ક્યાં મદ્રાસ, ક્યાં પુના અને ક્યાં વડોદરા? એક જ જિંદગીના જયારે અવનવા પડાવ આવે છે ત્યારે તેને માટે સ્થળ, કાળ કે સ્થિતિનો કોઈ અંતરાલ રહેતો નથી. જ્યાં તે પહોંચે છે, ત્યાં તે એક નવી દાસ્તાન રચે છે અને ત્યાંથી નીકળી જાય છે, નવાં કલેવર ધરો હંસલા...
૮૩ વર્ષનાં સૌદામિની પૂણેમાં વસે છે, શાસ્ત્રીય સંગીત અને નૃત્ય તેમનો માર્ગ છે. શુદ્ધ ગુજરાતી બોલે છે. ને કેમ ના બોલે? વડોદરાવાસી તેમની ગુજરાતી માતા સરલા દેવીએ એક ધૂની દેશભક્ત તમિળ ક્રાંતિકારીની સાથે લગ્ન કર્યા તેને સાવરકર અને સરદાર ભગત સિંહના આશીર્વાદ મળ્યા હતા...
એક ક્રાંતિકારીની આ પ્રેમકથા વડોદરામાં રચાઈ હતી ૧૯૨૮માં. મદ્રાસ નજીક ૧૯૦૨માં જન્મેલા અન્નાપ્રગડા કામેશ્વર રાવનો સ્વભાવ જ ઉત્પાત અને અજંપનો. તરુણ વયે દેશભક્તિનો રંગ લાગ્યો અને કેવા સાહસિક કર્મોમાં તેની યુવાની વીતી એ પણ આશ્ચર્ય જન્માવે તેવી કહાણી છે. પહેલા બ્રિટિશ સેનામાં જોડાયા. સૈનિકી તાલીમ લીધી, અને ૧૮૫૭ની જેમ લશ્કરમાં વિપ્લવ જગાવવા પ્રયાસ કર્યો. ગુપ્ત મંડળી રચી, પહેલાં તો ફાંસીની સજા થઇ પછી તેમાં ફેરફાર કરાયો. ત્રણ વર્ષ સૈનિકી જેલમાં રહ્યા. કરાચીમાં ૧૯૨૧માં તેમને સૈન્યમાંથી છુટા કરાયા.
એ દિવસો અસહકાર આંદોલનના હતા. ગુન્ટુરમાં એક વર્ષનો કારાવાસ થયો તો જેલમાં પંડિત જગતરામ અને પૃથ્વીસિંહ આઝાદ જેવા ગદર ક્રાંતિકારોની મુલાકાત થઇ. રાવને લાગ્યું કે બ્રિટિશ સમ્રજ્યવાદને પડકારવા માટે સશસ્ત્ર ક્રાંતિ વિના કોઈ ઉપાય નથી. અમદાવાદમાં ૧૯૨૪ રાષ્ટ્રીય મહાસભાનું અધિવેશન યોજાયું ત્યારે સ્વરાજ પક્ષના ચિત્તરંજન દાસ અને લાલા લાજપતરાયની ગર્જના સાંભળી. દરમિયાન વી. વી. એસ. ઐયર મળ્યા. છેક લંડનમાં ઇન્ડિયા હાઉસમાં સાવરકર અને શ્યામજી સાથે રહીને ક્રાંતિની દીક્ષા સાથે ભારતમાં પાછા વળ્યા હતા. તેમની નેમ દક્ષિણ ભારતમાં વિસ્ફોટ કરવાની હતી. યુવા રાવ તેમની સાથે જોડાયા.
ક્રાંતિનો માર્ગ શક્તિના સંકલ્પ સાથે અનિવાર્યપણે જોડાયેલો હોય જ. આથી નક્કી થયું કે શક્તિ કેન્દ્રો મજબૂત બનાવવા. રાવ સીધા પહોંચ્યા વડોદરા. માણેકરાવનો અખાડો ખાલી કુશ્તીનું મેદાન નહોતું. ક્રાંતિના પાઠ ભણાવતી પ્રવૃત્તિયે હતી. અરવિંદ ઘોષથી શરૂ કરીને પુરાણીબંધુઓ સુધીના વડોદરાને ક્રાંતિ કેન્દ્ર બનાવવા પ્રયાસ કરી રહ્યા હતા એટલે રાવે અહીં અઠ્ઠે દ્વારિકા કર્યું. ત્યાંથી તેમને કાનપુર મોકલાયા. મળ્યા બટુકેશ્વર દત્તને. સરદાર ભગતસિંહના સાથી, ક્રાંતિ ચિંતનના સુત્રધાર. પછી મિલન થયું ભગતસિંહનું. રાજગુરુ મળ્યા. દેશભરમાં ક્રાંતિ પ્રવૃત્તિ માટે સક્રિય થયા.
ગણેશ સાવરકરને લાગ્યું કે આ દક્ષિણી રાવ શારીરિક શિક્ષણમાં વધુ ઉપયોગી થાય તેમ છે. એટલે મુંબઈ મોકલ્યા ત્યાં શક્તિ કેન્દ્ર ખોલ્યું. સત્યાગ્રહ પણ તેમના એજન્ડામાં હતો જ. છેક બારીસાલ જઈને એક બીજા ક્રાંતિકાર સચિન દા સાથે સત્યાગ્રહમાં ભાગ લીધો અને કારાવાસી બન્યા.
આ યાત્રા અવિરત રહી. ૧૯૨૭માં વડોદરા આવીને તેણે હરિજનોને શારીરિક તાલીમ આપવાનું શરૂ કર્યું. મૂળ હેતુ તો એક યા બીજી રીતે સંઘર્ષ ચાલુ રાખવો એ જ હતો. અહીં તેમને સરલા દેવીનો પરિચય થયો. ‘મારી જિંદગી તો સીધી સપાટ અને સરળ નથી... તને ફાવશે?’ આ સવાલનો જવાબ એટલે જીવનપર્યંતનું દામ્પત્ય. ૧૯૨૯માં તેમના લગ્નને વીર સાવરકરના આશીર્વાદ પ્રાપ્ત થયા. વિવાહોત્સવમાં તેઓ હાજર રહ્યા હતા.
આ ભગત સિંહ અને સાથીદારો વડોદરામાં ભૂગર્ભવાસી બનીને રોકાયા હતા. એ પ્રકરણ રસપ્રદ છે. આર્ય સમાજના આનંદપ્રિય અને બીજા ઘણાએ તેમને છુપાવ્યા હતા. રાવ પણ તેમાંના એક હતા. લગ્ન પછીનો આ પ્રથમ પ્રસંગ, રાવ ગુજરાતી પત્ની સાથે ગુપ્તચરોની આંખમાં ધૂળ નાખીને નીકળી ગયા અને આંધ્ર પ્રદેશના જંગલોમાં છુપા વેશે રહ્યા...
કેન્યા, યુગાન્ડા, રશિયા, ટાંગાનિકા, ફ્રાંસ, જર્મનીમાં ગદર પ્રવૃત્તિ અને ભારતમાં હિન્દ છોડો ચળવળ... આમ અણથક જિંદગીના અંતે પૂણે રહ્યા. ૧૯૮૭માં તેમનું ત્યાં અવસાન થયું. અખિલ ભારતીય ક્રાંતિકારી સંગઠનાના તેઓ અધ્યક્ષ હતા.
એક ગુજરાતી શિક્ષિકા મંદાકિની કે નારાયણ નામે નક્સલી નેતાને પરણેલી તેની પુત્રી અજીતા કુન્નીક્ક્લ કેરળમાં નક્સલવાદની અગ્નિકન્યા બની હતી. ઉત્તર જીવનમાં તેણે નક્સલ નેતૃત્વની નબળાઈ વિશે આત્મકથા લખી હતી. વડોદરાના સરલા દેવી એક બીજા દક્ષિણી ક્રાન્તિકારના પ્રેમમાં પડ્યા. આજે ૮૩ વર્ષીય સૌદામિની આઝાદ ભારતની કન્યાઓને શાસ્ત્રીય કળા શીખવાડી રહ્યા છે... આપણે તેમને ગુજરાત તરફથી શુભેચ્છાઓ પાઠવીયે!
આ ઘટનાઓ દર્શાવે છે કે રાષ્ટ્રીયતાનો આત્મ-ભાવ એવો મજબુત સેતુ હતો કે તે દિવસોમાં કોઈને કોઈ અલગ કે પરાયું લાગતું નહોતું. વિભાજનની વિષાક્ત હવા સ્પર્શતી નહોતી. કોઈ પોતાને દલિત, પાટીદાર, કુર્મી, યાદવ, મરાઠી, બંગાળી, શીખ, જૈન, હિંદુ એવા વિભાજનની ઓળખ આપતું નહોતું. રામપ્રસાદ અને અશફાકુલ્લા ખાન સાથે ફાંસીએ ચડતા. આઝાદ હિન્દ ફૌજમાં બધા ખભેખભા મિલાવીને બ્રિટિશ સત્તાની સામે લડતા. આ ઈતિહાસને યોગ્ય રીતે સ્વતંત્રતા આવતા જ શીખવાડવામાં આવ્યો હોત તો આજની ખતરનાક માનસિકતા પેદા ના થઇ હોત. ભારતીય નેતૃત્વની આ જ સહુથી મોટી નિષ્ફળતા છે. એમ કહીશું?
ગુલામીમાંથી મુક્ત થયેલા બીજા ઘણા દેશો છે, ઇઝરાયલ તો તદ્દન નવો દેશ ઉમેરાયો. જાપાન અને જર્મની બીજા વિશ્વ યુદ્ધમાં તદ્દન તબાહ થઈને નવસર્જન કર્યું. આ ઉદાહરણો દર્શાવે છે કે સમસ્યાઓ તો બધે હોવાની, તરેહવાર હોવાની. શિક્ષણ, આરોગ્ય, અસમાનતા, આર્થિક અભાવ - પ્રભાવ, આ બધું ક્યાં નથી? પણ તેમાંથી માર્ગ કાઢવાના માત્ર બે જ રસ્તા છે. બન્ને વૈચારિક વધારે છે, પણ તેની સાથે અમલીકરણ જોડાયેલું છે. વિચાર ખરો, પણ આચાર સાથેનો. તેને માટે ‘રાજકીય ઈચ્છાશક્તિ’ અને ‘રાષ્ટ્રીય ઇચ્છાશક્તિ’ બન્ને જોઈએ. તમે આતંકવાદીઓના ગુણદર્શનમાં સમસ્યાનો ઉકેલ પ્રાપ્ત ના કરી શકો. કોઈના કઠપુતલા બનીને રહેવું એ મોટો નાગરિક ગુનો છે, માનવાધિકારનું પુણ્યકાર્ય નથી.
બીજા દેશોએ પોતાની રાજકીય-સાંસ્કૃતિક સ્થિતિમાં વિકાસ કર્યો હોય તો તેનો અર્થ એ છે કે તેણે નવી પેઢીને રાષ્ટ્રીયતા સાથે જોડી દીધી છે. તેમ કરવા માટે શિક્ષણ અને ઈતિહાસ બન્ને મોટા સાધનો છે. કમનસીબે અનેક રીતે તે વાત ભૂલી જવાતા મોટા ગજાના સ્વાતંત્ર્ય સંઘર્ષો અને વ્યક્તિઓ આપણી સ્મૃતિમાં નથી કે ના તેને અભ્યાસક્રમોમાં યોગ્ય સ્થાન અપાયું છે. આવું ના થાય ત્યાં કનૈયાઓ અને તેને આદર્શ માનનારા ઉભા થતા રહે. આ તંદુરસ્ત સ્વતંત્રતા અને લોકતંત્રની નિશાની નથી. દરેક સમસ્યાઓના નિદાન સાથે આ વ્યાપક વિચાર તરફ વળવું પડશે.