત - આંદોલનનો નવો ઉમેરો થયો બાકીના મુદ્દા એના એ! નર્મદાનું પાણી, મોંઘવારી, રસ્તા, આરોગ્ય, શિક્ષણ અને વહીવટ! મોટા ભાગે પ્રદેશ અને સ્થાનિક પક્ષ - નેતા-કાર્યકર્તાઓએ જ પ્રચારકાર્ય ચાલુ રાખ્યું. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીનો આ પહેલો તબક્કો હતો. બીજો રવિવાર ૨૯ નવેમ્બરે થયો તે જિલ્લા પંચાયતો - તાલુકા પંચાયતનો. બીજી ડિસેમ્બરે તેના પરિણામો આવશે.
અત્યારે ભાજપનો હાથ બધી જગ્યાએ ઉપર છે, બહુમતી વધારે છે. કોંગ્રેસને એવી આશા છે કે વર્તમાન સંજોગોને લીધે તે સત્તામાં ભાગ પડાવી શકશે. કોંગ્રેસ એમ પણ માને છે કે છ કોર્પોરેશનોમાંથી અમે ત્રણ મેળવીશું. ભાજપ તમામ કોર્પોરેશનો માટે આશાવાદી છે અને તેની પાસે કાર્યકર્તાઓની ફોજ તેમ જ માળખું પણ છે. મુખ્ય પ્રધાન આનંદીબહેને રાજ્યભરમાં ઝંઝાવાતી પ્રવાસ કર્યો, સભાઓને સંબોધી, કોંગ્રેસ - પાટીદાર સંગઠનોના કાર્યકર્તા - નેતાઓનો પ્રવેશ વધાવ્યો. ક્યાંક કોંગ્રેસે પણ તેવું કર્યું. એકથી બીજે ચાલ્યા જવાની રીત ગુજરાતી રાજકારણમાં કંઈ નવી નથી.
ગુજરાત-ગૌરવ કલાકાર તૃપ્તિ દવેના ‘કોસ્મિક કલર્સ’
અમદાવાદની એક રળિયામણી અને કલાપ્રવૃત્તિથી સભર જગ્યા યુનિવર્સિટીની સામે આવેલી છે. વિશાળ પરિસરમાં ચિત્રપ્રદર્શની, નાટ્યપ્રવૃત્તિ, ફિલ્મ નિર્માણ, વાર્તાલાપની પ્રવૃત્તિ સતત ચાલતી રહે છે. કેટલાંક કાયમી પ્રદર્શનો પણ અહીં જોવા મળે. કલાત્મક બાંધકામ અને હરિયાળી તેની વિશેષતા છે. ‘ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલ’ જેવા કાર્યક્રમો અહીંની વિશેષતા છે. હઠીસિંહ આર્ટ ગેલેરી કલાકારો માટે લોકપ્રિય છે એ જ રીતે ‘અમદાવાદની ગુફા’ પણ છે. ચિત્રકાર એમ. એફ. હુસૈનને લીધે તેની ચર્ચા અને વિવાદ પણ થયા હતા. પણ, આજે તો તે નિરંતર કલાત્મક વાતાવરણ સર્જે છે. અનેક નવા-જૂના ચિત્રકારોની કૃતિઓ, કાફેટેરિયા અને પુસ્તકકેન્દ્રથી તેનો મિજાજ અલગ બની રહ્યો છે. હમણાં ત્યાં એક સુંદર ચિત્રપ્રદર્શન નિહાળવાની તક મળી.
તૃપ્તિ દવે ગુજરાત અને ગુજરાતની બહાર પોતાની કલાકૃતિઓથી સુપરિચિત છે. લંડનમાં પણ તેમનાં પેઇન્ટિંગ્સ કલા-સમીક્ષકોની નજરમાં વસી ગયાં હતાં. ભાવનગરમાં જન્મ થયો, ખોડીદાસ પરમાર અને સોમલાલ શાહ પાસેથી કલાદીક્ષા મળી. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું અને હવે અમદાવાદમાં પોતાનો ‘સ્ટુડિયો - આર્ટ એન્ડ સાઉલ’ છે. પોતે સફળ આર્કિટેક્ટ છે, અને ઇન્ટિરિયર ડિઝાઇનમાં નિષ્ણાત છે.
તૃપ્તિ દવેને ગુજરાત કલા અકાદમીનો ‘ગૌરવ એવોર્ડ’ ન મળ્યો હોત તો જરૂર આશ્ચર્ય થાય. ‘અમદાવાદ ગુફા’માં ૧૭ નવેમ્બરથી ૨૨ સુધી તેમનું ચિત્રપ્રદર્શન કલાકારો, કલાપ્રેમીઓ અને કલાસમીક્ષકોમાં સરસ પ્રતિભાવ મેળવી ગયું. મીડિયાએ પણ તેની વિગતે નોંધ લીધી.
તેમના ચિત્રોનો પોતાનો અંદાજ છે રંગ અને આકૃતિનું સંયોજન તો છે જ, તેની પ્રસ્તુતિ જીવનના સૌંદર્યની ઊંડી અનુભૂતિ કરાવે છે. ઘેરા અને વધુ ઘેરા રંગોના વિનિયોગથી તે ઝળહળતા સૂર્યના અને રાત્રિના અંધારને સહજ રીતે આલેખે છે, તેની ભીતરમાં રહેલાં ‘કોસ્મિક’ અને ‘યુનિવર્સલ’ વિશ્વને આપણી સમક્ષ ખૂલ્લું મુકી દે છે.
તૃપ્તિની કલામાં સત્યમ્-શિવમ્-સુંદરમની સાધના છે. તેને તમે આધ્યાત્મિક જેવો ભારેખમ શબ્દ ન પ્રયોજો તો પણ ભીતરની દુનિયાની યાત્રા કરાવે છે. શિવભક્તિ, ઝેન અને સૂફીવાદ તેમની સર્જકતાને અલગ આયામ આપે છે. સર્વોચ્ચ સત્તાના સંધાનથી વિધેયાત્મક ઉર્જા કેવી સહજતાથી તમારી આંગળી પકડી લે તે અનુભવના માટે તૃપ્તિ દવેનાં એકાદ ચિત્ર સમક્ષ ઊભા રહેવું પડે!
તેમણે પોતાની કલાસાધનાની પ્રક્રિયા વિશે કહ્યું, ‘હું આ અનંત ક્ષણોને ભીતરમાં ઘૂંટું છું, તેને જીવું છું તે પછી વ્યક્ત કરું છું...’
ગુજરાત-ગૌરવ મહિલા કલાકારને તેમની કલાયાત્રા માટે ધન્યવાદ અને શુભેચ્છાઓ!